વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સૂર્યોદય

"ઓમ્ નમો ભગવતે વાસુદેવાય!" ઈશ્વર મનોમન બોલ્યા કરતો હતો ને ઝડપ થી વરસાદ માં એકટીવા ભગાવી રહ્યો હતો. આજે એની સૌથી અઘરી પરીક્ષા હતી ને તે આમાં ઉતીર્ણ થશે જ તેવો દ્રઢ સંકલ્પ કરીને જઈ રહ્યો હતો.



પણ આજ નો વરસાદ એને દસ વર્ષ પહેલાં નો એક આવો જ વરસાદ યાદ આવ્યો.


--------------------------------


" તને સમજાય છે કઈ? આ ફિઝિક્સ ને કેમેસ્ટ્રી કઈ ખાવાના ખેલ નથી! બાયોલોજી નો બી નથી આવડતો ને તને ડોકટર બનવું છે? બહાર નીકળ મારા ટ્યુશન માંથી, ફેલ તું થઈશ ને નામ મારું ખરાબ થશે! આજ પછી આ બાજુ દેખાઈશ તો યાદ રાખજે કે પ્રેક્તિકલ પરિક્ષા માં ફેલ થવા વાળો પહેલો સ્ટુડન્ટ તું હોઈશ!" કાર્તિક સર ખૂબ જ ગુસ્સા માં હતા. 


"સર પ્લીઝ સોરી હવે હું વાતો નહિ કરું. મને પાછળ દેખાતું નહોતું એટલે.."


" ચૂપ થઈ જા. છેલ્લી પરીક્ષા માં તને ૫૦ માં થી ખાલી ૨૮ માર્ક હતા. તું લાયક જ નથી ડોકટર બનવાને. જા જઈ ને બાપ ની દુકાને બુટ વેચ." કાર્તિક સર એ ચોક ફેંકતા કહ્યું.


આ સાંભળતા જ ઈશ્વર એકદમ લાલચોળ થઈ બહાર નીકળી ગયું. બહાર મુશળધાર વરસાદ પડતો હતો. ને તે એકદમ રડતા રડતા ચાલવા માંડ્યો. 


જેશલપર જેવા નાના શહેર માં એક કાર્તિક સર જ ફિઝિક્સ ના શિક્ષક હતા, ને ટ્યુશન ને શાળા બંને માં તેમની ખૂબ ધાક હતી.



ઈશ્વર ના પપ્પા ની બૂટ ની નાનકડી દુકાન હતી ને ક્યારેક સાંજે પપ્પા ને ક્યાંય કામ થી બહાર જવાનું હોય તો ઈશ્વર દુકાન પણ સાંભળતો.તે રડતો રડતો ઘર પાસે પહોંચ્યો. એને ખબર હતી કે જો મમ્મી પપ્પા ને ખબર પડી તો તેનું આવી બનશે. તેણે ઘરે કઈ પણ ન કહેવાનું નક્કી કર્યું.



બીજા દિવસ થી તે ટ્યુશન ના સમયે ઘરે થી નીકળ્યો અને એક બગીચા માં જઈ ને વાંચવા માંડ્યો. આવું ૩ મહિના ચાલ્યું ને ૧૨ ના બોર્ડ માં ફિઝિક્સ ના પેપર માં ૭૪ માર્ક સાથે પાસ થયો. પરંતુ કાર્તિક સર એ પોતાના અહમ્ ને સંતોષવા માટે પ્રેક્તિકલ માં માત્ર પાસિંગ માર્ક જ આપ્યા.  



તે પરિણામ લઈ ને ઘરે આવ્યો ત્યારે પપ્પા દુકાન જવાની તૈયારી કરતા હતા ને એ એમના પગ પાસે બેસી ને ખુબ રડ્યો. તેને ખબર હતી એનું ડોકટર બનવું એ એના એકલા ની નહિ એના માતા પિતા નું પણ સપનું હતું. ને હવે તે સપનું લગભગ રોળાઈ ગયું હતું. એણે પપ્પા ને બધું જ જણાવ્યું ને પોતાની ભૂલ બદલ માફી માંગી.



એના પપ્પા જીંદગી ની જડીબુટ્ટી પી ગયેલા વ્યક્તિ હતા, એમણે ઘણા ઉતાર ચડાવ જોયા હતા. એમણે દીકરા ને ઘરે લગાવ્યો અને કહ્યું " ઓમ્ નમો ભગવતે વાસુદેવાય, દીકરા એક વાત યાદ રાખજે, તારું ભવિષ્ય તારા હાથ માં છે કોઈ જ એને બનાવી કે બગાડી શકતું નથી, તે જો પહેલા કીધું હોત તો આપણે સાહેબ ને મળી એનો રસ્તો કાઢી લેત, વાંધો નહિ હવે તું જરા પણ નાસીપાસ ન થા, એક પરિણામ કે એક પરિક્ષા તને મૂલવી શકતી નથી. હંમેશા યાદ રાખજે કે એક નવી સવાર ઉગશે, એક નવો રસ્તો ખુલશે! ને આજે મેડિકલ માં એડમીશન નહિ મળે તો શું થયું? આપણે ચોક્ક્સ આગળ વધીશું. જ્યારે મુંઝવણ થાય એટલે મન માં બોલવું " ઓમ્ નમો ભગવતે વાસુદેવાય" તને હળવું લાગશે બેટા"



ઈશ્વર એના પપ્પા ને જોઈ રહ્યો આ એ જ પપ્પા હતા જેના થી એ હંમેશા ડરતો, આજે એણે નિર્ણય કર્યો કે તેનું ભાવિ તે ખુદ બનાવશે અને ઈશ્વર એ બી. એસસી. વીથ ફિઝિક્સ કરવાનો. નિર્ણય લીધો 


------------------


"તમે પલળી ગયા  છો, તમે ઈચ્છો તો ફ્રેશ થઈ શકો છો. ઈન્ટરવ્યુ ને દસ મિનિટ ની વાર છે" , રિસેપ્શન પર બેઠેલ યુવક એ ઈશ્વર ને કહ્યું.


"જી થેંક યું," ઈશ્વર એ નર્વસ અવાજ માં જવાબ આપ્યો. 



રાહ જોવાની એક એક ક્ષણ તેને એક એક કલાક જેટલી લાંબી લાગતી હતી. અને એને ફરી પોતાના એ દિવસો યાદ આવી ગયા!


---------------

બી. એસસી. અને એમ એસસી  કર્યા બાદ તેને નવો રાહ પસંદ કર્યું. "ભૌતિક વિજ્ઞાન નું અવકાશ માં મહત્વ" આ વિષય પર રિસર્ચ કરી ને પી. એચ ડી કરવાનો નિર્ણય લીધો. સરકાર તરફ થી  રિસર્ચ માટે મળતી રકમ પર એણે ૩ વર્ષ દિવસ રાત એક કરી ને મહેનત કરી ને અંતે આજ ના દિવસ પર પહોંચ્યો હતો. 


----------------



થોડી વાર માં જ અંદર થી બેલ વાગી ને ઈશ્વર ને અંદર બોલાવવામાં આવ્યો. સામે ભૌતિક વિજ્ઞાન અને અવકાશ ટેકનોલોજી ના દેશ ના સૌથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિક બેઠા હતા. તેણે સતત દોઢ કલાક પોતાના રિસર્ચ પેપર પર વકતવ્ય આપ્યું. ને પછી અડધો કલાક પ્રશ્નોતરી ચાલી. લગભગ બે કલાક બાદ તેને બહાર બેસવા જણાવાયું.



જાણે આખા દિવસ ની કાળી મજૂરી કર્યા બાદ મજૂર સાંજે ઘરે આવી ને આંખ બંધ કરી ને બેસે એમ ઈશ્વર બહાર ખુરશી પર બેઠો. 



૨૦ મિનિટ બાદ તેને બે કાગળ આપવામાં આવ્યા. તેનું હૃદય એક ધડકન ચૂકી ગયું ને એણે પહેલો કાગળ વાંચ્યો જેમાં લખ્યું હતું કે હવે તે માત્ર ઈશ્વર નહિ ડો. ઈશ્વર છે અને બીજા કાગળ મા તેને આ ઓર્ગેનાઈ ઝેશન માં જોબ માટે નો ઓફર લેટર હતો. તેણે બહાર નીકળી પપ્પા ને ફોન કર્યો. ત્યારે સામે રહેલું ઈસરો નું બિલ્ડિંગ તેને આવકારી રહ્યું હતું  એક નવો સૂર્યોદય થઈ રહ્યો હતો!!



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ