વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્વપ્નોની પાંખો


સમયની ગતિ ન્યારી કહેવાય છે, વાત પણ સાચી છે ને! આવનારી દરેક મિનિટ, દરેક કલાક, દરેક દિવસ કંઈક નવું લઈને આવે છે. ૨૦૨૦નો કોરોનાકાળ પણ દરેક માટે અનેકવિધ સ્વરૂપે પ્રગટ થયો. માણસ ઘરમાં પૂરાયા, દૂર રહ્યા, કોઈના અંગત એનો ભોગ બન્યા. જ્યારે બીજી બાજુ માણસે નવી હિંમત કેળવી. બીજાના દુઃખ જોઈ માનવીય સંવેદનાઓ જાગૃત થઈ. લાગણીના સગપણ જોડાયા. અંતે વ્યક્તિ જે તે પરિસ્થિતિમાં જીવવા માટે અનુકૂળ બની ગયો. 

સ્વીકાર...એ સૌથી અગત્યનું પાસું છે. લોકોએ એકલતાનો સ્વીકાર કર્યો, પરિસ્થિતિનો સ્વીકાર કર્યો અને સામનો પણ કર્યો. 

ઘણા લોકો આ બીમારીથી ગ્રસ્ત થઈ આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા હોવાના અહેવાલો રોજબરોજ ટીવીમાં આવતા હતા. કેટલાયે ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ કોવિડ-૧૯ના દર્દીઓની સેવા કરતાં કરતાં પોતાના પ્રાણ ન્યોછાવર કરી ચૂક્યા હતા. આવા દુઃખદ સમાચારો જાણીને દરેકના હૈયા વલોપાત કરતાં હતાં; પરંતુ કુદરતના કહેર આગળ સૌ મજબૂર અને નતમસ્તક થઈ ગયાં હતાં. 

૨૦૨૦ની આ કાળી બાજુમાં મારા સ્વજનો, મારી આસપાસની સોસાયટીઓમાં પણ કેટલાંય લોકોને પોતાના જાનથી હાથ ધોવા પડ્યા હોવાના દાખલા મારી સમક્ષ છે. તેમના જવાનું દુઃખ છે, પરંતુ ‘ધાર્યું ધણીનું થાય’ તેમ સમજી મૃતાત્માઓના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ ઉપાય પણ ક્યાં હતો...!

મને કોવિડ-૧૯ના લક્ષણો દેખાયા હતા. મારા પુત્ર માનવને પણ કોવિડ-૧૯ વાયરસની અસર થઈ હતી, પરંતુ તેમાંથી અમે બંને સાંગોપાંગ પાર ઉતર્યાં છીએ.

આ દુઃખદ યાદોની સાથોસાથ ગત વર્ષની કેટલી મધુર યાદો પણ મારા હૈયામાં સંગ્રહી છે. આજે મારે તે યાદો આપની સમક્ષ મૂકવી છે.

રોજરોજ જિંદગી મને વહાલી થતી રહી,
નીત નવી ખુશીઓ દ્વારે આવતી રહી,
સુખનો સૂરજ ઉગતો રહ્યો મારે આંગણે,
સર્વ દિશાએ કુદરતની કૃપા થતી રહી..

 વર્ષની શરૂઆત જ મારા એક સુંદર સ્વપ્નને ખૂબ જલદી મહોર લાગશે એ આશા સાથે થઈ. મારી લાડલી દીકરી(પુત્રવધૂ)એ કહ્યું, "મમ્મી.. હવે અમે બંને પેરેન્ટ્સ બનવા માટે મેન્ટલી પ્રીપેડ છીએ...નાઉ વી આર રેડી ટુ ટેક ચાઈલ્ડસ રિસ્પોન્સિબિલિટી..." એ સાંભળીને હરખનો પાર ન રહ્યો. જલદી જ શુભ સમાચારની લહેરખી ઘરમાં ફરી વળે, તેની જ રાહ જોવાતી રહી'તી. 

  એટલામાં કોરોનાએ કાળો કેર વર્તાવવાનું શરૂ કર્યું. આખું ગુજરાત લૉકડાઉન થયું. પારિવારિક રીતે એ સમય સૌથી સુખદ હતો. જોબ કરતી મારી લાડલી હવે ઘરે રહેવાની હતી. સાચું કહું તો એના લગ્નને પાંચ વર્ષ થયાં ત્યાં સુધીનો સૌથી વધુ શ્રેષ્ઠ સમય એ લૉકડાઉન વખતે વિતાવ્યો. દીકરી જેવી પુત્રવધૂને લાડ કર્યાં. આનંદ કિલ્લોલ સાથે દિવસ ક્યાં પસાર થઈ જાય એની ખબર જ ન પડી. ફોરમના રૂપમાં મને દીકરી મળી છે, અને મને સાસુ નહીં પણ દીકરીની મા બનવાનો મોકો મળ્યો છે. 

સોનામાં સુગંધ ભળવાની હતી,
નવી ખુશીઓ મળવાની હતી...!

 હા... ખરેખર એ ક્ષણને યાદ કરતા અત્યારે પણ હરખથી ઝૂમી ઉઠું છું. એ દિવસ મને ક્યારેય નહીં ભુલાય, જ્યારે મારી ફોરમે મને સારા સમાચાર આપ્યા. મારા ખોળે સૂતેલો, મારી સાથે રમતો, મને પજવતો, પહેલીવાર સ્કૂલે જતો મારો માનવ નજરે તરવરી ઉઠ્યો. એના જન્મથી લઈ આજ સુધીનો સમય નજર સમક્ષ તરી આવ્યો. અમારો લાડલો પપ્પા બનવા જઈ રહ્યો હતો અને મમ્મી મમ્મી કરતી ફોરમ પોતે મા બનવાની છે એ વાતે હરખનો પાર નહોતો. ઘરમાં નાનકડા જીવની કિકિયારી ગુંજશે એ વાતનો રોમાંચ અદ્ભુત હતો. દાદી બનવાનું સુખ મળે એથી ઉત્તમ બીજું શું હોય...!?

હોંશેહોંશે સમય વીતવા લાગ્યો. 
ફોરમની ગોદ ભરાઈ કરી. આંગણે ઉલ્લાસ છવાયો. કુકડીયા પરિવારમાં પગલી પાડનારની રાહ જોવાતી રહી. વચ્ચે ફરી સૌથી યાદગાર દિવસ આવ્યો. મારો આજ સુધીનો શ્રેષ્ઠ જન્મદિવસ પણ કોરોનાકાળમાં આવ્યો. શોપિપરિવારે શબ્દો થકી જે લાગણીઓ વ્યક્ત કરી... એની આગળ મહામૂલી ગિફ્ટ પણ તુચ્છ લાગે. 

એકબાજુ જયારે ઘરમાં અઢળક પ્રેમ મળતો હતો ત્યારે બીજી તરફ મારા શોપિપરિવારની સ્નેહની વર્ષા પણ મારા ઉપર અવિરત વરસતી જ રહી. બદલાતા સમયમાં પણ એક વસ્તુ અકબંધ રહી, અને એ છે મારા શોપિપરિવારનો સ્નેહ.

અહીં મને ભાઈ, સખા, સખી, દીકરી, દીકરા સ્વરૂપે ભગવાન મળ્યા છે. અહીં મને જગતનું મહામૂલું બિરુદ મા મળ્યું. સાથે જ એ સ્થાન પણ મળ્યું. મારા લાડકવાયા દીકરા દીકરીઓ મા.. મા... કરે ત્યારે એ ક્ષણ મને સૌથી સુખદ લાગે. નાનકાઓને મેં જેટલો સ્નેહ આપ્યો, એનાથી ઘણો... ઘણો...પ્રેમ મને મળ્યો. વાવો તેવું લણો એ યુક્તિ સાર્થક થઈ. આ પરિવારે માન આપ્યું છે, સન્માન આપ્યું છે, પ્રેમ આપ્યો છે. અનેક નવા સંબંધો જોડાતા ગયા. લાગણીના તાંતણા મજબૂત બનતાં ગયાં. દીકરા, દીકરી અને દોસ્તો વચ્ચે હું દીલથી જોડાયેલી રહી. અરે હા, શોપિઝન પ્રેમકથા સ્પર્ધામાં જ્યારે મારી વાર્તા 'પાપાની દુલારી' દ્વિતીય ક્રમે વિજેતા થઈ ત્યારે બધા તરફથી મળતો એ પ્રેમ બેવડાઈ ગયો.

શોપિઝનમાં જોડાયા પછી હું મારા ગમતા કાર્યમાં સતત વ્યસ્ત રહી. ક્યારેક લખતી હતી. બધાએ સતત લખતા રહેવા માટે પ્રોત્સાહિત કરી. સામાન્ય રીતે મને લેખન કરતા વાંચનનો વધુ શોખ છે. આ વર્ષે એ શોખ મનભરી પૂરો કર્યો. લેખન અને વાંચન કરતા પણ કશું હોય કે જે મને સંતોષનો ઓડકાર આપે તો એ છે, પ્રૂફરીડિંગ કરવું. એ થોડા મહિના મેં સતત શોપિ લેખક-લેખિકાઓની રચનાઓનું, નવલકથાઓનું પ્રૂફરીડિંગ કર્યું. પ્રૂફરીડિંગ એ મારા માટે કામ નથી પણ અનંત ખુશીની અનુભૂતિ છે... જાણે કે મને મળી મારા સ્વપ્નોની પાંખો!


કોઈને થાય કે અટલું બધું પ્રૂફરીડિંગ કરીને તમે થાકી નહીં જતા હોવ!!! પણ તમને ખબર છે...? પ્રૂફરીડિંગ કરીને તો ઘરકામનો લાગેલો થાક પણ ઉતરી જાય છે. પ્રૂફરીડિંગમાં કોઈકવાર હું અટવાઈ પણ છું. એવા સમયે નિમિષાબહેન તરફથી ત્વરિત મળતું માર્ગદર્શન મારી આંખોમાં ઝળઝળિયાં આપી જતું. દોસ્તના સ્વરૂપે ગુરુ મળ્યાની લાગણી થઈ આવતી. નૂતન સખીએ પણ મારા આ કાર્યમાં મને ઘણી મદદ કરી છે. એ બંનેનો સહૃદયી ખૂબ ખૂબ આભાર.

પ્રૂફરીડિંગ એ માટે મારા મિત્રોના લેખનમાં ભાષા શુદ્ધિ માટે જેટલું યોગદાન આપી શકાય એટલું આપી રહી છું અને સમય, સંજોગને આધીન આપતી પણ રહીશ. ખુશી તો ત્યારે થાય જયારે મારી એ મહેનત સાર્થક થાય અને એ જ મિત્રો કે દીકરીઓના લેખનમાં સુધારો વર્તાય.

આ વ્યસ્તતાની વચ્ચે વર્ષના પૂર્વાર્ધમાં સુરત ખાતે તા. ૭/૧૧/૨૦૨૦ના રોજ યોજવામાં આવેલ શોપિસ્નેહમિલન મેળાવડામાં નામાંકિત શોપિ લેખક-લેખિકાઓને રૂબરૂ મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેમની સાથે વિતાવેલી તે અનમોલ અને અવિસ્મરણીય ક્ષણો મને જીવનપર્યંત યાદ રહેશે. 
 
આખરે પ્રતિક્ષાનો અંત આવ્યો. લાડકીનું આગમન થયું. મને દીકરી સદાય પ્યારી અને વહાલી લાગે છે... અને એટલે જ કદાચ ઈશ્વરે મને એ અમૂલ્ય સુખ આપ્યું. ખરેખર દીકરી વિના જન્મારો અધૂરો છે. ઢીંગલીના આગમને મને આ ભવની બધી ખુશીઓ મળી ગઈ... જાણે કે મને મળી મારા સ્વપ્નોની પાંખો!
૨૦૨૦એ મને ઘણું ઘણું આપ્યું છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ