વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ ક્ષિતિજ

પ્રેમ ક્ષિતિજ




*એકાંતને ઓવારે બેઠી જો હોઉં, શૈશવ કીકીઓમાં ધીમું મલકે.*


       રાજકોટના પેરેડાઈઝ પાર્ટીપ્લોટમાં હારબંધ ખુરશીઓ ગોઠવેલી હતી. યુવા હૈયાઓ કોઈની રાહમાં આતુર હતા. સૌના માનીતા કવિ આજ અહીં પરફોર્મન્સ આપવાના હતા. ત્યાં જ સ્ટેજ પરથી ઍનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું, "જેની આપ સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એવા યુવા દિલની ધડકન સૂરજ પટેલ એટલે કે સૌના લાડીલા ક્ષિતિજને હું આવકારું છું. કમ ઓન ધ સ્ટેજ મિસ્ટર સૂરજ...!"


      સાડા પાંચ ફૂટની ઊંચાઈ, એકદમ પાતળો બાંધો, બ્લેક નેરો જીન્સ અને ઉપર બ્લેક એન્ડ વ્હાઈટ ફૂલ સ્લીવ ટીશર્ટ. બ્લેઝર કે ટાઈના બદલે ટીશર્ટ અને એમાં પણ પેલું ખુલ્લું બટન...આહહા! કોઈની નજર ગળાની પાંસળીઓના ઉભાર જોયા વિના મટકું ન મારતી. ઘાટી ભ્રમર અને કાળી મોટી આંખો... જાણે પલકારે પલકારે તરસ્યાનો જામ બનતી. ફોરવર્ડ પર્સનાલિટીને બદલે ફોર્મલ વ્યક્તિત્વ સૂરજ..! નામ જેટલી જ વિશાળતા એના હૃદયમાં. અત્યંત લાગણીશીલ, મૃદુ, ઇમોશનલ માણસ. સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા મિ. સૂરજ પટેલ 'ક્ષિતિજ'ને...


          નમસ્કાર દોસ્તો..! આટલો સ્નેહ આપવા બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વધુ સમય ન લેતાં એકાદ શેર અને ગઝલથી શરૂઆત કરું છું. બાદમાં આપના પ્રશ્નો અને મારા જવાબો...


ક્ષિતિજ થઈને સંધ્યામાં સમાયો છું,

કોને કહું એક વાયદે કેવો ઘવાયો છું...



       ફરીથી જોરદાર તાળીઓનો નાદ ઝીલીને આગળની રચના રજૂ કરી.


ક્ષિતિજનો યાત્રી છું,

અંગત સરનામે ભૂલો પડ્યો છું,

સંધ્યાનો સૂરજ થઈ સૌને મળવા આજ આવ્યો છું...


         વન્સમોર...વન્સમોરની ચિચિયારીઓ ગુંજી ઊઠી. નતમસ્તક થઈને સૂરજે સૌનું અભિવાદન કર્યું. હવે પબ્લિકના સવાલો સામે સૂરજને જવાબો આપવાના હતા. ક્યારેક ટૂંકમાં તો ક્યારેક રમૂજ શૈલીમાં પ્રત્યુત્તર આપતો સૂરજ અચાનક એક સવાલથી હચમચી ગયો.


           "મિ. સૂરજ શું આપને લાગે છે કે સાચા પ્રેમનું પવિત્ર અસ્તિત્વ આજના કપટી જમાનામાં છે? જો હા, તો શું એ સંજોગોને પર થઈને ટકી શકે છે? સાથે સાથે તમારા પ્રેમ પર પણ પ્રકાશ પાથરો."


         સૌ કોઈ સૂરજને સાંભળવા શાંતિપૂર્વક બેઠાં હતાં. દરેક વ્યક્તિ મૌનના સામ્રાજ્યમાં હતા ત્યારે સૂરજની અંદર જ્વાળા ભભૂકી રહી હતી. હજારોની જનમેદની વચ્ચે જાણે પોતે શૂન્યાવકાશમાં હોય એમ ભૂતકાળમાં ખોવાઈ ગયો.


         "એક સમય એવો આવ્યો હતો કે હું પોતાનાઓનો જ શિકાર બની બેઠો હતો. મારા મારા કરતા થાકતો નહીં એ જ મારા પગ ખેંચવા માટે હરીફાઈ કરતા હતા. જિંદગીની જંજાળથી કંટાળી ગયો હતો. સંબંધોને પ્રેમના બદલે નફરત કરતો થઈ ગયો હતો, એટલે જ બધાથી દૂર જઈ મારા ભવિષ્ય માટેની કેડીરૂપ પરીક્ષા આપવા મુંબઈ જઈ રહ્યો હતો. ટ્રેનની મુસાફરી દરમિયાન મારું ધ્યાન હાથમાં જે બુક લઈને હું બેઠો હતો એના પર હતું. ભીડ ઓછી હોવાને લીધે વાતાવરણ શાંત લાગતું હતું. થોડી થોડી વારે હું બારીમાંથી

ખુલ્લું આકાશ જોઈ ભીતરના અંધકારમય આકાશને કોસતો હતો. ત્યાં જ કર્ણપ્રિય અવાજ કાને પડ્યો, "હલ્લો મિસ્ટર! જો આપને વાંધો ન હોય તો વિન્ડો પાસે મને બેસવા દેશો? એક્ચ્યુલી બેચેની જેવું ફિલ થાય છે તો..."

          

         મેં જોયું કે બ્લેક જીન્સ અને વ્હાઇટ ટીશર્ટમાં એક યુવતી ઊભી હતી. ખુલ્લા વાળ, આંખોમાં કાજલ લગાવેલ, જાણે રૂપનો તો અંબાર અને ઉપરથી  હોઠ પાસે નાનકડો તલ...ખુલ્લી ઊડતી લટોને એને સંવારતા એના કોમળ હાથ...સાથે કાનમાં વ્હાઇટ મોતીની બુટ્ટી. જાણે મારી સામે ઈન્દ્રની અપ્સરા ઊભી હતી.

"હા જરૂર." કહી હું દૂર ખસ્યો. એણે ત્યાં સ્થાન લીધું. એની વાતો શરૂ થઈ.


"આપ લેખક છો?"


"જી હા, પણ તમને કેમ ખબર પડી?"


"બસ એમ જ! કોઈનો પરિચય નામ પૂછીને થાય, સવાલ કરીને નહીં...મિસ્ટર લેખક..!"


"ઓહ! સોરી...શું નામ આપનું?"


"હું સંધ્યા જોશી. રાજકોટથી છું." આમતેમ વાતે વળગેલી સંધ્યા પછી તો સ્ટોપ જ ન થઈ.


        પોતે નાનપણમાં સાયકલ ચલાવતા કેવી રીતે પડીને ગોઠણ લોહીલુહાણ કરેલું, ચશ્માંને ચમચા બોલવાની ટેવ,  પાણીપુરી મારી ફેવરિટ, પોતે એકમાત્ર સંતાન એના માબાપનું, પોતે ગઝલો લખે છે, શાહીદનું વિવાહ મૂવી ખૂબ ગમે છે, સિરિયલો તો સાવ જોતી નથી, કોલ્ડ કૉફીની શોખીન છે, વગેરે વગેરે... સાવ અજાણી એ આપોઆપ અંગત લાગવા માંડી. યુવાન હૈયામાં કંઈક દસ્તક વાગી. એનાથી ધ્યાનભંગ કરવા મેં પ્રયાસ કર્યો પણ નાકામયાબ રહ્યો.


          સાંજનો સમય થયો હતો એટલે મેં એના માટે કૉફી અને મારા માટે ચા મંગાવી. મેં ચા પતાવી ત્યાં જ મારા બેગની ચેન ખુલ્લી હતી એટલે ટ્રેનની ફર્શ પર વસ્તુઓ ઢોળાઈ ગઈ. વસ્તુ ભેગી કરી હું સૂઈ ગયો. સવારે છ વાગ્યે મુંબઈ પહોંચ્યો. આંખ ખોલી ત્યાં તો માયાનગરીના બોરીવલી સ્ટેશને ટ્રેન પહોંચી ગઈ હતી. હું સ્ટેશન પર ઉતર્યો.  પછી ખ્યાલ આવ્યો કે હું તો સંધ્યાને અલવિદા કહ્યા વિના જ ઊતરી ગયો. ફરી યાદ આવ્યું "નહીં સૂરજ તું નક્કી કરીને આવ્યો હતો ને કે કોઈ પાછળ છૂટી જાય તો પણ હવે તું પાછળ નહીં ફરે." મનને જ જવાબ દેતો હું સેન્ટર પર ગયો. એક્ઝામને કલાકની વાર હતી ને હું પેન અને પેન્સિલ બધું એકઠું કરવા લાગ્યો... ત્યાં જ ખબર પડી કે ઓરિજિનલ રિસીપ્ટ તો બેગમાં હતી જ નહીં. ટેન્શનનો પાર જ ન રહ્યો. ત્યાં ઘણી વિનંતીઓ કરી. વિનંતી કરી કરીને થાક્યો તો પણ ત્યાં કશી મદદ ન મળી. અહીં સુધી પહોંચ્યા બાદ પાછા વળવું પડશે એ વિચારે માથે હાથ ધરી બેઠો હતો.


          ત્યાં પાછળથી અવાજ આવ્યો,

"મિ. લેખક..! કશું ખોવાયું છે કે શું?"

હું પાછળ ફર્યો તો સંધ્યા ઊભી હતી, એ પણ હાથમાં રિસીપ્ટ લઈને.

"થેન્ક યુ." કહેતાં હરખભેર હું એને વળગી પડ્યો. એ જ ક્ષણે જાણે લાગ્યું કે એક કાગળ સાથે કદાચ જેની તલાશ છે એ જ આ છે.

"ટેન્શનમાં ઘણા ક્યુટ લાગી રહ્યા છો." હું એ ખીલેલી સંધ્યાને નીરખતો હતો ત્યાં

 ફરીથી એ બોલી.


"લેખક તમારો સાથ ગમ્યો. પાછા મળીશું."


"હા, જરૂર પણ હવે તો કઈ રીતે?"


"દોસ્ત હૈયે દસ્તક લાગી હશે એકમેકની...

તો જરૂર મળશું."


"સરસ, ચાલ તો હવે મને એક દોસ્ત તો મળી જ ગઈ."


"તો? બીજું કંઈ જોઈતું હતું?"


"અરે એ તો એમ જ..." વાક્ય મારા મનમાં જ રહી ગયું.


"એય દોસ્ત! પણ જો આ સંધ્યા અંધકારના ઓથે આવી તો શબ્દો થકી તારે એને શણગારવી પડશે. સૂરજ એકવખત તારે દરેક હૈયે ક્ષિતિજ થઈ જવાનું છે."


"તું આવું કેમ બોલે છે સંધ્યા? મને ડર લાગે છે."


"એમ જ દોસ્ત! ઓલ ધ બેસ્ટ."

         

          ત્યાં જ બેલ વાગ્યો. અમે છૂટા પડ્યાં. મને એવો અહેસાસ થયો...જાણે એ મને ઓળખ્યા વિના મારી થઈ ચૂકી હતી. અમારા બંનેની આંખો ભીની હતી. એને ભેટીને પ્રિયપાત્રને મળવાની ઝંખના તૃપ્ત થઈ. નંબરની આપલે કરી અમે છૂટાં પડ્યાં.


     નસીબજોગે અમે બંને અમદાવાદમાં નોકરી માટે સેટલ થયા. એક દિવસ મેં એને મળવા બોલાવી. મેં પ્રેમનો એકરાર કરવાનું નક્કી કર્યું હતું. એ આવી. હું એનામાં ખોવાઈ ગયો. બોલવાની હિંમત જ ન થઈ ત્યારે ઘૂંટણિયે બેસી સંધ્યાએ સામેથી પ્રેમનો એકરાર કર્યો. જ્યારે પણ હું એને મળતો ત્યારે એની વાતોમાં ખોવાઈ જતો. જિંદગીને જોવાની કંઈક અલગ જ દ્રષ્ટિ હતી. એની મોટી મોટી વાતો મને ઘણીવાર શૂન્ય કરી જતી.


        એને કોઈનામાં દોષ ન દેખાતા. હું કહું કે આજનો દિવસ વીત્યો તો એ કહે કે નવા સ્વપ્નો સાથે આવતીકાલ આવશે.

વીતતું તો કશું જ નથી. એ પ્રેમને મુક્તતા ગણતી. એ હંમેશા નીડર અને બિન્ધાસ્ત રહેતી. રડવું આવે તો સામેથી કહે કે ખભો તો દે...રડવું છે યાર..! ક્યારેક રિવરફ્રન્ટ પર બેઠેલા દાદાદાદીની વચ્ચે બેસી એને ખૂબ હસાવતી. નાના બાળકો સાથે રમવા લાગતી. સાવ નિર્દોષ સંધ્યા બાળકો સાથે વધારે જ માસૂમ લાગતી. હું એને જોઈ રહેતો અને એ કહેતી,


એકાંતને ઓવારે બેઠી જો હોઉં,

શૈશવ કીકીઓમાં ધીમું મલકે,

બોજભરી આ જિંદગીમાં કાશ

એ નિર્દોષ બાળપણ ફરી ઝળકે..!


    હું કહેતો કે તું ક્યાં એકાંતમાં જીવે છે? તો કહેતી,

"દરેકનું અંગત એકાંત હોય છે. એ ક્યારેય કોઈ સાથે કે કોઈની પાસે વહેંચી ન શકાય."


       એના આવવાથી મારી જિંદગી બદલાઈ ગઈ હતી. દિવાળીની છુટ્ટીઓમાં અમે બંને પોતપોતાના ઘરે ગયા. એની ગેરહાજરીમાં સમય જાણે સદીઓ જેવો લાગતો! રોજ રાત્રે મોડે સુધી અમે વાતો કરતાં. સંધ્યાનો બર્થડે હતો...એની આગળની રાત્રે મને ઊંઘ આવી ગઈ. સવારે ફોન કર્યો તો ફોન બંધ આવે. મને લાગ્યું કે હવે તો હું ફસાયો જ. મેડમ બરાબર ગુસ્સે થયા છે, પણ એનો ફોન અને નેટ બંધ જ આવતું. આખો દિવસ અજંપામાં વીત્યો. સવાર થતાં હું મૂંઝાયો. એનો કોન્ટેક કરવાનો બીજો કોઈ રસ્તો નહોતો. છુટ્ટીઓ પૂરી થઈ. હું ફરી અમદાવાદ ગયો. એ ત્યાં પણ નહોતી આવી. સંધ્યા વિના ક્ષણભર જીવવું પણ કપરું હતું. પૂરા બે મહિના વીતી ગયા. રોજ હું રિવરફ્રન્ટ પર જઈ એના આવવાની રાહ જોતો. એક એક મંદિરમાં જઈ ભગવાનને પ્રાર્થના કરતો કે સંધ્યા જ્યાં પણ હોય એકવાર સૂરજને એની પાસે લઈ જાઓ. મને શારીરિક અને માનસિક બોજ કમજોર બનાવી રહ્યો હતો. છુટ્ટી લઈ હું ઘરે ગયો.


        ત્રણેક દિવસ પછી હું વિચારોમાં મગ્ન હતો ત્યાં મમ્મી આવ્યાં.


"બેટા મોટા ફુઆની તબિયત લથડતા એમને રાજકોટની સ્ટર્લિંગ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પપ્પા અગત્યની મિટિંગમાં જયપુર ગયા છે. ચાલને બેટા તું આવ્યો છે તો આપણે જઈ આવીએ?"


         ફરી એક આશા જાગી કે સંધ્યા ત્યાં જ રહે છે. કાશ...એ મને મળી જાય! કહીને શક્ય એટલી રિશ્વત આખા રસ્તે ભગવાનને આપી. એ કઈ કોલેજમાં અભ્યાસ કરતી એ મને યાદ હતું. ત્યાંથી સંધ્યાનું સરનામું શોધવાનું નક્કી કર્યું.  અમે હૉસ્પિટલ પહોંચ્યાં. ફુઅાના ખબરઅંતર પૂછ્યા. થોડે દૂર એક અંકલ આન્ટી બેઠાં હતાં. ખૂબ જ ચિંતિત જણાતા હતાં. હું પાણી લઈને નજીક ગયો તો એ મને જોઈને સ્થિર થઈ ગયા.


"બેટા તું? અહીં?" એના શબ્દો અટકી રહ્યા હતા.


"માફ કરશો અંકલ પણ...મેં આપને ઓળખ્યા નહીં?"


"સૂરજ?"


"જી હા હું સૂરજ...પણ તમે?"


"સંધ્યાએ કહ્યું હતું કે તું એને શોધતો એક દિવસ જરૂર આવીશ."


"એટલે તમે સંધ્યાના.."


"મમ્મીપપ્પા. આ ચિઠ્ઠી સંધ્યાએ તારા માટે આપી છે. કહ્યું હતું એ જ્યારે આવે ત્યારે આપી દેજો."


મેં આન્ટીના હાથમાંથી ચિઠ્ઠી ખેંચી લીધી. લખ્યું હતું,


"એય સૂરજ..!


               જસ્ટ ચીલ યાર..! ભૂત જોઈ લીધું હોય એવું મોં કરી કેમ બેઠો છે? આથમેલી સંધ્યાને તારા શબ્દોમાં પ્રગટેલી રાખવાની છે. ભૂલાય નહીં હો..! સારું થયું હું થોડી વહેલી મળી તને... થોડું રોમેન્ટિક થતાં શીખવ્યું. બાકી બિચારી તારી થનારી પત્ની તો તારાથી બોર થઈ જાત! હાસ્તો, વિચાર શું કરે છે? ધામધૂમથી પરણજે અને એ છોકરીને પ્રેમથી તરબોળ રાખજે. ત્યાં સુધી રાતભર તારી ગઝલો લખેલી ડાયરીઓ લઈ સૂતો રહેજે.


   ન સમજાયું ને કંઈપણ? ખબર જ હતી. જો એક સીધી વાત કરું. સૂરજ અને સંધ્યા સાથે જોયા છે કદી? તો પછી? આ સંધ્યા કેમ ટકી શકે? તે ભરપૂર પ્રેમ અને સુખ આપ્યું છે. આથમતી જિંદગીએ જીવવાનું કારણ બની આવ્યો. શું જરૂર હતી આટલો પ્રેમ આપવાની? તારા પ્રેમના સહારે આટલું ટકી ગઈ. તને મળી ત્યારે કેન્સરના બીજા સ્ટેજ પર મસ્ત જિંદગી ચાલતી હતી. એ હવે મારી જેમ ઉતાવળી થઈ ગઈ, એમાં મારો વાંક નથી હો! આ પીડા અને વેદના હવે અસહ્ય બનતી જાય છે. મને મુક્ત કરી દે. તારા પ્રેમ, વચન, લાગણી બધાથી મુક્ત કરી દે. અરે એમાં રડ નહીં હવે..! સાંભળ! મારા બકબકથી નોઈઝ પોલ્યુશન વધતું હતું. એને કંટ્રોલ કરવાની પણ ફરજ બને કે નહીં? બસ, આ એકાંત મારું અંગત હતું. તું મુક્ત નહીં કરે ત્યાં સુધી તારી સંધ્યા આમ જ તરફડતી રહેશે. જલદી આવીને મુક્ત કરી દે.



લિ.

સૂરજની ન થયેલી સંધ્યા.


      ત્યાં જ ડોક્ટર આવીને બોલ્યા,

"કદાચ છેલ્લી ઘડીએ ખોટી આશાઓ આપવી ઉચિત નથી. એટલે એકવાર તમે બધા એમને જોઈ લો."


          સામે અસંખ્ય નળીઓ ગોઠવાયેલ હતી. મોં પર માસ્ક હતું છતાં આંખો શાંતિપૂર્ણ મીંચેલી. વીંધાયેલા શરીરમાં પણ સૌંદર્ય નીતરતું હતું. હું નજીક ગયો એણે આંખો ખોલી. પહેલાંની જેમ જ હસી પડી. મારો હાથ પકડ્યો અને પોતાના દિલની નજીક રાખી મને ઇશારો કર્યો. ત્યાં જ મારા હાથમાંથી એ હાથ ફસડાઈ પડ્યો.

હા, સંધ્યા કાયમ માટે આથમી ગઈ. આથમી ગઈ એ...

         

            હજારો લોકો ચોધાર આંસુએ હિબકે ચડ્યા. જન્મના આવરણને ભેદીને એ જ શહેરમાં સૂરજ સંધ્યામાં ઢળી ગયો. પવિત્ર પ્રેમ ક્ષિતિજ સમાંતર બની ગયો.


માનસી પટેલ 'માહી'


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ