વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું ધબકીશ તારામાં..

'કુવામાં પાણી વલોવાતું હોય એવો ઘમ્મર ..ઘમ્મર ..અવાજ પડઘાતો હતો .' શ્રદ્ધાનાં હૃદયમાં અનેક વિચારો વલોવાઈ રહ્યાં હતાં .હવે આગળ શું થશે ..પોતે શું કરીને રોકે આ અમંગળ ઘટનાને ..કાંઈ સમજાતું નહોતું તેને .!!

શ્રદ્ધા આજ સવારથી એનાં ઠાકોરજી સમક્ષ ખોળો પાથરીને બેઠી હતી. આંખોનું મટકુંય માર્યા વગર એનાં આરાધ્યદેવ કૃષ્ણને નિહાળી રહી હતી.તેની આંખોમાંથી અર્શ્રુંની ધાર લગાતાર વહી રહી હતી, તેની આંખોની વેદના જોઈને આજે તો તેનાં કાનાની વાંસળી ય ઉદાસીથી ઘેરાઇ ગયી હશે એમ લાગતું હતું .


શ્રદ્ધા આજે એવી લાગતી હતી જાણે કૃષ્ણની મીરાં.. કાનાની જુદાઈમાં તરફડતી રાધા.. રામજીની આશમાં બિરાજેલી માં સીતા... એનાં પ્રાણ આજે આંખોમાં વસી ગયા હોઇ એમ લાગતું હતું..સવારથી નિર્જળા વ્રત લઈને પાણીનું ટીપું ય પીધા વગર શ્રદ્ધા એનાં કાનાને  આજીજી કરી રહી હતી.. આજે ઠાકોરજી મને નિરાશ નાં કરતાં હો... એનાં કંઠમાંથી મીરાંબાઈનું ભજન વહેવા લાગ્યું ..


મેરે તો ગિરધર ગોપાલ દુજા નાં કોઈ...


આખી સૃષ્ટિ કૃષ્ણમય બની ગયી હોઇ એમ લાગ્યું. બહાર ઓસરીએ હીંચકે બેઠેલા સસરાજી દિનકરરાયની આંખોય આપોઆપ બીડાઈ ગયી. એ સમજી શકતા હતાં એમની આ ભોળી હરણી જેવી અને નિર્દોષ પારેવા જેવી વહુની વ્યથા પરંતુ ઘરમાં કાંઈ બોલી શકાય એવું ક્યાં હતું શ્રદ્ધાનાં સાસુ સુમનબેન એ કદી એમને બોલવા જ ક્યાં દીધા હતાં.


શ્રદ્ધાનાં કંઠમાંથી કાન્હાને વિંનતી કરતું ભજન દિનકરરાયની આંખો ય ભીની કરી રહ્યું.


ઓ પાલનહારે નિર્ગુણ ઔર ન્યાંરે, 

તુમરે બિન હમરા કૌનું નાહી..


હમરી ઉલઝન સુલજાઓ ભગવતં,


તુમરે બિન હમરા કૌનું નાહી..


દિનકરરાયની બંધ ભીની આંખો પાછળ ભૂતકાળની ઘટનાઓ દેખાવા લાગી.. એમનો એકનો એક પુત્ર સાગર જેમ જેમ મોટો થતો ગયો એમ એમ ચિંતામાં ઘેરાતા ગયા હતાં એ પોતે સાગરની તબિયતની વણસતી હાલતથી.

દિનકરરાયની મોરબીમાં ફરસાણની જામેલી દુકાન હતી. એક તો વૈષ્ણવ એટલે લોહીમાં જ વેપાર અને એમાંય એમનો હસમુખો અને પરગજુ સ્વભાવ, નાં શુદ્ધતામાં ગરબડ કે નાં ખોટા પૈસા પડાવવાની નીતિ. એટલે ઘરાકી તો એટલી જામે કે ક્યારેક તો એ પોતે અને ચાર માણસો ય ટૂંકા પડે.. સાગરને વેપારની સમજ આવે એટલે એમણે સોળ વર્ષનાં સાગરને દુકાને આવજે એમ કહયું હતું પણ સાગર કાંઈક વજનવાળો ડબ્બો ત્રાંસ કે એમ ઊંચકે તો ય હાંફવા લાગતો. દિનકરરાયએ જોયું અને હમણાં પૂછું એમ વિચાર્યું ત્યા તો એમનો દીકરો સાગર બેભાન થઇને પડ્યો.


ડોક્ટર પાસે લઇ ગયા તો કહે રાજકોટ સિવિલમાં દેખાડો અને ત્યાંના ડોક્ટરઓ એ કહયું કે તેમના સાગરનું હૃદય ખૂબ નબળું છે. એ જીવે તો છે પણ મોતથી દૂર નથી, ગમે ત્યારે આ નબળું હૃદય દગો દઈ શકે એનાં નબળા હૃદય માટે આખા શરીરમાં લોહી પહોંચાડવું જ બહું મોટું કામ છે. એટલે હવે સાગરને કોઈ પણ જાતનો શ્રમ નહી કરવાનો અને દવાઓનાં સહારે જીવન એવું થઇ ગયું સાગર માટે.


એમાં માંડ ચાર વરસ નીકળ્યા એ દરમ્યાન અંધશ્રદ્ધામાં માનતા એવા સુમનબેન એ કેટલાય દોરા અને ભુવાને પૈસા દઈને સાગરની તબિયતને ઔર તકલીફમય બનાવી દીધી . સુમનબેન કહેતા મારો છોકરો રાજા રામ જેવો ને કલૈયા કુંવર જેવો હરે ફરે છે. આજ કાલના દાકતરૂં રૂપિયાવાળું ગજવું જોવે એટલે કાતર લઈને કાપે રાખે.


પછી તો અડબંગ જેવા માણસોની સલાહથી એમણે વીસ  વર્ષના સાગરને પરણાવી દેવાનું નક્કી કર્યું. અને દિનકરરાયની નાં છતાં આ માં બાપ વિહોણી પારેવા જેવી નાજુક શ્રદ્ધાની સાથે કોઈ વાત જણાવ્યા વગર સાગરનાં લગ્ન ય કર્યા. એ પહેલી જાન એવી હતી જેમાં દીકરાનો બાપ રડ્યો હોઇ અલબત્ત છાના ખૂણે. દિનકરરાય કાંઈ પણ કરી નહોતા શક્યા ત્યારે પણ અને અત્યારે પણ.


સાગરને કોઈ પણ જાતના શ્રમની મનાઈ હતી અને હવે તો શ્રદ્ધાવહુ ય બધું જાણતી હતી. તો ય સુમનબેન રોજ રોજ એમને કુલદીપક લઇ આવો એમ સંભળાવે રાખતા. સાગર


ય બધું જ જાણતો હોવા છતાં એક બીમાર વ્યક્તિની જેમ ચુપચાપ ઘરમાં સૂતો રહેતો. અને એક દિવસ સાગરની તબિયતે ફરી ભંયકર ઉથલો માર્યો. કદાચ સુમનબેનની જ કચકચ એમના પુત્ર માટે પ્રાણઘાતક સાબિત થાય એમ હતું.


આજે સાગર જે હોસ્પિટલમાં દાખલ હતો ત્યા બોમ્બેથી મોટા ડોક્ટર આવવાના હતાં. જે કહેવાનાં હતાં સાગરને બચાવી શકવા માટે કદાચ કાંઈક ઉપાય હોય તો. સસરાને વહુ બંને આજે એટલે જ ભીની આંખે હજારહાથવાળાને વિનવી રહ્યા હતાં કે કોઈ ચમત્કાર કરી દે. પરંતુ સુમનબેનની વાણીનાં પ્રહારો હજી ચાલું જ હતાં.


આ ભક્તાણી અહીં કાનુડાની હારે લટુડા પટુડા કરે રાખે છે. મારો બિચારો સાગરીઓ એકલો છે ..માંદગીના ખાટલે તો પણ આ બાઈને એમ નથી થતું કે ત્યાં જઈને ધણીની ચાકરી કરે..!!


દિનકરરાય સમજી ગયા કે હવે સુમનબેન શ્વાસ ય નઈ લેવા દે. એટલે એમણે અવાજ દીધો " હાલો શ્રદ્ધા વહુ કલાક પછી મોટા ડોક્ટર આગળ શું થઇ શકશે એ કેવાના છે. તો હોસ્પિટલ પહોંચી જઈએ. "શ્રદ્ધા ફરી એનાં કૃષ્ણમુરારીને પગે લાગીને હોસ્પિટલ જવા નીકળે છે.


હોસ્પિટલ પહોંચીને ખ્યાલ આવે છે કે સાગરનું ચેકઅપ ચાલી રહ્યું છે હજી.. શ્રદ્ધા વિચારોનાં તોફાનમાં ગડથોલીયા ખાતી ફરી પાછી ઈશ્વર સારાવાના જ કરશે એમ મનને સમજાવતી બેઠી હોઇ છે એક બાંકડે... ત્યારે એનું મન ભૂતકાળની યાદોથી ઘેરાવા લાગ્યું..'કુવામાં પાણી વલોવાતું હોય એવો ઘમ્મર ..ઘમ્મર ..અવાજ પડઘાતો હતો શ્રદ્ધાનાં મનમાં . '


શ્રદ્ધાનું પિયર વાંકાનેરમાં હતું પરંતુ બસ પિયરના નામે થોડીક મીઠી ને ઘણીક કડવી યાદો જ બચી હતી એનાં પાસે. ભગવાન એનાં પાકા ભક્તોની બહું આકરી પરીક્ષા લે છે એવું જ થયું હતું શ્રદ્ધા સાથે ય, એક સમયે જેના પિતાનો ધીકતો વેપાર હતો વાંકાનેરમાં કાપડનો સહુથી મોટો શોરૂમ. ત્યારે શ્રદ્ધા માટે અવનવાં કપડાંનો ઢગ ખડકાતો.માતા પિતાનાં અપાર લાડ હતાં અને મોટાભાઈ પણ એની દરેક ઈચ્છા પુરી કરતાં. પરંતુ શ્રદ્ધા બાર જ વરસની હતી ત્યારે એક ટૂંકી માંદગીમાં એની માંનું મૃત્યુ થાય છે.


માં એ આખરી ઘડીમાં નાનકડી શ્રદ્ધાને એક કાન્હાજીની મૂર્તિ આપીને કહયું હતું કે મારી લાડકી હવે કદાચ હું તારી નાની નાની ફરિયાદો અને મનની વાતો સાંભળવા જીવતી નાં રહુ.. તો તું એ બધું જ આ કૃષ્ણમુરારીને કહી દેજે..હું એમના પાસે જ જવાની છું ,તો કાન્હાજી પછી મને તારી બધી વાતો કહેશે હો..ભોળી નાનકડી શ્રદ્ધાએ કાન્હાજીને જ માં નો દરજ્જો આપેલો પછી.. 


એનાં પિતાજી શ્રદ્ધાને માથે ઘરની જવાબદારી નાં આવે એટલે વર્ષ પછી એનાં મોટાભાઇનાં લગ્ન કરે છે.શ્રદ્ધા ભણવામાં ખૂબ હોશિયાર હતી અને માતાનાં મૃત્યુને જોઈને એનું મન ડોકટર બનવાનું હતું . એ 12th પછી એણે રાજકોટમાં મળેલ એડમિશન લઈને ડોક્ટર બનવા માટે MBBS નું ભણવાનું ચાલું કર્યું પણ ત્યાં કાલની ફરી એક થપાટ લાગી શ્રદ્ધાને . એનાં પિતાજીનાં મોટા શોરૂમમાં આગ લાગે છે બધું જ બળીને ખાક થઇ અને એ આઘાતમાં શ્રદ્ધાનાં પિતાજી બ્રેઈન હેમરેજથી  મૃત્યુ પામે છે.. પૈસાના અભાવે અને ભાભીની ચડવણીમાં આવી શ્રદ્ધાનાં મોટાભાઈ એનું ભણતર ય અટકાવી દે છે. પરંતુ શ્રદ્ધાની ભાભીને એની આ નંણદ આઝાદીથી જીવન જીવવામાં નડતરરુપ લાગતી.. એટલે એ ઓગણીસ વર્ષની શ્રદ્ધાનાં લગ્ન સાગર જેવા બીમાર વ્યક્તિ સાથે કરાવી દીધા.


કદી કાંઈ ફરિયાદો નાં કરી તો ય શ્રદ્ધાએ. પણ આજે શ્રદ્ધાને લાગે છે કે કદાચ એનું ય હૃદય અટકી જશે યાદોનાં ભારથી.. એ કાન્હાજીને વિનંતી કરે છે, "હે ઠાકોરજી તમે જ કાંઈક માર્ગ સુઝાડો.."


એકદમ જ ઘોર અંધકારમાં વીજળી ચમકે એમ શ્રદ્ધાને એની મેડિકલ કોલેજનાં એક ધૂની પ્રોફેસર યાદ આવે છે... જેમના એક પ્રયોગ વિશે એમણે વાત કરેલી કે તેઓ વર્ષોથી અમરત્વ અપાવે એવા રસાયણની શોધ કરતાં હતાં... શ્રદ્ધાને પહેલેથી જ અવનવા પ્રયોગ કરવાની જંખના હતી એટલે તે પોતે પણ ધૂની પ્રોફેસર આયુધ્યસરને લેબમાં મદદ કરવાંનો મોકો મળે ત્યારે એમના રાસાયણિક સંયોજનમાં મદદ કરતી... બસ એ જ સંયોજન દિવ્ય અમરત્વનું રસાયણ સાગરને જીવતદાન આપી શકશે એમ લાગ્યું શ્રદ્ધાને.. 


ત્યાં જ ડોક્ટરો સાગરની તપાસ પુરી કરે છે અને રિપોર્ટ આવે છે કે હવે તેના પાસે એક મહિનો જ માંડ છે.. સાગરનું નબળું પડી ગયેલું હૃદય ગમે ત્યારે કામ કરતું બંધ થઇ જશે.હવે કોઈ ચમત્કાર જ શ્રદ્ધાનાં પતિને બચાવી શકશે.


શ્રદ્ધાને લાગે છે કે હવે ડોક્ટર આયુધ્યની અમરત્વ પ્રદાન કરતી દવા જ એકમાત્ર રસ્તો છે એનાં પતિને નવું જીવન દેવા માટે.  એટલે શ્રદ્ધા એનાં સસરાજીને બધી જ વાત કરીને નીકળે છે રાજકોટમાં આવેલી એની મેડિકલ કોલેજ તરફ...અમરત્વ પ્રદાન કરતાં રસાયણની શોધ માટે...


શ્રદ્ધા જઈને આયુધ્યસરને મળે છે એનાં પતિનું નબળું હૃદય ફરી સરખું થાય અને સાગર દીર્ધાયુ બંને એ માટે મદદ કરવાની વિનંતી કરે છે.


ડોક્ટર આયુધ્ય કહે છે હાં શ્રદ્ધા એ રસાયણ હજી બન્યું નથી, બસ પૂર્ણતાને આરે જ છે એને લેવાથી લેનાર મનુષ્યનાં જીર્ણ કોષ ચિરયૌવન પ્રાપ્ત કરે છે પછી એ વ્યક્તિનું શરીર જે કોષોનું જ બનેલું છે એમાં કદી ઘડપણ જ નહી આવે, પણ પ્રોફેસર કહે છે કે એક ત્રુટિ હું હજી દૂર નથી કરી શક્યો.. અને એ ત્રુટિ એ છે કે તે રસાયણનાં પ્રયોગથી માણસ અમર થઇ જાય છે પરંતુ એનાં ભાવો બધાજ નાશ પામશે... નઈ એ માણસને સુખ સ્પર્શે કે નઈ દુઃખ બસ જીવશે પણ લાગણીઓ વિહીન થઇ જશે..એનું જીવન અતિશય લાબું જ હશે પણ એ ફક્ત મૂર્તિમંત બની જશે.બીજી કેટ્લીક તકલીફો પણ ઉદભવી શકે છે. શ્રદ્ધા આંખો બંધ કરી અને એનાં કૃષ્ણ મુરારીને રસ્તો બતાવવા વિનવી રહી.


અચાનક એની સ્મૃતિમાં આવે છે જે મેડિકલનું ભણતા વખતે એક વાર ડોકટર આયુધ્યએ જ ભણાવ્યું હતું કે કોઈ પેશન્ટને ખામી યુક્ત હૃદયની તકલીફ હોઇ તો તેને હૃદય પ્રત્યારોપણની સારવારથી મટાડી શકાય છે. તે ડોક્ટર આયુધ્યને પૂછે છે કે સર મારાં પતિને હૃદયપ્રત્યારોપણથી સાજા કરી શકાય ને? 


ડોક્ટર આયુધ્ય કહે છે, "હાં બેટા શક્યતા છે પરંતુ એનાં માટે ડોનર મળવાની રાહ જોવી પડે અને એ ઓપરેશન અત્યંન્ત જોખમી પણ કહી શકાય , વળી બહું ઓછાં ડોકટરો આવું જટિલ ઓપરેશન કરી શકવાની ક્ષમતા ધરાવતા હોય ."


શ્રદ્ધા મનમાં જ મુરલીધરને આજીજી કરે છે કાન્હા કાંઈક રસ્તો તું જ સુજાડ. થોડીવાર પ્રાર્થના કરી એ આંખો ખોલે છે, અને કહે છે કાન્હા હું તો તારામય જ બની ગયી છું.તારાં સિવાય ક્યાંય મારાં આત્માને શાંતિ નઈ મળે. મને તારાંમાં જ સમાવી લે જે. એક તને પસંદ નહીં પડે એવું કાર્ય કરવાં જઈ રહી છું. પણ એમ કરવાથી ભલે નામથી જ મારી સાથે જોડાયેલા છે એવા પણ મારાં પતિ છે તેમને નવું જીવન મળશે, મારાં સાસુંને  એમનો કુલદીપક બુજાતા નઈ જોવો પડે. મારાં સસરાજીને ઘડપણમાં પુત્ર વિનાનું જીવન જીવવું નહી પડે.. 


શ્રદ્ધા એની આખરી ઈચ્છાને લખીને એક કાગળ તૈયાર કરે છે. અને પછી સાસું સસરા હોસ્પિટલ હોઇ ત્યારે ઘરે આવીને ડોક્ટર આયુધ્યને જાણ કરે છે કે સર સાગર માટે હૃદયની વ્યવસ્થા થઇ ગયી છે તમે હાર્ટ સ્પેશિયાલિસ્ટ  ડોક્ટરનો સંપર્ક કરી જલ્દી જ ઓપરેશનની વ્યવસ્થા કરો. પછી શ્રદ્ધા સસરાજીને ફોનથી જણાવે છે કે સાગરનું કઇ રીતે ઓપરેશન થશે અને જલ્દી જ બધી વ્યવસ્થા કરો. સાસુજી ને કહે છે માં તમારો દીકરો સાજો થઇ જશે હો.. કાન્હાજી એ મારી વિનતી સ્વીકારી લીધી છે. સસરાજીને ઘરે જલ્દી જ એમ્બ્યુલન્સ લઇને આવવાનું કહી શ્રદ્ધા એનાં કૃષ્ણમુરારીમાં સમાઈ જાય છે. પાછળ રહી જાય છે એનો નશ્વર દેહ અને ધબકતું હૃદય.


થોડા સમય પછી સાગરનાં શરીરમાં શ્રદ્ધાનાં  હૃદયનું  પર્યતયારોપણ કરવામાં આવે છે. અને એ ઓપરેશન સફળતાથી પાર પડે છે.શ્રદ્ધાનુ હૃદય સાગરમાં ધબકવા લાગે છે.


થોડા દિવસો પછી ફરી એક સવારે દિનકરરાયનાં ઘરે વહેલી સવારે ભજનનાં સુર રેલાય છે..


ઓ પાલનહારે નિર્ગુણ ઔર ન્યાંરે,


તુમરે બિન હમરા કૌનું નાહી..


હમરી ઉલઝન સુલજાઓ ભગવતં,


તુમરે બિન હમરા કૌનું નાહી..


સાગર હાથમાં આરતીની થાળી લઈને કાન્હાજીની મૂર્તિ સામે ભીની આંખોએ ભજન ગાઈ રહ્યો હોઇ છે. દિનકરરાય અને સુમનબેન ય સાથે બેસીને કાન્હાજી ની મૂર્તિમાં તેમની શ્રદ્ધા વહુની ઝાંખી અનુભવી રહ્યા હોઇ છે. સુખડનો હાર ચડાવેલો શ્રદ્ધાનો ચહેરો આજે ખુશ લાગી રહ્યો હતો..

✍️R.Oza.  " મહેચ્છા "

(( આ ફક્ત એક લેખકની કલમ અને કલ્પના શક્તિથી ઘડાયેલી વાર્તા છે.. વાસ્તવિકતા સાથે સાયુજ્ય નાં પણ સ્થાપી શકે તો દરગુજર કરશો... ))


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ