વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચતુરાઈ

આખા ગઢમાં સન્નાટો પ્રસરી ગયો હતો. બધા દરવાજા જડબેસલાક બંધ કરી દેવાયા. ફરતી બાજુ સંત્રીઓએ મશાલ સળગાવીને ઝરૂખેથી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો. ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય એવી નિરવ શાંતિ છવાઈ ગઈ હતી.

     આ રણમલગઢમાં જોરાવરસિંહના મોત પછી ગઢને જીતવા દુશ્મનો આજ ચડાઈ કરવાના છે એવી બાતમી મળી હતી. બધાએ આધેડ વયની રાણી અને રાજકુમારને ગુપ્ત રસ્તેથી સલામત ખસેડવાની કામગીરી ચાલુ કરી દીધી હતી. પંખીડા માળામાં ભરાઈ ગયા હતા. કૂતરાં પણ જાણે વાત ભાળી ગયા હોય એમ ભોંમાં માથું ઘુસાડી ચૂપચાપ હતા.રાણીએ મંત્રીને સામે છાતીએ લડી લેવાના આદેશ આપી દીધા હતા. રાજકુમાર નવલોહિયો હતો એટલે એ લડી લેવા ઉછળતો હતો. એ જ સમયે રાજગુરુએ ચતુરાઈથી શાંતિ સાથે એકાંતમાં રાજકુમારને  કશુંક સમજાવ્યું.

        આ બાજુ દુશ્મન એવા નવાણગઢમાં રાત્રિવેળાએ તળાવ કાંઠે પરી જેવી યુવતીઓ નાહી રહી હતી. એને એના રાજાના ચડાઈ કરવાના કારસ્તાનની જાણ સુદ્ધાં ન હતી. એમાં તો એક એ રાજની રાજકુમારી પણ હતી. એ બધી નાહીને બહાર નીકળી જ રહી હતી, કે તળાવમાં કોઇએ એનો પગ ખેંચ્યો. કદાચ, મગર જેવા જળચરનો હુમલો હશે એવું વિચારી એ પોતાના બચાવમાં બૂમાબૂમ કરવા લાગી. અંધારામાં કશું દેખાતું નહોતું.  એકલી યુવતીઓના ટોળામાં કોઇએ  રાજકુમારીને બચાવવાની હિંમત ના કરી. એ જ સમયે પવનવેગે એક ઘોડેસવાર બુકાનીધારી ત્યાંથી પસાર થયો અને એણે રાજકુમારીને બચાવી લીધી. મગર તો ન દેખાણી પણ તલવારના ઘાથી પાણીનો રંગ લાલચોળ થતો જ ગયો. બુકાનીધારીએ યુવતીની સારવાર કરી અને સહીસલામત ઘરે પહોંચાડી. યુવતી તો એ બુકાનીધારીને દિલ દઈ બેઠી. એ બુકાનીધારી આ ભાવ સમજી ગયો અને નિશાની સ્વરૂપે યુવતીને એક લાલ રત્નજડિત વીંટી આપી ચાલતો થયો.

      મધરાતે મનના માણીગર એવા બુકાનીધારીની યાદ આવતા એકીટશે વીંટીને નીરખી રહી હતી. હા, એ વીંટીની કરામત જ હતી કે એ કમળના ફૂલ જેમ ખીલી ઊઠી. એની અંદરથી નાની ચબરખી નીકળી. એ ચબરખી વાંચતા એ યુવતીની આંખો ચમકી.

     આ બાજુ સવારે સૂરજ માથે ચડી ગયો હતો અને ગઢના દરવાજા ખુલવાના નામ નહોતા લેતા. સંત્રીઓએ આખી રાત એક પગે ઊભા રહી ચોકી કરી હતી. જેવી સવારે બે ઘડી આંખ મિંચાણી કે ઘોડાના તબડક-તબડકના અવાજે આંખો ખુલી અને એ ગઢના દરવાજે ઘમાસાણ યુધ્ધની નોબત વાગી. તલવાર, ભાલા અને ઘોડાની હણહણાટીની વચ્ચે ફરી એકવાર સન્નાટો છવાયો. અચાનક જ યુદ્ધ રોકવાનો શંખ ફૂંકાયો. કોઇ કાંઈ વિચારે એ પહેલા જ બધાની વચ્ચે એ ગઢના મુખ્ય ઝરૂખે એક બુકાનીધારી દુશ્મન રાજાની રાજકુમારીનો હાથ પકડી વટથી ઊભો હતો.

      દુશ્મન રાજાએ હાકોટો નાંખ્યો કે "કોણ છે તું નરાધમ? જે મારી કુંવરીનો પ્રજાની સામે હાથ પકડી એના બાપની સામે લઈને ઊભો છે !"


બુકાનીધારીએ એ જ સમયે બુકાની હટાવી અને એ બુકાનીની પાછળનો ચહેરો એટલે રણમલગઢનો રાજનો નવલોહીયો રાજકુમાર વાંકડી મૂંછે ખંધુ હસ્યો. રાજકુમારી લાલ ચૂંદડી ઓઢી,લાલ ચૂડલો પહેરી અને રાજકુમારનો હાથ પકડીને  સમસ્ત સેના અને પ્રજા સામે જ એના પિતાજીને પગે લાગી. પછી પોતાની સાથે ઘટિત મગરવાળી ઘટનાની વાત કરી. દુશ્મને એ વાત સ્વીકારી અને એ જ સમયે નવલોહિયાને જમાઈ બનાવ્યો.


    હા, એ વીંટીની ચબરખીમાં જે લખેલું હતું એ જ લોહિયાળ જંગને અટકાવી ભવભવના સંબંધથી જોડીને ઈતિહાસ રચતું ગયું..................


એક ને એક તો એક જ થાય,

તું હા પાડે તો કામ પણ નેક થાય,

તારી એક હા પડે તો વિવાહસંબંધે,

બે જીવ એક બની અનેક પણ થાય.



આ સમજદારીની શિખ રાજકુમારને એના રાજગુરુએ બે રાજ્યના પ્રજાની હિત માટે આપી હતી.


શિતલ માલાણી"સહજ"

તા.૩૧/૧/૨૦૨૧

જામનગર..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ