વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધપ્પ..

           મેં જોયું કે મારી નજરની સામે મારુ શરીર મૃત અવસ્થામાં પડ્યું હતું. એ જ બારી પાસેની પથારી ઉપર, જે બારી માંથી મેં સમગ્ર વિશ્વ નિહાળ્યું હતું. એ દશ્ય જોઈ મારા કાળજાએ અનહદ હળવાશ અનુભવી. ખરેખર, હું અત્યંત આનંદમાં હતી. જાતને મૃત જોયા પછી પણ હું બેહદ પ્રસન્ન હતી. મને ખડખડાટ હસવાની ઈચ્છા થતી હતી. પણ મૃતદેહને જોઈ હું ફક્ત લુચ્ચું હસી. અને પછી બારી પાસે જઈ બારીની પાળ ઉપર ચઢીને પગ બારીની બહાર લટકાવી પાળ ઉપર બેસી ગઈ. સાચું કહું તો હવાની ઠંડી અને માદક લહેરખી મેં જીવનમાં પહેલી વાર ન અનુભવી હતી. આભ તરફ એક નજર ફેંકી હું ફરી એક વાર લુચ્ચું હસી. અને પછી... મેં બારી માંથી કૂદકો માર્યો અને આ શું? હું હવામાં ઉડવા લાગી! પવનની ઠંડી લહેરખી સાથે હું પણ પતંગિયાંની જેમ આમ તેમ ફંટાવવા લાગી. હવા જાણે મને બાથમાં ભરી એના કણ-કણમાં સમાવી લેવા ઇચ્છતી હતી. હું આંખ બંધ કરી લહેરખીઓના આલિંગનને મુગ્ધ થઈ માણવા લાગી. અને પછી એકાએક! 'ધપ્પ...'  ધપ્પ કરી હું જમીન ઉપર પછડાઈ. અને આ શું? અરે! હું તો જીવતી છું! પડ્યાને લોચા!"
     "પપ્પા.....પપ્પા.....ઓહ....પપ્પા..." આખી છાપરી ધ્રુજી ઉઠે એવા અવાજ સાથે હું બરાડા પાડવા લાગી. અને ત્વરા જ અમુક પગલાંઓનો અવાજ મારી તરફ દોડી આવ્યો.

       "અરે! અરે પરી, આમ ભોંય ઉપર કેમ પડી છું? શું થયું?" પપ્પાની ધમણીઓમાં વધી ગયેલા રક્તના પ્રવાહને મેં મારા વધી ગયેલા ધબકારના લગોલગ અનુભવ્યા, એમણે મને ઉંચકીને મારી પથારી ઉપર પાછી સુવડાવી.
                 
               "શું થયું એકાએક? નીચે કેમની પડી ગઈ?" એક પ્રશ્નનો જ્યાં સુધી ઉત્તર ન આપી દઉં ત્યાં સુધી પપ્પા જપવાના થોડી હતાં.
         "ખબર નહીં." તોછડો જવાબ આપી મેં આંખો જડબેસલાક બંધ કરી ઊંઘવાનો ઢોંગ ચાલુ કર્યો.
          "પેશાબ લાગી છે." પપ્પા તો પપ્પા જ! લાગી હોતે તો હું જાતે કહી નહોતી શકતી? પણ નહીં! હું જાણે નાનકડી ઢીંગલી ન હોવ એમ પચાસ પ્રશ્ન કરે રાખવાના!
            સજ્જડ બંધ કરી રાખેલી આંખો ખોલી મેં ગુસ્સામાં ફક્ત " ના." ઉચ્ચાર્યું. અને ફરી આંખ મીંચી કાઢી. જેવા પપ્પાના ઓરડીમાંથી બહાર જતા પગલાં સંભળાયાં કે મેં આંખો ખોલી. અને થોડીક વાર પહેલા આવેલા સ્વપ્નને યાદ કરવા હું મથવા લાગી. અને 'ધપ્પ..' પહેલાંનો સ્વપ્નનો અંતિમ ભાગ કે જેમાં હું હવામાં અધ્ધર હતી એ ભાગ મારા માનસપટ ઉપર આછોતરોં રચાયો. અને હું ખડખડાટ હસવા લાગી. મારુ અટ્ટહાસ્ય ઓરડીમાં ગુંજવા લાગ્યું. અરે..! હું હવામાં ઉડતી હતી!!! જે વ્યક્તિનું શરીર વર્ષોથી નિર્જીવ થઈ પડ્યું હોઈ એ વ્યક્તિને ઉડવાના સ્વપ્નો આવે તો હાસ્ય તો ઉપજે જને વળી! હાસ્યના ખડખડ અવાજ સાથે જ મારી આંખો અશ્રુઓથી ભરાવવા લાગી. મને સતત જાત ઉપર હસું આવતું હતું અને રડવું પણ! મેં આંખો બંધ કરી ફરી ઊંઘવાનો પ્રયત્ન કર્યો. પણ આવું સપનું જોયા પછી મારા જેવા વ્યક્તિને ખાક ઊંઘ આવવાની હતી! મેં આંખો બંધ કરી અને સ્વપ્નમાં જોયેલો મારો મૃતદેહ ફરી મારી નજર સમક્ષ તરવરવા લાગ્યો. અને બારી!!! સ્વપ્નમાં જોયેલી બારી એ આ બારી નહોતી! મને ખરેખર હસવું આવતું હતું. ખૂબ જ હસવું આવતું હતું. મેં ચાર સળિયા ધરાવતી મારા પલંગની બાજુમાં જ પડતી બારીમાંથી પથારી પર પડ્યા-પડ્યા બહાર નજર નાખી. આકાશ તો મને અહીંથી દેખાવવાથી રહ્યું! એટલે છાપરીની છત પર નજર કરી હું એવું જ લુચ્ચું હસી જેવું સ્વપ્નમાં આભ સામે જોઈ હું હસી હતી. કોની સામું જોઈ, એ તો તમે સમજી જ ગયા હશો.
                                *******

            "ના, મને આ ફ્રોક પહેરવું જ નથી આજે. તું મારા માટે નવું ફ્રોક લાવી આપ તો જ કપડા પહેરીશ. આ ફ્રોક પહેરી-પહેરીને હું કંટાળી ગઈ!" પથારી ઉપર જડ થઈને પડેલી હું, બુમો પાડી મારી જીભ ચલાવતી હતી. હા તો શું! એ સિવાય બીજું કશું ચાલે જ ક્યાં છે મારું?

       "હા પરી! હું કાલે લાવી આપીશ! તને એક વાર કહ્યું તો ખરી." પપ્પાએ મને બાવડાથી પકડીને પથારી ઉપર બેઠી કરી.

          "જૂઠું! તું આજ લગી જૂઠું જ બોલ્યો છું! ત્રણ વર્ષથી રોજ આજ વાક્ય બોલે છે કે નવું ફ્રોક લાવી આપીશ! આ ફ્રોક મને કેટલું ટૂંકું પડે છે ખબર છે? તું દસ વર્ષની છોકરીનું ફ્રોક પંદર વર્ષની ઢાંઢલીને પહેરાવે છે! અને એ પણ તું જૂનું જ ઉપાડી લાવ્યો છે. પેલીની છોકરી એનું મન ભરાઈ ન જાય ત્યાં સુધી કપડાઓ પહેરે છે અને પછી પોતાં મારવા લાયક થઈ જાય એટલે તારી સામું ફેંકી દે છે. અને તું લઇ આવે છે તારી ઢાંઢલી માટે!" મારી સામે પડેલા જૂનાંખખ ગુલાબી ફ્રોકને જોઈ મને ચીતરી ચઢતી હતી. પપ્પાને બોલવા ન દઈ હું એક શ્વાસમાં બોલી ગઈ.
 
           "પરી! વધારે પડતું બોલ નહીં! સારું નથી લાગતું. ફાતેમા તારી ચિંતા કરે છે એટલે એની છોકરીના કપડાં તારી માટે રહેવા દે છે! અને શું વાંધો છે આ ટૂંકા કપડાંમા! ઘરમાં તો રહેવાનું હોઈ છે તને!" એમણાં અવાજમાં મને અત્યંત લાપરવાહીનો ભાસ થતો જણાયો.

        "ફાતેમાને કોની વધું ચિંતા છે એ હું સારી રીતે જાણું છું. અને હા! તારી વાત એકદમ સાચી! મારે ઘરમાં જ તો રહેવાનું છે, મારે તો કપડાંની જ ક્યાં જરૂરત છે! એક કામ કરને! મને આમને આમ જ મૂકીજા. કપડાં વગર! આ.. આ ચીંથરુ પણ ન પહેરાવજે! ચાલશે મને,"

         " પરીરીરીરી..." પપ્પાના મોઢેથી નીકળેલો મારા નામનો સાદ મારી ઓરડીમાં ગુંજવા લાગ્યો. પપ્પાના વધી ગયેલા અવાજથી ભયને કારણે મારુ હૃદય કંપી ઊઠ્યું.
        "જીભ જો ચાલે છે તારી! જરાક પણ શરમ રહીં છે તારામાં કે એ પણ વહેંચી આવી છે તું! તારા માટે કોઈ કાઈ પણ કરે, પણ તને ક્યારેય કોઈ ફેર નથી પડવાનો. જિદ્દી અને અડિયલ છે તું પણ, તારી માઁ જેવી...." પપ્પા બોલતા-બોલતા વચ્ચે જ અટકી ગયા. એમણાં કપાળે નિરાશાની હળવી રેખાઓ ઉપસી આવી. હવે કશું પણ બોલવું મારા માટે હાનિકારક હતું. નહીંતર અડિયોદડિયો જશે એ સ્ત્રી પર જેનું અમારા જીવનમાં કોઈ અસ્તિત્વ જ નથી. જો કે જે વ્યક્તિને અમારી પડી જ ન હોઈ એની પર અડિયોદડીયો નાખવામાં વાંધો તો નથી જ!
             હું ચૂપ રહીં. પપ્પાની વાત મને ખટકી ખરી! પણ હવે જીભાજોડી કરીને કોઈ ફાયદો નહતો. પપ્પા નવું ફ્રોક નહીં લાવી આપે એ વાત હું જાણું જ છું. એ પોતે સવાર સાંજ સારા કપડાં પહેરી રખડવા જશે પણ મારી માટે તો નહીં જ લાવે કશું!
         
              "પેશાબ લાગી છે? " મારા પર ગુસ્સે હોવા છતાં પપ્પાએ પ્રશ્નોનો મારો ચાલુ જ રાખ્યો.
            "નાં! " મોઢું બારી તરફ ફેરવી મેં હંમેશની જેમ તોછડાઈથી જ જવાબ આપ્યો.
            "ફાતેમાને કહેતો જાવ છું. તને આવીને નવડાવી જશે. જે જમવું હોઈ કહી દેજે એને, બનાવી દેશે એ!" થોડું અટકી એમને ફરી પ્રશ્ન પૂછ્યો, "ડાઇપર પહેરાવતો જાવ!" એમણાં અવાજમાં હળવી રુક્ષતા જણાઈ, પણ મને ક્યાં ફેર પડવાનો હતો! હું પોતે પણ ખરબચડી જ તો છું!
    
              "ના કહ્યુંને, કે નથી લાગી પેશાબ! એકને એક પ્રશ્ન અલગ-અલગ રીતે શું કરવા પૂછે છે! અને ફાતેમાને મોકલતો નહીં! એને મારી જોડે ફાવે એમ નથી."  મેં મારું વાકાપણું ચાલુ જ રાખ્યું.
    
              "એટલા હદ સુધી આડી છે તું કે કોઈને પણ તારી જોડે ફાવે નહીં, કપડાં પહેરવા નથી તને! ડાઇપર પહેરવું નથી! પેશાબ કરવા જવું નથી! નાહવું નથી. જમવું નથી! તારે જીવનમાં કરવું શું છે પરી! કહીશ?" એક શ્વાસમાં પપ્પાએ મનનો દાવાનળ મારી ઉપર કાઢ્યો. એ પણ સાવ ખોટો પ્રશ્ન પૂછીને.
            મારે કહેવું હતું એમણે, કે મારે મરવું છે! આમ પણ શરીર તો જન્મી છું ત્યારથી મરી પરવાર્યું છે! એમાં પાછું નામ આપ્યું છે પરી! ખાક પરી! પથારી ઉપર પડ્યા-પડ્યા પંદર વર્ષ નીકળી ગયા. શરીરમાં ફક્ત ચાલે છે તો એ છે 'જીભ'. એ પણ લોકોને સતત નડે છે. તો હવે જીવતા રહીને પણ શું ઉજાગર કરી લેવાની છું હું? પણ પપ્પાના પ્રશ્નના જવાબમાં મેં મૌન સાધ્યું. જવાબ ન મળતા એ ઓરડી માંથી બહાર નીકળી ગયા. અને થોડી જ વારમાં વાસણોના ખખડવાનો અવાજ આવ્યો એટલે હું સમજી ગઈ કે આવી ગઈ પેલી! હવે પ્રેમીપંખીડા બેસીને કરશે વાર્તાલાપ!
           "પરી! હાલ ફટાફટ તને નવડાવી દઉં! દેગડો ચઢાવ્યો છે પાણીનો! ચોકડી પણ ધોઇ કાઢી આજે! હાલ તને લઈ જાવ." પપ્પા સાથે પ્રેમલાપ કરી એ મારી ઓરડીમાં પ્રવેશી અને ચાલુ કર્યો એનો ઢોંગ
        "તને કાલે કહ્યું હતુંને, કે ન આવજે અહીં મારી પાસે? શું લેવાં આવા ઢોંગ કરતી હોવ છું કે તને મારી ચિંતા છે? તને કોની ચિંતા છે અને કોની માટે અહીં આવ છું તું, હું એ જાણું છું!" મેં આંખો પહોળી કરી એની સામું જોઈ બોલી.
           "ઠીક હો પરી! તને એવું લાગે તો એવું રાખ! પહેલા તને નવડાવી દઉં પછી ગરમ-ગરમ રોટલા કરી આપીશ. છાશ પીશે?" મારી વાતનો જાણે એની પર તસુભર પણ ફરક પડ્યો નહીં. મારા કરતાં વધું તો એ જડ બુધ્ધિ છે. એ સાવરણો લઇ મારી ઓરડી વાળવા લાગી.
            "મને અડકતી નહીં! નહીંતર બુમાબુમ કરીશ હું. તું તારું કામ પતાવી નીકળી જા અહીંથી! પપ્પા જોડે વાતો કરવા તને રાત્રે આવે રાખવાનું! જેમ તું આડે દિવસે છાનુંછપતું આવે છે એમ!" મેં  મારા કટાક્ષકથન ચાલુ રાખ્યા. મારા આવા શબ્દોથી એ ખસિયાણી પડી ગઈ અને હાથમાં લીધેલો સાવરણો પટકી એ ઓરડી માંથી બહાર નીકળી ગઈ. થોડીક વાર પછી ઘરની કળ બંધ થવાનો આવાજ આવ્યો એટલે હું સમજી ગઈ કે પેલી ઘરમાંથી નીકળી ગઈ.
           એના ગયા પછી મેં હાશકારો અનુભવ્યો. મેં બારીના સળિયા માંથી બહાર નજર નાખી. તડકાના ઉજળા કિરણો બારીમાંથી થઈ મારી ઉપર પડતા હતા. 'કેટલું સારું થતે જો મારા જડ પડેલા શરીરને આ કિરણો નવચેતના આપી શકતા હોતે!' મને અનાયાસે જ આવો ખ્યાલ આવ્યો. અને આવો ખ્યાલ આવવાથી મને અનુભવ થયો કે મારા મગજ ઉપર કાલે આવેલા સ્વપ્નની હળવી અસર હજુ સુધી છે! જગત કેટલું સુંદર હશે નહીં! જો ફક્ત બારીમાંથી આવતો તડકો આટલો રોમાંચક હોઈ શકે તો જગત આખુ કેટલું રોમહર્ષ હશે.
           ચાર વર્ષ પહેલાં જ્યારે મને ઝાડા થઈ ગયા હતા ત્યારે પપ્પા મને તેડીને હોસ્પિટલ લઇ ગયા હતા. છેલ્લે એ વખતે હું ઘરની બહાર નીકળી હતી. ધોધમાર વરસાદમાં પલળીને મને તો એવી મજા આવી હતી કે શું કહું! પણ એ પછી તો ક્યારેય મેં મારા શરીર પર વરસાદનો ઉન્માદ અનુભવ્યો જ નથી. ના આભની વિશાળતાને મેં નિહાળી છે! નિહાળ્યું છે તો ફક્ત આ ચાર સળીયાની આડમાં દેખાતું બહારનું ચિત્ર. આ બારીમાંથી જેટલું અને જે દેખાઈ અને સંભળાઈ, જગત ફક્ત એટલું જ છે મારી માટે! પપ્પાને કહ્યું હતું મેં કે મને પેલી ગડગડી વાળી ખુરશી લાવી આપો. પણ પપ્પા પાસે મારી માટે ના સમય છે ના પૈસા!

                " કોકિલા! ઓહ કોકિલા, પરવારી કે નહીં તું?"

            લો આવી ગઈ પંચાટખોરોની જમાત. આ છે કમલા કાકી. જેમનું ઘર બરોબર મારી બારીની બાજુમાં પડે છે. કામકાજ પતાવી મંડળી રોજ ઓટલે જમા થાઈ! અને ચાલુ કરે ગામની પંચાત! પોતાનું ઘર સચવાતું નથી, અને ઘુસણખોરી આખા ગામની કરી આવે. કોની વહુ કેટલા વાગે અને કેવા કપડાં પહેરીને ઘરની બહાર નીકળે? અને કેટલા વાગે પાછી ફરે બધી જાણ આ પંચાતખોરો પાસે મળે.

          "કોકિલા, આજે તો બહુ મોડું કર્યું તે! તને ખબર છે આજે શું થયુ! હું ચાલવા ગઈ હતી ત્યારે કરસનની છાપરી માંથી મેં સવારના પહોરમાં માલતીને બહાર નીકળતા જોઈ! હું નહોતી કહેતી તને, કે આ માલતી ચોક્કસ નવુજુનું કરે છે! જોયું! એવું જ નીકળ્યું ને!"
 
          "હે....? સાચ્ચે! ન હોઈ કમલા! આમ દેખાવ તો એવો મળ્યો છે માલુને કે એવું લાગે જાણે મચ્છર પણ નહીં મારી શકે, ને મારી હારી બીજાના વર ઉપર કેવી આડી નજર રાખે છે!"
  
       "તું સાવ ભોળી છું કોકુ.. તને ક્યાં ખબર...."

        "કાકી.....ઓહ કમલા કાકી! જગતની પંચાત મૂકીને પોતાના વર ઉપર ધ્યાન કેન્દ્રિત કરો! કરસન કાકા કાલે બહાર ઊભા રહીં કદાચ માલતી કાકી જોડે જ ફોન પર ઇલુઇલું કરતા હતા!" મેં પથારીમાં પડ્યા પડ્યા જ આગમાં ઘી નાખ્યું.

             "ચૂપ રેહ લંગડી! સાવ ફૂવડ થતી જાય છે તું! પથારીમાં પડી રેહ ચુપ ચાપ! બાપના પગ ઘરમાં નથી ટકતા અને આ લંગડીની જીભ મોંમાં! તારો બાપ જગતમાં તો ફજેતા કરે જ છે હવે ઘરમાં પણ ચાલુ કર્યા છે." કમલાકાકીના કટાક્ષસભર શબ્દો સાંભળી મને વધું હસવું અને રડવું આવતું હતું. છાપરીની છત તરફ જોઈ હું હંમેશની જેમ લુચ્ચું હસી. અને આંખ બંધ કરી આંખ ઉપર પડતા સૂર્યના કુમળા કિરણોને માણવા લાગી.
       
             "તને પૂછ્યું હતુંને મેં પરી, કે પેશાબ લાગી છે! તને ડાઇપર માટે પણ પૂછીને ગયો હતો. અક્કડ જો તારી કે તે ફાતેમાને પણ જેમતેમ બોલીને ભગાડી મૂકી. આ પથારી જો આખી ભીની કરી છે તે!" પપ્પાના તીક્ષ્ણ શબ્દો મારા હૃદયના આરપાર જતા હતા. ભીના કપડાં અને ભીની પથારીને કારણે મારુ શરીર ઠંડીમાં ધ્રુજતું હતું.
        
          "હા તો! મેં પણ તને કહ્યું હતુંને કે નથી લાગી મને, અને કહ્યું હતુંને કે પેલીને અહીં ન મોકલતો! અને પેશાબ ત્યારે નહોતી લાગી પછીથી લાગી તો એમાં મારો શું વાંક! અને તારે મારી જોડે રહેવામાં શું વાંધો છે! તું સવાર-સાંજ ક્યાં જતો રહે છે રખડવા?" શરીર ઠંડુ પડ્યું હતું પણ મારી જીભ તો હંમેશની જેમ જ્વાળા ઓકવામાં કુશળ જ હતી
         "બહું શોખ છે નહીં તને, આમ ગરમી દેખાડવાનો? ઊભી રહે તને ઠંડી કરું છું..! તું ઊભી રહે! ચરબીના થર ચઢ્યા છેને તારી ઉપર? હમણાં ઉતારું, તું ઊભી રહે!" પપ્પા એકાએક મારી નજીક આવી મને ખભાથી ઊંચકી લીધી.એમણાં આવા વર્તનથી મારુ શરીર એકાએક થીજી ગયું. મારા જડ શરીર ઉપર મારા વધી ગયેલા ધબકારાનો ભાર મને અનુભવવા લાગ્યો.
      
          "પપ્પા..., શું કરે છે... તું! ક્યાં..લઇ જાઉં છું તું મને?" મારા હોઠ સતત ધ્રુજતા હતા. પપ્પાની આંખોમાં દેખાતી રક્તનળીઓ લાલ ધૂમ થઈ ગઈ હતી. પપ્પા મને ઊંચકી છાપરીની બહાર લઈ ગયા. છાપરીની બહાર થોડાક પગલાં ચાલી પપ્પા એક કુવા નજીક આવી ઊભા રહીં ગયા. પપ્પાના હૃદયના વધી ગયેલા ધબકારા હું પોતે અનુભવી શકતી હતી.
       "હવે ઉતરશે તારી ગરમી!" આટલું બોલી પપ્પાએ એમણી એકની એક પાંગળી છોકરીને કૂવામાં હડસેલી નાખી.
         
          "ના.. પપ્પા, પ..પ્પા.. નહીં.. પ....પ્પા" ના અવાજ સાથે હું કૂવાના અંધકારમાં ઓગળવા લાગી. મારું મૃત શરીર કૂવાના ઠંડા પાણીમાં  'ધપ્પ...' કરીને પડ્યું. અને...અને એકાએક મારા હાથ-પગે નવચેતના મેળવી હોઈ એમ હું પાણીમાં તરવા લાગી. કૂવાનું ઠંડુ પાણી જાણે કે ખુલ્લું આભ હોઈ એમ મને પોતાનામાં સમાવી લઇ મને ઉડવા અને સાથે સાથે તરવા માટે નવું આકાશ ધરવા લાગ્યું. અને એકાએક કોઈક મારુ શરીર ઢંઢોળવા લાગ્યું. અને મારી આંખ પહોળી થઇ ગઇ. અને ફરી માર્યા લોચા!
    
             "તે આખી પથારી ખરાબ કરી છે પરી! કપડા અને ચાદર બધું જ ભીનું કર્યું છે." અને ભાન પડ્યું કે હું પાણીમાં તરતી નહોતી પણ મારા જ કરેલા પેશાબ અને ઝાડામાં ખરડાયેલી હતી. હળવેથી ઊંચકી પપ્પા મને ઓરડીની બહાર લઈ ગયા. ચોકડી પાસે લઈ જઈ મને ભીંતને ટેકે બેસાડી. ફાતેમા ત્યાં જ હતી. એને મારા માથે હળવેથી હાથ ફેરવ્યો.
              "વાંધો નહીં બકુ, થઈ જાય ક્યારેક!" એના ચહેરા ઉપર એક અપ્રતિમ સ્મિત હતું. હું પોતે ગંદવાડમાં રગદોળાયેલી હતી. એટલે એ સમયે એની જોડે માથાકૂટ કરવામાં મારુ જ નુકસાન હતું. મારા ગંદા કપડાં ઉતારી એને ગરમ પાણીથી મને નવડાવી. મારી નજર સતત એના ચહેરા ઉપર રમતી હતી. કદાચ મારી નજર એનું જૂઠાણું શોધવા તલપાપડ હતી.
         "જે તું શોધે છે એ તને નહીં મળે પરી." અને જાણે એ સ્ત્રી મારી આંખો વાંચી ગઈ હોય એમ બોલી.
         "હા તારા પપ્પા અને હું એકબીજાને અપ્રતિમ પ્રેમ જરૂર કરીએ છીએ પણ એ રીતનો નહીં જે રીતનો તું વિચારે છે. હું અને એ બાળપણથી આ ચાલમાં રહીએ છીએ. એટલે ગાઢ મિત્રતાનો દોષરહિત પ્રેમ પ્રવર્તે છે અમારી વચ્ચે. હા તને ઊતરેલા કપડાં જરૂર પહેરાવે છે એ, પણ એ કપડા મારી બાળકીના નથી હોતા. મારી દીકરી તો તારા ઊતરેલા કપડાં પહેરે છે. એ જોઈ નથી શકતીને, એટલે એને તો ચાલે એવાં પણ." એનાં ચહેરા ઉપર એક ભેંકાર નિરવતા વ્યાપેલી જોઈ મેં. આટલા વર્ષોથી હું મારી નજરે ક્યારેય નહોતી જોઈ શકી એવી નિરવતા એના શબ્દો અને ભાવોમાં જણાતી હતી. 
                "તારા પપ્પા અને હું બન્ને એક જ ધંધામાં છીએ. દેહ વહેંચીને અમે અમારા બાળકોના શ્વાસો ખરીદીએ છીએ. અંધકારમાં પોતે ઓગળી જઈ અમે બન્ને તમારા માટે પ્રકાશના ચાર કિરણો ખરીદીએ છીએ. અને બાળ, આ બધું કરી છૂટવાની ક્ષમતા અમણે એકબીજાના સંગાથથી મળી રહે છે. તારા પપ્પાના મોટા ભાગના પૈસા તારી દવાઓમાં નીકળી જાય છે અને એટલે જ એનું કાળજું સતત વલોપાત કરતું હોય છે. એની પણ ઈચ્છા છે કે તને જગત ફરાવે. પણ એ માટે ફક્ત ધીરજ ધરજે બાળ, તું ફક્ત ધીરજ ધરજે." અને એ ક્ષણે એનાં નયનમાં મેં અપાર વેદના નજરોનજર જોઈ. પહેલી વખત મારી સતત ચાલતી જીભ મને જડ થયેલી જણાઈ. મને સમજાયું કે જગત ચાર સળિયાની આડમાં જેટલું દેખાઈ છે એનાથી વધું જટિલ અને ગૂંચવાયેલું છે. એ ક્ષણે એને વળગી જઇ મને મન ભરી રડી લેવાની ઈચ્છા થઈ પણ મારું નિર્બળ શરીર અને સબળ અક્કડે મને એ કરતા રોકી, અને એકાએક મને હળવો ધક્કો લાગ્યો અને હું ભોય ભેગી થઈ. 'ધપ્પ..' અવાજ સાથે.

        
             

      
       
        



          


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ