વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અધૂરી ઈચ્છા

(એણે બારીમાંથી કૂદકો માર્યો ને તે હવામાં ઉડવા લાગ્યો)

                            એણે બારીમાંથી કૂદકો માર્યો અને તે હવામાં ઉડવા લાગ્યો……ઉડતો ઉડતો સા….મે દેખાતા બગીચામાં રમતાં બાળકો જોડે રમવા પહોંચી ગયો.

                         રોજ સાંજે બગીચામાં રમતા બાળકોને જોઈને ૠષિલનું મન બારીમાંથી કુદકો મારી ઉડીને ત્યાં પહોંચી જતું.

                         હજુ ઉંમર જ શું હતી એની ૧૧/૧૨ વર્ષ…. અને  આ બીમારીએ તેને પથારીવશ બનાવી દીધો હતો.

                         રોજ સાંજ પડે બહાર તેના મિત્રો ને તેમજ ઘરની નજીક બગીચામાં પણ કેટલા બાળકો દોડાદોડ કરતા હોય છે પણ ૠષિલ….. ૠષિલ બિચારો નિઃસહાય બની બધાને નીરખ્યા કરતો.

                           ‘અરે….તાવ તો બધાને આવે ને ચાર-પાંચ દિવસમાં કે પછી ટાઈફોઈડ હોય તો મહિના બે મહિના માં ઉભા થઇ જાય પણ આ કેવો તાવ….કે જેને મને પથારીવશ બનાવી દીધો !

                         અરે હું ક્યાં ક્યારેય સિમલા, કાશ્મીર કે અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ ગયો હતો કે આ ઠંડા પ્રદેશ નો તાવ વળી મને આવ્યો.

                          હું તો ફક્ત નીચે મિત્રો સાથે રમવા જ ગયો હતો તો પણ ..! ડોકટરોએ કેટકેટલી દવાઓનાં પ્રયોગ કર્યા પણ કંઈ જ ફરક ન પડ્યો.

                        મમ્મી પપ્પા એ આયુર્વેદ, હોમિયોપેથી,નેચરોપેથી કે ખબર નહીં કેટલીય ‘પેથી’ ની દવાઓ કરાવી હતી, પણ મારી તબિયત તો વધુ બગડતી ગઈ’

                           ૠષિલ નું મન આજે બારીમાંથી કૂદકો મારી હવામાં ઉડતું પોતાના બાળપણમાં જતું રહ્યું. માતા વિભા અને પિતા સમીર નું પ્રથમ સંતાન એટલે ૠષિલ..

                           દાદા-દાદી તો હતા જ નહીં પણ નાના-નાની અને મામાઓનો તે ખૂબ લાડકો હતો.રંગે શ્યામ પણ નમણા એવા ૠષિલ ની કાલી-કાલી ભાષા ,એનું નટખટપણું, બધાને આકર્ષી જતું હતું.

                           ક્યારેક ખુરશી પરથી તો ક્યારેક પલંગ પરથી તો ક્યારેક આ બારીની કિનારીએ થી કૂદકો મારવો તેને ખૂબ ગમતો . ‘હેલ્પ…હેલ્પ……’

                          ‘શું થયું બેટા ? કેવી રીતે નમી ગયો ?’ ૠષિલ નો  અવાજ સાંભળી તેની મમ્મી દોડી આવી. ‘ફરી એ જ કૂદવાના  વિચારોમાં ખોવાઈ ગયો બેટા…..શું કામ વિચારે છે તું એ …કેટલો નાનો હતો ત્યારે તું એટલે કૂદતો અને હવે તો..’

                            ‘હવે તો નિઃસહાય થઈ ગયો હેં ને મમ્મી’તેની મમ્મીનાં વાક્ય ને અડધે થી કાપતાં ૠષિલ બોલ્યો.

                           ‘મમ્મી મેં નક્કી કંઈ ખોટું કર્યુ હશે કે ભગવાને મારી આવી દશા કરી. મમ્મી એ તો કહે કે ભગવાન હોય ખરો ?’

                          ૠષિલનાં હાથ તેની માતાને બાથ ભરવા ઈચ્છતા હતા પણ……..

                            પોતાના દિકરાની મનોઃઈચ્છા સમજી ચૂકેલી વિભાએ જાતે દિકરા ને બાથ ભરી લીધી.

                          ‘મમ્મી આ હાથ, પગ કે શરીરના બીજા અંગોની જેમ મારા આંસુ….મારૂં દુઃખ કેમ શિથિલ નહીં થઈ જતું… તો મને એમાંથી છૂટકારો તો મળે’ ૠષિલ રડતા રડતા બોલ્યો જતો હતો.

                           ‘બેટા બધું  સારૂં થઇ જશે ને તારી ફાઈલ આપણે અમેરિકા મોકલી છે; કાકુ ત્યાંના બેસ્ટ ડોકટર ને તારી ફાઈલ બતાવશે. જોજે નજીકમાં જ ચોક્કસ તું ઉભો થઈ જઇશ. તું પણ દોડી શકીશ…રમી શકીશ બેટા’ વિભાએ તેને સમજાવતા કહ્યુ.

                             જો કે ત્રણ દિવસ પહેલા જ તેના દિયરનો  નકારાત્મક રિસ્પોન્સ આપતો ફોન આવી ચૂક્યો હતો.

                          વિભા અને સમીર બંને સમજી ચૂક્યા હતા કે તેના દિકરા ની બિમારીનો કોઈ ઈલાજ તેને ક્યાંય થી મળી શકે તેમ નથી , પણ ૠષિલ ને કોઈ પણ રીતે ટૂટવા દેવા નહોતા ઈચ્છતા એટલે સાંત્વના આપતા રહેતા.

                          ધીમે-ધીમે ૠષિલ પોતાનું મનોબળ મજબૂત કરતો ગયો, તેણે તેની મમ્મી ની મદદથી અભ્યાસ ફરી શરૂ કર્યો. તે અભ્યાસમાં પહેલે થી જ ખૂબ તેજસ્વી હતો .

                          પોતાની બિમારીના પડકાર ને ઝીલી તેને દસમા ધોરણની પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો. તેના હાથ તો કામ કરતા ન હતા પણ રાઈટર રાખીને તેને પરીક્ષા આપી તેમજ તે ૮૭% સાથે ઉતિર્ણ પણ થયો.

                        ઘરમાં નાની બહેનને હસતા રમતાં, નવા વસ્ત્રો પહેરી બહાર જતા કે તેની સખીઓ સાથે રમતાં જોઈ પહેલા જે ૠષિલ બેચેન બની જતો તે હવે આનંદમાં રહેવા લાગ્યો.જાણે તેને કોઈ લક્ષ્ય અભ્યાસ માં મળી ગયું હતું.

                        એ પોતાની પ્રિય બારીમાંથી બહાર કૂદકો મારી ફરી ઉડવા લાગ્યો …પોતાના ભવિષ્યના સપનાઓમાં.. ‘અમેરિકા કે કોઈ પાશ્ચાત્ય દેશના ડોકટર પાસેથી નજીકમાં જ મારો ઈલાજ મળી જશે અને પછી હું પણ ઉભો થઈશ ,દોડીશ. મારે ભણીને ખૂબ ખૂબ મોટો માણસ બનવું છે . લોકો મને ઓળખે ..મારી નામના થાય એટલું ભણવું છે . અને રમવું છે, મારે ક્રિકેટ રમવું છે. હા ક્રિકેટર પણ બની શકું’   તે નાનો હતો ત્યારે તેને ક્રિકેટ બહુ ગમતું તેના મામા તો ઘણીવાર કહેતા પણ ખરા કે, ‘તું બોર્ન ક્રિકેટર છે’ અને તે ખુશ થઇ જતો.તેને ક્રિકેટ કોચિંગ સેન્ટર માં પણ મૂકેલો  .

                           તેના પર્ફોમન્સને જોઈ ને તેના કોચ કહેતા પણ ખરા કે બે-ત્રણ વર્ષ ધ્યાન આપીશ તો અન્ડર ફોર્ટીન માં રમી શકશે. તે ચૌદ નો થાય એ પહેલા તો…..

                         એ યાદ આવતાં તે ફરી રડવા લાગ્યો .તેને રડતો જોઈ તેના પિતા એ તેને માથે હાથ ફેરવ્યો , ‘ પપ્પા મારે ફરીથી રમવું છે…મારે પણ પેલા છોકરાઓની જેમ ક્રિકેટ રમવું છે ,કોઈ નાં કાચ તોડવા છે …કોઈ તો આવે મમ્મી પાસે મારી ફરિયાદ લઈને આવે.

                          કેમ બધાની નજરમાં મારા માટે દયા દેખાય ? કોઈ મને પણ ગુસ્સો કરે ,મારે,ટપારે….કેમ મને આવું કંઈ નથી મળ્યું ? મારાથી આ દયાભરી નજર સહન નહીં થતી. હે !ઈશ્વર તું સાંભળે છે ? છે તારે કાન ? તો મારી કોઈ અરજ તો સાંભળ..કાં મને ઉભો કર અને કાં મને……’ તે આગળ બોલે તે પહેલા જ તેના પિતા એ તેના મોં પર હાથ મૂકી દીધો . ‘આવું બોલાય બેટા ? તું અમારો જીવ છે ખબરદાર જો ક્યારેય આવું બોલ્યો કે વિચાર્યું તો’  સહેજ ગુસ્સા માં સમીરભાઈ બોલ્યા તો ખરા પણ પછી પોતાને પણ અફસોસ થયો.

                        સમય પોતાનું કામ કરવા લાગ્યો ધીમે ધીમે ૠષિલ બાળકમાંથી કિશોરાવસ્થા માં પ્રવેશી ગયો . યુવાનીના ઉંબરે ઉભેલા આ કિશોરના મનોઃવલણો બદલાવા લાગ્યા પણ પરિસ્થિતિ નહીં .

                         એક દિવસ અચાનક વાદળમાંથી નીકળતા સૂરજની જેમ એક આશાનું કિરણ મળ્યું . કેરલના કોઈ ગ્રામીણ વિસ્તારમાં કોઈ નાડવૈદ નું સરનામું મળ્યું .જે કદાચ આ બિમારી ઠીક કરી શકે એવું તેના પિતાના એક મિત્રએ કહ્યું.

                          પરંતુ એ આશા પણ ઠગારી નીવડી ; લગભગ છ મહિનાની ટ્રીટમેન્ટ બાદ પણ ૠષિલની તબિયતમાં સુધારો ન આવ્યો. અંતે વિભા અને સમીર ૠષિલ ને પરત લઈ આવ્યા.

                        ફરી એ જ રૂમ…એ જ પથારી ..એ જ બારી અને એ જ ૠષિલનું ઉડવા મથતું મન…

                        તેનો રૂમ , ૠષિલ અને તેની બારી વચ્ચે હવે તો મિત્રતા થઈ ગઈ હતી ; કિશોર ૠષિલ પોતાનાથી નાના બાળકો ,તેની બહેન કે પિતરાઈઓને નીચે પાર્કિંગ માં ,ઘરમાં કે નજીક આવેલા બગીચામાં રમતા ,ઝઘડતા કે પડતા-રડતા જોઈ આનંદ ઉઠાવતો.

                          તેનું મન ફરી અભ્યાસ આગળ ધપાવવા કટિબદ્ધ થયું. જો કે તે પોતાના હાથનો ઉપયોગ કરવા અસક્ષમ હતો તે છતાં રાઈટર ની મદદ થી તેને ૧૨ કોમર્સ ની પરિક્ષા આપી અને ફરી ૭૪% સાથે ઉતિર્ણ થયો.

                         ઘરમાં ,સમાજમાં સોસાયટીમાં તે એક ઉદાહરણ બન્યા પણ……તે ખુશ ન હતો…. ‘આ પરિણામ..આ ડિગ્રી શું કામની? ન તો હું કોલેજ જઈ શકીશ કે ન તો અન્ય કોર્સ …. જે અભ્યાસ નો ઉપયોગ જ ન થઈ શકે તેમ હોય તેનો શો મતલબ? મારે કંઈક કરવું છે…મારે પણ નામના મેળવવી છે’.

                           ‘બેટા સ્ટીફન હોકિંગ પણ શારીરિક રીતે અસક્ષમ હોવા છતાં તેની બુદ્ધિ થી તેને દુનિયા જીતી લીધી હતી તો તું કેમ નહીં ?’ તેના પપ્પાએ તેને પ્રોત્સાહિત કરતાં કહ્યું.

                        ‘હા સાચી વાત છે આ દુનિયા ને છોડુ એ પહેલા કંઇક તો એવું કરવું છે જેથી આ દુનિયા મને યાદ રાખે’ મનમાં દ્રઢ નિર્ધાર કરી ચૂકેલો ૠષિલ કયા ક્ષેત્રમાં આગળ વધવું તે વિચારવા લાગ્યો.

                           રાત્રે ફરી તેનું મન બારીમાંથી બહાર નીકળી ગયું , ‘હું IAS બનું કે કોમ્પ્યુટર એન્જીનીયર? કે પછી સોફ્ટવેર એન્જીનીયર….કે પછી વેબ ડિઝાઇનર…. હા મારે વેબ ડિઝાઇનર નો કોર્ષ કરવા તરફ આગળ વધવું  જોઇએ .

                         રાતે  દ્રઢ નિર્ધાર કરી તે શાંતિથી ઊંઘી ગયો કદાચ પ્રથમ વખત તેને આટલી સરસ ઊંઘ આવી હતી. ‘મમ્મી.ઇ.ઇ.ઈ …આ જો આજે કેમ મારાથી પથારી ભીની થઈ?’ કહેતા તેને ઉઠતાની સાથે ચીસ પાડી.

                          તેની ચીસ સાંભળી ને વિભા અને સમીર દોડી આવ્યા. જોયું તો સાચે ૠષિલની પથારી પલળી ગઈ હતી.આ જોઈ ને તે બંને ને એ ફાળ પડી કે શું ૠષિલ પોતાના સેન્સેશન ખોઇ રહ્યો છે કે…  ‘કંઇ નથી ૠષિલ કદાચ કામવાળી થી પાણી ઢોળાયું હશે એટલે તારી પથારી પલળી ગઇ હશે’.વિભા એ ૠષિલ ને વાત બનાવતા કહ્યું. પણ ૧૮/૧૯ વર્ષ નો યુવાન ૠષિલ બધુ઼ સમજી ગયો.

                           તે સમજી ગયો કે જેમ બાળપણ માં તેની હસવા-રમવાની ઈચ્છા અધૂરી રહી ગયેલી તેમ હવે પણ વેબ ડિઝાઇનર બનવાની તેની ઈચ્છા અધૂરી જ રહેવાની.

                          ૠષિલનાં ઈન્ટર્નલ ઓર્ગન્સ ફ્રીઝ્ડ થવા લાગ્યા છે એવું ડોકટરે નિદાન કર્યું. હવે તો તે પથારીમાંથી બેઠો પણ થઈ શકે એમ ન હતો. તે તેના સેન્સેશન ખોઇ બેઠો હોવાથી કુદરતી ક્રિયા માટે પણ પરાધિન હતો.

                        ‘મમ્મી આ મારા આંસુઓ ક્યારે ફ્રીઝ્ડ થશે ? એ પણ મારા સેન્સેશન ન કહેવાય?  ભગવાન મારી આંખો પણ તું લઈ જ લે ને કે જેથી હું સ્વપ્નો જોવું જ નહીં. હે ! ઈશ્વર આવી જીંદગી નો શું મતલબ .. હું જ્યારે તને મળીશ ત્યારે તારી પાસે મારી એક એક ખુશીઓનો હિસાબ માંગીશ . તે ફક્ત મારી સાથે જ નહીં પણ મારા માતા-પિતા સાથે પણ અન્યાય કર્યો છે તે એમની આશાઓ, ખુશીઓ છીનવી છે’ . વિભા રડતા રડતા તેની આંખનાં આંસુ લૂછી રહી હતી.

                          ‘મમ્મી ઈશ્વર જેવી કોઈ હસ્તી જ નહીં હોય નહીં તો ક્યાંક તો મને ન્યાય કરે.. અરે.. દયા કરે… તું પ્રોમિસ કર આજ પછી ક્યારેય તું અને પપ્પા આ ઈશ્વર બિશ્વર ને નહીં માનો’ વિભા સૂતેલા ૠષિલ ને બાથ ભરી ઘ્રુસકે ધ્રુસકે રડી પડી.

                         અંતે એક દિવસ એવો આવ્યો કે તે આ ફાની દુનિયા છોડી ગયો.

                          એક દિવસ વહેલી સવારે બધા ઊંઘતા હતા એ સમયે અચાનક આવેલી ખેંચનાં કારણે તે આ દુનિયા ને કાયમી વિદાય આપી ચાલ્યો ગયો.

                           માત્ર ૨૩ વર્ષની ઉંમરે ..જ્યારે તેની ઉંમરના યુવાનો કોલેજમાં મોજ-મસ્તી કરતાં હોય તે ઉંમરે એ યુવાન જીંદગી માણવાની અધૂરી ઈચ્છા લઈને મૃત્યુ પામ્યો.

                          હવે એ જ રૂમ હતો એ જ બારી .. એ જ નીચે રમતા બાળકો પણ ન હતો એ બારીમાંથી કૂદકો મારીને હવામાં ઉડવા લાગતો અમારો ૠષિલ……..

        

             પ્રિય ૠષિલ ને સમર્પિત🙏

                   મિત્રો મારી આ કૃતિ સત્ય ઘટના પર આધારિત છે ફક્ત તેના પાત્રોનાં નામ બદલ્યા છે.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ