વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સાંકળ( એક પસ્તાવો)

               ગુજરાતમાં શિયાળાનાં દિવસોનો પ્રારંભ થયો હતો.  ક્ષિતિજ પાસે આથમી ગયેલા સૂર્યના પીળા અને કેસરી રંગો આકાશના વાદળી રંગ સાથે મિશ્રિત થઈ સુંદર દૃશ્ય રચતા હતા. સમગ્ર વાતાવરણમાં આછો કેસરી રંગ ભેળવાઈ ગયો હતો.  આહ્લાદક અને કુમળા ઠંડા વાતાવરણમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર ગાડીઓ પુરઝડપે ભાગતી હતી. સુસવાટા મારતી હવા પણ દરેકને પોતાનો હળવો સ્પર્શ આપી પોતાની ગતિએ આગળ વધતી હતી. આવા આહ્લાદક  વાતાવરણમાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પાસેનાં વળાંક ઉપર લોકોની ભીડ ઉમટી હતી. ત્યાં ભેગા થયેલા દરેક વ્યક્તિની નજર આડા પડી ગયેલા ટ્રક ઉપર અધીરાઈથી ચોંટી હતી. આડા પડેલા ટ્રક માંથી ટ્રક ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યા પછી ત્યાં ઉભેલ દરેક વ્યક્તિએ હાશકારો અનુભવ્યો. અને ધીમે-ધીમે ઉમટેલ લોકોની ભીડ પણ  વિખરાવવા લાગી.  ઇન્સ્પેકટર મિહિર થોડા કોન્સ્ટેબલ સાથે સમયસર ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી એટલે પ્રાથમિક કાર્યવાહી પટાવી ઇન્સ્પેકટર મિહિર બાકીની કાર્યવાહી કોન્સ્ટેબલને સોંપી પોલીસથાણે પરત જવા રવાના થયો.
  
     હાઇવે ઉપર પુરઝડપે ચાલતી ઇ. મિહિરની બાઇક એકાએક એક ગાડી પાસે આવી ઊભી રહીં ગઈ. સામેથી જોતા જ દેખાતું હતું કે ગાડીની અંદર કોઈજ નથી. ઘટના સ્થળે જતી વખતે પણ ઇ. મિહિરની નજર આ ગાડી ઉપર પડી હતી. લગભગ બે કલાક પછી પરત આવતી વખતે પણ એ ગાડીને ત્યાં જ ઉભેલી જોઈ ઇ. મિહિર અચંબામાં મુકાયો. એને પોતાની બાઇક સાઈડ ઉપર ઊભી કરી ગાડીની નજીક જઈ ગાડીની અંદર નજર કરી જોઈ.  ડ્રાઇવર સીટ ખાલી હતી. તેમજ ગાડીની પાછળની બેઠકો પણ ખાલી જણાતી હતી. તેમ છતાં ઇ. મિહિરે ગાડીની પાછળની બેઠક પાસેના કાચમાંથી એક વાર અંદર ડોકયું કરી જોયું. અંદર દેખાતું દૃશ્ય જોઈ ઇ. મિહિરના શરીરમાં કંપારી ફરી વળી. એક નાનકડી બાળકી ગાડીની પાછળની બેઠકની નીચે કોકડું વળીને સૂતી હતી. એના હાથપગ ભયને કારણે ધ્રુજતા હતા. એને પહેરેલા કપડાં લોહીથી લથપથ હતા. અને એની આંખોમાં ભારોભાર લાચારી ટપકતી હતી. થોડાક પણ ક્ષણ વેડફયા વગર ઇ.મિહિર ગાડીનો દરવાજો ખોલી નાની બાળકીને બહાર કાઢવા ગયો. ઉંમરે પાંચેક વર્ષની જણાતી એ બાળકી ઇ. મિહિરને જોઈ વધું ગભરાઈ ગઈ. ઘૂંટણને વધું જોરથી છાતીમાં ઘોચી નાખી એ મિહિરની પકડથી દૂર જવા લાગી.

           બાળકીનાં હોઠ સતત ધ્રુજતા હતા. પરંતું એ શું બોલતી હતી એ સ્પષ્ટ સંભળાતું નહોતું.

          "બેટા, અહીં આવ દીકરા! મારી પાસે આવ. તને કશું જ નહીં થાય! મારાથી ડર નહીં બેટા. હું તને કશું જ નહીં કરું!"

            "માલી.... નાખશે. એ.. બધાં...માલી નાખશે. માલે મલવું નથી...! માલી નાખશે! એ મને માલી નાખશે!" એના ધ્રુજતા હોઠ ઉપર સતત આજ વાક્ય રમતું હતું. એની ભાષામાં બાળસહજ તોતડાપણું જણાતું હતું. અને ભયને કારણે એનું શરીર સતત કાપતું હતું.

            "કોઈ કશું જ નહીં કરે તને દીકરા. હું છું ને તારી સાથે! અહીં આવ મારી પાસે. હું તને કશું જ નહીં થવા દવ ઢીંગલી! અંકલ તારી સાથે જ છે હો ને?"  મિહિરે ધીમેથી બાળકી તરફ હાથ લંબાવતા કહ્યું.

                "નો ! નો! મા...લી..નાખશે. મને માલી નાખશે. મારે મલવું નથી." એ બાળકી ફરી એજ વાક્ય બોલી.
  
         ઇ.મિહિર ધીમેથી ગાડીમાં પ્રવેશી ગયો અને બાળકીને ઊંચકીને એને ગાડીની બહાર લઈ આવ્યો. હજી પણ બાળકી ભયને કારણે સતત ધ્રૂજતી હતી. અને એજ બે વાક્યોનું રટણ કરતી હતી. બાળકીનું સંપૂર્ણ શરીર લોહીથી લથપથ હતું. પરંતું શરીર ઉપર ક્યાંય ઉઝરડા કે જખમ જેવું નજરે ચઢતું નહતું.
             
   

         "હવે તું જરાક પણ ગભરાઈશ નહીં, હોને બેટા! જો અંકલ તારી સાથે જ છે? તું મને કેહશે કે તને કોણ પજવે છે? આપણે બન્ને મળીને એને મરઘો બનાવીશું. અને એને ખુબ ફટકારીશું! તું શાંત થઈ બંધી જ વાત કેહશેને તો અંકલ તને ચોકલેટ અને આઈસ્ક્રીમ લાવી આપશે. ઠીક છે દીકરા?"

           બાળકીને વ્હાલથી સમજાવી ઇ.મિહિરે એને નીચે મૂકી. ઇ.મિહિરે જેવી બાળકીને નીચે ઉતારી કે તરત જ બાળકી એ જ વાક્યના રટણ સાથે એક દિશામાં દોડવા લાગી. બાળકી પાછળ દોડી જઈને ઇ.મિહિરે એનો હાથ ઝાલી ફરી બાળકીને ઊંચકી લીધી.

                "બેટા, તું ક્યાં જાવ છું? તારા માતા-પિતા ક્યાં છે? તું આ દિશામાં ક્યાં જતી હતી?" ઇ. મિહિરે બાળકીના ગાલ ઉપર ધીમેથી હાથ ફેરવ્યો.

           "માલી નાખશે! મમ્મીને પણ? એ લોકો બહુ ખલાબ છે?" બાળકી એજ વાક્ય ફરીથી બોલી. પરંતું આ વખતે એ પોતાની માં વિશે પણ બોલી. બાળકીની વાત સાંભળી ઇ.મિહિર ધ્રુજી ઉઠ્યો. એના કપાળે પ્રસ્વેદ બિંદુ જામવા લાગ્યા. એને તરત અનુમાન લગાવ્યું કે ચોક્કસ આ બાળકી અને એની માં કોઈ મોટી આપત્તિમાં મુકાયેલા હોવા જોઈએ. બાળકીતો ઘટના સ્થળેથી દોડી આવી હશે. અને ભયને કારણે આ ગાડીમાં જઈને ભરાઈ ગઈ હશે. પરંતું જો બાળકીની મદદથી જે તે ઘટના સ્થળ ઉપર સમયસર પહોંચી જવાઇ તો બાળકીની માતાને પણ આપત્તિથી બહાળ કાઢી શકાશે.

          "તું મને ઝડપથી એ જગ્યાએ લઈ જઈ શકીશ બેટા, જ્યાંથી તું અહીં દોડી આવી છે! આપણે મળીને તારી મમ્મીને પણ બચાવી લઈશું! હા દીકરા?" આટલું કહીં ઇ. મિહિરે બાળકીને પોતાની બાથમાંથી ધીમેથી નીચે ઉતારી. અને તરત જ બાળકી એક દિશામાં દોડવા લાગી. ઇ.મિહિર થોડાક પણ ક્ષણ ગુમાવ્યા વગર બાળકીની પાછળ દોડવા લાગ્યો.
   
        હાઇવે હોવાથી ઇ. મિહિરે પોતાની ઝડપ વધારી, અને જેમ બને તેમ એને બાળકીને રસ્તાની અંદરની બાજુમાં રાખવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો  જેથી બાળકી કોઈ વહાણની અડફેટમાં ન આવી જાઇ. રસ્તા ઉપર દોડતી બાળકીનાં હોઠ હજું પણ ધીમા સ્વરે એજ વાક્ય  ઉચ્ચારી ધ્રુજતા હતા. સતત દસ મિનિટ દોડ્યા પછી બાળકી હાઇવેથી થોડેક દૂર એક મંદિરની નજીક આવી ઊભી રહીં ગઇ. બાળકીના વધી ગયેલા શ્વાસ ઇ.મિહિર સ્પષ્ટ સાંભળી શકતો હતી. એક ક્ષણ પછી મંદિરની સામે જ પણ થોડેક દૂર આવેલા અમુક ઘરની હરોળ તરફ બાળકીએ પોતાની ધ્રૂજતી આંગળી ચીંધી. એજ ક્ષણે ઇ. મિહિરે ખિસ્સામાંથી પોતાનો ફોન બહાર કાઢ્યો અને એક નંબર ડાઈલ કર્યો.
  
              "પાંડે, સાંભળ..અમદાવાદ વડોદરા હાઇવે નજીક જે ગણેશમંદિર છે ને, બરાબર એની સામે એક સોસાયટી છે. તું તરત જ મકવાણા અને પટેલને લઈને અહીં પહોંચ! એક બાળકી.....એક કામ કર તું અહીં આવ પછી તને બઘું કહીશ. ઝડપથી અહીં પહોંચ." એક જ શ્વાસમાં વગર અટકે ઇ.મિહિરે ફોન ઉપાડનારને કહ્યું.
   
              "પણ સર..તમે.."
   
              "પાંડે! સમય નથી આપણી પાસે! તું અહીં આવ ઝડપથી! હું ઘરમાં પ્રવેશું છું."

              "પણ સર, તમે મારી વાત.."
   
          પાંડેની વાત સાંભળ્યા વગર જ ઇ.મિહિરે ફોન કાપી નાખ્યો. અને તરત જ બાળકી જે દિશામાં દોડી
એ દિશામાં દોડવા લાગ્યા. બાળકી એકાએક એક ઘરની બહાર આવી ઊભી રહીં ગઈ. સતત દોડવાને કારણે બાળકી થાકી જઇ ઊંડા શ્વાસ ભરવા લાગી. ઊંડા શ્વાસ ભરતા ભરતા એને એક ઘર તરફ ફરી આંગળી ચીંધી. ઇ.મિહિર ઘરને જોઈ સ્તબ્ધ થઈ ઉભો રહીં ગયો. એની આંખો પોહળી થઈ ગઈ. શ્વાસ વાવાઝોડાની ઝડપે વધવા લાગ્યા. આંખોના ખૂણાઓ ભીના થઈ ગયા. વધેલા ધબકારા સાથે ઇ.મિહિર ધીમા પગલે ઘર તરફ આગળ વધ્યો. અને ઘરની આગળની બારીમાંથી ઘરની અંદરની તરફ નજર કરી. ઘરના અંદરનું દશ્ય જોઈ ઇ.મિહિર જડ થઈ ગયો. એનું શરીર જાણે બરફની જેમ થીજી ગયું. શરીરમાં વહેતુ રક્ત જાણે જામી ગયું. માથાથી પગ સુધીનાં રુવાંટા ઊભાં થઈ ગયા. શરીરમાં ધબકતું હૃદય જાણે હથેળીમાં આવી જવાનું ન હોય એવી અસહ્ય પીડા એને પોતાના રગેરગમાં અનુભવી. ઘરની અંદર એક સ્ત્રીનું જડ થઈ ગયેલું શરીર પંખા ઉપર લટકતું હતું. સ્ત્રીના નીચે લટકતા પગ ઉપરથી લોહીના ટીપાં ટપકતા હતા.
    
              "તમને મોડું થઈ ગયું....પ..પ્પા."

            પાછળથી આવેલો બાળકીનો અવાજ સાંભળી ઇ. મિહિર તંદ્રામાંથી બહાર આવ્યા. એને તરત જ પાછળ ફરીને જોયું. એની પાછળ કોઈ જ નહોતું. ઇ. મિહિરે દોડીને આસપાસ દૂર સુધી નજર નાખી. પણ આસપાસ ક્યાંય એ બાળકી નહોતી. એજ ઘર તરફ પાછો ફરી એને ફરી એક વાર બારીની અંદર નજર નાખી. ઘર સંપૂર્ણપણે ખાલી હતું. કોઈ મૃત સ્ત્રીના અવશેષો સુધ્ધાં ઘરની અંદર નહોતા. એકાએક ઇ. મિહિરનું માથું પીડાને કારણે ફાટવા લાગ્યું. એક તીવ્ર ચીસ સાથે એ ઘરના બહાર જ ભેભાન થઈ પડી ગયો.
          
   
                   *********************
            
               
         "મિસ્ટર. મિહિર મહેતા! રાઈટ! બેસો!"

          "જી ડૉક્ટર!"
 
           "હવે કેમ છે તમને?"
       
            "આઇ એમ ફાઈન!"

         ડૉકટર રાધિકાએ મિહિરની તબીબ ફાઇલનાં દરેક પાના ફેરવીને એક વાર જોઈ લીધા.

           "મિ.મિહિર, તમારા મિત્ર અને સહકર્મચારી મિ. પાંડે તરફથી મને તમારા વિશે અમુક જાણકારી મળી. તમે અમુક વર્ષોથી માનસિક તણાવ અને સતત એકલતાથી પીડાવ છો, તેમજ તમને સતત અમૂક ભેદી અવાજો સાંભળતા રહેતા હોય છે, અને કેટલાક વર્ષોથી તમે તમારા દરેક મિત્રો અને પરિવારજનોથી સામાજિક અંતર ઊભું કરી નાખ્યું છે એવું એમણું કહેવું હતું. અને કાલે પણ તમે એક ઘર નજીક એમણે બેભાન અવસ્થામાં મળ્યા હતા. અને એ પેહલા પણ એજ ઘરની બહાર બે વાર તમે મિ.પાંડેને બેભાન અવસ્થામાં મળી આવ્યા છો. રાઈટ?"

                   "જી ડૉક્ટર!" ડૉકટરની ડેસ્ક ઉપર પડેલી પેન લઇ મિહિર સતત એને ગોળ ગોળ ફેરવતો રહ્યો. એની આંખો રડી રડીને જાણે સાવ શુષ્ક થઈ ગઈ હોય એમ માલુમ પડતી હતી.


                 "શું તમેં મને કાલે શું થયું હતું એ વિષે સંપૂર્ણ માહિતી આપી શકશો?"
  
            મિહિરે ડૉક્ટર રાધિકા આગળ કાલે રાત્રે ઘટેલી સંપૂર્ણ ઘટનાનું બરીકીથી વર્ણન કર્યું.

               "એટલે તમારું કહેવું એમ છે કે તમને કાલે જે નાની બાળકી દેખાઈ હતી એ છેલ્લે તમને પપ્પા કહીં ને વિલીન થઈ ગઈ! પણ મને જાણવા મળ્યું છે ત્યાં સુધી તમારી તો કોઈ દીકરી નથી! અને કદાચ તમારા બીજી વાર લગ્ન પણ નથી......"
 
          "હા ડૉક્ટર!"
     
          "પેહલા બન્ને વખતે પણ તમેં એજ ઘરની બહાર બેભાન અવસ્થામાં મળ્યા હતાં! તો એ વખતે તમે એ ઘર સુધી કેવી રીતે પહોંચ્યા હતાં! શું તમે મને સંપૂર્ણ હકીકત કહીં શકશો મિ.મિહિર. મને તમારી મિત્ર સમજી મન હળવું કરી નાખો. તમારા ભૂતકાળ વિશે તમારા મિત્ર પાંડે પણ વધું જાણતા નથી. એને ફક્ત એક વાત કહીં હતી કે તમારી પત્નીએ...."

                "જી ડૉક્ટર." મિહિરના આંખોના ખૂણાઓ ભીંજાઈ ગયા. અને એક ખારો પ્રવાહ એની આંખમાંથી થઈ ગાલ પર વહેવા લાગ્યો.

             "લગભગ સાત વર્ષ જૂની વાત છે ડૉક્ટર. પંક્તિ અને મારા પ્રેમ વિવા..હ થયા હ...તા." આટલું કહેતાં તો મિહિરને ડૂમો ભરાઈ આવ્યો. સંપૂર્ણ આંખમાં પાણીનું આવરણ રચાઈ ગયું.
     
                "કામડાઉન મિ.મિહિર! જસ્ટ રિલેક્સ! પાણી પીલો થોડુંક. અને શાંત ચિત્તે મને તમારી વાત રજૂ કરો. તમારો ભૂતકાળ સાંભળી હું તમારા વિશે કોઈ આભાસી અભિપ્રાય નહીં બાંધું. તમે જરાક પણ ગભરાશો નહીં!"
 
          મિહિરે એક ઘૂંટડો પાણી પીને પોતાની વાત આગળ વધારી,
      
              "અમે બન્ને ખૂબ જ ખુશ હતાં અમારા લગ્નજીવનમાં. પરંતું મારી મમ્મીને પંક્તિ પ્રત્યે ખૂબ જ ઘૃણા હતી. મારી ગેરહાજરીમાં એ પંક્તિને માનસિક રીતે સતત રિબાવતી હતી. પરંતું એ વાતની પંક્તિએ મને ક્યારેય ગંધ ન આવવા દીધી. પરંતું અમારા લગ્નને જ્યારે ત્રણ વર્ષ વીતી ગયા અને તેમ છતાં પણ પંક્તિએ માંને દાદી બનવાનો લાહવો ન આપ્યો એ પછી માંની સતામણી અત્યંત વધી ગઈ. એ પંક્તિને પરિવાર વચ્ચે સતત નીચું દેખાડવાનો પ્રયત્ન કરતી રહેતી. એને બધાંની વચ્ચે વરોડ અને વાંઝણી કહીંને બોલાવતી. પરંતું માંની દરેક કડવી વાતોને પંક્તિ અમૃત સમજી પી જતી. અમે પંક્તિની ખૂબ સારવાર કરાવી પરંતું એનાં ગર્ભમાં બાળક રેહતું જ નહોતું. એમને એમ બીજું એક વર્ષ નીકળી ગયું. નાના ભાઈનાં લગ્ન થતા ઘર નાનું હોવાથી માતા પિતાએ મને અને પંક્તિને જુદા રહેવાની પરવાનગી આપી. અને ત્યારબાદ અમે નવું ઘર લઈ, નવા ઘરે રહેવા લાગ્યા. નવા ઘરમાં આવતા જ મારી કરમાઈ ગયેલી પંક્તિ ફરી પહેલાની જેમ ખીલવા લાગી. ફરી પંક્તિ ઉત્સાહ અને ઉમંગમાં રહેવા લાગી. અને થોડા જ સમયમાં એના ગર્ભમાં એક જીવે શ્વાસ લેવાનો આરંભ કર્યો. જાણે અમારા જીવનમાં વસંતના રંગો ખીલવા લાગ્યા. પરંતું ફરી માં એ જીદ પકડી." આટલું કહી મહિર ફરી અટક્યો. એને ઊંડો નિસાસો ભર્યો. અને ફરી આગળ કહેવાનું ચાલુ કર્યું.
  
              "માં એ ફરી જીદ પકડી. પંક્તિના અંદર વિકસતા ગર્ભનું લિંગ ચકાસવાની. મેં પંક્તિને સમજાવી એને સોનોગ્રાફી માટે તૈયાર તો કરી, પણ સોનોગ્રાફીનો રિપોર્ટ જાણે અમારા બન્ને ઉપર આફતનાં પહાડો બની ટૂટી પડ્યો. પંક્તિના ગર્ભમાં એક નામકડી બાળકીનાં સ્પંદનો સંભળાતા હતા. માંને આ વાતની ખબર પડી ત્યારથી એને સંપૂર્ણ ઘર માથે લીધું હતું. માં ગર્ભપાત કરાવવાની જીદ ઉપર ચઢી. એ સતત પંક્તિને ફોન કરીને ગર્ભપાત કરાવી નાખવાનું દબાણ કરવા લાગી. મારી જીવંત થયેલી પંક્તિ ફરી નિરાશામાં ડૂબવા લાગી. સતત કૂદતી અને હસતી રહેતી પંક્તિ ફરીથી એકાએક કરમાવવા લાગી. ઘરના એક ખૂણે બેસી રહીં એ કલાકો કાઢી નાખતી. સતત જાણે કોઈ શબ્દહીન ઉચાટ એને અંદરથી મારતો રહેતો. આ વાતથી હું માહિતગાર હોવા છતાં હું કશું જ ન કરી શક્યો. પંક્તિને મેં એક વાર પણ એમ નહોતું કહ્યું કે 'તું ચિંતા ન કર પંક્તિ હું મમ્મી ને સમજાવીશ તો મમ્મી માની જશે!' ના મેં એને ગર્ભપાત કરાવવા માટે દબાણ આપ્યું હતું. મેં સેવેલું મૌન એને ભીતરથી સતત દાઝતું હતું. એનું મૌન તો સ્વભાવિક હતું ડૉકટર! કારણકે પોતાના ગર્ભમાં એક જીવે જીવતર આરંભ્યું છે  એ વાતની જાણ થતાં ની સાથે જ એક સ્ત્રીનું મન પોતાના ન જન્મેલા બાળક સાથે લાગણીઓના તાંતણાઓ વડે જોડાઈ જાય છે. અને કોઈ એને આવા લાગણીઓ ના તાંતણા ક્રુરતાથી કાપી નાખવા કહે તો સ્ત્રીનું પોતાનું કાળજું કેમ ન કપાઈ જાઇ! અને એવા સમયે જ્યારે એ મારા તરફથી શબ્દોની હૂંફ ઇચ્છતી હતી. ત્યારે હું એને ફક્ત મૌન રૂપી તપન જ આપી શક્યો..."  મિહિરને જાણે છાતીમાં ડૂચો ભરાઈ ગયો હોય એમ એના શબ્દો ઘોઘરા થવા લાગ્યા. એની આંખો સામે સર્જાયેલું ખારા પાણીનું આવરણ એને રૂમાલ વડે દૂર કરી આંખો મીંચી નાંખી. આંખો બંધ કરી એને માથું પાછળ ખુરશી ઉપર ઢાળી નાખ્યું. મીંચી નાખેલી આંખો માંથી સતત કડવા સ્મરણો અશ્રુઓમાં ભીના થઈ બહાર વહેતા રહ્યા.
   
             થોડા સમય એક ભેંકાર સન્નાટો ઓરડામાં પ્રસરી રહ્યો. ડૉકટર રાધીકાએ પણ ઓરડામાં પ્રસરેલા મૌનને તોડવાનો પ્રયત્ન કર્યો નહીં. થોડીક ક્ષણ આંખ બંધ રાખી મિહિર નિર્વિકાર બેસી રહ્યો અને પછી એકાએક એના હોઠેથી શબ્દો સરકયા,
   "અને મારા મૌનને પંક્તિ કદાચ મારી નારાજગી સમજી બેઠી. અને એક દિવસ એ ના કરવાનું......." બોલતા બોલતા મિહિર ધ્રુસકાઓ સાથે રડવા લાગ્યો. ઓરડામાં પ્રસરેલા એક પુરુષના કારમા રુદને ડૉકટર રાધિકાને પણ અંદરથી હચમચાવી કાઢી.
   
       "એ દિવસે મારી નાઈટ ડ્યૂટી પતાવી જ્યારે હું ઘરે પહોંચ્યો, ત્યારે ઘરમાં પ્રવેશતાં દેખાયેલા દૃશ્યએ મને જીવતો જ મારી નાખ્યો. એનું ઠંડુ પડી ગયેલું શરીર જોઈ હું ..... અને તે ક્ષણે મારુ સંપૂર્ણ જીવતર એક જ ક્ષણમાં મેં નષ્ટ પામતું નજરોનજર જોયું. એનું દેહ કેસરી દુપટ્ટાના આધારે પંખા ઉપર લટકતું હતું. હું ત્યાં જ ઢસડાઇ ગયો. બરફ થઇ ગયેલું એ દેહ ખુલ્લી આંખો વડે મને એકીટશે નિહાળી રહ્યું હતું. અને હું જીવંત હોવા છતાં એની સામું જોઈ શકવાની હિંમત ધરાવતો નહોતો. એ દિવસે મારા મૌનના કારણે બે જીવ મૌતના ઘાટે ઉતર્યા. મારો પ્રેમ અને મારી બાળકી!" મિહિરના ઊંડા શ્વાસ સાથે ધીમી હિબકીઓનો અવાજ ઓરડામાં પ્રસરી, શરીરને ધ્રુજાવી નાખે એવું વાતવરણ ખડું કરતા હતા.
        "મારુ જીવન જેની હુંફમાં શ્વાસ ભરતું હતું હું એ વ્યક્તિના છેલ્લા શ્વાસ કાળે એના પાસે નહોતો. અરે જો હું ત્યાં હોતે તો એને છેલ્લો શ્વાસ ભરવા દેતે!  મારા શ્વાસો આપી એની શ્વાસમાળા હું જીવંત રાખતે. પણ..પણ હું કશું જ ન કરી શક્યો! હું તો પોતે એના સ્પંદનો ઉપર મુકાયેલા પૂર્ણવિરામનું કારણ બન્યો, અરે એની ભીતર જીવતી મારી બાળકીએ મારા કારણે ભીતર જ દમ તોડ્યો." એક ઊંડો નિસાસો નાખી મિહિર ફરી અટક્યો.

    વર્ષોથી મનમાં ભરી રાખેલો પસ્તાવા રૂપી ઉચાટ જાણે  એક ક્ષણમાં દરેક બંધ તોડી અશ્રુઓ મારફતે મિહિરની આંખો માંથી વહી ગયો. અમુક ક્ષણના તાણ યુક્ત ઉચાટ પછી મિહિરે ફરી મૌન તોડ્યો,
"એ દિવસ પછીથી આજ સુધી એ નાનકડો જીવ મારા સ્વપ્નમાં આવી મને એક જ વાત ફરીને ફરી યાદ કરાવી જાય છે  કે 'પપ્પા તમે મોડા પડ્યા.' ફક્ત એ દિવસે ઘરે પહોંચવામાં જ નહીં, પણ પંક્તિના હૃદય સુધી પહોંચવામાં પણ હું મોડો પડ્યો. કદાચ એટલે જ રોજ મારુ  બાળક મને લઈ જાય છે એ જ ઘર પાસે. અને હું રોજ એક ઉમ્મીદે એની સાથે ડોટ મુકુ છું કે કદાચ હું આજે સમયે પહોંચી જાવ અને પંક્તિ અને મારી બાળકીને બચાવી લઉં. "મિહિરના કાળજાને એક ક્ષણ માટે જાણે પોતાના માંથી સંપૂર્ણ દરિયો ખાલી કરી નાખ્યો હોઈ એવા હળવાશનો અનુભવ થયો. અને બીજી જ ક્ષણમાં  ફરી જાણે કોઈકે એના મન ઉપર હજારો પાષણોનો ભાર મૂકી દીધો હોઈ એવો અનુભવ થયો. આંખ બંધ કરી એને ફરી માથું પાછળ ઢાળી દીધું. અમુક ક્ષણ આંખ બંધ રાખ્યા પછી મિહિર એકાએક ઊભો થઈ ડૉકટર રાધિકાની કેબીન માંથી બહાર નીકળી ગયો. કોઈક અધૂરું કાર્ય પૂર્ણ કરવાની તાલાવેલી એની નજરમાં ભભૂકી ઊઠી હતી.
        ડૉકટર રાધિકાએ પણ મિહિરને રોક્યો નહીં. પોતે જાણતાં હતા કે મિહિરના જીવનમાં ઘટેલી ઘટના પછીથી એ  સ્કીઝોફેનિયા- schizophrenia( જેમાં વ્યક્તિ વાસ્તવિક અને કાલ્પનિક સંસાર વચ્ચેનો ભેદ જાણી શકતો નથી.) થી પીડાઈ છે અને સતત ક્ષોભ અને પસ્તાવાની લાગણીઓ અનુભવતા મિહિરનાં મને અંધકાર અને એકલતા સાથે એક અજોડ સંબંધ બાંધી લીધો છે. જેની સાંકળમાંથી મિહિર જાતે જ છૂટી શકશે. નહીં તો એ સાંકળ એને રોજ એજ ઠેકાણે ખેંચી લઇ જશે જે જગ્યાએથી એ સાંકળ જોડાયેલી છે.

     

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ