વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્મિત

‘સ્મિત’

બપોરના લગભગ ૨ વાગ્યા હતા. શીયાળાનો હુંફાળો તડકો વિશાળ વૃક્ષના પાંદડાઓમાંથી ચળાઈને બાંકડા ઉપર પડી રહ્યો હતો. સુકાયેલા પર્ણ ચારેકોર વિખરાયેલા પડ્યા હતા. વાતાવરણમાં એક અજબ પ્રકારની શાંતિ હતી ! અકળાવી નાખે એવી શાંતિ. હું બાંકડા પર બેસી ગઈ. મારો થેલો મેં એક બાજુ મુક્યો અને એક ઊંડો શ્વાસ લીધો. આખાયે બગીચામાં હું એકલી જ હતી. થોડીક ખિસકોલીઓ અને અમુક પક્ષીઓની હાજરી સિવાય. મેં મારા વાળ સરખા કર્યા.

મારી આંખોમાં પાણી આવી ગયા. ‘સ્મિત’ – હા એ જ નામ મારા મનમાં ઘૂંટાતું રહ્યું. નામ સ્મિત હતું પરંતુ મારી આંખોમાં પાણી લાવી રહ્યું હતું. મેં મારા દુપટ્ટાના પાલવથી આંખો લુછી પરંતુ હૃદય રડી રહ્યું હતું. એને કેમ લૂછવું ? એને કેમ શાંત કરવું ? સ્મિત ઓ સ્મિત, તું ક્યાં વિલાય ગયું છે ? તું ક્યાં જતો રહ્યો છે સ્મિત ? અચાનક એક પર્ણ ઉડીને મારા માથા ઉપર પડ્યું. મેં હળવેકથી એને હાથમાં લીધું. ‘સ્મિત...ઓ સ્મિત...’ તું પણ આવી જ રીતે એક દિવસ મને અચાનક મળ્યો હતો, અરે મળ્યો શું હતો ? મારા માથે જ પડ્યો હતો ! મેં આંખો મીંચી દીધી. એક અશ્રુ મારી આંખોમાંથી ટપકીને એ પર્ણ ઉપર પડ્યું અને જાણે કે એ પર્ણ ખીલી ઉઠ્યું, નવપલ્લિત થઇ ઉઠ્યું. મારી સામે ‘સ્મિત’ કરી રહ્યું.

*

મને હજુ યાદ છે એ વરસાદી સાંજ. હું બસમાંથી ઉતરીને મારા ઘર તરફ જઈ રહી હતી અને અચાનક વરસાદ વરસી પડ્યો. મેં ચારેકોર નજર ફેરવી અને પછી હું સામે આવેલા બગીચામાં એક વિશાળ વૃક્ષ નીચે જઈ ઉભી રહી. વરસાદે જોર પકડ્યું અને વાદળો જોરજોરથી ગર્જવા લાગ્યા. મને બીક લાગી. વરસાદમાં વૃક્ષ નીચે ના ઉભા રહેવું જોઈએ એવી શિખામણ યાદ આવી. શું કરું એની અવઢવ થઇ ગઈ. અચાનક મારી ઉપર પડતું પાણી બંધ થઇ ગયું. મેં ચમકીને ઉપર જોયું તો કોઈ છત્રી મારા ઉપર રાખીને ઉભું હતું. મને માત્ર છત્રી અને એનો હાથ દેખાતો હતો. હું ચમકી ઉઠી અને છત્રીની બહાર આવી ગઈ. અને વરસતા વરસાદમાં મેં એ મોહક ‘સ્મિત’ પહેલી વાર જોયું.

એક નવયુવાન હાથમાં છત્રી લઈને ઉભો હતો. એ આખો પલળી ગયો હતો. એના મુખ ઉપર એક અનેરું ‘સ્મિત’ હતું અને આંખોમાં ચમક. એ હસી પડ્યો “અરે અરે મેડમ, ગભરાશો નહિ. હું તો હવે આખો પલળી જ ગયો છું. તમને જોયા એટલે કીધું કે આ છત્રીને કામે લગાડું. આવી જાવ અંદર” એક મીઠો મધુર અવાજ કાને પડ્યો. મેં એક ક્ષણ આંખો મીંચી દીધી.

“અરે મેડમ, આવી જાવ છત્રી નીચે નહીતો મારી જેમ પલળી જશો. એક કામ કરો, લો આ છત્રી જ લઇ લો.” એણે ઝડપથી મારા હાથોમાં છત્રી પકડાવી. હું કઈ કહું કે કરું એ પહેલાતો એ મહાશય બિન્દાસ વરસાદમાં ચાલતા ચાલતા ત્યાંથી નીકળી ગયા.

વરસતા વરસાદમાં જતી એ આકૃતિને હું જોઈજ રહી. કૈંક ના સમજાય એવા સ્પંદનો જાગી રહ્યા હતા મારી અંદર.

*

આખો દિવસ ઉચાટમાં ગયો. ઓફિસમાં મન ના લાગ્યું. જાણે કે હું ક્યાંક જતી રહી છું, અરે ક્યાંક ક્યાં ? એ જ બાગમાં, એ જ વૃક્ષ નીચે, વરસતા વરસાદમાં હું પલળતી ઉભી છું અને અચાનક દૂરથી એક નવયુવાન મોહક ‘સ્મિત’ કરતો મારી તરફ આવે છે અને મારો હાથ પકડીને મને એની છત્રી આપી દે છે. હું કઈ બોલું એ પહેલાતો એ સીટી વગાડતો વગાડતો બેફિકરો થઈને ત્યાંથી જતો રહે છે. હું બસ ઉભી જ રહું છું અને એને તાકતી રહું છું. બધું જ સ્થિર થઇ જાય છે. બસ આ દ્રશ્ય મારા મનમાં કબજો જમાવીને બેસી ગયું છે. મારું હૃદય ખળભળી ઉઠે છે ! અરે અરે, આ શું ? શું થઇ રહ્યું છે મને ?

મેં કમ્પ્યુટર શટ ડાઉન કરી દીધું. બહાર નજર કરીતો વાદળો છવાઈ ગયા હતા. ગમે ત્યારે વરસાદ પડે એમ હતું. મેં એક હાથમાં પર્સ લીધું અને બીજા હાથમાં છત્રી લીધી.

*

બસમાંથી ઉતરી ત્યારે વરસાદે પાછું જોર પકડ્યું હતું. મેં છત્રી ખોલી અને બગીચા તરફ પ્રયાણ કર્યું. એ આશા એ કે કદાચ એ મોહક ‘સ્મિત’ પાછું જોવા મળે. હું વૃક્ષ નીચે ઉભી રહી. વરસાદ ધીમે ધીમે વધી રહ્યો હતો. મેં આંખો મીંચી દીધી.

“ઓ મેડમ, આજે પણ પલળવું છે પાછુ ? છત્રી હાથમાં છે તો એને ખોલો ને.” એક અવાજ મારા કાનોમાં પડ્યો અને મેં આંખો ખોલી દીધી. એ જ મનમોહક ‘સ્મિત’ મારી સામે હતો. એ ધીમું હસી રહ્યો હતો. મેં છત્રી એના તરફ લંબાવી તો એણે માથું ધુણાવ્યું અને ફરીથી સીટી વગાડતો વગાડતો ત્યાંથી નીકળી પડ્યો. હું જોઈ જ રહી એને. એના મોહક ‘સ્મિત’ ને !

*

“આજે તો એને પકડી જ પડવો છે. એની છત્રી પાછી આપી દેવી છે.” મેં ઓફિસમાં લંચ લેતા લેતા નક્કી કર્યું. કોને ખબર એના શું ઈરાદા હોય ? પણ એણે તો ક્યારેય મારી સાથે બીજી કોઈ વાત કરવાનો પ્રયત્ન પણ નથી કર્યો. છોકરો તો સારો લાગે છે. કેટલું મોહક ‘સ્મિત’ હોય છે એના મોઢા પર ! બીજી કોઈ આડાઅવળી વાત પણ નથી કરી. ના, ના, છોકરો તો સારો લાગે છે. મારા મોઢા ઉપર એક ‘સ્મિત’ આવી ગયું. “આજે તો એની છત્રી પાછી જ આપી દેવી છે. આજે એનું નામ પણ પૂછી લેવું છે. કોણ છે, ક્યાં રહે છે ? અહી બગીચામાં શું કરતો હોય છે ? પણ પછી એ મારું નામ પૂછશે, ઓળખાણ આગળ વધશે, મારા ફેમીલી વિષે પૂછશે, પછી કદાચ અમે...” છ્ટ, હું પણ કેવા કેવા વિચારો કરું છું ? હું મનોમન હસી પડી. ક્યારે ઓફીસ પતે અને હું જલ્દી જલ્દી એ બગીચામાં જઈ એને મળું એના વિચારોમાં હું ખોવાઈ ગઈ.

*

લગભગ કલાક જેવું હું ઉભી રહી પણ એ ના આવ્યો. મારું મન વ્યાકુળ થઇ ઉઠ્યું. “આજે તો વરસાદ પણ ના આવ્યો. બધા જ કેટલા ક્રૂર છે ! મારાથી તો એ ‘સ્મિત’ અને વરસાદ બંને આજે રીસાયા લાગે છે. કે પછી મારી પરીક્ષા કરે છે ? મેં આંખો બંધ કરી અને વૃક્ષની નીચે આવેલા બાંકડા ઉપર બેસી ગઈ. જોવું ક્યાં સુધી મારી પરીક્ષા થાય છે ? જોવું કોણ પહેલો આવે છે ? એ ‘સ્મિત’ કે પછી આ વરસાદ ? કે પછી વરસાદ માં ‘સ્મિત’ ?” અને મારા મુખ ઉપર પણ એક ‘સ્મિત’ આવી ગયું !

*

આખું ચોમાસું વીતી ગયું. એ ના આવ્યો તે ના જ આવ્યો ! બસ એની છત્રી અને એનું મધુર મોહક ‘સ્મિત’ મારી સાથે રહી ગયું. હું રોજ એ જ જગ્યાએ જતી અને એની રાહ જોતી. ક્યારેક તો વરસતા વરસાદમાં જાણીજોઈને છત્રી ના ખોલતી અને પલળતી બેસી રહેતી. કદાચ મને પલળતી જોઇને એ પાછો આવે અને કહે “ઓ મેડમ, કેમ પલળો છો ? છત્રી ખોલી દો.”

પણ એ ના જ આવ્યો. મેં પણ છત્રી ના જ ખોલી. બસ આમ જ રોજ સાંજે હું ત્યાં જતી અને એ જ જગ્યાએ બાંકડે હું બેસી રહેતી. એ જ આશાએ કે ક્યારેક એ ‘સ્મિત’...

*

આજે રવિવાર હતો. વરસાદની મોસમ લગભગ પૂરી થવા આવી હતી. સવારના આઠ વાગ્યા હતા. હું નાહીને મારા બાથરૂમના અરીસા સામે ઉભી રહી. મારા માથા ઉપર મેં હાથ ફેરવ્યો. થોડાક વાળ પાછા ઉગ્યા હતા ! મારી આંખોમાં પાણી આવી ગયા ! કેન્સર કેટકેટલી વસ્તુઓનો ભોગ લઇ લે છે ! તમારી અંદરના જીવિત કોષોને તો મારી જ નાખે છે, પરંતુ તમારા બાહ્ય સૌન્દર્ય ને પણ...

મેં રેઝરથી માથા ઉપર થોડાઘણા વધેલા વાળ દુર કર્યા અને બહાર આવીને ડ્રેસિંગ ટેબલ પર પડેલી વિગ ઉઠાવી અને માથા ઉપર સેટ કરી દીધી ! મારી આંખોમાં ફરીથી આંસુ આવી ગયા.

ખબર નહિ કેમ પણ આપોઆપ મારા પગ એ બગીચા તરફ ચાલવા લાગ્યા. હું એ જ બાંકડે – એજ વૃક્ષ નીચે આવીને બેસી ગઈ. હાથમાં છત્રી તો ખરી જ ! આજે તો મને આશા હતી જ કે એ આવશે અને મને મળશે જ !

બે કલાક જેવું થઇ ગયું. મને ગુસ્સો પણ આવ્યો અને મનોમન રડવું પણ ! આખરે તો કોણ હતો એ ? મારે એની સાથે શું લેવાદેવા ? બસ એક-બે વાર મળ્યો, અને ગાયબ થઇ ગયો. જો એને પણ મારી માટે કૈંક હોત તો... પણ એને મારી માટે શું કરવા હોય ? બસ વરસતા વરસાદમાં એક વાર એણે મને છત્રી આપીને મારી મદદ કરી. એના બદલામાં હું કેમ આટલી બધી આશાઓ રાખીને બેઠી છું ? મારું મન કેમ એના માટે આટલું ચંચળ થયું છે ?

મેં બેઠા બેઠા ફરીથી છત્રી ખોલી અને અચાનક મારી નજર અંદર મોટા અક્ષરે છપાયેલા શબ્દો પર પડી.

“ રૂમ ૧૩૫, તાતા કેન્સર હોસ્પિટલ, અલકાવાડી”

અને હું ચોંકી ઉઠી ! અલકાવાડી તો આ જ હતી અને તાતા હોસ્પિટલ તો બગીચાની સામે જ ! જ્યાં હું એક સમયે...

હું સફાળી ઉભી થઇ ગઈ અને તરત જ હોસ્પિટલ તરફ દોડી.

*

“હા આ અમારી જ હોસ્પિટલની છત્રી છે. તમારી પાસે ક્યાંથી આવી ?” કાઉંટર પર બેઠેલી યુવતીએ છત્રી ખોલીને જોયું અને કહ્યું.

“તમે...તમે... કહી શકો કે આ કોની છત્રી છે ? આઈ મીન આ કોણ વાપરતું હતું કે કયા બેડ કે રૂમ માં હતી ?” મેં શ્વાસ રોકીને કહ્યું.

યુવતીએ એના કમ્પ્યુટરમાં કૈંક નંબરો નાખ્યા અને પછી કહ્યું “હા, આ જુવો અમે દરેક વીઆઈપી રૂમમાં અલોટ થતી વસ્તુઓ ઉપર નબર લખીએ છીએ. આ રૂમ નંબર ૧૩૫ની પ્રોપર્ટી છે. આ ગાયબ થઇ ગઈ એટલે અમે બીજી છત્રી ત્યાં મૂકી દીધી છે.”

મારું મગજ ચક્કર ચક્કર ફરવા લાગ્યું. આ તો એજ રૂમ હતો કે જ્યાં હું એક વખતે...

મેં માંડ માંડ આંસુ રોકી રાખ્યા અને પાછું પૂછ્યું “અત્યારે કોઈ છે એ રૂમ માં ?”

યુવતીએ પાછું મારી સામે કંટાળાથી જોયું અને કમ્પ્યુટરમાં અમુક આંકડો નાખ્યા.

“જી, ના, છેલ્લે ‘સ્મિત પારેખ’ આ રૂમમાં હતા, એમની ટ્રીટમેન્ટ ત્યાં ચાલતી હતી. અને પછી...એ...” યુવતી પણ હવે ગંભીર થઇ ગઈ. આ વાત ને લગભગ ૩ મહિના થઇ ગયા. લગભગ ગયા ચોમાસામાં જ એ...તમે એમના...”

હું મુઠ્ઠી વાળી ઝડપથી દોડવા લાગી, મારા ઘર તરફ. “આ તો એજ રૂમ હતો જ્યાં મારી પણ ટ્રીટમેન્ટ થઇ હતી. અને જો એ ગયા ચોમાસામાં જ...તો પછી આ છત્રી...?!”

*

રાત્રે લગભગ ૧૨ વાગ્યા હતા. શીયાળામાં પણ વાદળો ધેરાયા હતા અને માવઠું આવ્યું હતું. હું ઉભી થઇ અને લગભગ એ બગીચા તરફ દોડી. વીજળીના ચમકારામાં મેં જોયું કે વરસતા વરસાદમાં એક આકૃતિ બાંકડા ઉપર બેઠી હતી. એ જ મોહક ‘સ્મિત’. હાથમાં છત્રી. હું દોડીને એની પાસે ગઈ પરંતુ અચાનક વીજળી ચમકી ઉઠી અને એ આકૃતિ ગાયબ થઇ ગઈ. હું ત્યાજ બાંકડા પાસે ફસડાઈ પડી.

***

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ