વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એબોરિજનલ

 

“નિર્ણય લેવાઈ ગયો છે અને તું જઈ રહ્યો છે.” સેના નાયક બોલ્યો.

 

યોદ્ધાએ ક્યાંય જવું ન હતું. તેને અહીં જ રોકાવું હતું, પત્ની પાસે, સંતાનો પાસે. તે લાંબા સમયથી વિચારતો હતો, કે અટકવાનો સમય હવે નજીક હતો. તે આયુધ હેઠા મૂકશે, તે હિંસા નહીં કરે, તે શાંતિનો માર્ગ અપનાવશે. પરંતુ એક પછી એક અભિયાન તેના ખભે લદાતા જ ગયેલા. પણ, આજે યોદ્ધાએ નિર્ણય કરી લીધો.

 

“જગત્પતિ?” યોદ્ધાને વિચારમાં ખોવાયેલો જોઈને સેના નાયકે પૂછ્યું.

 

યોદ્ધાએ તલવારને મ્યાન સાથે કમરમાંથી દૂર કરીને સેના નાયકના પગમાં મૂકી દીધી. તેણે જમણા હાથની તર્જનીમાંથી રાજમુદ્ધા અંકિત અંગૂઠી પણ કાઢી નાખીને સેના નાયક સામે ધરી દીધી. સેના નાયકનો પથ્થરવત્ ચહેરો અંગૂઠીને જોતો રહ્યો. આખરે તેણે હથેળી લંબાવીને એ વસ્તુઓનો સ્વીકાર કર્યો. યોદ્ધાએ પીઠ ફેરવી લીધી અને ત્યાંથી ચાલ્યો ગયો.

 

જગત્પતિની પત્ની આર્દ્રા સવારથી અધ્ધર જીવ હતી. દશ વર્ષના બંને પુત્રો માને વારંવાર ચિંતાનું કારણ પૂછતા હતા. આર્દ્રા એમને કહેવાં તો ઈચ્છતી હતી, પણ તેઓ કશું સમજવાના ન હતા. ગાંધારની દિશામાંથી આવતા પરદેશીઓ નગરોને સળગાવતા, માણસોને મારતા અને પાશવી કૃત્યો આચરતા રાજ્યની સરહદ સુધી આવી ગયેલા. આર્દ્રા કદીયે ઈચ્છતી ન હતી, કે આ કટોકટીની સમયમાં પોતાનો પતિ, એક યોદ્ધા પોતાના કર્તવ્યથી ચૂકી જાય.

 

જગત્પતિ ઘરે આવ્યો. આર્દ્રાએ તેની સામે જોયું; ખડગ અને અંગૂઠી ગેરહાજર હતા. જગત્પતિ આર્દ્રા સાથે કોઈ જ ગંભીર ચર્ચા કરવા માગતો ન હતો. વર્ષો પછી તે ખરા અર્થમાં દેહ અને હૃદય સાથે લઈને ઘરે પાછો ફર્યો હતો. તે સાંજે સંતાનો સાથે નદી કિનારે ટહેલવા ગયો. બાળકોએ પિતાને પણ એ જ પ્રશ્નો કર્યા, જે તેમણે અગાઉ માતાને પૂછેલા. જગત્પતિ એમને ભયભીત કરવા માગતો ન હતો. તેણે સ્પષ્ટ જવાબો ન આપ્યા, પણ બીજી એક વાત કરી, “અહીંથી ઘણે દૂર એક આનંદવન છે. બહું જ જલદી આપણે ત્યાં રહેવા ચાલ્યા જઈશું. ત્યાં કોઈને ચિંતા એટલે શું એની ખબર પણ નહીં હોય.”

 

થોડાક દિવસો બાદ જગત્પતિએ ઘરબાર-સંપત્તિ સઘળું જ વેચી નાખ્યું. તેણે એક સામાન્ય બળદગાડું ખરીદ્યું અને પરિવાર સંગ એક વેપારી સંઘ સાથે પૂર્વમાં ચાલવા લાગ્યો.

 

જગત્પતિને હવે કોઈ મોટા નગર કે રાજ્યમાં વસવાટ કરવાની લાલસા ન હતી. રસ્તામાં તે અધવચ્ચે એક એવાં સ્થળે અટકી ગયો જે ચારેતરફથી વિશાળ ગિરિમાળાઓ અને નદીઓથી સમૃદ્ધ હતો. તેણે ત્યાંથી મુખ્ય માર્ગ પણ છોડી દીધો અને ગિરિમાળાઓની ઘાટીઓમાં પ્રવેશ્યો. ત્યાંની અજાણી ભૂમિને ઊંચા ઘાસે સાવ ઢાંકી દીધેલી, ક્યાંક તો ઘાસ ખભાસમાણું ઊગ્યું હતું. જગત્પતિ અને તેના પરિવારે એક ધસમસતી નદીથી થોડેક દૂર જરાક એવી પથરાળ જમીન પર ઝૂંપડી બાંધવાનું શરૂ કર્યું અને ત્યાં વસવાટ આરંભ્યો.

 

એ જગ્યાની આત્યંતિક શાંતિએ આર્દ્રા કે સંતાનોના મનમાં કદીયે જૂનાં ઘરની સ્મૃતિ આવવાં ન દીધી. સંતાનો આ વસવાટને આનંદવન કહેતા. જગત્પતિએ ભૂતકાળમાં જણાવેલું એમ, તેઓને અહીં ચિંતાનું કોઈ ચિહ્ન ક્યારેય ન દેખાતું.

 

નદીનું જળ સ્વભાવવશ વહેતું ગયું. આ જગ્યાનાં દિવ્યત્વએ જગત્પતિ અને આર્દ્રાને જીવનનાં નવાં અનુષ્ઠાનો શીખવ્યાં. તેઓ અહીં મુક્ત હતા, છતા કોઈ દૈવી તાંતણે આ સ્થળ સાથે બંધાયેલા પણ હતા. તેઓ પોતાના જીવનથી એટલો આનંદ પામ્યા, કે એને હૈયે સંઘરી રાખવો હવે શક્ય ન હતો. એટલે તેમણે પોતાના એક પુત્રને એ નગરની મુલાકાતે મોકલવાનું વિચાર્યું, જ્યાં એક સમયે તેઓનું ઘર હતું. બંને પુત્રો ત્યારે વીસ વર્ષના થઈ ચૂક્યા હતા. જગત્પતિ અને આર્દ્રા સ્વજનો અને મિત્રો સુધી ક્ષેમકુશલ અને હર્ષના સમાચાર પહોંચાડવા, અને તેઓને કાયમ માટે અહીં રહેવા આવી જવાનું કહેવા ઈચ્છતા હતા.

 

જગત્પતિ અને આર્દ્રાની મહેચ્છા સાકાર થઈ. થોડાક જ વર્ષોમાં ત્યાં એટલી સંખ્યામાં શાંતિ ઝંખતા મનુષ્યોએ આવીને વસવાટ કર્યો, કે એ જગ્યાએ એક નાના ગામનો આકાર ધારણ કરી લીધો. ગ્રામજનો પણ આ સ્થળને આનંદવન કહેતા હતા. જગત્પતિ અને આર્દ્રાએ પોતાના બંને સંતાનોને આનંદવનમાં રહેવા આવેલા મિત્રોની જ દીકરીઓ સાથે પરણાવી દીધા.

 

એક તરફ રાજ્યનાં નગરોમાં અશાંતિ, હિંસા અને હાહાકાર વ્યાપેલા હતા. ગાંધાર તરફથી આવેલા પરદેશીઓ લૂંટફાટ, હત્યા, જોરજુલમ અને બળાત્કાર આચરતા સમગ્ર રાજ્યને ધ્વંસ કરતા ગયેલા. બીજી તરફ આનંદવનનું જીવન અત્યંત પ્રાથમિક સ્તરનું હતું. તેઓ પર્વતોના ઢોળાવ પર ખેતી કરતા, માછલી પકડતા અને જંગલ જે કંઈ પણ પ્રેમથી આપતું, એ કોઈ જ ફરિયાદ વગર લઈ લેતા. સુખ અને સુવિધાઓની પરિભાષા જ તેઓના માટે બદલાઈ ગયેલી.

 

દિવસો, મહિનાઓ, વર્ષો અને પછી દાયકાઓ પસાર થતા ગયા. આનંદવનનો બહારનાં વિશ્વ સાથેનો સંપર્ક હવે સાવ તૂટી ગયેલો, ત્યાં સુધી કે તેઓને જંગલમાંથી બહાર જવાનો રસ્તો પણ યાદ રહ્યો ન હતો. જો કે કોઈને પણ આનંદવન છોડીને ક્યાંય જવાની ઈચ્છા જ ક્યારેય ન જાગેલી.

 

આનંદવનના લોકો જે રાજ્યમાંથી આવેલા, ત્યાંની સત્તા પલટાઈ ગયેલી અને ત્યાં હવે કોઈ અજાણ્યા સૂબાનો હુકમ ચાલતો હતો. વિદેશી સૂબો નિર્દોષ બચ્ચાઓનાં શરીર ભોગવવામાં મગ્ન હતો. તેણે એ વાત પર કદી ધ્યાન જ ન આપેલું, કે એક દરબારીએ કેટલીયે વાર વર્ષો પહેલા નગર છોડીને રહસ્યમય રીતે ક્યાંક ચાલ્યા ગયેલા ઘણા પરિવારોની બાબતનો ઉલ્લેખ કરેલો. એ દરબારી આ રહસ્યને ઉકેલવાં આખી જિંદગી મથતો રહ્યો અને અંતે મૃત્યુંની ગોદમાં પોઢી ગયો. તેણે આનંદવનનો ક્યાંય ઉલ્લેખ માત્ર પણ ન સાંભળેલો. એ પછી ક્યારેય પણ કોઈએ આનંદવનને શોધવાનો પ્રયાસ ન કર્યો. આનંદવન સદીઓ સુધી ગિરિમાળાઓ વચ્ચે ગાઢ જંગલમાં સંતાઈને સૂતું રહ્યું.

 

એક દિવસ, દરિયાપારના કેટલાક બુદ્ધિશાળી ગણાતા લોકોએ રિમોટ સેન્સિંગ પ્રણાલી વડે પૂર્વની દુર્ગમ પર્વતશ્રેણીઓ વચ્ચે સંતાયેલી એક પ્રાચીન વસાહતનો પત્તો લગાવ્યો. અગાઉના અન્વેષણકારોની પહોંચથી પરે રહેલી, ગીચ જંગલ વચ્ચેની એ વસાહત અંગે તેઓને લખલૂટ આશ્ચર્ય થયું. એ વનવાસીઓ જીવતા કેવી રીતે હશે? એમની ભાષા, પહેરવેશ, સંગીત, રિવાજો ઇત્યાદિ કેવા હશે? કેટલા સમયથી બહારનાં વિશ્વ સાથે એમનો સંબંધ તૂટેલો હશે? અને એના કારણે એમનામાં કેવા-કેવા પરિવર્તનો આવ્યા હશે?

 

પ્રશ્નો અને જિજ્ઞાસાની પોટલીઓ ઊંચકીને પરદેશી અન્વેષણકારોની એક હથિયારધારી ટુકડી એ વસાહત તરફ રવાના થઈ. અન્વેષણકારો ત્યાંના ભેદી મનુષ્યોથી જરાક ડરતા તો હતા જ; કોને ખબર, એ લોકો અજાણ્યાઓને જોઈને કેવો પ્રત્યાઘાત આપે?

 

અન્વેષણકારો આનંદવન આવી પહોંચ્યા ત્યારે જગત્પતિ જંગલમાં કેટલીક ઔષધિઓ શોધવા ગયેલો. તેની ગેરહાજરીમાં આર્દ્રા અને તેઓના હવે પુખ્ત થઈ ચૂકેલા બંને પુત્રોએ મહેમાનોને આવકાર્યા. આનંદવનના લોકો એકબીજાના મન અને હૃદય ભાષા વગર જ સમજવાનું શીખી ગયા હતા, એટલે કાળક્રમે તેઓ વૈખરી વાણી સાવ વીસરી ચૂક્યા હતા. તેઓ હવે ફક્ત પરા વાણી જ જાણતા હતા. જો કે અજ્ઞાત કારણસર મુલાકાતીઓ સાથે એ વાણીમાં સંવાદ કરવો શક્ય ન બન્યું, એટલે બંને પક્ષો ક્યાંય સુધી એકબીજાનું નિરિક્ષણ કરતા ચૂપ રહ્યા.

 

અન્વેષણકારોને સમજાતું ન હતું કે આગળ શું કરવું. તેઓ અહીં મનમાં ઘણી યોજનાઓ ઘડીને આવેલા. માનવ સભ્યતાના વિકાસથી વંચિત રહી ગયેલા આ વનવાસી મનુષ્યોને બહારના વિશ્વના માણસોએ અત્યાર સુધી જે જ્ઞાન અર્જિત કરેલું હતું, એ કેવી રીતે આપવું? તેઓ વિચારતા હતા કે કઈ રીતે એમને જંગલીમાંથી સભ્ય બનાવવા?

 

એટલામાં જ, તેઓને આયુથી વૃદ્ધ પરંતુ શરીરથી હજુયે યુવાન જગત્પતિ ચાલીને આનંદવન તરફ આવતો દેખાયો. તેણે અજાણ્યા ચહેરાઓ જોયા. તેને સહેજ આશ્ચર્ય થયું, પરંતુ પછી તેણે વિચાર્યું કે ક્યારેક તો આ ઘડી આવવાંની જ હતી. તેણે આનંદવનને બાકીની દુનિયાથી અલિપ્ત રાખેલું, પણ બાકીની દુનિયામાંથી ક્યારેક તો કોઈક એમનાં દ્વાર પર આવીને ટકોરા જરૂર મારવાનું હતું, અને તે એવી ઘડીઓ માટે મનથી તૈયાર હતો.

 

જગત્પતિનાં આગમન પર આનંદવનના પ્રત્યેક મનુષ્યે આદરથી તેની સામે મસ્તક નમાવીને અભિવાદન કર્યું. અન્વેષણકારો બુદ્ધિશાળી હતા એટલે તેમણે વિચાર્યું, કે આ માણસ જ અહીંનું શાસન સંભાળતો હતો. તેઓ ફરીથી ઉત્સાહમાં આવ્યા. જગત્પતિ તેઓની સામે આવીને બેઠો. તે કશું બોલવા ગયો, પરંતુ મોંમાંથી જરાક ઉંહકારો જ નીકળ્યો. પોતાની જૂની ભાષા સ્મૃતિઓનાં થર નીચે દટાઈને પડી હતી, જેને ફંફોળવામાં તેને ઘણી મહેનત પડી. એટલે તેણે હાથના ઈશારાથી મુલાકાતીઓને એમની વાત રજૂ કરવાનું સૂચન કર્યું.

 

અન્વેષણકારો પૂરતી તૈયારી સાથે આવેલા. તેમણે સામાનમાંથી મોટી ડિસ્પ્લે ધરાવતાં કેટલાક ટેબ્લેટ બહાર કાઢ્યાં. એમનાં પર જીવંત થયેલી હાલતી-ચાલતી તસવીરો પાછલી સદીઓ દરમિયાન મનુષ્યજાતિએ દરેક ક્ષેત્રમાં કરેલા વિકાસ અને એના કારણે મનુષ્યને પ્રાપ્ત થયેલી સુખાકારીઓને દર્શાવતી હતી. આનંદવનના લોકો એ અજાણ્યાં વિશ્વના અજાણ્યા માણસોના અજાણ્યા સાધનોને અચંબાથી જોતા રહ્યા.

 

અંતે તસવીરોની શૃંખલા પૂર્ણ થઈ અને અન્વેષણકારોએ ટેબ્લેટ બાજુમાં મૂકીને જગત્પતિ સામે જોયું. તેઓને અપેક્ષા હતી, કે જગત્પતિ આ પ્રકારનાં પ્રેઝન્ટેશનથી ખુશ થશે અને બંને પક્ષો વચ્ચે એક સમજણભર્યો સેતુ રચાશે. જગત્પતિ ફરીથી કશું બોલવા ઈચ્છતો હતો, પણ હજુયે તેની વૈખરી વાણી સહકાર આપતી ન હતી. અન્વેષણકારોના ટીમ-લીડરે પહેલ કરી અને બાળક સાથે વાત કરતો હોય એમ એક-એક શબ્દ કાળજીથી છૂટો પાડીને બોલ્યો,

 

“અમે- તમને- જ્ઞાન- આપવા- આવ્યા- છીએ- સારું- જીવન- આપવા- આવ્યા- છીએ.”

જગત્પતિને એ અજાણી ભાષા સમજાઈ ન હતી. જે ભાષાનું એક સમયે તેને જ્ઞાન હતું, એ તો સાવ જૂદી જ ભાષા હતી. તેને જાણ ન હતી, કે એ ભાષા તો કાળની થપાટો ખાઈને ક્યારનીયે લુપ્ત થઈ ગયેલી. તેને જરાક મૂંઝવણ થવા લાગી. તેણે શબ્દો ઉચ્ચારવા પર વધારે જોર આપ્યું. બોલવાનો શ્રમ કરી રહેલા જગત્પતિને જોઈને અન્વેષણકારોને સારા પરિણામની આશા બંધાઈ.

 

આખરે, જગત્પતિ પોતાની વૈખરી વાણી ઉચ્ચારવામાં સફળ રહ્યો. તેણે ધીમેકથી, જાળવીને સામે બેઠેલા મુલાકાતીઓને પોતાની પ્રાચીન ભાષામાં પૂછ્યું,

 

“યુદ્ધ સમાપ્ત થઈ ગયું? હવે તો રાજ્યમાં શાંતિ છેને?”

 

કમનસીબે, અન્વેષણકારોને પણ જગત્પતિની આ ભાષા સમજાઈ ન હતી.

 

-સમાપ્ત-

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ