વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ડિયર બડી..

અઢાર વર્ષના હાર્દિકને પ્રેમપત્ર

 

ડિયર બડી,

આજે 14 ફેબ્રુઆરી, 2021. જાણું છું કે શક્ય નથી, પણ ઈચ્છું છું કે આ પત્ર તને 14 ફેબ્રુઆરી, 2000ના મળે. હજુ સાત દિવસ પહેલાં જ, એટલે કે 7 ફેબ્રુઆરી, 2000ના તું અઢાર વર્ષનો થયો છે. અને પોતાની જિંદગીના સુવર્ણકાળ એવા સમયમાં એટલે કે કોલેજકાળમાં અને હોસ્ટેલકાળમાં છે. અત્યાર સુધી તારા પર કોઈ ભાવનાત્મક ભાર નથી. હા, કેટલીક સુંદર, જાતને અતિપ્રિય એવી કુણી લાગણીઓથી તું ભૂતકાળમાં પરિચિત જરૂર થયો છે, પણ મનને કોરી ખાતી, હ્રદયને કોરું કટ્ટ કરી નાખતી નિર્દય લાગણીઓથી હજુ તારું અસ્તિત્વ અપરિચિત છે.

અરે..! તું ચિંતા ના કરીશ. તારા એ અઢારથી ઓગણચાળીશ વર્ષના સફર દરમિયાન જ્યારે જ્યારે એવી પરિસ્થિતિઓ આવશે, એ સમયે તને તારા ખાસ મિત્રો, તારા પરિવારજનો બધા જ તને ખૂબ સાથ આપશે, તને એકલો પડવા નહીં દે. અને તારી હોબીઝ જેમ કે તારો ફરવાનો શોખ, તારું વાચન, તને પ્રિય અથવા તો થનારી પ્રિય ફિલ્મો પણ તને બળ પૂરું પાડશે. પણ જે વ્યક્તિ દરેક સારા ખરાબ અનુભવો વખતે, તારી સાથે હશે ને હશે જ એ છે તું પોતે, એટલે કે હું. જોયું? કેટલું સરસ મજાનું સ્મિત આવી ગયું એક સાથે તારા અને મારા બંનેના મોઢા પર? તો દોસ્ત, ભાઈ, હમસફર, આજથી બહેતર દિવસ કયો હોઈ શકે તને પત્ર લખવાનો? હેપ્પી વેલેનટાઈન્સ ડે, બ્રો.

તને કદાચ એમ હશે કે આ પત્ર ભવિષ્યમાંથી આવ્યો છે તો તને કોઈ સરસ મજાની ટીપ મળી જાય, હેં? શેરબજારની કઈ કઈ સ્ક્રીપ્ટ્સમાં રોકાણ કરવાથી કે રિયલ એસ્ટેટ અથવા તો ગોલ્ડમાં ક્યારે અને કેટલું ફક્ત મામૂલી જ રોકાણ કરવાથી કરોડોપતિ થઈ શકાય, અથવા તો એનાથી ય વિશેષ – હજુ તો કોલેજમાં છું, તો કોને પ્રપોઝ કરવો જોઇયે (હાસ્તો, અઢાર વર્ષના કોલેજીયન યુવાન માટે તો અત્યારે સંપતિ કરતાં ય વધારે સમૃધ્ધિ તો આ વાતની ગણાય ને?) એવી કોઈ ટિપ્સની વર્ષા થઈ જાય આ પત્રમાં તો તો જલસો પડી જાય ને? બિલિવ મી દોસ્ત, મને પોતાને ય એવું એવું લખીને સૂચનો આપવાનું તો ઘણું ય મન છે. અરે બહુજન હિતાય, હું તો તને એવી ય સૂચનાઓ આપવાનું મન બનાવી લઉં છું કે એકજ વર્ષ પછી આવનારા ગોઝારા ભૂકંપથી પહેલાં જ જો તું કોઈ રીતે લોકો સુધી એ સમાચાર પહોંચાડી આપે તો કેટલાય વહાલુડા બાળકોનું જીવન બચી જાય. પણ, ખેર.. એક તો એ શક્ય નથી કે આ પત્ર તને મળે, બીજું કે વિધિના વિધાનોને ન બદલવા જોઇયે એવી આપણી આધ્યાત્મિક માન્યતા ય ખરી.. અને ત્રીજું કે આ પત્ર તો આપણાં બંનેનો પ્રેમપત્ર છે, અને જ્યાં પ્રેમ હોય ત્યાં સ્વાર્થ પણ ન હોય અને પરમાર્થ પણ ન હોય, એમાં તો ફક્ત અને ફક્ત વહાલ હોય, બકા. તો એ બધી બાબતોથી મારી કલમને હું દૂર રાખીશ. હા, બાહ્ય સૂચનોની જગ્યાએ આંતરિક રીતે કામ આવે એવી થોડી સલાહો ખરી. તું તો કદાચ એ સલાહો નહીં માને કેમ કે તારા સુધી એ વાત નહીં પહોંચે, પણ મારા સુધી તો પહોંચશે ને. તો હવે થી હું એ માનીશ, બીજું શું?

કહેવાય છે ને કે “પહેલું સુખ તે જાતે નર્યા”.  એટલે પહેલી વાત તારી હેલ્થ બાબતે. અત્યારે અઢાર વર્ષની ઉમરે તારું વજન ન હોવું જોઇયે એટલું વધારે છે. (ત્યારથી જ ટેલેન્ટ ફાટફાટ થાય છે, એમ ને? આટલા અમથા શરીરમાં સમાતી નથી. બધા બહાનાઓ!) હા, બે વર્ષની અંદર જ તારું વજન અમુક ચોક્કસ કારણોસર ઘટી જશે અને સપ્રમાણ થઈ જશે એ હું તો જાણું છું, પણ તું નથી જાણતો એ અલગ વાત છે. પણ ફરી પાછું ‘ઢાક કે તીન પાત’ની જેમ રાજકુમાર દિવસે નહીં વધે એટલો રાત્રે વધશે અને રાત્રે નહીં વધે એટલો દિવસે વધશે. તને એવું લાગવા માંડશે કે આ મેદસ્વીતા ઘટાડવી ડોનને પકડવા જેવી મુશ્કેલ જ નહીં પણ નમુમકિન છે. પરંતુ, એવું નથી. જાત અનુભવે જ કહું છું કે બસ, વધારે કશું જ કરવાનું નથી અને નાનપણમાં ભોજરાજને મળેલી શિખામણ તે કોઈ પાઠ્યપુસ્તકમાં વાંચી હતી એમ ભૂખ લાગે એના કરતાં એક કોળિયો ઓછું ખાવાનું અને દરરોજ સવારે માંડવીના વર્લ્ડબેસ્ટ દરિયાકિનારે ચાલવા જવાનું. કોલેસ્ટેરોલ, કબજિયાત, આળસ, મેદસ્વીતા બધુંજ ગાયબ થઈ જશે, દોસ્ત. શોપીગૅરંટી, બસ? હા, એ અલગ બાબત છે કે તારું વજન ગમે એટલું હશે, તારા તરફના મારા પ્રેમરૂપી વજનમાં કોઈ ખાસ ફેર નહીં પડે. તો એ વાત પણ એટલી જ સાચી કે જ્યારે તારું બોડી ફિટ થઈ જશે ત્યારે મને તને અરીસામાં જોઈ ને પોરસાવાનું ખૂબ ગમશે. મેં તો આ બધું છેક 2015માં શરૂ કર્યું, પણ તારા માટે એ સલાહ, કે તું આ બહુ જલ્દી જ શરૂ કરી નાખજે. ‘જાગ્યા ત્યારથી સવાર’માં રાચવા કરતાં, સવારે જ વહેલા વહેલા જાગવાનું ચાલુ કરી દેજે. તારા આત્મવિશ્વાસ પર પણ ખૂબ જ હકારાત્મક અસર થશે. (તા.ક. લૉકડાઉન આવ્યું ત્યારથી બીચ બંધ થયું, અને મારી પોતાની મોર્નિંગ વૉક પણ..! બીચ તો થોડા મહિનાઓમાં ચાલુ થઈ ગયું, પણ મારું બહાનું પણ ચાલુ જ રહ્યું અને આજની તારીખમાં પણ નિયમિત મોર્નિંગ વૉક બંધ છે. તો તને સલાહ આપતા આપતા મારી જાતને પણ એક સલાહ આપી જ દઉં છું. અરે સલાહ શું, ગાંઠ જ બાંધી લઉં છું કે આવતીકાલથી જ મોર્નિંગ વૉક શરૂ..! પક્કા પ્રોમિસ, બડી.)

બીજું સુખ કે કોઈ ને ન નડયા..!!! દોસ્ત, તારો એક સિધ્ધાંત રહેશે, કે વ્યવસાયમાં ઈમાનદારી સાથે ક્યારેય બાંધછોડ ન કરવી. તારા એ સિધ્ધાંતને હું હજુ સુધી સાચવી શક્યો છું, અને તેથી જ રાત્રે બિફિકરાઈથી ઊંઘી શકું છું, તો એ માટે હું તારો આભારી છું. એ સિધ્ધાંતો સાથે બાંધછોડ ન કરવાની તારી જડતાથી મને આજે પણ એટલો જ પ્રેમ છે, પણ એ જડતાના કારણે તને અપેક્ષા કરતાં પણ ઘણાં વધારે વર્ષો સુધી આર્થિક રીતે સહન કરવાનું આવશે. કેટલાંય પ્રતિસ્થિત (prestigious) પ્રોજેક્ટ્સ છોડવા પડશે, કેટલાય મોટાં કામો તને મળતાં મળતાં રહી જશે. બીજા લંપટ, કમિશનખોર સ્પર્ધકોને મળશે. એ સ્પર્ધકો કે જે તારા કરતાં ઓછા ક્રિએટિવ અને ટેકનિકલી પણ ઓછા સાઉન્ડ હશે. પણ, બિલિવ મી. એ સારું જ છે. એના કારણે જ તને અમુક એવા કામો મળશે કે જે તને કરવા ગમશે, અને જેના પરિણામો તારા ક્લાયંટ્સને પણ ગમશે. સો જસ્ટ ચિલ એંડ ડુ વોટ યૂ આર ગુડ એટ. પણ હા, એક વાત જે હું ફરી જાત અનુભવે જ શીખ્યો છું એ તને કહીશ, કે આ સિધ્ધાંતોના આંચળા પાછળ તારી એ નિષ્ફળતાને ઢાંકવા કરતાં બમણા જોરે તારે તારા પોઝિટિવ પોઇંટ્સનું માર્કેટિંગ કરવું પડશે. સતત અને સખત મહેનત કરવી પડશે. તું જે કરવા માગે છે, તું જે કરે છે, તું જે નથી કરતો એ પણ.. એ બધું તારે દુનિયા સમક્ષ પહોંચાડવું પડશે. એની અવનવી રીતો તારે શોધવી પડશે, અને તું શોધી કાઢીશ. સો બક અપ, બડી. યુ રોક..!

ત્રીજી વાત તારા એક શોખ વિષે, કે જેની તને હજુ જાણ પણ નથી. હા, હસતાં રમતાં એકાદ મસ્તી ભર્યું કાવ્ય કે બે ત્રણ નાટકોની સ્ક્રીપ્ટ્સ તે લખી કાઢી હશે અત્યાર સુધીમાં, અને લોકોને ગમી પણ હશે, પણ તે એ વાતને સિરિયસલી લીધી નથી હજુ. થોડા વર્ષો રહી ને તું ત્રણ ચાર ટૂંકી વાર્તાઓ લખીશ પણ ખરો, પરંતુ ‘કોણ વાંચશે’ એ નિરાશાથી અને બીજી વ્યસ્તતાઓમાં એ કોરાણે રહી જશે. તારું એ લખાણ હું અત્યારે વાંચું છું તો ય મને થાય છે કે તારા જેટલું સારું હું અત્યારે પણ નથી લખી શકતો. તો, એ સમયે તું કૈંક એવું વિચાર તો, કે કોઈ વાંચે કે ન વાંચે, લખવામાં શું જાય છે? ક્યારેક કોઈ સમય આવશે જ્યારે એ લેખિનીઓ તું વાચકો સુધી પહોંચાડી શકીશ. શક્ય થાય દોસ્ત, તો એ શોખનું પોષણ કરજે. અને ઢગલાબંધ વાંચજે પણ ખરો જ. આઈ લવ યોર રાઇટિંગ..! એટલે કોઈ નહીં તો હું તો વાંચીશ જ. તારી બીજી બધી હોબીઝને પણ એટલું જ પ્રોત્સાહન આપજે, શાસ્ત્રીય સંગીત શીખજે, મજા પડે ત્યાં- આવડે એવા ગીતો ગાજે, દેશદુનિયાના ખૂણેખૂણા ખૂંદજે. લાઈફ ઓન્લી કમ્સ વન્સ.

આર્થિક ઉપાર્જન (એક સિવિલ ઇજનેર તરીકે), ખ્યાતિ (એક લેખક તરીકે) અને બીજી ય ઘણી ઉપલબ્ધીઓ એ બધું બરોબર, પણ અહીં આ સુંદર દુનિયામાં તું આવ્યો છે તો એના પ્રત્યેની તારી ફરજો જે તું પૂરી કરીશ એ તને પરમ સંતોષ આપશે. આ વાત તું તારા મમ્મી-પપ્પા પાસેથી શીખ્યો છે. જેટલું તું આ દુનિયા પાસેથી લે છે એટલું તો તું દુનિયાને કદાચ ક્યારેય પાછું ન આપી શકે, પણ જ્યાં જ્યાં જેટલું આપી શકે એટલું આપજે. જે રીતે તને સૂઝે એ રીતે. તને થોડા સમય પછી શિક્ષક બનીને વિદ્યા વહેંચવાનું મન થશે, તું કરજે. વૃક્ષો વાવવાનું મન થશે, તું વાવજે. તું જેટલું કરી શકે છે એના કરતાં ય ઘણું વધારે કરજે. ખૂબ જ આત્મસંતોષ મળશે. અને એ કામ કરતાં તને જ્યારે એવું થાય કે મારા આર્થિક ઉપાર્જનના કામમાં ક્ષતિ પહોંચે છે, તો જરાય ચિંતા ન કરતો દોસ્ત. ઉપરવાળો તને બમણું કામ આપશે, તને ત્યારે રિયાલાઈઝ થશે કે ‘કર્યું ફોગટ જતું નથી જ.’

કહેવાય છે કે ‘યુ ઓન્લી બ્રીધ ફોર વન.’ છેવટે તો બધું પોતાના માટે છે. આપણી પ્રિય વ્યક્તિને આપણે પ્રેમ કરતાં હોઈએ, એના માટે સર્વસ્વ ન્યોછાવર કરવા તૈયાર હોઈએ તો પણ એટલા માટે કેમ કે એ ન્યોછાવર કરવાની લાગણી, એ ફના થઈ જવાની ભાવના આપણને ગમતી હોય છે. આવી ગયું ને બધું પોતા પર જ? તું ય આવી કેટલીક વ્યક્તિઓના પ્રેમમાં પડીશ. કે જે તને મારા કરતાં પણ વધારે ગમતી હશે. એ બાબતે મને તારા પર ચીડ પણ ચડશે, ગુસ્સો પણ આવશે, તો ક્યારેક માન પણ આવશે. દીકરીઓ, મિત્રો, પ્રિય પાત્રો, માતા-પિતા, પત્ની. કોઈ કોઈ પાત્રોમાં આપણે બંને સહમતી સાધશું, કોઈ કોઈ પાત્રો પ્રત્યેના પ્રેમને કારણે એક બીજા સાથે સંઘર્ષરત રહીશું. ભલેને કામની ચિંતાને કારણે કોઈ દિવસ ઊંઘ નહીં બગાડી હોય, પણ લાગણીઓના સંઘર્ષ માટે આખી આખી રાતો બગાડીશું. પણ ત્યારેય આપણે સાથે હશું. સાથે જાગતા હશું, સાથે સંઘર્ષ કરતાં હશું. પેલા ફ્રેંડ્સ સીરિઝના ટાઇટલ સોંગની જેમ – ‘આઈ’લ બી ધેર ફોર યુ’.

પણ પોતાના સધિયારામાં એટલો ખોવાયેલો પણ ન રહેજે કે એના કારણે તારાથી કેટલી વ્યક્તિઓ દૂર થાય છે એ પણ તને ધ્યાન ન રહે. એક પણ મિત્ર ને ક્યારેય અળગો થવા ના દેજે. એ ખોટ એને નહીં જાય, તને જ જશે. એની જગ્યા હું પણ ક્યારેય નહીં લઈ શકું. દીકરીઓને, જીવનસાથીને, મિત્રોને, ભાઈ બ્રિજેશને, મમ્મી-પપ્પાને બધાને પૂરેપૂરો સમય આપજે. કેમ કે તું તો ફક્ત સમય આપીશ, એના બદલામાં તને મળશે અઢળક ક્ષણોની ન ભૂલી શકાય એવી મેમોરીઝ..!

અને છેલ્લે...! ખૂબ ખુશ રહેજે બડી. જે પણ કરે, એ ખૂબ જલસાથી કરજે. તું ખુશ રહીશ, તો જ તું બીજા બધાને પણ ખુશ રાખી શકીશ.

ચાલ, મળીએ પૂરા 21 વર્ષ પછી.

આઈ લવ યૂ, માય સેલ્ફ.

-         ઓગણચાળીસ વર્ષનો હાર્દિક રાયચંદા.

 

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ