વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પરમવીર ચક્ર - બુક રિવ્યુ

દ્રશ્ય સવારના ૫.૦૦ વાગ્યાનો છે. લદાખમાં આવેલો ચૂશૂલ ગામમાં ચીનની સરહદથી નજીક હોવાથી આપણાં સૈનિકો માઇનસ ડિગ્રીના તાપમાનમા પણ ખડે પગે ઊભા છે. ૧૯૪૭ના યુધ્ધ સમયના જૂના સશ્ત્રો પકડીને અલગ અલગ પાંચ પલટનમાં વિખરાયેલા એમ આપણાં ૧૨૦ સૈનિકો અહીં ગોઠવાયેલા છે અને અચાનકથી ૩૦૦ જેટલા ચીની સૈનિકો અંધારાનો લાભ ઉઠાવીને આપણી સરહદમાં ચડી આવે છે. મેજર શૈતાન સિંઘ ભાટીની આગેવાની હેઠળ આપણાં વીર જવાનો એમેનો ઘણા સૈનિકોને મારી પાડે છે અને એમનો વાર નિષ્ફળ બનાવી દે છે.

હજી ૪૦ મિનિટનો જ સમય વિત્યો છે અને ચીનીઓનો બીજો ૩૫૦ સૈનિકોનો કાફલો આવી ચડે છે. એમનો એ વાર પણ આપણાં બહાદુરોએ નિષ્ફળ કરે છે એટ્લે આસાન યુધ્ધ સમજતા ચીનીઓ રઘવાય છે અને એમની જાત પર ઉતરીને બીજા ૪૦૦ સૈનિકોનો કાફલો લઈ આગળ અને પાછળ એમ બંને બાજુથી  ઘેરવાની કોશિશ કરે છે. આપણાં ૧૨૦ જવાનોમાંના અડધાથી વધારે જવાનો વીરગતિ પામ્યા હોવા છતાય એમનો આ વાર પણ નિષ્ફળ બનાવે છે.

ચીની સૈનિકોને સમજણ નથી પડતી કે આ લોકો કઈ માટીના બનેલા છે. ખબર જ છે કે અમારી એડવાન્સ શસ્ત્રો સામે આ લોકો ટકવાના નથી તો પણ મરવા માટે આવી હિમ્મત કયાંથી લાવે છે.

ભારતીય સૈનિકો હવે થાક્યા છે. ચીનીઓના છ એટેકને આપણાં ગણેલા સેનિકોએ નિષ્ફળ તો બનાવી દીધા પણ હવે શસ્ત્ર સરંજામ પણ ખૂટી ગયો છે. આપણાં ૨૦ જ જવાનો જીવિત છે. મેજર શૈતાન સિંઘ ભાટી એક પલટનમાંથી બીજી પલટનમાં સૈનિકોનું જોશ વધારતી વખતે દુશ્મનોની ગોળીથી ઘવાયા છે. એટ્લે એમના ઓર્ડર મુજબ સૈનિકો એમને એ જ પોસ્ટ પર મૂકીને હેન્ડ ટુ હેન્ડ કોમ્બેટ કરીને બીજા ૧૫૦ ચીની સૈનિકો સામે લડે છે. (જી હા... તમે બરોબર વાંચ્યું. ખાલી હાથથી)

આ યુધ્ધમાં આપણાં ૧૨૦ માંથી ૧૧૪ સૈનિકો વીરગતિ પામે છે પણ ચીનીઓના ૫૦૦૦ સૈનિકોમાંથી ૧૩૦૦ સૈનિકોને પણ મારી પાડે છે. ૫ ભારતીય સૈનિકો ચીનીઓના હાથમાં પકડાય છે (આગળ જતાં ભલે એ બધા એમના ચુંગાલમાંથી નાસી છૂટે છે.) અને ૧ સૈનિકને આ શોર્ય રસભર્યા યુધ્ધની ગાથા કહેવા મેજર શૈતાન સિંઘ ભાટી એને બીજી છાવણી તરફ સંદેશો આપવા મોકલી દે છે.

અફસોસની વાત એ છે કે આટલી જુસ્સાથી લડ્યા બાદ પણ ૧૯૬૨ના આ સીનો-ઇંડિયન યુધ્ધમાં આપણી ચીન સામે હાર થાય છે.

૧ વર્ષ પછી એટ્લે કે ૧૯૬૩માં પેટ્રોલીંગ કરતી વખતે આપણાં સૈનિકોને મેજર શૈતાન સિંઘ ભાટીનો પાર્થિવ શરીર બરફમાં થીજેલું અને હાથમાં હજી પણ સશ્ત્ર પકડેલી હાલતમાં મળે છે. એમની શૌર્ય ભરેલા રેઝાંગ લાના યુધ્ધની આપવીતી સાંભળેલા ભારતીય સૈનિકો એમના શરીરને ભાવુક બનીને પાછા લઈ જાય છે. 

લાગે છે ને આ કોઈ ફિલ્મનો દ્રશ્ય...પણ આ સાચે બનેલ ઘટના છે દોસ્તો... અત્યાર સુધી આપણાં ૨૧ ભારતીય સૈનિકો કે જેમને પરમવીર ચક્ર મળેલ એમાંના એક એવા કુમાઉં રેજીમેન્ટના મેજર શૈતાન સિંઘ ભાટીની આ શૌર્ય રસગાથા છે. આવી કેટલીય રસગાથાઑ છે જેનાથી આપણામાંના ઘણા ભારતીયો અજાણ છે. સોમનાથ શર્મા, જદુનાથ સિંઘ, મેજર ધનસિંગ થાપા આવા આપણાં કેટલાય નરબંકાઓ છે જેમના બલિદાનથી પણ આપણે અજાણ છીએ   

26મી જાન્યુઆરી આવી એટ્લે આપણાંમાના ઘણા દેશભકતો જાગશે. કોઇક ભારતનો ઝંડો ખુદના વ્હોટ્સેપના ડીપી અને સ્ટેટ્સમાં મૂકશે તો કોઇક વળી ફેસબુકના ડીપીમાં ભારતના ઝંડાને કે ભારતને લગતી ફ્રેમ મૂકશે. ક્યાંક આપણો ઝંડો રસ્તા પર રખડતો પડ્યો ન હોય એના મેસેજ વહેતા થશે તો કોઈ જગ્યાએ બોલિવુડના ફિલ્મી ગીત વગાડશે કે નાચવાનો પ્રોગ્રામ બનાવશે. (હા મને ખબર છે કે કોરોના છે એટ્લે ભેગા નહીં થવાનું ને એ બધું એટ્લે એ જ્ઞાનની મેથી મારા પર ટિપ્પણી મારફતે ના મારતા. આ મારી સમીક્ષા છે એટ્લે અહી ફક્ત હું જ જ્ઞાનને છૂટટુ ફેંકીશ.)    

આજે વિરુષ્કા(વિરાટ-અનુષ્કા)ને ત્યાં દીકરી આવી, સૈફ-કરીનાના દીકરા તેમૂરનું આજે પેટ સાફ આવ્યું કે નહીં, આપણા ફેવરિટ એકટર અમિતાભની જન્મતારીખ ફલાણી છે, અત્યારે આ વેબ સિરીજ બધા રેકોર્ડ તોડી રહી છે...આ બધા વિષે માહિતી હશે ઘણાંખરાને. છે ને?! પણ કેટલાકને એ ખબર છે કે ક્યા યુધ્ધમાં આપણા ભારતના કેટલા જવાનોએ શહીદી વહોરી? કે પછી એમને કેવી પરિસ્થિતિમાં બીજા દેશો સામે યુધ્ધ કર્યું? અરે આપણા કેટલા નરબંકાઓને વિરચક્ર, મહાવીરચક્ર કે પરમવીરચક્ર મળ્યું છે એ પણ ખબર છે? અરે પરમવીરચક્ર ક્યારે મળે એ પણ ખબર છે?! ગણ્યા ગાંઠયા લોકોને ખબર હશે અને એમાંના પણ અમુક તો સરકારી પરીક્ષાઓ મેળવવા માટે આવુ ઘણુંય ગોખ્યું હશે.

જો કે હું પણ તમારામાંનો એક જ હતો અત્યાર સુધી. પણ હર્ષલ પુષ્કર્ણાની બુક ‘પરમવીર ચક્ર’ વાંચીને એમ થયું કે હવે આ તોફાની બાબાનો પ્રવચન આપવાનો સમય પાકી ગયો છે. 

‘પરમવીર ચક્ર’ બૂકમાં હર્ષલ પુષ્કર્ણાએ ઘણું રિસર્ચ વર્ક કરીને બનાવી છે. પરમવિરચક્ર, વિરચક્ર, મહાવીરચક્ર કોણે ડિઝાઇન કર્યા અને કઈ રીતે બનાવવામાં આવે છે એ ખૂબ સુંદર રીતે સમજાવેલ છે. દરેક યુધ્ધમાં આપણાં દેશની પરિસ્થિતી અને સંજોગોનો ચિતાર ફોટોગ્રાફ્સ સાથે આપવામાં આવેલો છે કે જેથી એ સમયે એ યુધ્ધ આપણા દેશ માટે કેટલું મહત્વનું હતું એ સમજાય. વિરચક્ર, મહાવીરચક્ર કે પરમવીરચક્ર મેળવેલ દરેક જવાનના ફોટો અને એમના જન્મથી કરીને યુધ્ધ સુધીનો ચિતાર આ બુકમાં આપેલો છે.

તો આ પ્રજાસતાક દિન નિમિતે મારી દરેક ભારતીયને એ નમ્ર વિનંતી કે સમય કાઢીને આપણાં જવાનો કે જેમણે આપણે સલમાત રહી શકીએ એ માટે એમનું બલિદાન આપ્યો છે એમની ગાથા અચૂક વાંચશો અને આપણી આવનારી પેઢીને પણ આપણાં આ નરબંકાઓની શૌર્યગાથાથી અવગત કરજો.

જય હિંદ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ