વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મહત્વાકાંક્ષાની મર્યાદા

    રાત્રિનો સમય હતો એ ઉતાવળે ગાડીમાં થી ઉતારીને ઘર તરફ  "આજે પણ ઘણું મોડું થઈ ગયું"   મનોમન એમ વિચારી નયને  પોતાની પાસે રહેલી એકસ્ટ્રા ચાવીથી  ઘરના  દરવાજાનું લોક ખોલ્યું. જોયું તો  નિશિ સુઈ રહી હતી.


         નયન અને નિશિના લગ્નને હજી એક વર્ષ થયું હતું. નયન પી. આઈ. તરીકે પોલીસ જવાનની ફરજ બજાવતો હતો.  એ  સ્વભાવે કર્મનિષ્ઠ અને સેવાભાવી.


        છેલ્લા થોડા દિવસોથી એ  ચિંતામાં  અને તણાવમાં રેહતો હતો.  "નિશિ ઉઠ મારે જવાનું મોડું થાય છે!" એમ કહેતા એ ડયૂટી પર જવાની તૈયારી કરવા લાગ્યો.


      "તમારે ક્યાં મારી જરૂર છે? તમારે તો  ફક્ત એક જ ફરજ નિભાવવાની......!"  એમ કહેતા નિશિ એની સામે જોઈ રહી.


       "મારે સવાર નથી બગાડવી. તું ફક્ત એક કપ સારી ચા બનાવી આપ."  એમ કહીને નયન છાપું વાંચવામાં લાગી જાય છે.


         થોડીવારમાં નિશિ ચા લઈને આવે છે. "લો આ ચા!"  એમ કહેતાં નિશિ એની બાજુની ચેરમાં બેસે છે અને એને ચાનો કપ  આપતા:  "તમે બધા ખાસ દિવસોમાં પણ ડયૂટી પર જ  હોવ અને મને સમય જ નથી આપતા મને અહીં એકલું લાગે છે." એમ કહેતા નિશિની આંખો ભરાઈ આવી.


     "તને કેટલીવાર કહેવાનું કે, મારી ફરજમાં આવે એ તો મારે કરવું જ રહ્યું અને રોજ તું મને આવી વાતો ન સંભળાવે તો સારું રહેશે. તારી રોજની ફરિયાદોથી હવે હું કંટાળ્યો છું. તું કંઈ સમજતી જ નથી. તને તારી ખોટી  ઇચ્છાઓ અને મોટાં  સપનાઓની પડી છે. આપણાં સંબંધની કે મારી લાગણીઓની નહીં. હું રોજ - રોજ તને બહાર ન લઇ જઇ શકું અને કાયમ  મોંઘા કપડાંની શોપિંગ ન કરાવી શકું."  બુટની દોરી બાંધતા એ બોલ્યો.


       "હું નથી સમજતી? એમ? સારું!"  એમ કહેતાં નિશિ ગુસ્સામાં ત્યાંથી રસોડામાં ચાલી ગઈ.


      નયન પણ ડ્યુટી પર જાય છે.  એના ગયા પછી  "મારે આવું ન કરવું જોઈએ" એ વિચારથી એ નયનને ફોન લગાવે છેપણ એનો ફોન વ્યસ્ત આવે છે.  એ ફરી બે  - ત્રણવાર ફોન  ટ્રાય કરે છે તો પણ ફોન વ્યસ્ત આવે છે એટલે એ નયનના ફોનની રાહ જોઈ બેઠી છે. દોઢ કલાકનો સમય વહી ગયો તો પણ એનો ફોન ન આવ્યો.


        "એક ફોન તો કરવો જોઈએ. હું અહી રાહ જોઈ રહી છું પણ એને મારી કાઈ પડી જ નથી હવે આ  વધુ નહીં......."  અને ઘરના કામમાં લાગી જાય છે.


       જયારે નયન ડ્યુટી પરથી આવે છે એટલે એ ગુસ્સો રોકી શકતી નથી અને ઘણું બોલી જાય છે. તો નયન પણ આજે ખૂબ ગુસ્સામાં હોય છે. નાની વાતોના નાના અણબનાવે આજે મોટા ઝઘડાનું સ્વરૂપ લઈ લીધું.


      હવે બંને એકબીજાની સાથે વાત કરવાનું બંધ કર્યું અને બંને એકબીજાને કંઈ  કહેતાં પણ નહીં. નિશિ હવે એકલી બહાર જવા લાગી અને  ખૂબ જલદી એના નવા મિત્રો પણ  બની ગયા. હવે તો નયન ઘરે આવે તો ક્યારેક જ નિશિ એને જોવા મળે અને રાત્રે એ ઘરે આવે ત્યારે તો એ સુઈ ગઈ હોય.


       નિશિ સાથેની આ દુરીના કારણે એ એકલતાનો શિકાર બન્યો. એ એની ડયૂટી પરની બધી ફરજ નિભવતો પણ મનથી એ સાવ એકલો હોય એમ એને લાગતું.


      નિશિ પણ અન્ય વ્યક્તિ તરફ ઢળી ગઈ હતી. એને  મોટાભાગનો સમય એ એની સાથે જ રેહવા લાગી. નયન તરફનો એનો અણગમો વધતો ગયો. એ કંઈપણ કહે તો અડધું સાંભળીને એ લડી નાખતી માટે નયને કંઈપણ કહેવાનું બંધ જ કરી દીધું.


        આજે  એની નાઈટની ડયૂટી હતી એ પોલીસ ચોકીમાં બેઠો હતો એ મનમાં વિચારતો હતો કે  "નિશિ કેમ સમજતી નથી?  હું એની મોટી અને વધુ પડતી મહત્વકાંક્ષાઓ નથી પુરી કરી શકતો પણ એનો અર્થ એવો નથી કે મારો  એના પ્રત્યેનો પ્રેમ ઓછો છે . મારે એને કેમ સમજાવવી કે  આમ જ ચાલતું રહ્યું તો હું આ તણાવ અને એકલતામાં........."


        ત્યાં જ ફોનની રિંગ વાગે છે.  એણે ફોન રિસીવ કર્યો અને તરત જ  "ઝડપ કરો ચાલો!  હમણાં એક ફોન હતો જ્યાં ગામડાં તરફ જતા રસ્તે  જ્યાં માતાજીનું મંદિર છે એની  થોડે અંતરે -  આગળ એક અવાવરું જગ્યાએ ડ્રાઇવર વગરની કાર જોવા મળી છે. આપણે ત્યાં ઝડપથી પહોંચવાનું છે.


        એ પોતાના કૉન્સ્ટેબલ કરન સાથે ત્યાં પહોંચે છે અને ગાડીનું બહારથી નિરીક્ષણ કરે છે ગાડી બરાબર છે કંઈ નુકસાન થયેલું નથી.  કોન્સ્ટેબલ કરન ગાડીની અંદર જુવે છે. અને એક મોબાઇલ ફોન અને પર્સ મળે છે.  "સર આ ફોન  અને લેડીઝ પર્સ .........."


        નયન પર્સ જુવે જોતા મનોમન   " અરે આ તો નિશિ પાસે છે એવું જ છે!"  પર્સ ચેક કરે છે તો બધા કાર્ડ અને થોડા રૂપિયા હતા. એ ફોનની લોક સ્ક્રીન ચેક કરે છે તો એનાં પર નિશિનો ફોટો હતો. એ જોઈને એ ત્યાં જ ભાંગી પડે છે થોડીવાર માટે  એની  આંખો સામે અંધારૂ છવાઈ જાય છે એનું મન વિચલિત થઈ જાય છે.


       "સર! સર! આ તો  મેડમ........"  કરન આગળ બોલતા અટકી જાય છે.


       "હા!  કરન!  સાચી વાત છે આ નિશિ જ છે." એમ બોલીને અનિમેષ દ્રષ્ટિથી એનો ફોટો જોઈ રહ્યો.


       "સર! મેડમ છે ક્યાં? એ કોઈ  મુશ્કેલી........."  આટલું કહી કરન આસપાસ નજર દોડાવવા લાગે છે.


       કરનના આવા શબ્દો સાંભળીને નયનની ગભરાહટ વધે છે અને એ પણ આસપાસ  "નિશિ!.......  નિશિ! .........." બુમો પાડતા એને શોધવા લાગે છે. એટલામાં ક્યાંય કોઈ દેખાતું નથી.  વિપરિત દિશામાં આગળ જાય છે  ત્યાં એક ખેતરમાંં કે વાડી કહી શકાય એવી જગ્યામાં  એક  તૂટેલું, અર્ધમરેલી હાલત કહી શકાય એવું ઝૂંપડું દેખાય છે.


           એ નજીક જાય છે તો અંદરથી એક સ્ત્રીનો અવાજ સંભળાય છેે  " પાસે ન આવીશ....!  દૂર.....  દૂર......"  એમ કહીને જાણે એ કોઈને પાસે આવતા રોકી રહી હોય એમ લાગ્યું. એ દોડીને નયન પાસે ગયો અને એને ત્યાં લઈ આવ્યો.


        નયન ધ્યાન તૂટેલા ઝૂંપડાંનો જાણે હમણાં જ તૂટી જશે એવો દરવાજાની ગેપમાંથી જુવે છે તો નિશિ સાથે એક વ્યક્તિ છે જે  બળજબરી પૂર્વક એની  પાસે જવાની કોશિશ કરી રહ્યો છે અને નિશિ એને દૂર કરવાના પ્રયત્ન કરી રહી છે. એ જે રીતે બોલે છે એ પરથી નયન સમજી ગયો કે એ નશાની હાલતમાં છે. એ ગુસ્સાભેર દરવાજો ખોલીને અંદર જાય છે અને નિશિના એ મિત્રને ગુસ્સામાં બે લાફા મારી દે છે અને નિશિને પોતાની પાસે બાથમાં ભરી લે છે.


        "કરન આને તું લઈ જા પોલીસચોકીએ હું નિશિને લઈને ઘરે જવ." નયન નિશિને ખૂબ સાચવીને ગાડીમાં બેસાડે છે અને કરન નિશિના મિત્ર સાથે પેલી કારમાં પોલિસચોકીએ જવા નીકળે છે.


        રસ્તે ગાડીમાં  નિશિનો બબડાટ ચાલુ છે એને કંઈ ભાન નથી. એ ઘરે પહોંચે છે. વહેલી સવારે નિશિની આંખ ખુલે છે એ જુવે છે તો નયનનો હાથ એના માથા પર હોય છે. એ બેડ પર બાજુમાં બેઠો - બેઠો સૂતો હોય છે. એ સમજી જાય છે કે નયન એના માથામાં હાથ પસારતા - પસારતા સુઈ ગયો છે.


              "નયન!.....  નયન!......."  આંખોમાં આંસુ સાથે એ નયનને ઉઠાડે છે અને નયન આંખો ખોલીને નિશિની સામે  જોઈને  એના આંસુ લુછતાં હસે છે અને નિશિ "સોરી!!! હું હવે સમજી શકી કે મહત્વકાંક્ષાઓ એ સંબંધની બુનિયાદ ન હોય મારી ભૂલ અને ખોટી મહત્વકાંક્ષાઓના કારણે તારે........."


          નયન એના હોઠ પર હાથ રાખીને એને આગળ બોલતા અટકાવી દે છે. અને એને ગળે લાગી જાય છે.


                                      ✍...... ઉર્વશી.






 


    


     


     



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ