વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માનવ ઉતરાણ



(તેણે બારીમાંથી કૂદકો માર્યો ને તે હવામાં ઉડવા લાગ્યો.)



એના કહેવાતા ઘરમાં બેઠા બેઠા વ્યોમ હવે કંટાળ્યો હતો. મજબૂત રીતે બનાવેલા નાનકડા ઓરડા કે જે દરેક પરિસ્થિતિમાં રક્ષણ આપી શકે તેમાં રહેતા રહેતા હવે એ કંટાળી ગયો હતો. અને એ ઓરડામાં સજ્જડ મજબૂત કાચ કે જેમાંથી બંદૂકની ગોળી પણ પસાર ન થઈ શકે કે ન હવા, એવી બનાવેલી મોટી બારીમાંથી એ નિર્જન વિસ્તારમાં દૂર દૂર સુધી રતાશ પડતાં ખડકો અને રણ સિવાય બીજું કંઈ જ દેખાતું નહોતું. ડિજિટલ કેલેન્ડર કહેવા માટે તો થોડાક દિવસો જ થયા છે એમ દેખાડી રહ્યું હતું, પણ વ્યોમને મન એ સદીઓ જેવા હતા. જાણે દુનિયા જ પૂરી થઈ ગઈ હોય એવો ભાસ થઈ રહ્યો હતો.


અંદર ને અંદર રહી રહીને વ્યોમ કંટાળી ચૂક્યો હતો. હારીને બેસવાથી કશું થવાનું ન્હોતું. મનમાં કઈક કરવાનું નક્કી કર્યું અને વ્યોમે બારીમાંથી કૂદકો માર્યો ને હવામાં ઉડવા લાગ્યો. બંને હાથ જાણે એની બાહો નહીં પણ એની પાંખો હોય એમ ફેલાવી. જે દેખીતી રીતે જ વધારે ફૂલેલી હતી. એમની મદદથી તે હવામાં ઉડતો ઉડતો ધીરે ધીરે નીચે ઉતર્યો. જાણે હવામાં તરતો હોય એમ. એના મોઢા પર માસ્ક સાથે ખભા પર ઑક્સિજન સિલિન્ડર હતું, પણ શરીર પર માત્ર એ જ સાદા કાપડના કપડાં.




****************************


આ મંગળ પર પહેલું માનવ ઉતરાણ થવા જઈ રહ્યું હતું. અલગ અલગ ઘણાં પ્રયત્નો છતાં સફળતા ન મળતા, આખરે પૃથ્વી પરના બધા દેશો એકજૂટ થઈને પહેલીવાર કોઈ મિશન પર કામ કરી રહ્યા હતા. જેનું નામ એમણે " વન પ્લેનેટ, વન મિશન" રાખ્યું હતું. માનવ આ સાથે જ ઇતિહાસ રચવાનો હતો. અને જે લોકો મંગળ પર પહેલીવાર પગ મૂકવાના હતા એમના નામ મનુષ્ય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઇ જવાના હતા. અત્યાર સુધી માણસે મંગળ પર શોધખોળ અને માનવજીવન ત્યાં રહી શકશે કે કેમ એ જોવા માટે પહેલા કૃત્રિમ ઉપગ્રહો એની કક્ષામાં મૂક્યા હતાં. એની સફળતા બાદ અલગ અલગ મશીન અને રોબોટ મોકલ્યા હતા. ઘણા લાંબા સમયની શોધખોળ અને મહેનત બાદ સારા પરિણામ મળતાં રોબોટ અને મશીન દ્વારા જ અહીંયા માનવને રહેવા માટે જરૂરી વસાહત ઉભી કરવામાં આવી હતી અને અનાજ સુધ્ધા એક નિયંત્રિત વાતાવરણમાં એક ખૂબ મોટા ગોળાકાર ડોમમાં ઉગાડવામાં આવ્યાં હતાં. ત્યાંની જમીન કે જેમાં  પરકલોરેટ્સનુ પ્રમાણ ઘણું હોવાને કારણે ઝેરી થઈ ગઈ હતી અને પૃથ્વી પરના ફળ અને અનાજ ઉગાડવા સક્ષમ નહોતી. એટલે તેની અસરને નાથવા નવી જ રીતે તૈયાર કરાયેલા એક નવા રસાયણને ત્યાંની જમીનમાં નાખીને અનાજ માટે ફળદ્રુપ જમીન એ ગોળાકાર ડોમમાં જ તૈયાર કરવામાં આવી હતી. સૂર્યપ્રકાશને અલગ અલગ કાચમાંથી પસાર કરીને ત્યાં પાકના જીવતા રહેવા અને વૃદ્ધિ માટે જરૂરી હોય એટલા પ્રમાણમાં પહોચાડવામાં આવતો. આ ઉગેલા અનાજની સામગ્રીમાંથી માણસને ખાવાનું મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી.



કમનસીબે હાલ અહીંયા પહોંચેલા એ લોકોમાંથી થોડાઘણાં જ લોકો રહ્યા હતા. એ થયેલા ધમાકામાં યાન ફંગોળાયા પછી બસ ગણ્યાગાંઠ્યા જ બચી શક્યા હતા. બાકીના બધા મૃત્યુ પામ્યા હતાં. ધમાકાથી દૂર સૂદુર ફંગોળાયેલા કેટલાય લોકોની તો લાશ સુધ્ધા મળી નહોતી, અને જેની મળી હતી એ લોકોને અહીંયા સળગાવવા પણ કેમ? અહિયાં અગ્નિ પેટાવવા માટે પૂરતો ઑક્સિજન પણ નહોતો. બધાને ના છૂટકે દફનાવવા પડ્યા હતા. દુઃખ અને નિરાશાએ બધાને જકડી રાખ્યા હતા. જ્યાં માણસ પોતાના ઘરથી થોડો દૂર હોય ત્યાં જ રડી પડતો હોય ત્યારે પોતાના ગ્રહથી જ બહાર જ્યારે આવો અકસ્માત બને ત્યારે એ કેવું અનુભવતો હશે એની તો બસ કલ્પના જ થઈ શકે. હવે રડી રડીને પણ કેટલું રડે...! એમ વિચારી અહીંયા આવતા પહેલા આપવામાં આવેલી યોજનાબદ્ધ તાલીમને યાદ કરી એમનો અહીં જીવતા રહવાનો મનોબળ એ લોકોએ ટકાવી રાખ્યો હતો.


એ થયેલા ધડાકાથી એમનું યાન મંગળ પર પહોંચતા પહેલાં જ ક્ષતિગ્રસ્ત થઈ ગયું. આ ધડાકે એમની વર્ષોથી કરવામાં આવેલી મહેનત પર પાણી ફેરવી દીધું હતું. દૂર ક્યાંક હજારો પ્રકાશવર્ષ દૂર એક સૂપરમેસીવ બ્લેક હોલ રચાયું અને આ ધડાકો થયો. પૂરતી જાણકારી તો મળી નહોતી શકી, પણ છેલ્લે જ્યારે યાન  ક્ષતિગ્રસ્ત થાય એ પહેલા પૃથ્વી પર વાત થઈ હતી ત્યારે એમણે આ જાણકારી આપી હતી. એ ધડાકો એટલો શક્તિશાળી હતો કે જેના લીધે કેટલાય પ્રકાશવર્ષનો ખાડો બ્રહ્માંડમાં પડ્યો હતો. એટલે દેખીતી રીતે જ એની અસર આપણા સૌરમંડળ સુધી આવી હતી. એ થયેલા ગૂઢ ધડાકાના લીધે અતિશક્તિશાળી તરંગો આખા બ્રહ્માંડમાં ફેલાયા. અને એના કારણે જ મંગળ પર પહેલીવાર જ ઉતરાણ કરવા જઈ રહેલા એ માનવયાનને જોરદાર ઝટકો લાગ્યો. જેનાથી યાન એની નિર્ધારિત કક્ષાથી બહાર ફંગોળાઈ ગયું અને ક્ષતિગ્રસ્ત થયું. ધીરે ધીરે મંગળ પર પહોંચવાની જગ્યાએ એ મંગળની જમીન પર પ્રચંડ વેગથી પછડાયું અને આ જાનહાનિ સર્જાઈ. જેમાં કેટલાય અવકાશયાત્રી મૃત્યુને ભેટયા, જેમાંથી એક વ્યોમની પ્રેમિકા ધરતી પણ હતી જે ન બચી શકી.


વ્યોમ મંગળ પર પહોંચનારી એ ટુકડીનો મુખ્ય માણસ હતો. જેના મજબૂત ખભા પર આખા મિશનનો આધાર હતો. વ્યોમનું બાળપણ અનાથાશ્રમમાં વીત્યું હતું. એ જન્મ્યો ત્યારથી જિંદગીભર બસ પ્રેમ અને પરિવાર માટે જ તરસ્યો રહ્યો હતો. એ કોનું બાળક હતો એની કોઈને ખબર નહોતી. કોઈ એ અનાથાશ્રમ આગળ એને મૂકી ગયું હતું. પણ જેમ સૂર્ય વાદળાંથી ઘેરાયેલો હોવા છતાં તેનું તેજ પ્રગટ થયાં વગર રહેતું નથી એમ વ્યોમની અપ્રતિમ પ્રતિભા પણ છુપી ન રહી શકી. જેમ જેમ એ મોટો થયો તેમ તેમ એની પ્રતિભાઓ બહાર આવવા લાગી. એની દબાવ સહન કરવાની શારીરિક તાકાત, શ્વાસને એક સામાન્ય માણસ કરતાં વધુ રોકી શકવાની આવડત અને સાથે સાથે દાદ આપવી પડે એવી બુદ્ધિમત્તા, બધું જ કોઈપણ રીતે અવગણી શકાય એમ નહોતું.


આ પ્રતિભાઓ આજે એને અહીંયા સુધી લઈ આવી હતી. પરંતુ, સમજદાર માણસ હંમેશાં એકલો જ રહી જાય છે કેમ કે એ માણસોને જલ્દી પારખી લે છે એમ વ્યોમની જિંદગી હંમેશા પ્રેમ બાબતે સૂકીભઠ્ઠ જ રહી.



એની જિંદગીમાં સાચી ખુશીઓ ધરતીના આવ્યા પછી આવી. એ એની જિંદગી, પ્રેમ અને સર્વસ્વ બની રહી. એનો નિશ્ચલ પ્રેમ વ્યોમની જીવાદોરી બની રહી. એને જીવવા માટે હવે એક પ્રેમાળ કારણ મળી રહ્યું હતું.



ધરતી પણ એટલી જ રૂપાળી અને બુદ્ધિશાળી હતી. એક શ્રીમંત પરિવારથી આવતી ધરતીને ખાધે ખૂટે એમ નહોતું, પણ બ્રહ્માંડ અને એના રહસ્યોથી એ દૂર રહી નહોતી રહી શકતી. એનો આ અવકાશ માટેનો પ્રેમ એને  આજે એક અવકાશયાત્રી બનાવી ચુક્યો હતો. અને આ ઐતિહાસિક મિશનમાં ભારત તરફથી જનારા માત્ર બે જ અવકાશયાત્રીમાં વ્યોમ સાથે ધરતી શામેલ થઇ શકી હતી.




આ મિશનની તૈયારી દરમિયાન જ્યારે તેઓ મળ્યા ત્યારથી લઈને ધરતીમાં વ્યોમ પોતાની આખી જિંદગી જોતો હતો. આખું મિશન યોજના પ્રમાણે ૧ મહિનામાં પૂરું થઈ જવાનું હતું. એના પછી તેઓ હંમેશા હંમેશા માટે એક થઈ જવાના હતા, પણ ભવિષ્યના ગર્ભમાં શું છે એ ક્યાં કોઈ જાણતું હતું..!



યાનનાં મંગળ પર પછડાતા જ સંદેશા વ્યવહારના બધા સાધનો ખરાબ થઈ ગયા. જેમતેમ કરી તેઓ રોબોટ દ્વારા બનાવવામાં આવેલા ડોમ સુધી તો પહોંચી ગયા, પણ અવકાશમાં થયેલા એ ગૂઢ ધડાકાના લીધે ડોમમાં રહેલા સાધનો પણ ખરાબ થઈ ગયા હતા. એટલે પૃથ્વી સાથે કોઈપણ જાતનું જોડાણ હાલ શક્ય નહોતું. કોઈ બીજા કૃત્રિમ ઉપગ્રહો પર હવે બધો આધાર હતો. જો એવો કોઈ ઉપગ્રહ અહીંયાથી પસાર થાય અને અહીંયાની કોઈ ફૂટેજ મોકલે તો પૃથ્વીવાસીઓને એમના જીવતા હોવાનો કોઈ પુરાવો મળે એમ હતું. પણ, આ શક્તિશાળી ધડાકામાં આ ઉપગ્રહોને પણ અસર થઈ હતી. જેમાંથી ઘણાં ભાંગી તૂટ્યા હતા અને ઘણાં એમની નિર્ધારિત કક્ષામાંથી બહાર નીકળી ગયા હતા.


હજી આ બધા એમના સાથીઓની મૃત્યુના આઘાતમાંથી ઉભરાય એ પહેલા જ બીજો આઘાત એમની માટે તૈયાર હતો. જે કદાચ આગળના આઘાતને વામન સાબિત કરવા સક્ષમ હતો.


એમના યાન તથા બનાવવામાં આવેલી એ નાની વસાહત પર જે સમય એમની ઘડિયાળ અને મશીનમાં દેખાડવામાં આવી રહ્યો હતો એ થોડાક દિવસો વીત્યા હોય એમ દર્શાવી રહ્યું હતું, જ્યારે એમને અનુભવ કેટલોય સમય વીતી ગયો હોય એવો થઈ રહ્યો હતો. ધડાકાના લીધે સમયમાં એક અસામાન્ય ફેરફાર થઈ ચૂક્યો હતો. અહીંયા મંગળ પર સમય કેટલીય સદીઓ આગળ નીકળી ચૂક્યો હતો. એટલે વ્યોમ અને એની ટુકડીને જે અહીંયા આવ્યાને બસ થોડાક દિવસો થયા હોવા જોઈતા હતા એની જગ્યાએ સદીઓ વીતી ચૂકી હતી.



આ સાથે જ બદલાવ એમના શરીરમાં પણ દેખાઇ રહ્યો હતો. તેમનું શરીર હવે અહીંયાના વાતાવરણના દબાવ સાથે અનુકૂલન સાધી ચૂક્યું હતું. એમને માત્ર હવે બસ શ્વાસ લેવા માટે ઓક્સિજનની જરૂર હતી. બાકી શરીર પર બીજા કોઈ આવરણની જરૂર નહોતી. તેઓ ડોમની બહારનું વાતાવરણ કોઈપણ જાતના શૂટ વગર સહન કરી શકતા હતા. એમના જીન્સમાં પણ ધરખમ ફેરફાર થઈ ચૂક્યા હતા. પૃથ્વી પરના માણસ કરતા હાલ એ અલગ દેખાતા હતા. એમના હાથ સામાન્ય માણસ કરતાં મોટા અને બાવડા પહોળા હતા. જેની મદદથી હાલ તેઓ હવામાં તરી શકતા હતા.


આ ફેરફાર સાથે જ બધા અંદરથી હલી ચૂક્યા હતા. ધડાકાના લીધે ખુદના લોકોને ગુમાવ્યાં અને એના પછી એમની અંદર આવેલા આટલા મોટા ફેરફારે એમના દિમાગ શુંન કરી દીધા હતા. આ બદલાવને પચાવવો બધા માટે ખૂબ મુશ્કેલ હતો.



વ્યોમ ધરતીને ગુમાવ્યાં પછી અંદરથી તુટી ગયો હતો. એ બસ જીવવા માટે ત્યાં જીવી રહ્યો હતો. ધરતીને અવકાશ અને બ્રહ્માંડના અનંત રહસ્યો પ્રત્યે જે પ્રેમ અને કુતુહલતા હતી એના સહારે વ્યોમ જીવતો રહ્યો હતો. એ આ મિશનની મહત્તા અને એમાં રહેલું જોખમ સારી રીતે જાણતી હતી અને એટલે જ એ હંમેશાં કહેતી કે " આ મિશન દરમિયાન જો ક્યારેક મને કંઈ થાય અને હું આ દુનિયામાં ન રહું તો તું મને આ બ્રહ્માંડના રહસ્યોમાં જ શોધજે." ધરતીની આ વાત અને ટુકડીના બાકીના સભ્યોને હેમખેમ એમના ઘર એટલે કે પૃથ્વી પર પાછા મોકલવા માટે જ હાલ જાણે એ જીવી રહ્યો હતો.



તેઓ પૃથ્વી પર પહોંચવા માટે અને એની જોડે સંદેશા વ્યવહાર સાધવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા હતા. પણ હજી સુધી સફળ થયા નહોતા. પણ સમયમાં થયેલા આ અદ્વિતીય ફેરફાર પછી ઘણાં બધાં સમીકરણો બદલાઈ ચૂક્યા હતા અને ઘણાં બધાં પ્રશ્નો વ્યોમ માટે ઊભા થઈ ચૂક્યા હતાં.



એ બધા પ્રશ્નો હતા કે શું આ ફેરફાર પૃથ્વી પર પણ થયો હશે કે શું? શું એ લોકોમાં આવા બદલાવ આવ્યા હશે કે પછી ત્યાં હજી પહેલાનો જ સમય હશે? શું વ્યોમ અને એની ટુકડી પૃથ્વી પર પહોંચે તો ત્યાંના લોકો એમનો સ્વીકાર કરશે? અને સૌથી ડરામણો વિચાર બધા માટે એ હતો કે જો સાચે સમય આટલો બધી વીતી ગયો તો શું પૃથ્વી હાલ હશે ખરા???????


કેમ કે નરી આંખે મંગળના આકાશમાં દેખાતી પૃથ્વી હવે એની જગ્યાએ ન્હોતી દેખાતી......



અસ્તુ



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ