વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માતૃભાષા

વ્હાલી માતૃભાષા,


  ભગવાને આ સૃષ્ટિ રચી હશે ત્યારે એને વિચાર આવ્યો હશે કે એની સાથેનો  આપણો સાથ છુટયા પછી પ્રાર્થના, ફરિયાદ, યાદોની વાત અને એકબીજાને અનુકૂળ બનવા માટે  વાચા તો આપવી જ જોઈશે આ માનવજાતિને... એટલે જ કદાચ,  માતૃભાષાનો ઉદ્ભવ  થયો હશે.  આજે  ૨૧ ફેબ્રુઆરીનો દિવસ જ્યારે વિશ્વ માતૃભાષા દિવસ તરીકે જ ઉજવાતો હોય તો હું આ ગુજરાતી ભાષાને કેમ ભૂલું ? જેના થકી મને મારી ખુદની ઓળખાણ મળી. ગૌરવ તો ગુજરાતનું છે મને જેનો ડંકો આજ વિશ્વમાં વાગે છે.


જો સાંભળ, તું નાહકની ચિંતા ન કરજે કે તારું અસ્તિત્વ લોકો ભૂલી રહ્યાં છે. યાદ એટલું જ રાખ કે 'જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત ! '  અરે, આ વાક્ય એટલે લખ્યું કે કોઈપણ ક્ષેત્રમાં, મુસાફરીમાં, મુસીબતમાં અને ભોજનમાં જો આપણને આપણી  માતૃભાષાનો જાણકાર મળી જાય તો મનમાં રહેલો ડર કે સંકોચ ચપટી વગાડતા ભાગે છે. આજ તો પ્રભાવ છે આપણી માતૃભાષાનો.


જરા વિચાર, ન તો તને ભગવાનનું બિરૂદ અપાયું કે ન તો તને પિતૃત્વનું બિરૂદ અપાયું. એની પાછળનું વ્યાજબી કારણ છે કે બાળકનો  માતા સાથેનો સંબંધ સીધો  નાભિથી જોડાયેલો હોય છે ગર્ભાવસ્થા દરમિયાન....તો આ સંબંધમાં જ્યારે બાળકને અને માતાને જોડતી નાળ કપાય ત્યારે માની આંખો એના શિશુનું રૂદન પારખી જાય છે અને વ્યથિત થાય છે. બાકી બધા નવજાત શિશુના આગમનની ખુશીમાં વ્યસ્ત હોય છે. એ રૂદનમાં એક શબ્દ ન હોય તો પણ માતાનો અવાજ સાંભળી શિશુ પોતાને સલામત સમજી ચૂપ થઈ જાય છે. આ માતા સાથેના સંબંધનો પ્રભાવ છે તો જે અંતરનો સંવાદ રચાયો હોય એજ આપણને સદા મોહતી માતૃભાષા !


    ગુરૂજી જ્યારે શિષ્યને અક્ષરસઃ જ્ઞાન આપે ને ત્યારે એ પણ પૂજા કરાવે છે. વિધ્યાદાયીનીની પૂજા ! એક અનેરી શકિતનો સંચાર હાથ પકડીને લખાવાતા શ્રી કે ૐ માં સ્ફૂરતો હોય છે. જ્યારે એકસાથે માતૃભાષામાં જ મંત્રોચ્ચાર અને જયઘોષ થતો હોય ત્યારે જ ભાષાની મહત્તા સમજાય છે. તું અમરત્વ પામે એવી શુભકામના સાથે


                              જીંદગીભર તારી આભારી...

                                   શિતલ માલાણી

                                        "સહજ"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ