વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધૂમ્રસેર

વાક્ય પ્રયોગ :-       આવું શું કરે છે બકા...?smile


ધૂમ્રસેર


ભારતની ખ્યાતનામ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિન્ગનો એજન્ટ અજય, વિદેશી ખૂંખાર આતંકવાદીને શોધવા દુનિયાના કેટલાંયે દેશો ફરી વળ્યો. છેલ્લી બાતમી પ્રમાણે એ આતંકવાદી ભારતમાં જ છે, તે જાણ્યાં પછી અજય બેંગકોકથી સીધો મુંબઈ કાલે રાત્રે જ આવી ગયો. છેલ્લા એક વર્ષથી અજય ભારતની બહાર જ હતો એટલે જુહુ સ્થિત બંગલે એક દિવસ મમ્મી અને બહેન સાથે વિતાવીને, આવતીકાલથી આતંકવાદીને પકડવા માટે ભારતની મેગા સિટીઓમાં નીકળી જવાનો છે. બેઠો છે તે આલીશાન-આરામદાયક બંગલામાં, પણ તેનું મન તો ઓફીસમાં જ ખોવાયેલું છે. આ પહેલું મિશન એવું છે જેમાં તેને સફળતા હાથતાળી દઈને વારેઘડી નાસી જાય છે.

"ભાઈ, આપણા સ્ટોરરૂમમાં કોઈ છે." નીમી દોડતી આવીને અજયની સોડમાં ભરાઈ ગઈ.

"કોણ હોય? તું પહેલેથી ડરપોક! આટલી મોટી થઈ ગઈ તો પણ.." 

હંમેશા સફળતાનો સ્વાદ ચાખવા ટેવાયેલા અજયના માટે અત્યારે મળતી નિષ્ફ્ળતા પચાવવી અઘરી થઈ ગઈ છે. કંટાળા સાથે ઉઠી તે સ્ટોરરૂમ સુધી પહોંચ્યો.

રોજ બે-ચાર વાર ખૂલતાં સ્ટોરરૂમને અજયે સામાન્યતઃ ખોલવાનો પ્રયત્ન કરી જોયો, પણ અંદરથી કોઈએ બંધ કર્યો હોય એમ ફિટ થઈ ગયો હતો. તેણે જોરથી ધક્કો માર્યો ત્યારે માંડ ખૂલ્યો. અંદર જઈને જોયું તો બધી વસ્તુઓ તો બરાબર હતી! નાની અધખૂલી બારીમાંથી આવતા પ્રકાશમાં ધૂળનાં રજકણો સાથે ધૂમ્રસેર દેખાઈ. 

"ગાંડી, આ પ્રકાશમાં ધૂમ્રસેરથી કોઈ આકૃતિ સર્જાઈ હશે, જેમાં તને કોઈ માણસની આકૃતિનો ભાસ થયો હશે." બોલતો હજી તે બહાર નીકળતો હતો ને તેને પણ એક આકૃતિ દેખાઈ! આ તો, જેને મસળવા તે કેટલાયે વર્ષોથી તત્પર છે એ આતંકવાદી!

"જેને હું દુનિયા આખીમાં શોધતો હતો તે મારા ઘરમાં જ!" પિસ્તોલ તો પાસે હતી નહીં પણ બાજુમાં પડેલું સાંબેલું લઈને દોડ્યો અજય તેના તરફ!

આંખ ખુલી ત્યારે અજય તેના રૂમમાં હતો. મમ્મી, નીમી અને વોચમેન તેના ખાટલાની બાજુમાં ઉભાં હતાં.

"શું થઈ ગયું બેટા તને? તારી બૂમ સાંભળી અમે સ્ટોરરૂમ પાસે આવ્યા, ત્યારે તને જમીન પર પડેલો જોયો. રૂમમાં કોઈ ન હતું. તને એકાએક ચક્કર આવી ગયા હોય એવું લાગે છે. કામમાંથી થોડો સમય કાઢી આરામ કરી લેતો હોય તો?”  મમ્મીનો અવાજ ગભરાયેલો હતો.

"ડોક્ટરને કહી દીધું છે, ક્લિનિક પર જતા પહેલા તને મળીને જશે. આરામ કર ભાઈ." નીમી એકીશ્વાસે બોલીને રૂમની બહાર નીકળી ગઈ.

ખરેખર તે બેભાન થઈ ગયો હતો? તેને નખમાંયે રોગ નથી, ઉજાગરો પણ નથી, હા થોડી કામની ચિંતા ખરી, પણ રો એજન્ટ તરીકે એમાં નવું શું? તે વર્ષોથી આ જ પ્રમાણે કામ કરે છે ને? વિચારતો પાછો તે સ્ટોરરૂમમાં ગયો. બારણું સહેલાઈથી ખુલી ગયું. રૂમ એકદમ શાંત, બારીએથી ધીમો-મીઠો પવન આવતો હતો. બધી વસ્તુઓ પણ તેની જગ્યા પર એમ જ હતી! આજુબાજુ ફરીને જોઈ લીધું. કોઈ છુપાયું તો નથી ને? બારીની બહાર પણ નજર કરી. બધું સામાન્ય!

ડર હોય તો ઉંદર પણ હાથી દેખાય! અજયને મનમાં શંકા-કુશંકા પેદા થવા લાગી. તેણે ઓફિસમાં ફોન કરી ઘરની બરાબર તપાસ કરાવવા માટેનો ઓર્ડર લઈ લીધો. કલાકમાં આખી ટીમ આવી જશે એવો મેસેજ પણ આવી ગયો.

"મમ્મી, મને સ્ટોરરૂમમાં ઉધઈ દેખાય છે. મેં એન્ટી-ટરમાઈટ ટ્રીટમેન્ટ માટે માણસોને કહી દીધું છે. એક કલાકમાં આવી જશે. હું જરા બહાર આંટો મારી આવું, મને સારું લાગશે." મમ્મી અને નીમી ગભરાઈ ન જાય તેથી ટ્રીટમેન્ટ કરાવવાનું બહાનું બતાવી અજય ઘરની બહાર નીકળી ગયો.  

તેના પગ સીધા પાનની દુકાન પર જઈ અટક્યાં.

"શું કેટલા દિવસથી દેખાતો ન હતો? બહારગામ હતો?" પીઠ પર ધબ્બો પડ્યો.

તેણે પાછળ ફરીને જોયું તો સોસાયટીનો લપિયો લલિત. આમ તો લલિત સાથે તેની એવી કોઈ ખાસ મિત્રતા નહીં પણ સામે મળે તો તેને જલદી છોડે નહીં. લલિતને ટાળવા ખાલી ડોકી હલાવી હકાર ભણ્યો.

"એવી નોકરી કરવી જ શું કામ, રાત પડે ઘર ભેગા ન થવાય! લાગે છે નોકરીમાં મોટું મેડલ મળવાનું છે. આપણેય નવી નોકરી શરૂ કરી છે, એય મજાની, કામ ઓછું ને તગડો પગાર." લલિતને ખંધુ હસતો જોઈ તેને એવો ગુસ્સો આવ્યો કે બે-ચાર ઠોકી દે. 

અજયના ખભે ફરી હાથ મૂકવા લલિત નજીક આવતો હતો ને અજયે તેના હાથને હડસેલી દીધો.

"આવું શું કરે છે બકા…?” લલિત ખડખડાટ હસી પડ્યો.

"ફોર સ્ક્વેર." પાંચસોની નોટ કાઉન્ટર પર ફેંકી  બાકીના પૈસા લીધા વગર, લલિતથી છૂટકારો મેળવવા અજય ઝડપથી ઘર તરફ વળી ગયો.

તેના દિલના ધબકારા એકદમ વધી ગયા. ક્યાંક સોસાયટીમાં તેના કામ અને મિશન વિશે કોઈ જાણતું તો નથી ને? કારણકે રો એજન્ટે હંમેશા પોતાની ઓળખ છૂપાવીને રાખવી પડે છે. 

અજય લગભગ દોડતો ઘરે પહોંચી ગયો. ઘરમાં પ્રવેશતા જ નજર સામે પાછું સ્ટોરરૂમનું દ્રશ્ય તાદ્રશ્ય થવા લાગ્યું. "કશું સમજાતું નથી. કોઈ બંધ બારણેથી બહાર કેવી રીતે જઈ શકે? બહાર વોચમેન પણ હતો જ!” દર વખતે એક સિગારેટ પૂરી થાય ત્યાં સુધીમાં તો તેને ગમે તેટલાં અઘરા કોયડાનો ઉકેલ મળી જતો અને આજે! અડધું પેકેટ પૂરું થઈ ગયું છતાં તે ત્યાં ને ત્યાં જ ગૂંચવાયેલો હતો!

"ભાઈ, એન્ટી-ટરમાઈટ ટ્રીટમેન્ટવાળા માણસો આવી ગયા છે. તું ઘરમાં જ છે ને? હું બહાર જાઉં છું. મમ્મી હજી તેના રૂમમાં આરામ કરે છે." નીમાએ ઢંઢોળીને જગાડ્યો ત્યારે ખબર પડી કે તેને એક ઝોકું આવી ગયું હતું. 

"કયા રૂમમાં સર?"

"નો, સર. ઓન્લી અજયભાઈ." આજુબાજુ નજર કરી લીધી કોઈએ સાંભળી નથી લીધું ને?

સ્ટોરરૂમ તરફ સ્ટાફને લઈ જતા સમજાવી દીધું કે આખા ઘરમાં બરાબર નજર કરી લેવી. અજયના મમ્મી આમ તો સ્ટોરરૂમમાં કોઈ બહારનાં વ્યક્તિને જવા દેતાં નહીં, "મા અન્નપૂર્ણાનું સ્થાન કહેવાય!" છતાં આજે બંને બાળકોની સુરક્ષા માટે તેમણે પરવાનગી આપી દીધી. તેઓ પણ સ્ટાફ સાથે જોડાયાં.  

સ્ટોર રૂમમાં જરૂર કરતા વધારે ચીજો પડી છે એ અજયને આજે સમજાયું.

"મમ્મી, તું આરામ કર. હું છું આ લોકોની સાથે." અજયે પરાણે મમ્મીને મોકલી આપી જેથી ઓફિસના સ્ટાફ સાથે ખુલ્લાં મને વાત કરી શકે.

"સર, આટલા મોટા પીપમાં શું ભર્યું છે. બહુ વજનદાર છે."

"એમાં જૂના વાસણો ભર્યા છે. એને ન ખોલો તો ચાલશે."

"આ પટારો સરસ છે. વાહ શું નકશીકામ છે. આવી દુર્લભ વસ્તુઓ હવે ક્યાં મળે છે? ભાઈ જરા ખોલીને જોઈ જ લેજો." બે આસિસ્ટન્ટને ઓર્ડર કરતા ઓફિસરે અજય તરફ જોયું.

"કંઈ નથી એમાં." પટારો બંધ કરવાનાં અવાજે અજય ચોંક્યો.

"ભાઈ, આટલો મોટો અવાજ થયો હોત તો હું ભાનમાં આવી જ જાત. તમે બીજી બાજુ જુઓ." ગુસ્સાથી બોલતાં અજયે જાતે આવીને બારીની ગ્રીલ ચેક કરી લીધી.

"સર, બધું જોવાઈ ગયું છે."  બે આસિસ્ટન્ટ બીજા ઓર્ડરની રાહ જોતાં ઊભા રહી ગયાં.

"ઓફિસર, ધુમાડો બહારથી આવતો હતો. જરા બહાર જોવડાવશો?" હવે રો એજન્ટનું મગજ તેની દિશામાં કામ કરવા લાગ્યું. 

બધાં જ્યાં બારી ખુલતી હતી ત્યાં બહાર આવી ગયા. બંગલાની ચોતરફ  સુંદર લોન સિવાય કશું નજરે ન પડ્યું. "ચાલો, ધૂમ્રસેર એક વહેમ  હોઈ શકે પણ તેનું બેભાન થવું?" અજયના મનમાં ઘમાસણ ચાલ્યું.

ઓફિસેથી આવેલી ટીમ એમ જ પાછી ફરી. અજયને હજી સંતોષ ન થયો. એ પાછો બહાર સ્ટોરરૂમની બારી પડતી હતી ત્યાં પહોંચ્યો. 

"લોન મોટી થઈ ગઈ છે. કાલે માળીને બોલાવવો પડશે." બોલતાં તે ઘરની અંદર જતો હતો ને બૂટ નીચે કંઈક આવી જતાં તેનો પગ વાંકો થઈ ગયો. બૂટ સાથે નાનો પથ્થર અથડાયો. નીચે વળીને પથ્થર હાથમાં લીધો. તે પથ્થર નહીં, પણ અડધો સળગેલો કોઈ પદાર્થનો ગઠ્ઠો હતો!

ખિસ્સામાંથી રૂમાલ કાઢી પહેલા ગઠ્ઠાને સાચવીને મૂક્યો પછી સીધો ઓફીસે ફોન કર્યો. 

"લેબનો સમય શું છે? તાત્કાલિક એક ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. હું જાતે લેબ પર પહોંચું છું." બોલતા અજય કાર સુધી પહોંચી ગયો. 

ઢળતી સાંજ દસ્તક દઈ રહી હતી. હેડલાઇટ ચાલુ કરી બહાર નીકળતો હતો ત્યાં સામે નીમા મળી, "ભાઈ, આજે તું ન જાય તો સારું. તને જોખમ હોય એવું લાગે છે. 

 લેબ પર પહોંચ્યો ત્યારે તેના ઓર્ડરથી આખો સ્ટાફ આવી ગયો હતો. રૂમાલમાંથી પદાર્થનો ગઠ્ઠો કાઢી ટેબલ પર પછાડ્યો, "જુઓ આ શું છે?"

"હું કેટલીવાર નાપાસ થઈશ? હવે તો એવો સ્ટ્રોક મારવો છે કે કિંગ કવર કરી મેચ જીતી લેવાય!” વિચારતા અજયે સિગારેટ સળગાવી, તેણે ધુમાડા સાથે નિષ્ફ્ળતાના ડરને પણ ઉડાવી દીધો!

"સર, થોડી વાર લાગશે એવું લાગે છે. ગઠ્ઠો શું છે તે સમજાતું નથી. ન કોઈ વાસ, ન કોઈ રંગ. પાણીમાં ઓગળતો નથી અને જ્વલનશીલ પણ નથી."

"હ..મ. હું અહીંયા બેઠો છું. તમારું કામ ચાલુ રાખો." અજયના જવાબથી લેબના આખા સ્ટાફને ખબર પડી ગઈ કે જ્યાં સુધી કામ ન પતે ત્યાં સુધી ઘરે જવાનું નથી.

રાતના બાર થયા ત્યારે અજયથી ન રહેવાતા લેબોરેટરીમાં અંદર પહોંચી ગયો. " એની અપડેટ?"

"નથિંગ સર."

જવાબ સાંભળતા જ અજય અકળાઈ ગયો," માય ફૂટ.."  હાથમાંની સિગારેટ ગઠ્ઠા પર દબાવી દીધી.

આશ્ચર્ય! અત્યાર સુધી મૃતપ્રાય પડેલાં ગઠ્ઠામાંથી પાતળી ધૂમ્રસેર નીકળવા માંડી. બધાં જોતાં રહી ગયાં.

"સર, ટેબલ પર મોટો સાપ છે. દૂર થઈ જાઓ."

"સર, ત્યાં કોઈ ચપ્પુ લઈને ઉભો છે. એલર્ટ."

"કમ ઓન સ્ટાફ, આપણે જેને શોધીએ છીએ તે અહીં જ, લેબમાં જ છે." અજયે દોડીને તેની પિસ્તોલ સંભાળી લીધી.

એટલી વારમાં તો લેબના ડાયરેક્ટરે રૂમમાં પ્રવેશ કર્યો. રૂમમાં થતી દોડધામ જોઈ સમજી ગયા કે આ પદાર્થને કેમેસ્ટ્રીની મુખ્ય લેબમાં મોકલવો ખૂબ જરૂરી છે. 

તેમણે તાત્કાલિક કેમેસ્ટ્રીની મુખ્ય લેબમાં એ પદાર્થને મોકલવાની તજવીજ કરી, અહીં વાતાવરણને સામાન્ય બનાવવા પ્રયાસ કરવા લાગ્યા. ચોવીસ કલાક ચાલતી કેમેસ્ટ્રીની લેબમાંથી ફક્ત એક કલાકમાં ઈમેલથી રિપોર્ટ આવી ગયો! 

"આ પદાર્થ સળગતા જે વાયુ ઉત્પન્ન થાય છે, જેના કારણે માણસની નર્વસ સિસ્ટમ ડિસ્ટર્બ થઈ જાય છે. તેને વારંવાર જેના વિચાર આવતા હોય તેની આકૃતિ સામે દેખાવા માંડે છે." ડાયરેક્ટરે આવીને રિપોર્ટની કોપી અજયની સામે મૂકી.

હવે અજયની સામે આખું ચિત્ર ઊભું થઈ ગયું.  તેને વિચલિત કરવા અને તેનું ધ્યાન બીજે દોરવા આ કાવતરું હશે ચોક્કસ! હવે વધારે સચેત રહેવું પડશે. ઘરે જઈને મમ્મી અને નીમીને શું કહેવું તે વિચારતા અજય કારમાં ગોઠવાયો.  

પોતે તો આતંકવાદીને પકડવાના વિચારોમાં હતો અને તેને તે દેખાયો પણ નીમાનાં મગજમાં કોના વિચારો હશે?

અજય કાર પાર્ક કરી ડ્રોઈંગરૂમમાં પ્રવેશ્યો ત્યારે સોફા પર મમ્મી સાથે બેસીને ચા પીતા લલિતને જોઈ તે ચોંક્યો.

"મમ્મી, નીમા ક્યાં છે?" અજયનો સુર બદલાઈ ગયો.

નીમાને વિલાયેલા મોંઢે અંદરના રૂમમાંથી બહાર આવતાં જોઈ તેને ટાઢક વળી. હવે તેના બધા પ્રશ્નોના જવાબનો તાળો મળવા લાગ્યો.  તેણે ઓફીસના નંબર પર એક મેસેજ ટાઈપ કર્યો. લલિતનો કોલર પકડીને તે બહાર ઢસડી લાવ્યો.

"આવું શું કરે છે બકા તું? તારા જેવા દોસ્ત હોય તો મને અને દેશને દુશ્મનની શી જરૂર છે?" થપ્પડ અને પોલીસની સાયરનનાં અવાજમાં અજયના બાકીનાં શબ્દો ભળી ગયાં.

 

વંદના વાણી

 


 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ