વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નિયતિ

ફળિયું વાળીને તન્મયા હિંચકે બેઠી. પગના હળવા ઠસકાથી પાછળ જઈ હળવેથી નમી અને હિંચકાના લયમાં જ આંદોલિત થઇ અને સાથે જ મન પણ વ્યગ્રતાથી આંદોલિત થયુ.


આજે ઘરમાં કોઈ નથી. પતિ પ્રણવ દરરોજની માફક યંત્રવત જ કામે ગયો, સાસુ- સસરા કોઈ સબંધીને ત્યાં મરણ થયું હોવાથી ખરખરો કરવા કાણે ગયા છે.


આંદોલિત મનમાં હિંચકાના કિચૂડાટથી ધ્યાન ભંગ થઇ હોય એમ નાનકડા અધખુલ્લા મંદિર પર નજર ગઈ અને વહેલી સવારના સાસુના શબ્દો યાદ આવ્યા, "તન્મયાને ખબર નહીં આખો દાડો શું કામ હોય છે, આ વાટો ખૂટી છે 'ને મહારાણી હજુ બિછાને પડ્યા છે".


આખી રાત તાવમાં ધખેલી તન્મયા અર્ધ નીંદ્રામાં જ આ સાંભળીને સફાળી ઉઠી. ભારે થયેલા માથાને વિખરાયેલા વાળ સાથે જ અંબોડામાં બાંધી બહાર આવી. કબાટ માંથી રૂ ની પૂણી કાઢીને વાટ બનાવવા ગઈ ત્યાંજ તીર માફક વાક્ય આવ્યું, "નાહ્યા પહેલા અડીશ નહીં તેને, ખબર નહીં ક્યાંનું પાતક મારે માથે ચડ્યુ છે". રૂ ની પૂણી પાછી મુકીને બાથરૂમ તરફ ગઇ અને સાસુનો વણથંભ્યો બબડાટ અવગણીને રોજનીશી આટોપી રસોડામાં જઈ ગેસના બર્નર સાથે અંદરથી સળગી રહી અને ચાના ઉફાળા સાથે સાણસીથી થોડી તપેલી ઊંચકીને ગળણીથી ઉફાળો બેસાડ્યો પણ અંદરનો ઉફાળો ન બેઠો.


હિંચકેથી ઉઠીને રકાબીમાં થોડું દૂધ અને કબાટમાંથી રૂની મોટી પૂણી  લઇને પાછી હિંચકે બેઠી. પૂણી માંથી થોડું રૂ ખેંચીને એક આંગળી એ દૂધમાં બોળી અને વાટની અણી પર એ ભીની થયેલી આંગળી અને અંગૂઠાની ચપટી ભીંસીને મસળાઇ સાથે જ મનમા ધરબીને દબાવી દીધેલા પ્રસંગો પણ ધુળ મસળાયા પછીની હળવી સમીરની લહેરખી માફક ઉઠ્યા અને નાનકડી ડમરી ચડી.


દસ વર્ષ પહેલાંનો એ ભવ્ય ભૂતકાળ જે આજે ખખડધજ અને ક્ષીણ થયેલો પરંતું ભાગીને ભુક્કો નહોતો જ થયો.


ધરમ જ્યારે પહેલી વખત જોવા આવ્યો, પછીથી ઉતાવળે થયેલા લગ્ન અને તેનાથી પણ વધુ ઉતાવળે એકમેકના પૂરક બની સંસાર સાગરમાં તરબોળ થઇને ત્રણ વર્ષતો પાણીના રેલા માફક કેમ પસાર થઈ ગયા ખબર પણ ન પડી. અને ત્યારબાદ અનિચ્છાએ પ્રણવ સાથે બંધાઇ પણ ક્યારેય ગોઠવાઇ ન શકી.


તે સવારે વહેલી ઊઠી. હજૂ અંધારુ હતું. ધરમને પથારીમાં ન જોતા સાહજિક પ્રશ્નો થયેલા, આજે કેમ વહેલો ઉઠી ગયો હશે? બહાર ગયો હશે? કેમ અગાઉ કશું કહ્યું નહીં હોય? આવુ તો પહેલા ક્યારેય નથી બન્યું, અને ઉભી થઈ અરીસામાં મોં જોતી વખતે જ ગડી વાળેલા કાગળ પર નજર પડી.


એ કાગળની લીટીઓમાં લખેલા અક્ષરો હવે તો આટલા વર્ષો બાદ વાંચવા પણ નથી પડે તેમ, હૈયે કોતરાઈ ગયા છે. છતાય જ્યારે જ્યારે મન હિલોળે ચડતુ ત્યારે ત્યારે એ જ કાગળ અગણીત વખત વંચાતો અને અચૂક પલળતો. એટલે એ જ કાગળ પરના ઘણા ખરા રોળાઇ ગયેલા અક્ષરો એમજ સજીવન થઈ ઉઠતા. અને હંમેશની માફક કોઈ જોઈ ન લે તે રીતે પછો પુસ્તક વચ્ચે ગડી થઇને મુકાઈ જતો, એ જ વિચારથી કે શું આ જ હશે નિયતિ.


હિંચકેથી ઉઠીને અલમારી માંથી પુસ્તક કાઢ્યું, ત્યાંજ બહારના દરવાજેથી કોઈ આવવાનો અવાજ સંભળાતા પુસ્તક પાછું મૂકી બહાર આવી. સાસુ-સસરા અંદર પ્રવેશ્યા અને, "તન્મયા આજે છ વ્યક્તિની રસોઈ વધુ બનાવવાની છે". સાસુનો આદેશાત્મક સ્વર ગુંજ્યો.


"હા બા! કેમ કોઈ મહેમાન આવે છે કે?" એ આદેશાત્મક સ્વર જીલીને તન્મયાએ પ્રતિપ્રશ્ન કર્યો.


હા! સાધુઓની જમાત ફેરીમાં નીકળી છે. તો આજે આપણે ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું છે.


ઠિક બા!


ઠિક નહીં! કામે વળગો,  હમણાં પ્રણવ પણ આવતો જ હશે.


તન્મયાએ રસોડામાં જઈ રસોઈ આરંભી સાથે ધરમના એ કાગળની બે લીટીના શબ્દો મનમાં ઘુંટતી રહી, "હું હંમેશ માટે જાઉ છું, નિયતિમાં હશે તો ફરી મળીશુ".


થોડી વારે સાધુઓ આવ્યા. સાસુ-સસરાએ જ આગતા સ્વાગતા કરી. વરંડામાં સૌથી વયસ્ક હતા તે સાધુ સૌથી આગળ બેઠા. બાકીના સૌ તેમની સામે ગોઠવાયા સાથે સાસુ-સસરા પણ. મુખ્ય સાધુ સિવાયના બધા સાધુઓએ ટુંકા ધાર્મિક પ્રવચનો કર્યા. છેલ્લે મુખ્ય સાધુ સગુણાનંદે ટુંકા પ્રવચન બાદ કહ્યુ, "કોઈ મુંજવતો પ્રશ્ન હોય તો પુછો".


સાસુએ બધા સામે એક નજર ફેરવીને સગુણાનંદ સામે નજર સ્થિર કરી અને કહ્યું, "મહારાજ મારા દિકરા પ્રણવને લગ્ન થયાને દસમું વર્ષ જાય છે, ઘણી દવા દુવાઓ કરી પણ ખોળો ખુંદનાર નથી. કોઈ ઉપાય ખરો?


સગુણાનંદે ઝોળી માંથી કંઇક પારા જેવુ કાઢી જમીન પર મુક્યુ અને કહ્યું, "આ પારો પહેરાવજો, નિયતિમાં હશે તો.. આ વાક્ય પુરુ થાય તે પહેલાં જ તન્મયા રસોડા માંથી બહાર આવી અને ઊકળતા ચરુ જેવી નજર સગુણાનંદ સામે કરીને, "હવે મારી નિયતિ નક્કી કરવાનો તમને કોઈ જ અધિકાર નથી ધરમ, હવે નિયતિ હું નક્કી કરીશ".

"ત્યારે તો મને ઉંઘતી મુકીને ચાલ્યા ગયા હતા હવે ફરીથી નહીં, હવે તો જ્યાં તમે ત્યાં જ હું".


ત્યાં તો આખો સાધુગણ ઊભો થઇ ગયો. સગુણાનંદ એક પણ શબ્દ કહ્યા વગર ચાલતા થયા અને તેની પાછળ પાછળ અન્ય સાધુઓ પણ. અને સાથે તન્મયા પણ.


તન્મયાને પણ સાથે જતા જોઈ ગભરાઈને સાસુ, " તન્મયા તે સાધુઓને જમણ પરથી ઉભા કર્યા છે મારે માથે.. સાસુ નું વાક્ય અધવચ્ચેજ કાપીને તન્મયાએ કહ્યુ," પાતક ચડાવતી નથી ઊતારીને જાઉ છું, અને એ પણ હંમેશ માટે..


અને તન્મયા ચાલી નીકળી સગુણાનંદના વેશે ધરમ સાથે હંમેશ માટે...





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ