વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક પત્ર વહાલી પ્રિશાને...

                      "એય... હું તને..."

                     એક ખુલ્લો પ્રેમપત્ર


મારી વહાલી પ્રિશુ,


શેરીમાંથી આવતાં શરણાઈના સૂર અને ઢોલના સાદથી આજે હું આ પત્ર લખતા ખુદને રોકી ન શક્યો. મને ખબર છે તું મને રોજ યાદ કરતી જ હોઈશ. ફોન પર પણ અઠવાડિયે બે વાર તો આપણી વાત થતી જ હોય છે, પણ આજે તને પત્ર લખવાનું મન થયું. આજે અહીં ફરી એક એવો જ ખુશી મિશ્રિત કરુણતાનો પ્રસંગ છે. ઘરના આંગણે કંકુના થાપા કરીને પપ્પાની એક વહાલી દીકરીની વિદાય... કોઈપણ લગ્નમાં જાઉં ત્યારે વિદાયની ઘડીએ હું ત્યાંથી પરત ફરી જાઉં છું. આજે પણ ઘરની સામે લગ્નનો પ્રસંગ હતો. બસ, વિદાયની તૈયારી થતી હતી. તે ઘડી ન જીરવતા હું ઘરે આવી ગયો. પ્રિશું આજે તું બહુ યાદ છે તેથી આ પત્રમાં મને આવતી તારી યાદો અને બહુ બધો વહાલ કલમ વડે નિતારું છું.


આજે તારા લગ્નને એક વર્ષ પૂરું થયું અને આજે વૅલેન્ટાઇન ડે પણ છે. તને સૌથી વધુ ગમતો દિવસ. તારા બર્થડે કરતાં પણ તું આ દિવસને વધુ મહત્વ આપી વિશેષ બનાવી દેતી. તને યાદ છે બેટા, નાની હતી ત્યારે તને સરખું વૅલેન્ટાઇન ડે બોલતાય નહોતું આવડતું. તું વેલેન્તાઈન દે બોલતી ત્યારે હું ને તારી મમ્મી બંને હસી પડતાં! ધીમે ધીમે તું મોટી થઈ. તું સમજણ કેળવતી ગઈ. તું હંમેશા કહ્યાં કરતી, 'એક સંતાન માટે એના પ્રથમ વૅલેન્ટાઇન એના મમ્મી-પપ્પા જ હોય. મમ્મી-પપ્પા સિવાય આ જગતમાં 'કોઈપણ સ્વાર્થ વિના અપાર કોણ ચાહવાનું?' તો હું પણ આજે કહું છું બેટા, 'જન્મથી યુવાવસ્થા સુધીનો જ સાથ હોવાનો... પછી તો પારકા ઘરે જ જતું રહેવાનું એવું જાણતા હોવા છતાં અનરાધાર પ્રેમ વરસાવનાર દીકરી સિવાય બીજું કોણ?'


જ્યારે તારી મમ્મી આપણો સાથ છોડીને ભગવાન પાસે જતી રહી; તે દિવસે તું ખૂબ રડેલી, અંતે તે ખુદનું મન મનાવ્યું અને કહ્યું, 'મારા ડેડી જ મારા વૅલેન્ટાઇન!' હું ક્યારેય એને છોડીને ક્યાંય નહીં જાઉં. ત્યારે તું એકાએક મોટી થઈ ગઈ હોય એવું લાગ્યું. તે પોતાને તો સંભાળી સાથે સાથે મને પણ સંભાળી લીધો. સાચું કહું તો તારા મમ્મીના ગયા પછી મને એની તીવ્ર યાદ આવી હોય એવું બહુ ઓછું બનેલું; કારણ કે તું મારી પાસે હતી. આજે તું પણ મારી પાસે નથી ને તારી મમ્મી પણ બહુ દૂર છે! હું જયારે પણ કહેતો કે લગ્ન કરીને એક દિવસ તારે આ ઘર છોડીને જવું પડશે જ ત્યારે તું મોં ફુલાવીને બેસી જતી. તારો મૂડ બનાવવા માટે હું તારી ફેવરિટ 'કિટકેટ ચૉકલેટ' લઈ આવતો ત્યારે તું મારા ગળે વળગી પડતી. આજે મારા બંને ખિસ્સા 'કિટકેટ ચૉકલેટ'થી ભરેલાં છે; કાશ.. તું સામે હોય ને હું મૂઠ્ઠી ભરીને ચૉકલેટ તને આપું! 


ક્યારામાં ઊગેલા તુલસી અને ખેતરમાં ઊભેલી ગાયને જોવું છું ત્યારે અનાયાસે જ આંગણા તરફ નજર ફરી વળે... ત્યારે ત્યાં તારી ગેરહાજરી ખૂંચે છે.


તારી પા... પા... પગલીથી લઈને તારી વિદાયની ઘડી સુધીની એકએક વસ્તુ મારા હૃદયમાં શ્વાસની જેમ દરેક ક્ષણે આવનજાવન કરે છે. 


 'એય પ્રિશુ! હું તને કહેવા માગું છું...' 


"ભૂંસાયેલ પગલાંની છાપ આજેય મને દેખાય છે,

 તારા સ્મરણોથી હૃદય મારું બસ આમ ઝંખાય છે."


રોજ સવારે ઊઠીને ચાના કપ અને ન્યૂઝપેપરને જ્યારે મારો ટેરવાનો સ્પર્શ મળે ને ત્યારે મને તારી આંગળીના સ્પર્શનો અભાવ વર્તાય છે. આજેય જ્યારે દરિયાકિનારે લટાર મારવા નીકળું છું ને ત્યારે ઊછળતા મોજાઓને જોઈ તારું ખળખળ વહેતું સ્મિત અને છીપલાંઓને જોઈને તારા ગાલે પડતાં ખંજન યાદ આવે છે.


જ્યારે સૂર્યાસ્ત થાય અને સૂરજ ધીમે ધીમે ક્ષિતિજમાં વિલીન થતો હોય ત્યારે ચોતરફ આછું આછું અંધારું ફેલાઈ જાય; એવી જ રીતે દીકરી સાસરે જતી રહે ત્યારબાદ એક બાપમાં હૃદયમાં પણ હલકો હલકો અંધકાર પ્રસરે છે. 'જગત જાણે છે સૂરજ ફરી બીજે દિવસે ઊગવાનો જ છે પણ ત્યાં સુધીમાં કેટલાય ફેરફાર થઈ ચૂક્યાં હશે!' બસ આવું જ કંઈક છે દીકરીની વિદાય પછી...


એક બાળક જન્મેને ત્યારે સાથે સાથે એક માતાપિતા પણ જન્મ લે છે. પ્રિશુ તું જન્મીને ત્યારે મારો પણ એક પિતા તરીકે આ ધરતી પર જન્મ થયો. તારા થકી જ મને કન્યાદાન જેવું મોટું દાન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. તારા લીધે જ તો હું તારી મમ્મી, ફઈબા, દાદી અને મારા જીવનમાં હાજરી પૂરાવનાર અન્ય સ્ત્રીઓને વધુ નિકટતાથી સમજી શક્યો. એક દીકરી જ હોય છે જે એક બાપને નારીસંવેદનાનું પ્રકરણ સમજાવી શકે!


તારું પહેલીવારનું પપ્પા બોલવું અને વિદાયની ઘડીએ મારાથી દૂર જતી વખતે રુદન સાથેનું પપ્પા બોલવું, બંને વચ્ચે બહુ મોટું અંતર છે પણ મને તો પહેલીવારનું પપ્પાથી લઈને વિદાયની ઘડીએ બોલેલું પપ્પા બંને વચ્ચેની સફર ખૂબ જ ગમી. આંગણે ખીલેલી કળીમાંથી એક સુંદર ફૂલ બને અને રોજ થોડું થોડું ખીલતું જાય, એ જોવાનું કોને ન ગમે? મને તો આ ઘરરૂપી બગીચામાં હાજર મઘમઘતા પુષ્પની સુગંધને માણવાનો અવસર રોજ મળતો.


મારી બીમારીને લીધે કોઈપણ વિચાર કર્યા વગર સ્કૂલે ન જવું, મને ન ભાવતી વાનગી તને ગમે તેટલી પ્રિય હોય તો પણ મારું વિચારીને એ વાનગી વગર ચલાવી લેવું, બીમારીમાં સમયસર દવા હાથમાં આપી દેવી, જરૂર પડ્યે ક્ષણભરમાં જ દિકરીમાંથી મા બની જવું... આવું ઘણુંય હતું, જેનો હું સાક્ષી બન્યો છું! આવી દરેક પળે... લાગે જાણે સ્વર્ગ મળી ગયું! કદાચ તે મને જેટલો પ્રેમ આપ્યો છે એટલો પ્રેમ હું તને ન આપી શક્યો હોઉં, પણ મેં હમેશાં પ્રયત્ન કર્યો છે કે તને ક્યારેય તારી મમ્મીની ખોટ ન વર્તાય. જો હું તારી મમ્મી બનવાની કોશિશમાં એક પિતાની ફરજમાંથી ક્યારેક ભટકી પડ્યો હોઉં તો માફ કરજે... મારી હમેશાં કોશિશ રહી છે કે તારી દરેક ઈચ્છા પૂરી કરી શકું. મને યાદ છે જ્યારે પૈસાની ઊણપ હતી ત્યારે સ્કૂલમાંથી જમ્મુ-કાશ્મીરનો પ્રવાસ થયેલો, તારું બહુ જ મન હતું છતાંય તે સામેથી જ ના પાડી દીધી હતી. મારા સંઘર્ષો વચ્ચે જો ક્યારેક તારા સપના અધૂરા રહી ગયા હોય તો એના માટે તારા પપ્પા તરફથી સૉરી બેટા!


હું એક પિતા તરીકે તને અપાર પ્રેમ કરું છું વહાલી પ્રિશુ, પણ આજ દિન સુધી 'આઈ લવ યુ' કહી ક્યારેય જતાવ્યું નથી. પરંતુ, તારી વિદાયની ઘડીએ ન રડવા છતાં ચોધાર આસુંએ રડી પડાયું હતું એ જ મારું તારા માટેનું 'આઈ લવ યુ'. 


બસ, આજ રીતે સદાય તારા પર અપાર સ્નેહ વરસાવતો જ રહીશ... જ્યારે પણ જરૂર પડે ત્યારે દોડીને આવી જજે તારા પપ્પા પાસે. પારકા ઘરે જતા રહેવાથી પિતા પારકા નથી બની જતા! 


પ્રિશુ... ખૂબ ખૂબ વહાલ સાથે તારું લગ્નજીવન હમેશાં ખુશખુશાલ બન્યું રહે એવા આશિષ!



                                             લિ.

                                           તારા વૅલેન્ટાઈન


✍️ © મીરા પટેલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ