વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જાદુઈ તસ્વીર

                  'પડકાર' ટૂંકીવાર્તા સ્પર્ધા


તેણે બારીમાંથી કૂદકો માર્યો ને તે હવામાં ઉડવા લાગ્યો.

   

જાદુઈ તસ્વીર


હૃદય આકારના દરવાજાની અંદર પ્રવેશીને ચારેબાજુ નજર ફેરવતા મેઘધનુષની માફક સપ્તરંગી રંગોથી રંગાયેલી દીવાલ નજરે પડતી હતી. વિશાળ શયનખંડમાં પરિભ્રમણ કરતા કુલ છ બારીઓ ઊડીને આંખે વળગે એમ હતી. બારી પરના મખમલના પડદાં હવામાં ઝૂલી રહ્યાં હતાં.

દરવાજો ખોલીને કિંગ ડેનોમ રૂમમાં પ્રવેશ્યા. રૂમમાં પ્રવેશીને એમણે અરીસા સામે બેઠેલી ગુલાબી રંગના ગાઉનમાં સજ્જ રાજકુમારીને ઉત્સાહપૂર્વક કહ્યું, "વિશ યુ વેરી હેપી બર્થ ડે માય પ્રિન્સેસ..."

આ સાંભળતા જ ખુશ થતા રાજકુમારી લેટિશિયા જોશમાં ઊભી થઈને એના પિતાને ભેટી પડી, "થેંક્યું સો મચ ડેડી..!"

કિંગ ડેનોમે હવે હાથ આગળ કરીને લેટિશિયાને સુંદર વાયોલિન ભેટ આપ્યું. પછી લેટેશિયાનો હાથ પકડીને એને પોતાની સાથે રૂમની બહાર લઈ જવા લાગ્યા. જેમ જેમ એ આગળ જઈ રહ્યા તેમ તેમ તેની પીઠ પાછળ રહેલો દરવાજો સંકોચાઈ રહ્યો હતો.

દાદરા પર લગાવેલા હારબંધ પુષ્પો પણ રાજકુમારીને જોઈને લજ્જિત થતા હોય એમ એમણે નજર ઝૂકાવી લીધી. દાદરા ઉતરીને તેણી અંધારું છવાયેલ હતું એ હોલમાં ઉપસ્થિત થઈ. આંખો પર બાંધેલી પટ્ટી હટાવીને જોયું તો અંધારું ધીમે ધીમે દૂર થતું હતું.

એની નજર સામેની દીવાલ પર પારદર્શક કાચ વડે અંગ્રેજી શબ્દોમાં હેપી બર્થડે લખેલું હતું. આજુબાજુ રંગબેરંગી રીબીન લગાવેલી હતી. નીચેની ફર્સ પણ વિવિધ રંગોના ફુગ્ગાઓથી ઢંકાયેલી હતી.

હોલની બરાબર વચ્ચે ગુલાબના ખીલેલા ફૂલ આકારની કેક ટેબલ પર હતી. રાજકુમારી લેટિશિયા ખુશ થતા ગોળ ગોળ ફરીને શણગારેલા હોલની છબીને એના દિલમાં કેદ કરવા મથી પડી.

બ્રેકગ્રાઉન્ડમાં ધીમું ધીમું સંગીત વાગતું હતું. રોમેન્ટિક સંગીતના તાલે ત્યાં હાજર સૌ યુગલ કપલ ડાન્સ કરવા માટે આતુર હતા.

રાત્રે બારના ટકોરા પડ્યા અને ત્યાં હાજર સૌ કોઈ ધીમા સૂરે રાજકુમારી લેટિશિયા માટે જન્મદિવસની પંક્તિ ગાવા લાગ્યા. લેટિશિયા ટેબલની નજીક ગઈ અને ખુશ થતા તેણે કેક કાપી.

સૌએ ઉત્સવ મનાવ્યો. બ્રેકગ્રાઉન્ડમાં વાગતું ધીમું સંગીત, ફુગ્ગાઓના ફૂટવાનો અવાજ, ઉપરથી ધીમે ધીમે ખરતા પુષ્પો અને લોકોની ભીડ! આ બધા વચ્ચે પાર્ટી પૂર્ણ થઈ.

પાર્ટી પૂરી થતાં ધીમે ધીમે મહેમાનોએ ત્યાંથી રજા લીધી. અઢળક ભેટ જોઈને આજે લેટિશિયાના મુખ પર ખુશી છવાઈ ગઈ. જન્મદિવસ પર મળેલી ભેટ લઈને એ પોતાના રૂમ તરફ દોડી ગઈ.

વારાફરતી દરેક ભેટને તેણી નીરખવા લાગી. અચાનક એની નજર કાળા રંગથી ચમકતા ગિફ્ટ પેપર પર પડી. એણે આતુરતાપૂર્વક એ બૉક્સ હાથમાં ઉપાડ્યું.

ગિફ્ટ પેપર દૂર કરીને તેણે બૉક્સ ખોલ્યું. ખુલતાની સાથે જ એની આંખો પલકારા મારતી બંધ થઈ ગઈ! બૉક્સમાં રહેલી વસ્તુ જોઈને લેટિશિયા મુખમાંથી એકાએક 'અદ્ભુત' શબ્દ નીકળી ગયો!

લાકડાના ચોરસ પાટિયા પર ચારે કિનારી રંગેલી હતી. વચ્ચે આબેહૂબ રાજકુમારી લેટિશિયાનું ચિત્ર! પોતાનું જ ચિત્ર, કોઈ ચિત્રકારે પોતાના હાથથી બનાવેલું, જાતે જ રંગો ભરેલા. આ ભેટ જોઈને તેણી ખુશીથી ઉછળી પડી.

ગુલાબી રંગનું ગાઉન, નિતંબ સુધીના લાંબા કાળા કેશ, ગોરો ચહેરો, હોઠ પાસે તલ, લાંબી પાંપણોવાળી મોટી મોટી પાણીદાર આંખો, તીણું નાક અને માથે પહેરેલો મુગટ! જાણે હમણાં જ એ તસ્વીર બોલી ઉઠશે એવું અદ્ભૂત અને સુંદર સર્જન એ ચિત્રકારે કર્યું હતું.

રાજકુમારી લેટેશિયાએ પોતાની તસ્વીરને સ્પર્શ કર્યો. સ્પર્શતાની સાથે જ જાણે શરીરમાં એક અલગ જ અનુભૂતિ થઈ. તસ્વીર પરથી એની નજર દૂર ખસી જ રહી ન હતી. મોડી રાત થઈ ગઈ એટલે પોતે સૂવા માટે પોતાના રૂ જેવા ગાદલા ધરાવતા પલંગ પર પહોંચી.

"મારા જન્મદિવસની સૌથી યાદગાર ભેટ છે મારી આ તસ્વીર. પણ... આ ભેટ આપનાર છે કોણ?" મનમાં દબાયેલો સવાલ હોઠ પર આવ્યો.

ભેટ આપનાર કોણ હોય શકે એ વિચાર કરતા કરતા પોતાની તસ્વીર સાથે લઈને જ એ પોઢી ગઈ.

પલંગ પાસે રહેલી બારી હળવેથી ખોલીને મખમલના પડદાને દૂર હટાવી કોઈ વ્યક્તિએ રાજકુમારીના રૂમમાં પ્રવેશ કર્યો. છ ફુટ જેટલી ઊંચાઈ ધરાવતો થોડો શ્યામવર્ણો લંબગોળ ચહેરો અને ભૂરા રંગના વાળ. એના મુખ પરનું સ્મિત તો એવું કે જોઈને જ કોઈ પણ યુવતી એના તરફ આકર્ષાય જાય.

હાથમાં ફૂલોનો ગુલદસ્તો લઈને એ રાજકુમારી લેટિશિયાની એકદમ નજીક આવ્યો. પાછળ રહેલા લેટિશિયાના લાંબા વાળ એને આગળ ધપાવ્યા. પાછળથી જ એને લેટિશિયાને એક
હૂંફભર્યું આલિંગન આપ્યું. લેટિશિયા આ સ્પર્શને માણતી રહી. એના બદનમાંથી આવતી ખુશ્બુને એ પોતાના દિલ સુધી ખેંચી રહી હતી.

તે યુવકને અચાનક કોઈ રૂમ તરફ આવતું હોય એવો ભાસ થયો. તેણે બારીમાંથી કૂદકો માર્યો ને તે હવામાં ઉડવા લાગ્યો. તેને આમ જતા જોઈને રાજકુમારી આશ્ચર્ય પામી બારી પાસે ઊભી રહી ગઈ. તેણીને સાચે એ યુવક અશ્વ પર બેસીને હવામાં ઉડતો નજરે પડ્યો. સફેદ રંગના અશ્વ પર હાથમાં પીંછી લઈને એ રાજકુમારી તરફ જ જોઈ રહ્યો હતો.

તેના હાથમાં રહેલ પીંછી જોઈને રાજકુમારી સમજી ગઈ કે આ રાજકુમાર કોઈ ચિત્રકાર હોવો જોઈએ. પણ આ રીતે હવામાં થોડો ઊડી શકે? નક્કી આ કોઈ જાદુઈ ચિત્રકાર હશે.

"પ્રિન્સેસ લેટિશિયા" શબ્દો કાને પડતા તેણી સહસા ઊંઘમાંથી ઊઠી થઈ. ઉઠતાની સાથે જ એના મુખમાંથી શબ્દ નીકળ્યો, "રાજકુમાર રેનોલ્ડસ....!"

પોતાની ચારેબાજુ નજર ફેરવી તેણી રાજકુમારને શોધવા લાગી. એને કોઈ નજરે ન ચડ્યું. ત્યારે એને ખ્યાલ આવ્યો કે તે પોતે સ્વપ્નમાં રાજકુમારને મળી હતી.

પોતાના મુખેથી નીકળેલું નામ રોનાલ્ડસે એને વધુ ચિંતામાં ડુબાડી દીધી. ગઈ રાતની અદ્ભુત ભેટ અને પોતાના સ્વપ્નને સરખાવતી એ હાથમાં તસ્વીર પકડી મહેલના સૌથી ઉપરના ઝરૂખામાં જઈને બેઠી.

તસ્વીરને નીરખ્યા કરતી એની નયનો નીચેના ભાગમાં લખેલ નામ પર સ્થિર થઈ. જ્યાં લખ્યું હતું, 'ચિત્રકાર રોનાલ્ડસ'

હવે ફરી તેણે તસવીરનો સ્પર્શ કર્યો. જાણે કોઈ અલૌકિક શક્તિ એનામાં પ્રવેશી હોય એવો એને ભાસ થયો અને એ જ પળે તેણી એક બગીચામાં પહોંચી ગઈ. ધોધમાર વરસતા વરસાદમાં તેણી ભીંજાઈ રહી હતી. વરસાદના કારણે ઠંડીથી બચવા બંને હાથની હથેળીઓ મસળતી હતી. ત્યાં પાછળ કોઈ વ્યક્તિના પગરવ સંભળાયા. તેણે પાછળ ફરીને જોયું. તેના બદનમાંથી આવતી ખુશ્બુ પર એ મોહિત બની ગઈ. એ વ્યક્તિએ પોતે વેલવેટના પુષ્પોથી બનાવેલી છત્રી કાઢી.

છત્રી પકડી એ વ્યક્તિ ચાલતો થયો. એના કદમ સાથે કદમ મેળવી રાજકુમારી લેટિશિયા પણ ચાલવા લાગી. બંને બગીચાના ખૂણા પાસે આવેલ ફૉકીશોપ પર ગયા. બારીની બાજુમાં આવેલ ટેબલ પર બંને ગોઠવાઈ ગયાં.

એ વ્યક્તિ સામે જોઈને રાજકુમારી લેટિશિયા આજુબાજુનું ભાન ભૂલી ચૂકી હતી. એના હૃદયમાં સંગીતના સૂર રેલાવા લાગ્યા. થોડી જ વારમાં એને બેચેની મહેસૂસ થવા લાગી. એ સામે બેસેલા વ્યક્તિને સ્પર્શ કરવા ગઈ.

એના હાથ હજુ એ વ્યક્તિ સુધી પહોંચે એ પહેલાં જ... 'તેણે બારીમાંથી કૂદકો માર્યો ને તે હવામાં ઉડવા લાગ્યો'

તરત જ રાજકુમારી લેટિશિયા ઊભી થઈને બારી પાસે ગઈ. આ વખતે પણ તે સફેદ અશ્વ સાથે એક હાથમાં પીંછી લઈને હવામાં ઊડી રહ્યો હતો. ફરી લેટિશિયાના મુખમાંથી શબ્દો નીકળ્યા, "ચિત્રકાર રોનાલ્ડસ....!"

હવે રાજકુમારીને પોતાના શરીરમાં એક હળવી ધ્રૂજારીનો અનુભવ થયો. બંને હાથોથી પોતાનું માથું પકડીને તેણી આજુબાજુ જોવા લાગી. પોતે મહેલના સૌથી ઉપરના ઝરૂખામાં બેઠી હતી.

આસપાસ ન કોઈ બગીચો હતો, ન તો કોઈ રેસ્ટોરન્ટ. વરસતા વરસાદની જગ્યાએ પણ અત્યારે ધોમધખતો તડકો હતો. આજુબાજુનું દ્રશ્ય જોઈ એને વાસ્તવિકતાનું ભાન થયું!

હવે પોતાને સમજાય ગયું હતું કે એને રાજકુમાર રોનાલ્ડસ તરફ આકર્ષણ થઈ રહ્યું હતું. પોતે રાજકુમાર રોનાલ્ડસને સ્વપ્નમાં બે વાર મળી ચૂકી હતી. આજે એને વાસ્તવમાં રાજકુમાર રોનાલ્ડસને મળવાની તાલાવેલી જાગી હતી.

આટલી અદ્ભુત ભેટ માટે રાજકુમાર રોનાલ્ડસનો આભાર માનવો હતો. ધીમે ધીમે સાંજ ઢળતી ગઈ. આકાશમાં ચમતા તારાઓને જોઈ એને હવામાં ઉડતો સફેદ અશ્વ યાદ આવ્યો. બારી પાસે બેસી ખુલ્લા આકાશને નિહાળતી એ રૂમમાં જઈ તસ્વીર હાથમાં લઈને ફરી ત્યાં આવી.

તસ્વીરનો સ્પર્શ કરતા કરતા આજે એનો હાથ તસ્વીરમાંની આંખો પર અટક્યો. જેવો હાથ તસ્વીરને અડ્યો કે તરત જ આંખો પલકારા મારવા લાગી.

બંને આંખોના પ્રથમ પલકારે જ એમાંથી એક પત્ર બહાર નીકળ્યો. આ જોઈને રાજકુમારી લેટિશિયા કોઈ પ્રતિચાર ન આપી શકી. પત્ર બહાર આવતાની સાથે જ બંને આંખો પલકારા મારતી બંધ પડી ગઈ. પત્ર હવામાં લટકી રહ્યો હતો. આ જોઈને રાજકુમારી લેટિશિયાને ખૂબ નવાઈ લાગી.

પત્ર પકડી રાજકુમારી લેટિશિયા એને વાંચવા લાગી. પત્રમાં લખ્યું હતું, 'વિશ યુ વેરી હેપી બર્થડે પ્રિન્સેસ લેટિશિયા જન્મદિવસ પર મારા તરફથી એક અનોખી ભેટ સ્વીકારવા વિનંતી... હું રાજ્યનો પ્રિન્સ ચિત્રકાર રોનાલ્ડસ. મને મળવું હોય તો આજથી ચાર દિવસ પછી બ્રાઈટફ્લાવર ગાર્ડન પાસે આવેલા રિમઝીમ રેસ્ટોરન્ટમાં તું મળી શકે છે. મળવા માટે આતુરતા રહેશે.'

પત્ર પૂર્ણ કરીને રાજકુમારી લેટિશિયાના મુખ પર સ્મિત ઉભરી આવ્યું. એ જે વ્યક્તિને મળવા માંગતી હતી એ માટે સામેથી જ મોકો મળી ગયો. એના માટે હવે રાત વિતાવી પણ બહુ મુશ્કેલ બની ગઈ. સવારની ઉત્સાહપૂર્વક રાહ જોતા જોતા તેણી પલંગ પર આડી પડી.

કોઈ હિસાબે એને ઊંઘ આવી રહી ન હતી. ઘણા પ્રયાસો બાદ પણ જ્યારે ઊંઘ ન આવી ત્યારે ઊભી થઈને એ રૂમના ખૂણા તરફ ગઈ. વાયોલિન હાથમાં લઈને એ સંગીતના સૂર રેલાવા લાગી. સંગીતના દરેક શબ્દે એને રાજકુમાર રોનાલ્ડસની યાદ આવતી હતી.

સંગીત ગાતા ગાતા જ એણે નિર્ણય કર્યો કે, કાલે જ્યારે રાજકુમાર રોનાલ્ડસને મળશે ત્યારે પ્રેમનો પ્રસ્તાવ મૂકશે. આ વિચાર કરતાની સાથે એણે વાયોલિન પડતું મૂક્યું. તેણી રાજકુમાર રોનાલ્ડસ માટે અડધી રાત્રે જ વીંટી શોધવા નીકળી પડી.

ઘણી દુકાનો પર ગયા પછી લાંબી મહેનત બાદ તેણે એક વીંટી પસંદ કરી. મ્યુઝિક વગાડતી અને રોનાલ્ડસની વીંટી ખરીદીને એ મહેલ તરફ પાછી ફરી.

દીવાલ પર લગાવેલ ઘડિયાળના ટક... ટક... કરતા કાંટા પણ આજે એને બહુ ધીમા લાગતા હતા.

આખરે રાજકુમારી લેટિશિયાનો ઇન્તજાર ખતમ થયો. સવાર પડી અને તરત જ એ બ્રાઈટફ્લેવર ગાર્ડન તરફ નીકળી પડી. રિમઝીમ રેસ્ટોરન્ટ પહોંચીને એની નજર રાજકુમાર રોનાલ્ડસને શોધવા લાગી.

એની નજર પીઠ પાછળની તરફ ફેરવીને ઊભેલા એક યુવક તરફ ગઈ. ઊભેલો યુવક એના માટે લોહચુંબક હોય એ રીતે રાજકુમારી લેટિશિયા એ તરફ ચાલતી થઈ. જેમ જેમ એ આગળ વધી રહી હતી એમ વાતાવરણમાંથી મનમોહક ખુશ્બૂ એની પાસે આવી રહી હતી. આવતી ખુશ્બૂ એને જાણતી લાગી રહી હતી.

એ પેલા યુવક પાસે પહોંચે એ પહેલાં જ યુવકે પોતાનું મુખ ફેરવીને રાજકુમારી લેટિશિયા આવતી હતી એ દિશામાં જોયું. યુવકનો ચહેરો જોઈને રાજકુમારી લેટિશિયાને એને ઓળખતા વાર ન લાગી.

રાજકુમારી લેટિશિયાએ રાજકુમાર રોનાલ્ડસ તરફ દોટ મૂકી. રોનાલ્ડસના મુખ પર એક હાસ્ય ઉપસી આવ્યું. રાજકુમારી લેટિશિયા થોડીવાર માટે તો આંખોના પલકારા માર્યા વગર જ રોનાલ્ડસને જોતી રહી. સામે પક્ષે ચળકતાં લાલ રંગના ગાઉનમાં સજ્જ રાજકુમારીને જોઈને રાજકુમાર રોનાલ્ડસનું દિલ ધબકતું બંધ પડી ગયું હોય એવી સ્થિતિ સર્જાઈ.

રાજકુમાર રોનાલ્ડસે લેટિશિયાના ખભા પર સ્પર્શ કર્યો. લેટિશિયા જાણે ઊંઘમાંથી ઝબકી હોય એમ ખ્યાલોમાંથી બહાર નીકળી.

સૌ પ્રથમ જન્મદિવસે પોતાની મળેલી અદ્ભુત ભેટ બદલ લેટિશિયાએ રોનાલ્ડસનો આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ પોતે હાથ રાખેલ મોરપીંછને રાજકુમાર રોનાલ્ડસના મોં પર ફેરવી એ ઘૂંટણ ટેકવી નીચે બેઠી. રોનાલ્ડસનો હાથ પોતાના હાથમાં લઈને એણે વીંટીમાં મ્યુઝિક ચાલુ કરીને વીંટીને રોનાલ્ડસના હાથમાં પહેરાવી.

વીંટી હાથમાં પહેરી રાજકુમાર રોનાલ્ડસ જોરજોરથી હસવા લાગ્યો. રાજકુમારી લેટિશિયા પરિસ્થિતિ સમજે એ પહેલાં જ એણે પોતાના હાથમાં રહેલી પીંછી વડે જાદુઈ બારી બનાવી. તેણે બારીમાંથી કૂદકો માર્યો અને તે હવામાં ઉડવા લાગ્યો.

જતા જતા એ કહેતો ગયો, "બાય પ્રિન્સેસ લેટિશિયા... મેં આપેલી ભેટ તને આજીવન નહીં વિસરાય એ જ રીતે તે આપેલી આ સુંદર વીંટી પણ મને ક્યારેય નહીં ભૂલાય. ગુડ બાય સ્વીટ હાર્ટ..."

રાજકુમારી લેટિશિયા એને જતો જોઈ જ રહી. લિટીશિયાની આંખોમાંથી ટપ ટપ આંસુ ટપકવા લાગ્યા. એણે ગુસ્સામાં બૂમ પાડી, "દુષ્ટ ચિત્રકાર..."

પોતાના આસું લૂછતી લૂછતી એ રિમઝીમ રેસ્ટોરન્ટથી મહેલ તરફ જવા રવાના થઈ. જતા જતા એણે પોતાના જેવી ઘણી રાજકુમારીઓને આકાશ તરફ જોઈને આસું સારતા જોઈ. આ દ્રશ્ય જોઈ રાજકુમારી લેટિશિયાને દુષ્ટ ચિત્રકારનું ચારિત્ર્ય બરાબર સમજાય ગયું.

રાજકુમારી લેટિશિયાએ મહેલ પહોંચીને પહેલું કામ એ જાદુઈ તસ્વીરને ફેંકવાનું કર્યું. બારી પાસે જઈને એણે પોતાની તસ્વીર તોડીફોડી નાખી પછી ગુસ્સામાં ને ગુસ્સામાં તે તસ્વીના ટૂકડાં બારીની બહાર ફેંકી દીધાં.

બીજા દિવસે સવારે લેટેશિયા ઊઠી તો એણે જે દ્રશ્ય જોયું એ ઘણું આશ્ચર્યજનક હતું! લોટેશિયાના હોંશ જ ઉડી ગયા, કારણ કે એણે જે તસ્વીરને તોડીને ફેંકી હતી એ સહીસલામત હાલતમાં એની બાજુમાં જ પથારી પર હતી!

હજુ તેણી એ તસ્વીર જોતી હતી, ત્યાં રાજકુમાર રોનાલ્ડસે જતા જતા જે વાક્ય કહ્યું હતું એ એના કાનમાં ગુંજવા લાગ્યું, "મારી ભેટ તને આજીવન યાદ રહેશે..."

   ✍️ © મીરા પટેલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ