વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આજ કીં તાજા ખબર !

બાળવાર્તા : આજ કીં તાજા ખબર !




શહેરનો પ્રવાસ કરી આવેલ જીંપો ગધેડાને રાત્રે ઉંઘ જ આવતી નહોતી.એના મગજમાં બસ એક જ વિચાર ફર્યા કરતો હતો કે કઈ રીતે 'ગ્રીનો વન'માં શહેરની જેમ ન્યુઝ-ચૅનલ ચાલુ કરવી ? પણ એની માટે બ્રોની ઉસ્તાદની પરવાનગી લેવી જ પડે !

    સવાર પડતાં જ નાહી-ધોઈ પોતાની વાત કહેવા એ બ્રોની શેર સિંહના દરબારમાં જઈ પહોંચ્યો. બ્રોની ઉસ્તાદ તો મહેલના બગીચામાં છોડવાઓ પર પાણીનો છંટકાવ કરી રહ્યા હતાં ! બ્રોનીજીએ જીંપોને જોઈ બૂમ પાડી, ''અલ્યા...એ જીંપા....અહીં આવ ! ''

''ઓહ...બ્રોની ઉસ્તાદ પ્રણામ...બસ તમને જ મળવા આવ્યો હતો..'' જીંપોએ બે હાથ જોડતાં કહ્યું.

''લેં !..સારી વાત છે..આતો..હું બસ આ સાવ્વ શાંત બેઠેલા મારા છોડવાઓ સાથે વાતો જ કરી રહ્યો હતો..'' બ્રોની ઉસ્તાદે કહ્યું.

''પણ...હવે તમે આ ભુલી જશો..કારણ હવે તમે જંગલના સૌ પ્રાણીઓ સાથે ખુલ્લેઆમ તમારી વાત ફેલાવી શકશો '' જીંપોએ પોતાની વાત શરૂ કરી.

''ઓહો..પણ એ વળી કઈ રીતે ? '' બ્રોની ઉસ્તાદે આશ્ચર્ય સાથે પૂછ્યું.

''જુઓ..હું શહેર ગયો હતો ને ત્યાં શહેરમાં ટી.વી હતું !''

''આ....ટી.વી એ શું ?'' બ્રાઉનીએ વચ્ચે કહ્યું.

''આ ટી.વી એક ડબ્બો આવે..એમાં ચિત્ર અને મ્યુઝિક બંને થાય..એટલે એમાં આપણે કંઈ પ્રસારિત કરીએ એટલે બધાં જોઈ શકે,સાંભળી શકે !'' જીંપોએ વિસ્તારમાં સમજાવતા કહ્યું.

''વાહ...આતો કેટલું સરસ...આપણા જંગલના કોઈ ખૂણામાં કંઈ ઘટના ઘડે તો એ પલવારમાં આખ્ખાય જંગલમાં પહોંચાડી શકાય !'' બ્રાઉનીએ રાજી થતાં કહ્યું.

''પણ...એની માટે સૌ પ્રાણીઓને ઘેર ટી.વીનું કનેક્શન કરવું જરૂરી છે ને એની માટે થોડો ખર્ચ થાય એમ છે...'' જીંપોએ નારાજ થતાં કહ્યું.

''અરે..પૈસાની ચિંતા ના કરીશ...એ આપણા ભંડાર માંથી આપી દઈશ..બાકી તું કામ ચાલુ કર...'' બ્રાઉનીએ ખૂશ થતાં કહ્યું.


થોડાજ દિવસોમાં જીંપોએ એના શહેરનાં મિત્રોની મદદથી સૌ પ્રાણીઓને ઘેર ટી.વી મુકાવી દીધાં..


આજે જીંપો ગધેડો પહેલીવાર કંઈક પ્રસારિત કરવાનો હતો ! સૌ પ્રાણીઓ પોતપોતાને ઘેર ટી.વી આગળ બેસી ગયેલા ત્યાંજ થોડીજ વારમાં જીંપો માઈક લઈને કંઈક બોલતો દેખાયો.


''આજ કી તાજા ખબર...

           આપણા જંગલના રાજા બ્રાઉનીનાં મહેલની એક બારીનો કાચ તુટી જતાં રાજા સિંહને મોટી ઈજા થઈ છે !

      હું મારા કેમેરામૅનને કહીશ કે તુટેલી બારીના લાઈવ દ્રશ્યો બતાડે...''


આ ન્યુઝ સાંભળી શાંત જંગલમાં થોડીજ વારમાં અવાજ અવાજ થઈ ગયો.સૌ દોડતા રાજાના મહેલમાં જઈ પહોંચ્યા.

રાજાને માત્ર ટચલી આંગળી પર જરીક જ વાગ્યું હતું ને તેમાં જીંપોએ એને ભયાનક ન્યુઝ બનાવી દીધા.સૌએ રાજાને હેમખેમ જોઈ શાંતીનો શ્વાસ લીધો.


આમ રોજ જીંપો ગધેડો કંઈને કંઈ બોલ્યા કરતો.સૌ પ્રાણીઓ હવે એના અવાજથી કંટાળી ગયા હતા.

સૌ પ્રાણીઓ સાથે મળી રાજાને આ વાત જણાવવા ઉપડ્યાં.


''બ્રાઉની મહારાજ, આ જીંપોએ તો ખરેખર શાંતીનો ભંગ કરાવ્યો છે !'' લોલટ કૂકડો બોલ્યો.

''અને...કંઈને કંઈ બોલ્યા કરે છે ! એક દિવસ જરીક  મારી સુકાવા મુકેલ ગંજી પવનથી ઉડી તો એણે એ પણ ટી.વી માં બતાવી દીધું...'' બોબલ બંદરે ઉભરો ઠાલવતાં કહ્યું.

આમ એક પછી એક સૌ પ્રાણીઓ જીંપોની ફરિયાદ કરવા લાગ્યા...


''હા..મિત્રો..આ શાંત જંગલની શાંતિમાં ખરેખર ભંગ પડી ગયો છે ! ...ચૅનથી જીવાતી જીંદગીમાં આ ડોઘલું ખરેખર અડચણો લાવે છે..'' બ્રાઉની રાજાએ કહ્યું.


તરત રાજાએ મીંકો શિયાળ પ્રધાનને બોલાવી કહ્યું, ''અત્યારે જ જીંપોને મારી આગળ હાજર કરો.!''


થોડીજ વારમાં જીંપો હાજર થયો.બ્રાઉની રાજાએ તરત સૌના ઘરેથી ટી.વી કનેક્શન હટાવવાનો આદેશ આપ્યો !


સૌ પ્રાણીઓ ખૂબ ખુશ થયાં.

''આજકી તાજા ખબર...આજથી ટી.વી બંધ ! ''જોંટી ગેંડાએ કહ્યું ને સૌ પ્રાણીઓ ખડખડાટ હસવા લાગ્યાં.




લેખક : ધાર્મિક પરમાર 'ધર્મદ'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ