વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગોવર્ધન સ્મૃતિ મંદિર

લેખન - રિદ્ધિ પટેલ


        તાજેતરમાં જ દિગ્ગજ સાહિત્યકાર ગોવર્ધનરામ ત્રિપાઠીના શહેર એટલે કે નડિયાદ જવાનું થયું. એક લેખક તરીકે ગોવર્ધનરામ ત્રિપાઠીના સ્મૃતિમંદિરની મુલાકાત લીધા વિના રહેવાયું નહીં. નડિયાદની ઝઘડિયા પોળમાં ગોવર્ધનરામ ત્રિપાઠી જે ઘરમાં રહેતા તેને સ્મૃતિ મંદિરમાં ફેરવી દેવાયું છે. પોળની જૂની શૈલીનું એ ઘર આજે ગોવર્ધનરામ ત્રિપાઠીના સંસ્મરણો સજીવન કરતું ઉભું છે. ઘરના પ્રવેશદ્વારની કાષ્ઠ કોતરણી તમને બે ઘડી ઉભા રહેવા મજબૂર કરે તેવી છે. અંદર પ્રવેશો એટલે ગોવર્ધનરામ ત્રિપાઠીની પાઘડી, તેમના પુસ્તકોની હસ્તપ્રતો, અંગત પુસ્તકાલય, તેઓ જ્યાં લખતા તે ટેબલ, તેમના પરિવારજનોની અલભ્ય તસવીરો જોતા ગોવર્ધનરામ ત્રિપાઠીના વ્યક્તિત્વનો સાક્ષાત્કાર થાય. સ્મૃતિમંદિરમાં સૌથી વધુ ધ્યાન ખેંચે છે ઘરની મેડી પર આવેલો હિંચકો અને તેના પર ગોવર્ધનરામ ત્રિપાઠીનું સુંદર શિલ્પ. લાગે જાણે ગોવર્ધનરામ ત્રિપાઠી પોતે જ હિંચકે બેઠા હોય!

        સ્મૃતિમંદિરની મુલાકાત લઈને હું જવાની તૈયારીમાં હતી કે ત્યાં બે બહેનો અંદર પ્રવેશી. બંનેએ મોઢા પર માસ્ક પહેરેલા. કોરોનાને કારણે ત્યાં મુલાકાતીઓ ખાસ આવે નહીં, પરંતુ મહિલાઓને જોઈને સ્ટાફને આશ્ચર્ય થયું. સ્ટાફમાંથી કોઈએ તેમની વાત કરી ત્યારે જાણવા મળ્યું કે બંને સ્મૃતિમંદિર જોવાના ઇચ્છુક હતા. તેમને સસ્મિત આવકાર મળ્યો. બંને મહિલાઓએ હોંશભેર આખુ સ્મૃતિ મંદિર નિહાળ્યું. દરેક ચીજોની ઊંડાણપૂર્વક માહિતી મેળવી. આદરભાવથી ગોવર્ધનરામ ત્રિપાઠીની સ્મૃતિઓને વંદન કર્યા. બંને મહિલાઓમાં એક વૃદ્ધા હતા. બાંધણીની સાડી પહેરીને આવેલા એ વૃદ્ધાનું નામ ચંચળબેન. હાથમાં કપડાંની સાદી થેલી, કમરે ખોસેલો રૂમાલ અને સાદા ચંપલ. તેમના સાદગીભર્યા વ્યક્તિત્વને જોઈને હું તેમની સાથે વાત કરવા પ્રેરાઈ. વાત વાતમાં જાણ્યું કે ચંચળબેન ગ્રેજ્યુએટ થયેલા. અંગ્રેજી પણ ખૂબ સારું બોલી જાણતા. તેમને વાંચનનો ખૂબ શોખ. ગોવર્ધનરામ ત્રિપાઠીની નવલકથા ‘સરસ્વતીચંદ્ર’ તેમણે વાંચેલી. તેમણે મને કહ્યું, ‘બેટા, મારે ઘણાં સમયથી સ્મૃતિમંદિરની મુલાકાત લેવી હતી પણ આવી શકી નહોતી. આજે સમય મળ્યો તો આવી ગઈ. ગોવર્ધનરામ ત્રિપાઠી કેટલા મોટા સાહિત્યકાર!  આવા મોટા માણસના સ્મૃતિમંદિરની જીવનમાં એકવાર તો મુલાકાત લેવી જ જોઈએ ને!’ તેમના સરળ શબ્દોમાં રહેલો સાહિત્યપ્રેમ અને સાહિત્યકાર માટેનો આદર મારા હૃદય સોંસરવો ઉતરી ગયો. મને વિચાર આવ્યો કે ફાંકડું અંગ્રેજી બોલતા ઘણાં લોકો આજે માત્ર અંગ્રેજી પુસ્તકો વાંચવામાં ગર્વ લે છે. અંગ્રેજીમાં લખાયું હોય તો જ ઉચ્ચ કોટિનું હોઇ શકે તેવી માન્યતા હોય છે. આવા લોકોએ ચંચળબેન પાસેથી એક વાત તો શીખવી જ જોઈએ કે બીજી ભાષાનું જ્ઞાન હોવું ખોટું નથી. માતૃભાષાને ભૂલીને બીજી ભાષાના જ્ઞાનનું ગૌરવ હોવું ખોટું છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ