વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અજાણ્યો મુસાફર

                  અલવિદા 2020

          

          2020નું એક યાદગાર સંભારણું


ડિસેમ્બર, 2019માં ચીનના વુહાન પ્રાંતમાંથી ઉદ્દભવેલ 'કોરોના' નામના વાયરસે ધીમે ધીમે વિશ્વના અલગ અલગ દેશો તરફ ગતિ માંડી.વર્ષ 2020ની શરૂઆતથી જ 'કોરોના' શબ્દ જાણે માનવજીવન સાથે સંકળાય ગયો. આ વર્ષ દરમિયાન સૌ કોઈએ ઘણુંબધું નવું જાણ્યું, શીખ્યું ને મહદ્અંશે માણ્યું ય ખરું!


વર્ષના અંતે મારા અદા(પપ્પાના મોટા ભાઈ) કોરોનાના કારણે અમારાથી દૂર ગયા, પણ સામે આખા વર્ષ દરમિયાન ઘણીબધી યાદગાર ઘટનાઓ પણ ઘટી. 


 'જે 28 વર્ષની ઉંમરે જોઈતું હોય એ મેળવવા 18 વર્ષની ઉંમરે મહેનત શરૂ કરી દેવી જોઈએ' આ મુજબ મેં પણ 2020ની શરૂઆતથી જ મારા સપના તરફ પ્રથમ પગલું ભર્યું અને લેખનની શરૂઆત કરી. હમેશાં મને ટીચીંગનો બહુ જ શોખ રહ્યો છે, કોરોનાના કારણે મને પૂરતો સમય મળ્યો એટલે હું ટ્યૂશન ક્લાસીસ પણ શરૂ કરી શકી. 2020ના વર્ષે મને શીખવ્યું કે સ્ટડીની સાથે સાથે અન્ય વસ્તુઓ પણ થઈ શકે, જેમાંથી અઢળક અનુભવો મળે.


2020 દરમિયાન મારી સાથે ઘણી રોચક ઘટનાઓ બની. જેમાંથી મારા દિલની સૌથી નજીક છે એવી એક ઘટના આપની સમક્ષ રજૂ કરીશ.


---------------------------------


2020ની શરૂઆતમાં જ મારે લેખન નામની નગરીમાં પ્રવેશ કરવા માટે મુસાફરી કરવાની હતી. જેમાં ઘણાબધા અલગ અલગ સ્ટેશનો હતા.મારે શોપિઝન નામની ટ્રેનમાં બેસીને મુસાફરી કરવાનું થયું. વ્હોટ્સએપ નામનું એક સ્ટેશન હતું, જ્યાં વિસામો લેવા માટે ટ્રેન અવારનવાર  ઊભી રહે. શોપિઝન નામની ટ્રેનમાં મારા જેવા અસંખ્ય મુસાફરો હતા. જેમને મળવાનું થયું. 


ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસો પસાર થઈ રહ્યા. ત્યારે એક અજાણ્યા મુસાફરે મારી પાસે આવીને કહ્યું, 'Keep Reading Than Writing.' હું એમના આ વાક્ય સાથે પૂરી રીતે સહમત થઈ. મને એનું સૂચન ગમ્યું એટલે મેં એમનો આભાર વ્યક્ત કર્યો. સામે એમણે એક હળવી સ્માઈલ આપી. 


બીજે દિવસે ફરી મને સ્ટેશન પર એ જ મુસાફર મળ્યો. 


એણે મને પૂછ્યું, 'તમે કંઈ કંઈ ટ્રેનમાં મુસાફરી કરો છો?' (કંઈ કંઈ એપ પર લખો છો?)


 મેં કહ્યું, 'હાલ તો શોપિઝન એક જ.'


'અચ્છા, ગુડ'


'હમ્મ...'


'શું, શું, લખવું ગમે છે અને વાંચવામાં શું પસંદ કરો છો?'


મેં જવાબ આપ્યો, 'હોરર, લવસ્ટોરી વાંચવાનું વધુ ગમે છે. લખવાનું તો હજુ શીખું જ છું. બે વાર્તાઓ અને અમુક કાવ્યો લખી છે.'


'ઓકે,સરસ.'


હિમાંશી શેલત, જયંત ખત્રી, સરોજ પાઠક આ લેખકોને વાંચ્યા છે?


મેં એમાંથી એકપણ લેખકને વાંચ્યા ન હતા. એટલે મેં તરત ના પાડી. 


થોડીવારમાં એમણે મને હિમાંશી શેલતની વાર્તા 'અકબંધ'ની PDF મોકલી અને કહ્યું, 'આ વાંચો. જે લાઇન નીચે અન્ડરલાઇન છે એ લાઇનનો અર્થ મને વિસ્તૃત સમજાવજો.' 


મેં કહ્યું, 'ઓકે.'


મેં ધ્યાનપૂર્વક એ વાર્તા વાંચી. મને બહુ ગમી. પછી જે લાઇન નીચે અન્ડરલાઇન કરેલી હતી એનો અર્થ મેં સમજાવ્યો. અમુક વસ્તુ સાચી કહી તો અમુક ખોટી. જે ખોટું હતું એ એમણે મને સમજાવ્યું. ત્યારે તો હું એમને ઓળખતી પણ નહોતી,  પણ આજે મને ખ્યાલ આવ્યો કે જેટલું ઉત્તમ સાહિત્ય તેઓ લખે છે એટલું જ ઉત્તમ સાહિત્ય તેઓ વાંચે પણ છે. 


‌અમારા બંને વચ્ચે એ વાર્તા પર બહુ જ લાંબી ચર્ચા ચાલી હતી. ચર્ચાના અંતે એમણે કહ્યું, 'તમે એક સારા વાચક છો. ચાલો એ બહાને મારે  મહેનત તો ઓછી, જે વાંચવા આપું એ સમજી તો શકશો! અને હા, એક વસ્તુ કહું?'


મેં કહ્યું, 'હા બોલો.'


'સારું લખવા માટે સારું સાહિત્ય વાંચવું બહુ જરૂરી છે.' 


મેં કહ્યું, 'હમ્મ. બરાબર.' 


તે દિવસથી હિમાંશી શેલત મારા પ્રિય લેખક બની ગયા. તે દિવસથી હું એમને વાંચતી થઈ અને એમની લેખનશૈલીથી બહુ જ પ્રભાવિત થઈ. ધીમે ધીમે એ મુસાફર અને મારા વચ્ચેની ઓળખાણ ગાઢ બની, મેં એમનું લખાણ વાંચવાનું પણ શરૂ કર્યું. એમની વાર્તાઓ, માઈક્રોફિક્શન અને નવલકથા વાંચીને પણ હું ઘણું શીખી. એના લખાણથી પણ હું ખાસ્સી એવી પ્રભાવિત થઈ.


‌ત્યારબાદ તો અવારનવાર એ મુસાફરને મળવાનું થયું. લેખન અંગે ઘણી બધી ચર્ચાઓ થઈ. એમની અને મારી ઉંમર વચ્ચે બહુ લાંબો તફાવત પણ છતાંય બહુ સહજતાથી અમે ભળી ગયેલા. બહુ ટૂંકા સમયગાળામાં હું એમના માટે 'તમે' માંથી 'તું'બની ગઈ. પહેલેથી જ લેખન/વાંચનનો મને બહુ શોખ છે. દરેક વસ્તુ માટે યોગ્ય માર્ગદર્શન પણ હોવું જરૂરી છે. આ અજાણ્યો મુસાફર મારા માટે માર્ગદર્શક બન્યો. 

‌લેખન જ નહીં એ સિવાયનું પણ જીવન ઉપયોગી ભાથું મને એમના તરફથી મળ્યું. એ વારંવાર મને શીખવતા હોય છે. 

1. 'નિષ્ફળતામાંથી બધા ક્યારેક ને ક્યારેક પસાર થતા જ હોય છે, એનાથી હિંમત હારી નથી જવાનું. મહેનત હંમેશાં કરતું રહેવાનું,  કોશિશ ક્યારેય અટકવી ન જોઈએ.'


 2. 'બધાની લાઇફમાં પ્રોબ્લેમ્સ હોય જ છે. તો એને જતાવવાના ન હોય. ચાલ્યા કરે. ઇટ્સ લાઈફ.' 


 3. 'બીજા શું કહે એ નહીં વિચારવાનું. તને શું યોગ્ય લાગે તે કરવાનું.' વગેરે વગેરે...


આવી જ નાની નાની ઘણી વાતો એમણે મને હંમેશા શીખવી છે. હજુ પણ શીખવતા રહે છે. બહુ ગુસ્સો તો નથી કરતા પણ જરૂર પડ્યે મારા ઉપર ગુસ્સે પણ થાય છે. જ્યારે જ્યારે અમારી ફોન ઉપર વાત થઈ હોય ત્યારે ત્યારે મને દરેક કૉલમાંથી એક નવી શીખ મળી છે. 


આજે પણ મુસાફરી ચાલુ જ છે, પણ ફરક માત્ર એટલો છે કે ત્યારે એ મારા માટે 'અજાણ્યો મુસાફર' હતો... અને આજે 'જાણીતો મુસાફર' બની ગયો.


'જિંદગી એ એક સફર છે.

જેમાં ઘણાં મુસાફરોને મળવાનું થાય છે.

જેમાંથી ઘણાં આપણને યાદ પણ નથી રહેતા,

ને ઘણાં આપણા માટે યાદગાર બનીને રહે છે! 

જે જીવનભર ભુલાતા નથી.'


મને નવા નવા લોકોને મળીને એમાંથી કૈંક ને કૈંક શીખવું ગમે છે. હું દરેક લોકો સાથે સરળતાથી ભળી જાઉં છું, પણ દરેક લોકોની બની નથી જતી, કે દરેકને મારા પોતાના બનાવી નથી લેતી. દરેકને મળવું ને એમનું બનવું એમાં ઘણો ફરક હોય છે. 


એ અજાણ્યા મુસાફર સાથે હું ભળી અને એમની બની ગઈ. એ પણ મારા સાથે ભણી ગયા ને મારા બની પણ ગયા!

મારી અંગત ડાયરીના પન્ના ઉપર એક વધુ સ્મરણને સ્થાન આપવા માટે એ અજાણ્યા મુસાફરનો હૃદયપૂર્વક આભાર સાથેસાથે આ સ્મરણ લેખ એ 'અજાણ્યા મુસાફર'ને અર્પણ કરતાં મને બેહદ ખુશી થાય છે. 


એ મારા પ્રિય લેખક છે, સાહિત્ય ગુરુ છે, દોસ્ત છે, રોલમોડેલ છે અને જિંદગી નામના પ્રવાસમાં મળેલ પ્રવાસી છે. 


✍️ © મીરા પટેલ




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ