વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બા નો ખજાનો

                         “બા આ કબાટમાં શું છે? તમે કેમ કાયમ અહીં જ બેસો છો ? કેમ અમને અડકવા પણ નથી દેતા ?” મેં ઉત્સુકતા સહ નારાજગી થી બાને પૂછ્યું  હતું.

                       “કંઈ નહીં આ તો ભગવાનનો કબાટ છે ને બેટા , તમે જ્યાં-ત્યાં અડ્યા હો એટલે આ કબાટ ના અડાય” બા એ મને સમજાવ્યું હતું.

                        બા એટલે મારા દાદી… ઘરમાં મમ્મી, પપ્પા તેમજ કાકાઓ,કાકીઓ  બધા તેમને ‘બા’ જ કહેતા એટલે અમને પણ ‘બા’ કહેવાની આદત પડી ગઈ હતી.

                         બા કરતાંય વધારે આકર્ષણ તેના કબાટનું રહેતું, હંમેશા એ મંદિર પાસે બેસી કબાટ માંથી કોઈક ચોપડી કાઢી વાંચતા… તો ક્યારેક કબાટ માંથી કંઈક કાઢી મોં માં મૂકતા.. તો વળી ક્યારેક માળા કાઢી સાડીમાં છૂપાવી ફેરવતા.

                         અમારૂં બાળ મન બાના કબાટ રૂપી ખજાનાની શોધ કરવા તડપતું ;પણ એ ચાન્સ જ ન મળતો.

                       હા , બાપુજી સાથે હંમેશા મિત્રતાનો નાતો હતો. બાપુજી એટલે મારા દાદા.. નાનપણથી જ તેમની પાસેથી વાર્તાઓ સાંભળવા ,બહાર હરવા-ફરવાની ખૂબ મજા કરેલી.ક્યારેક બગીચે તો ક્યારેક આજીડેમે તો ક્યારેક મંદિરે બાપુજી અમને લઈ જતા ;એટલે બાપુજી માટે કે તેની કોઈ વસ્તુ માટે આવું આકર્ષણ ન હતું જેવું બા નાં કબાટ માટે રહેતું.

                        બાપુજીના અવસાન બાદ બા સાથે એટેચમેન્ટ વધવા લાગ્યું  તેમજ અમે પણ મોટા અને મેચ્યોર થવા લાગ્યા પણ બાના કબાટ માટે આકર્ષણ એવું ને એવું જ હતું.

                        એક દિવસ બા એ સામેથી તેમનો કબાટ ખોલી જોઈ એ લેવા કહ્યું; જાણે કોઈ મોટા ખજાનાનો દરવાજો ખોલતા હોય એવી લાગણીથી કબાટ ખોલ્યું . જોયું તો  અંદર કંઈ નહીં… ફક્ત માળા જે તે ફેરવતાં એ , કેટલાક પુસ્તકો જે બા રોજ વાંચતા તેમજ કેટલીક પૂજાપાની સામગ્રી.. બસ

                          “શું બા એ એનો ખજાનો બીજે મૂક્યો હશે એટલે અમને કબાટ જોવા આપ્યું કે સાચે જ કબાટમાં કંઈ નહીં હોય..” વિચારવા લાગી.

                         પછી તો ઘણીવાર બા સામેથી કહેતા , “ તારા માટે પ્રસાદ રાખ્યો છે લઈ લે કબાટ માંથી.. તારા માટે તુલસીદલ રાખ્યું છે લઈ લે કબાટ માંથી” પણ હવે કબાટ માટે એ આકર્ષણ ક્યાં રહ્યું જે પહેલા હતું .

                        બાના અવસાન બાદ જ્યારે એ કબાટ ખોલતાં કે ત્યાં નિહાળતા ત્યારે સમજાતું કે બા મંદિર પાસે બેસી એક કબાટ નહીં પરંતુ એક સંપૂર્ણ પરિવાર સાચવતાં હતાં.

                       બા મંદિર પાસે બેસી ઘરના દરેક સભ્યોને પોતાની મૌન હાજરી માત્રથી સભ્યતા તેમજ એકતાપૂર્વક ઘરના કાર્યો અને વ્યવહારો સમયસર કરવા ફરજ પાડતા.

                       ઘરની એક વડિલ સ્ત્રી ફક્ત પોતાની હાજરી માત્રથી ઘરનો સુવ્યવસ્થિત દોરી સંચાર કેવી રીતે કરી શકે એ બા પાસેથી શીખવું પડે.

                      રહી વાત બાનાં ખજાનાની તો એ ખજાનામાં ઘણી અમૂલ્ય વસ્તુઓ મળી..

                      તેમના અમારા માટે મૂકેલા સૂકાં પડી ગયેલાં તુલસીદલ , તેમની માળા ,ગોપીચંદનની બે/ત્રણ લાકડીઓ અને જે ડબ્બા માંથી એ કંઈક કાઢી ખાતા એ મુખવાસનો ભૂક્કો….

                        આજે પણ બાની એ રિક્ત જગ્યા તેમની રાહ જોવે છે અને અમારૂં મન ફરી એ બાળપણમાં જવા….

                                                              અસ્તુ…

     

   


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ