વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જિંદગી મિલી દુબારા..

સંસ્મરણો 2020


               'ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું?' ખરેખર આ યુક્તિ સાર્થક થઈ. હરખભેર જ્યારે 2020ના વધામણાં કર્યા ત્યારે ક્યાં અંદાજ પણ હતો કે આ વર્ષ કેટકેટલા રંગ લઈ આવવાનું છે. એ તો ખબર પડી કે ક્ષણભગુંર આ જીવનમાં કશુંયે શાશ્વત નથી. સર્જન અને વિનાશ કુદરતને હાથ છે, છતાં અણગમતી સ્થિતિનો સ્વીકાર કરવો અઘરો હતો. કોરોના, લૉકડાઉન, માસ્ક, સૅનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ આ શબ્દો પર્યાય બની ગયા. ઘણાએ સ્વજન ગુમાવ્યાં તો ઘણાએ અંતર વધાર્યું. મોતનો પણ મલાજો ન રહ્યો. વળી બીજી બાજુ લોકોએ હિંમત કેળવી, માણસાઈ જાગૃત થઈ, સંવેદના પ્રગટ થઈ, લાગણીઓ વ્યક્ત થઈ, પરિવાર એક થયા. સુખ હોય કે દુઃખ દરેક એની એક્સપાયરી ડેટ લઈને આવે છે. બધું જ બદલતું રહેવાનું. છતાં એવું કહી શકાય કે આ વર્ષ જવાબદારીનું ભાન કરાવી ગયું. જિંદગી પ્રત્યે અભિગમ બદલાયો. પોતાને માટે સમય મળ્યો. કોઈથી દૂર થયા ત્યારે એ વ્યક્તિની ઉણપનો અહેસાસ થયો. સારું નરસું બધું સ્વીકારી જીવતા ફાવી ગયું. આ એક વર્ષ હતું આગળ ઘણું થવાનું, સ્વીકારવાનું અને જોવાનું જ હતું. The show must go on.


                    મારા માટે તો વર્ષની શરૂઆત એમ જ સામાન્ય હતી. વહેલી સવારથી આથમતી સાંજ સુધી બધું જ એવું ને એવું હતું. સતત બદલાવ ઝંખતું મન જવાબદારીઓ વચ્ચે દ્વંદ્વ યુદ્ધ કરતું. સ્કૂલ, જોબ, ઘર, ટ્યૂશન, વ્યવહાર, મમ્મીની તબિયત વચ્ચે આપોઆપ પીઢતા આવતી ગઈ.


                   જ્યારે લોકો પોતીકા વ્યક્તિથી અમુક કિલોમીટરના અંતરને પણ અસહ્ય ગણે છે ત્યારે જેનું કોઈ અંગત આ દુનિયામાં જ ન હોય એની પીડા કારમી હોય છે. એ વાતનો અહેસાસ મને દરેક પળે થતો રહે છે. થોડા વર્ષો પહેલા જાણે એક ઝંઝાવાત આવ્યો અને મારા વહાલા ભાઈને લઈને જતું રહ્યું. ભાઈ કહું કે દોસ્ત, મારા માટે એ બધું જ હતો. એની વિદાય સતત ડંખતી રહી. એ અધૂરપ વચ્ચે એક ઋણાનુબંધ રચાયો. જાણે ફરી મારો એ જ ભાઈ મળ્યો. જેનામાં દરેક ક્ષણે મારા ગયેલા ભાઈને મેં મહેસૂસ કર્યો છે. ભાઈબહેનના આ સંબંધમાં લાગણી, વ્હાલ, પ્રેમ, ચિંતા, હક બધું જ છે.  આ વર્ષનું રક્ષાબંધન એવું આવ્યું, જ્યાં એક હૂંફ હતી. મારી રાખડીને બાંધનાર મારો ભાઈ મારી પાસે હતો. એક હરખ હતો કે આ વર્ષે મારી રાખડીની રાહ જોનાર કોઈ હતું. હું તો થોડી વધુ જ ખુશ હતી, કારણ કે ભાઈની સાથેસાથે મને મારાં વહાલી ભાભી પણ મળ્યાં. ભાઈ તમારી નાનકીને લાગણીઓ વ્યક્ત કરતા જરાય આવડતું નથી, પણ લાડલા ભાઈને મારા શબ્દોની જરૂર પણ નથી. અપેક્ષાથી પર જ્યારે વહાલ મળે ત્યારે આંખ આપોઆપ છલકાઈ જાય. રક્ષાબંધને શોપિઝનના વહાલા ભાઈઓએ દિવસ યાદગાર બનાવી દીધો. કેટલા બધાના લાડ મળ્યા. નટખટ, મસ્તીખોર, ચંચળ એવા બધા મારાં લાડલા છે.


              જેની સાથે વાત કરીએ ત્યારે એક આનંદ, સુખ અને શાંતિ અનુભવાય એવા મા મળ્યાં. જે દીકરીને ખૂબ લાડ લડાવે છે. જેમની પાસે અમૂલ્ય શીખ મળે છે. જે સતત મદદરૂપ થતા રહે છે.


             મારી છોટી મને મળી. જાણે મને મારી પરછાઈ મળી. જે બિચારી એની જીજીમાંનો ગુસ્સો પણ સહન કરે છે. લડીએ, રડીએ, મનાવીએ અને ફરી સાથે હોઈએ. હા, હવે લડાઈ વધી જાય ત્યારે રાતે એક વાગ્યા સુધી સમજાવીને ભાઈ હેરાન થઈ જાય.(હેહેહે.. યાદ આવ્યું કે?)


             મને મારી દીદી મળી. મારાથી મોટા પણ શરીરે મારા જેવા જ. જે દૂરથી પણ મને માર્ગદર્શન આપે, મારી ચિંતા કરે, મસ્ત મજાની શીખ આપે. બાકી દોસ્ત જેવા દીદી મળ્યા. જ્યાં કોઈપણ ટોપિક વિના વાત કરી શકાય. બિન્દાસ્ત હસી શકાયને એ બધા પણ મારા જેવડા થઈ જાય. ઘણા વડીલો મળ્યા. જેમની સાથે વાતો કરતા કરતા સમયનું ભાન ભૂલી જવાય.


             આ વર્ષે મેં મારા પપ્પા સાથે સૌથી વધુ યાદગાર સમય પસાર કર્યો છે. રાતભર જાગીએ દોસ્તની જેમ વાતો કરી છે. પપ્પા પાસેથીબહુ બધું શીખી. એને સમજ્યા. પપ્પાની તો સદાય હું લાડલી રહી છું અને એમની પાસે હજુ બાળપણ જીવું છું. 


            સાથે જ મને તો સૌથી વધુ ખુશી મળતી હોય તો એ છે બચ્ચાપાર્ટી. સ્કૂલ અને ટ્યૂશનનો એ સમય મારો ગોલ્ડન ટાઈમ હતો. એ બધા સાથે મેં ફરી બાળપણ જીવ્યું છે. લોકોએ આ વર્ષમાં સરસ ફોટા પાડ્યા હશે તો એક ફોટું મેં પણ પડાવ્યો. હા, હાથ તોડીને જબરજસ્ત આરામ પણ કર્યો. એકાદ દિવસ તો લાગ્યું જાણે અલગ જ દુનિયામાં હોઉં. બધાં ખબર પૂછે અને આપણે એય મજાના આરામ કરીએ. ત્યારે બચ્ચાઓએ યાદ અપાવ્યું કે 'મેમ.. હાડકું તૂટ્યું છે હો. હરખમાં ઉછળ્યા તો પગ પણ જશે.' વાત પણ સાચી હતી. આ કોઈ મહાન કામ તો નહોતું કર્યું.


            યુ નો આપણે આમ સ્ટ્રોંગ, પૉઝિટિવ, નીડર. હારવું, થાકવું એ ન પરવડે.  હાથ ઠીક થયો ને વળી દોડાદોડ શરૂ. એક મિનિટ પણ શાંતિ નહીં. મમ્મી કહે કે તારું શું થશે? હકીકતમાં તો મારી સાથે નહીં પણ એની સાથે ખોટું થઈ રહ્યું હતું. એક રિપોર્ટથી અચાનક અંધકાર ફેલાઈ ગયો. મોટા ભાગનો સમય હૉસ્પિટલમાં પસાર થયો. રોજરોજ જન્મદાત્રીને ઝઝૂમતી જોઈ.  હૉસ્પિટલમાં દોડાદોડી, એ રાતોના ઉજાગરા, એ ડર, એ પીડા બધું જ થકવી નાખવા માટે પૂરતું હતું; છતાં મમ્મી ન થાકી. એની જિજીવિષા જોમ આપતી. થોડીવાર સુધરતી વળી અચાનક લથડતી તબિયત અને એ સમય ખૂબ કપરા રહ્યા.


             હૉસ્પિટલમાં પણ મેં લેખન કર્યું. પોતીકા પારકાને ઓળખતા શીખી. લોહીથી પણ સવાયા લાગણીના સંબંધો મળ્યાં. હૉસ્પિટલના એ સમયમાં હું આડંબર વિનાનો નિસ્વાર્થ સથવારો, કાળજી અને શુદ્ધ લાગણી પામી. જ્યાં મારું મહત્વ વર્તાયું, મારા હોવા ન હોવાનો ફરક દેખાયો.


            સગપણ વિના સાથ આપનારની સાથે મેં કરેલું ખડૂસ વર્તન એને સદાય યાદ રહેશે. અત્યારે એ યાદ કરી પોતાના પર જ હસવું આવે છે. ખેર એ તો થાય એવું ક્યારેક મોકો મળશે તો એ વર્તન બદલ માફી માંગી લઈશ. બીજું તો શું? આવી વિચિત્ર યાદ પણ જરૂરી તો ખરી જ ને!!


             સાંભળ્યું છે કે શિવને શરણ જનાર જીવ કોઈને શ્વાસ આપી જતો હોય છે. ડોક્ટરો પણ અચંબિત થઈ જાય એવો અનુભવ થયો. મારા નાનાજીએ આ દુનિયામાંથી વિદાય લીધી અને બીજી બાજુ જાણે પથ્થરમાં પ્રાણ આવ્યો. મમતાની જીત થઈ. થાક, દુઃખ, પીડા બધું જ પળમાં ઓઝલ થઈ ગયું. બધાની જિંદગી સરસ રીતે ચાલવા લાગી. દરેક જવાબદારીથી મુક્ત થઈ ત્યારે પોતાની જાત સાથે સંવાદ કરવાનું યાદ આવ્યું. અંતરમને રીતસરનો બળવો કર્યો. ખૂબ ઊંડે ધરબાયેલી સંવેદનાઓ સળવળાટ કરવા લાગી.


જ્યાં કશું ન વધે ત્યાં સંવેદના વધતી હોય છે...

અધૂરી કોઈ વાત ન પૂછો કેટલી ડંખતી હોય છે...


            સાવ હળવા થવા માટે પણ પહેલા મનથી ખાલી તો થવું જ પડે. ક્યારેક એવું થાય કે જેનું કોઈ જ અસ્તિત્વ ન હોય એનો પણ અંત કરવો પડતો હોય છે. અમુક સંબંધને મનથી મુક્ત કરવા પડતા હોય છે, પણ કઈ રીતે?


            એના જવાબમાં કોઈ મળ્યું. આમ તો પહેલા જ મળી ગયેલા પણ હવે અંગત બની ગયા. જેની સામે કોઈ પણ આવરણ વિના હું વ્યક્ત થઈ શકી. એની વાતોમાં મને મારા જવાબો મળતા ગયા. એના અનુભવમાં મને દિશા મળતી ગઈ. ઘણા સમયથી બહાર આવવા મથતી વાતને એણે વહેણ આપ્યું. જેના થકી સ્વથી સ્વની ઓળખાણ થઈ એમ કહું તો પણ અતિશયોક્તિ નથી.એને હું જેવી છું એવી જ પારખી છે અને સ્વીકારી છે. જે પૂછ્યા વગરના સવાલોના જવાબ બન્યા છે. જેણે મારા મનને વાંચ્યું છે, સાંભળ્યું છે અને સમજ્યું છે. એની સામે ઉંમરનો જરા પણ ભેદ અનુભવાયો નથી. એને શું કહી સંબોધું ? એટલું જ કહી શકું કે મારા માટે એ સુપર પાવર છે. એ જાદુની છડી છે જે વિના કહ્યે મને સમજી દરેક વાતનું સમાધાન કરી જાણે છે. આભાર તો હું કદી માની નહીં શકું અને કદાચ માનીશ પણ નહીં. એને કોઈ ફૉર્માલિટીની જરૂર નથી. મારાથી વધુ જેણે મને ઓળખી હોય એને બીજું તો શું કહેવું?


હા...માન્યું કુદરતે પરીક્ષા આકરી કરી  છે,

ત્યારે જ સઘળું ખોઈને જાતને પામી છે...


            આ વર્ષે અસહ્ય વેદના પણ આપી તો વહાલ પણ એટલું જ આપ્યું છે. સતત હારી છું અને બેઠી થઈ છું. અનેક પડકાર આવ્યા. જેમાં વધુ જીવતા શીખી. અટકી પડેલા સંબંધને ક્લોઝર આપતા શીખી. મેં કોઈને જિંદગીનો મર્મ સમજાવ્યો અને હું પણ સમજી. નવી શરૂઆત માટે અમુક સ્થિતિનો અંત કરતા શીખી. જવાબદારીને નામે બળજબરીથી કેદ કરેલી મારી જાતને મુક્ત કરી. ફરીથી એ 'હું' મળી જે ગંભીર પણ છે અને નાદાન પણ, જેને જીવવું ગમે છે, લડવું ગમે છે, જીતવું ગમે છે, સંઘર્ષ ગમે છે, ચંચળ રહેવું ગમે છે, નિજમસ્તીમાં વહેવું ગમે છે, એકલા એકલાય ખુશ રહેવું ગમે છે. અને પોતાની જાતને પ્રેમ કરવો ગમે છે.


          થોડો સમય ઝંખવાઈ ગયેલી, હતાશ થયેલી, ડરેલી રહી પરંતુ એના થકી જ ગમે તે ઝંઝાવાત આવે પણ ડગે નહીં એવી હિંમતનું સર્જન થયું છે. અંતે હું જ મને મળી છું. આનાથી વધુ સારું બીજું જોઈએ પણ શું? ફાઈનલી, જિંદગી મિલી દુબારા.. લવ યુ જિંદગી.


       આખા વર્ષમાં શોપિઝન સતત અમૂલ્ય હિસ્સો બની સાથે રહ્યું છે. શોપિઝને એક ઓળખ આપી છે, લાગણીભર્યા સગપણ આપ્યા છે. જે મેળવ્યું એ બધું અમૂલ્ય છે. પોતાને નસીબદાર કહી શકાય એ બધું જ મળ્યું છે.આપ સૌની સાથેના સગપણ, લાગણી, હૂંફ એ જ મારી સાચી મૂડી છે, જિંદગીનું અભિન્ન અંગ છે. ખૂબ ખૂબ આભાર.


થોડું પામ્યું છે, થોડું ગુમાવ્યું છે,

આમ જ આ વર્ષ વિતાવ્યું છે,

સાથ, સંબંધ, સંવેદના બધું જ

અમૂલ્ય યાદોમાં સમાવ્યું છે......!


                   



માનસી પટેલ'માહી'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ