વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પાયલની જોડ

                       “અનિકેતભાઈ હું ધરા બોલું છું , તમારી પડોશી”  “હા બોલો ધરાભાભી” તેમની વાતને વચ્ચેથી જ કાપતા અનિકેત બોલ્યો.

                          “ભાઈ જલ્દી ઘરે આવો આ ત્વરા લોહીલુહાણ હાલતમાં પડી છે મેં પોલીસને પણ ફોન કર્યો છે”.

                            “શું બોલો છો ભાભી ? અરે ! હજી બે કલાક પહેલા તો હું ઘરેથી નીકળ્યો ત્યારે તો તેને કંઈ ન હતું એટલી વારમાં શું થયું મારી ત્વરા ને?” “એ બધી વાતો પછી ભાઈ પે’લા ઘરે આવો” કહેતા ધરા એ અનિકેતની વાત વચ્ચેથી કાપી.

                            અનિકેત અને ત્વરાના લગ્ન બાદ વડોદરાના પોશ એરિયામાં લગભગ દોઢેક વર્ષ પહેલા જ રહેવા આવ્યા હતા. અનિકેત નાં માતા-પિતા ગામડે રહેતા હતા, તો ત્વરા બાળપણ માં જ મા-બાપને ગુમાવી ચૂકેલી હતી . બાળપણ થી જ મોસાળમાં ઉછરેલી ત્વરા પ્રત્યે અનિકેત આકર્ષાયો .  માતા-પિતાના આશિર્વાદ લઈ બંને લગ્નગ્રંથીએ જોડાયા હતા. બંનેના મિલનસાર સ્વભાવના કારણે  પડોશીઓ સાથે સારો ઘરોબો કેળવાયો હતો.તેમાંય ધરા સાથે ત્વરા ને વધારે બનતું હતું.

                         ઘણીવાર અનિકેત ત્વરા ને કહેતો કે “આ ધરા એ તારી જોડકી બહેન જે નાનપણમાં તારાથી કુંભમાં ખોવાઈ ગઈ હતી એ છે. એ ધરા તું ત્વરા”કહેતો ખડખડાટ હસી પડતો. અને આજે એ જ ધરા એ ત્વરાનાં આવા સમાચાર આપ્યા ?

                            ઘરે પહોંચીને જોયું તો બહાર પોલીસ ઊભી હતી. ખરેખર ત્વરાને કંઈ….. આશંકા અને ભય મિશ્રિત લાગણી અનુભવતો અનિકેત ઘરના દરવાજે પહોંચ્યો.અંદર જઈ જોયું તો ત્વરા લોહીથી ખરડાયેલી હાલતમાં ફર્શ પર પડી હતી.

                          અનિકેત ફાટી આંખે ત્વરા ને જોઈ રહ્યો, તેની વાચા જ જાણે હણાઈ ગઈ તે ત્યાં જ ધબ દઈને બેસી ગયો.  ધરાના પતિ અનિલે તેને સંભાળ્યો . શું થઈ ગયું ? કેવી રીતે થયું? કોને કર્યુ ? કશું જ બોલવાની કે પૂછવાની તેનામાં તાકાત જ ન રહી .

                       પોલીસે પોતાની પ્રાથમિક તપાસ દરમ્યાન અનિકેતને ત્વરાના હાથમાં રહેલું પાયલ બતાવ્યું, “મિ. અનિકેત આ પાયલ ત્વરાબેનના હાથમાં કેમ હશે ? કદાચ તેના પગમાંથી નીકળી ગયું હોય એવું સમજીએ તો પણ બીજું પાયલ પણ એના પગમાં નથી , તમે આ વિશે કંઈ કહી શકો એમ છો ?” પાયલને જોઈ અનિકેત વિચારમાં પડ્યો પણ તે માનસિક રીતે તૂટી ચૂક્યો હતો તેથી તે આગળ કશું વિચારી ન શક્યો.

                           પોસ્ટમોર્ટમ રિપોર્ટ આધારે ત્વરાને ચાકુ કે તીક્ષ્ણ હથિયારનો ઘા કરીને કોઈ એ તેને મારી હતી પરંતુ એ સિવાય કોઈ પૂરાવા હાલ પોલીસને હાથ લાગ્યા ન હતા.

                           ત્વરા વિના તૂટી ચૂકેલા અનિકેતને સંભાળવા તેના માતા-પિતા ગામડેથી આવી ગયા .ત્વરા સાથે શું થયું હતું એ શોધવા તત્પર થયેલા અનિકેતે ધીમે ધીમે પોતાની જાતને ઊભી કરી અને તે પાયલનો ભેદ જાણવા ઘરમાં બધું ફંફોસવા લાગ્યો.

                          લગ્નમાં મળેલી ભેટો, પોતે ત્વરા ને આપેલી ભેટો કે સગાંસંબંધી તરફથી મળેલી ભેટો બધું જ જોયું પણ ક્યાંય આ પાયલ  વિશે ન જાણી શક્યો.

                          જીંદગી ધીમે ધીમે પોતાની ગતિ પકડવા લાગી , અનિકેત પણ પોતાના જખ્મો સાથે પોતાની રોજીંદી ઘટમાળોમાં ગોઠવાય ગયો .તેના મા-બાપ હવે તેની સાથે જ રહેવા લાગ્યા પણ અંદરની એકલતા તેને કોરી ખાતી હતી.

                          એક રાત્રે તે પોતાના મોબાઇલમાં પોતાના અને ત્વરા નાં ફોટાઓ નિહાળતો હતો ત્યાં તેનું ધ્યાન એક ફોટા પર ગયું.

                           અનિકેતે આ ફોટો ઝુમ કરીને જોયો તેમાં ત્વરાનાં પગમાં  એ જ પાયલ હતી સાથે તેનો મામાનો દિકરો વિજય પણ હતો .

                           અનિકેત બધું સમજી ગયો . ત્વરા અને અનિકેત જ્યારે એકબીજાનાં પ્રેમમાં હતા ત્યારે ત્વરા એ તેના મામાના વંઠેલ દીકરા વિશે ઘણીવાર ફરિયાદ કરી હતી , તે એમ પણ કહેતી કે તેની નજર એને સારી નથી લાગતી . શું વિજય જ તો …

                           અનિકેતે બીજા દિવસે પોલીસ સ્ટેશન જઈ આ વિશે વિસ્તાર થી વાત કરી . પોલીસે પોતાના બધા સૂત્રોને કામે લગાડી વિજય અંગે બધી માહિતી મેળવ્યા બાદ તેને સકંજામાં લીધો.

                           પોલીસ ટોર્ચર સામે ઘૂંટણીયે થયેલા વિજયે પોતાનો ગુનો કબૂલ્યો કે તે મનોમન પોતાની ફોઈ ની દિકરી ત્વરા ને પસંદ કરતો હતો પણ સામાજીક બંધનનાં કારણે આગળ વધી ન શક્યો . તે દિવસે તે ત્વરા સમક્ષ ફરી પ્રેમ પ્રસ્તાવ લઈને ગયો હતો પણ ત્વરા એ તેનું અપમાન કર્યુ જે તે સહી ન શક્યો એટલે તેણે ત્વરા ને મોતને ઘાટ ઉતારી દીધી.

                        અનિકેતને ત્વરા ને ગુમાવવાનું જેટલું દુઃખ હતું તેનાથી વિશેષ તેના બુધ્ધીચાતુર્ય પર માન થયું. પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં પણ ત્વરા એ પોતાને ખત્મ કરનાર નરાધમ પિત્રાઈ એ આપેલી પાયલની જોડ પુરાવા રૂપે પોતાના હાથમાં રાખી ને હત્યારા માટે દિશાનિર્દેશ કરી દીધો હતો.

                          વિજયે આપેલી પાયલની જોડ તેના માટે ફાંસીનો ફંદો બની .


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ