વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વળ્યું મન પાછું!

વાર્તા -   વળ્યું મન પાછું...


તસવીરાંકન, શબ્દાંકન - રિદ્ધિ પટેલ ©


"ના, મને એ સહેજેય નહીં ચાલે. હું શા માટે નમતું જોખું? મિલકતની વહેંચણી કર્યા પછી એ ફાર્મહાઉસ મારા હિસ્સાનું છે. કાયદાકીય રીતે ફાર્મહાઉસને મારા નામે કરાવ્યું નથી એટલે જો એ માનતો હોય કે ફાર્મહાઉસને બહુ સરળતાથી મારી પાસેથી છીનવી લેશે તો એ તેનો ભ્રમ છે. ભાઈ પર થોડો વિશ્વાસ કર્યો એનું આ પરિણામ છે, પણ હવે હું કોઈ બાંધછોડ કરવા માગતો નથી. એ નાલાયક મને કોર્ટમાં ઢસડી ગયો છે. હવે, હું પણ એને નહીં છોડું. મારી પાસે મિલકતની વહેંચણી થઈ એ સમયનું વીડિયો રેકોર્ડિંગ છે, એ હું તમને શક્ય તેટલું જલદી મોકલી દઉં છું, તમે એ જરા જોઈ લેજો. કેસની તારીખ અને બાકીની ડિટેઈલ મને ઈ-મેઇલ કરી દેજો." જરૂરી વાતચીત પતાવ્યા બાદ થોડું વિચારીને નવીન મહેતા ફરીથી બોલ્યા, "મિસ્ટર ખાન, એક વાત યાદ રાખજો. હારવું મને સહેજેય પસંદ નથી. જીત માટે જરૂરી બધા જ પુરાવા આપણી પાસે છે જ. તો હું તમારી પાસે માત્ર જીતની આશા જ રાખું છું."


ફોન પર વાતચીત પતાવ્યા પછી 48 વર્ષીય નવીન મહેતા થોડી વાર મૌન ધારણ કરી બેસી રહ્યાં. આંખો બંધ કરતાં જ અચાનક જ બાળપણની કેટલીક જૂની યાદો તાજી થઈ ગઈ. દ્રશ્યો તેમની આંખ સામે જીવંત બની ગયાં. નાના ભાઈ અને પિતા સાથે ફાર્મહાઉસ પર વિતાવેલા યાદગાર દિવસો તેમના હ્યદય અને મનની ઘણી નજીક હતા. આજે એ જ ફાર્મહાઉસ માટે બંને ભાઈઓ એકબીજાની સામે ઊભા હતા. નવીન મહેતાની આંખો આંસુથી છલકાઈ, ગળે ડૂમો ભરાઈ આવ્યો. આંખોને બંધ રાખી આંસુને એમાં જ બંધ રાખવાનો પ્રયાસ તો તેમણે કર્યો પરંતુ નિષ્ફળ નિવડ્યો, એટલે આંખો પર ચશ્માં ચડાવી લીધાં અને કારની વિન્ડોની બહારથી પસાર થતાં દ્રશ્યો પર નજર કેન્દ્રિત કરી. સર્વત્ર લીલોતરી પથરાયેલી હતી. કાંઈ જ વિચાર્યા વિના તેમણે કારની વિન્ડો ખોલી. તાજી હવાથી તેમને થોડું સારું લાગ્યું. થોડી વાર પહેલાં જે ગૂંગળામણ અનુભવાઈ હતી તે ધીરે ધીરે દૂર થઈ. હવે તે થોડી સ્વસ્થતા અનુભવી રહ્યાં હતા.


નવીનભાઈ તેમના ધંધાના કામથી થોડા દિવસ મુંબઈ હતા. કામ પતાવીને અમદાવાદ પાછા ફરી રહ્યાં હતા. મોટાભાગે તેઓ ફ્લાઈટમાં જ અવરજવર કરતા પણ ચોમાસામાં વરસાદી માહોલને કારણે તેમણે ફ્લાઈટ બુક કરાવવાનું ટાળ્યું હતું. વળી નાસિકમાં એક વેપારીને પણ મળવાનું હતું એટલે આખરે તેમણે બાય રોડ જ અમદાવાદ જવાનું નક્કી કર્યું. રસ્તામાં જ તેમને સમાચાર મળ્યા કે તેમના ભાઈએ ફાર્મહાઉસની માલિકીને લઈ તેમની સામે કોર્ટમાં કેસ કર્યો હતો.


નવીન મહેતા અમદાવાદના જાણીતા બિઝનેસમેન હતા. ગર્ભશ્રીમંત પરિવારમાં જન્મ્યા. માતા-પિતા અને બે ભાઈનો નાનકડો પરિવાર હતો. પાછલા વર્ષે જ પિતાના નિધન બાદ અઢળક મિલકત બે ભાઈઓ વચ્ચે વહેંચવામાં આવી હતી. નાનપણથી જ બંને ભાઈઓ વચ્ચે આત્મીયતા હતી. બંને વચ્ચે તકરાર, લડાઈના અવસર બહુ ઓછા બનેલા પણ મિલકતની વહેંચણી બાદ બંનેના સંબંધોમાં ખટાશ આવી ગયેલી. એમાંય ફાર્મહાઉસને લઈને તેમની વચ્ચેનો ગજગ્રાહ અત્યંત વધી ગયેલો. બંને કોર્ટ સુધી જવા તૈયાર થઈ ગયા હતા. બાળપણમાં જે ફાર્મહાઉસમાં સાથે રમેલા એ જ ફાર્મહાઉસ માટે બંને એકબીજાની લાગણીઓ સાથે રમત કરવા તૈયાર થઈ ગયેલા. મનમાં ચાલી રહેલું આ દ્વંદ્વયુદ્ધ નવીનભાઈને દુ:ખ પહોંચાડી રહ્યું હતું. આખરે નવીનભાઈએ વિચારોને ખંખેર્યાં અને થોડીવાર સૂવાનો પ્રયાસ કર્યો.


ફોર્ચ્યુનર કાર ઝડપથી અમદાવાદ તરફ આગળ વધી રહી હતી. વરસાદ પણ થોડી થોડી વારે આવનજાવન કર્યા કરતો હતો. ટ્રાફિક પણ ખસ્સો હતો છતા અંધારું થતા પહેલાં નવીન મહેતાની કાર નાસિકમાં પ્રવેશી ચૂકી હતી.. નાસિકથી થોડે આગળ સાપુતારા તરફના રૂટ પર સ્ટ્રોબેરીના વેપારીને ત્યાં કલાક માટે નવીન મહેતા રોકાયા. મિટિંગ પૂરી કરીને પાસેની નાનકડી રેસ્ટોરાંમાં જમ્યા. રાતના 10 વાગી ચૂક્યા હતા. ડ્રાઈવરે ફરી કાર અમદાવાદ તરફ હંકારી. થોડી જ વારમાં સાપુતારાની ટેકરીઓ પર કાર સર્પાકારે ફરવા લાગી. વરસતાં વરસાદમાં, અંધારી રાત્રે જંગલનું વાતાવરણ થોડું ડરામણું હોય તે સ્વાભાવિક છે, પણ ફોર્ચ્યુનરમાં બેઠેલા નવીન મહેતાને એ ડરનો લગીરે અહેસાસ નહોતો. તે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યાં હતા ત્યાં જ તેમના ડ્રાઈવરે અચાનક જ કારને બ્રેક મારી.


"શું થયું ખીમજી? કેમ બ્રેક મારી?" ફોન મૂકીને નવીન મહેતાએ પૂછ્યું.


"સર, આગળ રસ્તો બંધ છે. ઝાડ પડ્યું છે..તમે થોડીવાર અંદર જ બેસો. હું આવું છું." ખીમજીભાઈ કારમાંથી બહાર ઊતર્યા. આસપાસમાં તપાસ કરી. દૂર દૂર સુધી કોઈ નહોતું. વરસાદ પણ ચાલુ હતો. રસ્તો સૂમસામ હતો. કોઈની મદદ મળે તેમ હતું નહીં. નવીન મહેતાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે તરત જ ઈન્ટરનેટનો સહારો લીધો, પણ જંગલ અને વરસાદી માહોલના કારણે ઈન્ટરનેટથી કોઈ મદદ મળી નહીં. આખરે તેમણે પાછા જવાનું નક્કી કર્યું. થોડે દૂર એક રસ્તો બીજી તરફ ફંટાતો હતો. ત્યાંથી આગળ કદાચ કોઈની મદદ મળી શકે તેવી તેમને આશા હતી. અજાણ્યા રસ્તા પર ડ્રાઈવર હવે સાચવીને કાર હંકારી રહ્યો હતો. ઘણે દૂર નીકળી જવા છતાં દૂર દૂર સુધી તેમને કોઈ દેખાયું નહીં.


"સાહેબ, ક્યાં સુધી આમ આગળ જઈશું? રસ્તો અજાણ્યો છે ને આપણે ઘણા આગળ આવી ગયા છીએ.." ડ્રાઈવરે ચિંતાતુર થઈને કહ્યું.


"વાત તો સાચી છે. મને લાગે છે કે સાપુતારા પાછા જઈને રાત ત્યાં જ રોકાવું પડશે."


ડ્રાઈવરે યુ-ટર્ન લીધો પણ થોડે આગળ જઈને કારના આગલા ટાયરમાં પંક્ચર પડ્યું. હવે આગળ જઈ શકાય તેમ નહોતું. રાતના અંધારામાં વરસાદનું જોર પણ વધ્યું હતું. રસ્તાની વચ્ચોવચ કારમાં બેસી રહેવું સુરક્ષિત નહોતું. ડ્રાઈવરે આસપાસમાં થોડી તપાસ કરી તો એક આદિવાસીનું ઘર નજરે ચડ્યું. સવાર સુધી ત્યાં આશરો લેવા સિવાય કોઈ ઉપાય નહોતો. બંને ત્યાં જઈ ચડ્યા. આખી રાત ત્યાં જ વિતાવી. આંગણાંમાં બેઠા બેઠા જ નવીન મહેતાને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. વહેલી સવારે જ્યારે તેમની આંખ ખૂલી ત્યારે ક્ષણભર માટે ધરતી પરના સ્વર્ગમાં આવી ચડ્યા હોય તેવો અહેસાસ થયો. ચારે તરફ લીલોતરી છવાયેલી હતી. વરસાદ પણ રોકાયો હતો. પક્ષીઓનો કલરવ કાનને સ્પર્શી રહ્યો હતો. નજીકમાં જ નાનકડો પાણીનો એક વોકળો વહી રહ્યો હતો. ત્યાં જઈને તેમણે હાથપગ મોઢું ધોયાં. શરીર અને મનનો બધો જ થાક ઊતરી ગયો. એટલી વારમાં જ ખીમજી તેમના માટે ચા લઈને આવ્યો.


"અરે ખીમજી, આ ચા તું ક્યાંથી લઈ આવ્યો?"


"સર, આ આદિવાસીનું ઘર ખુલ્લું જ હતું. મદદ માટે અંદર ગયો. કોઈ હતું જ નહીં. બૂમો પણ પાડી. ઘરમાં રસોડામાં દૂધ અને ચાનો સામાન જોયો તો થયું કે, ચા બનાવી લઉં. "


"અરે, પણ કોઈના ઘરમાં એમ પૂછ્યા વિના થોડું જવાય?" નવીન મહેતાને પોતાની આ હરકત ગમી નહીં તે જાણીને ખીમજી ચૂપ થઈ ગયો. માલિક સામે જીભાજોડી કરવાનું આમ પણ તે ટાળી દેતો. તે ચૂપ જ રહ્યો. ચાના કપ સાથે નવીન મહેતા આદિવાસીના ઘર તરફ પાછા વળ્યા. માટીના લીંપણવાળા એ કાચાપાકા ઘરમાં થોડી ચહલપહલ હતી. અંદર જઈને જોયું તો એક આધેડ વયનો આદિવાસી રસોડામાં ચૂલો ફૂંકી રહ્યો હતો. નવીનભાઈએ તેને બોલાવ્યો. અભણ આદિવાસી પોતાના ઘરમાં મહેમાનને આવેલા જોઈને હરખાયો. ઉત્સાહમાં આવીને તે ડાંગી ભાષામાં બોલવા લાગ્યો. પછી નવીન મહેતાના ચહેરાના હાવભાવ જોઈને તેને સમજાયું એટલે તે ગુજરાતીમાં બોલ્યો,


"ચા પીધી કે નંઈ? પરોઢિયે જ મેં તમને જોઈ'લા..તે બારણું ઉઘાડું રાખીને ગ્યો'તો. હું આવું ત્યાં તમે ઊઠી જાવ તો..ચા-બા પીવાયને.." આદિવાસીનું માયાળુ વર્તન જોઈને નવીન મહેતા ક્ષણિક આભા જ બની ગયા. તેમને થયું કે કોઈ અજાણ્યા માટે પોતાનું ઘર ખુલ્લું મૂકીને ચાલ્યા જવાની આ આદિવાસીને હિંમત કેમ ચાલી હશે! તે મૂર્તિમંત બની આદિવાસીને જોઈ જ રહ્યાં.


"તે ભૂખેય લાગી હસેને હારી પેટની...?" પેલો આદિવાસી ફરી બોલ્યો.


"હા, પણ તમે કોઈ તકલીફ ન લેશો." ગરીબ આદિવાસીને વધુ તકલીફ આપવાની નવીન મહેતાને જરાય ઈચ્છા નહોતી.


"એમાં તકલીફ શીની પડે....ગરમાગરમ રોટલા ટીપી દઉં...બેહો...જરાવાર..આમેય તમારી ગાડીને પંચર થાહે તાં લગી તો બેહવું જ પડહે ને!..ઘનિયાને કે'વરાવ્યું સે...ઈ આઈવો જ હમજો..."


નવીન મહેતાના આશ્ચર્યનો પાર ન રહ્યો. માગ્યા વિના જ મદદ મળી ગઈ. આખી રાત જેના ઘર આંગણે પૂછ્યા વિના વિતાવી તે આદિવાસીએ જ સવારે કોઈ સવાલ પૂછવાના બદલે ગરમા ગરમ રોટલા ખવડાવ્યા. કારનું પંક્ચર કરવામાં મદદ કરી. ત્યાંથી વિદાય લેતી વખતે જ્યારે તેની મદદના બદલામાં પૈસા આપ્યા તો એણે " રૂપિયા શીના? મેં તમને જે આલ્યું, ઈ આલે સે કુદરત જ ને...આંઈ તો બે ટંક ખાવા મલે ઈ જ બસ...બાકી વધનું ભેગુ કરવાનો હુ અરથ..." એમ કહીને ના પાડી દીધી. ભોળા આદિવાસીનું નિઃસ્વાર્થ વર્તન નવીન મહેતાને સ્પર્શી ગયું. એ આદિવાસીની આંખોની ચમક અને ચહેરાના સ્મિતમાં ગજબનાં શાંતિ અને સંતોષ તેમણે જોયાં. કરોડોના આલીશાન ઘરમાં નવીન મહેતાને એવી શાંતિ કે સંતોષનો અહેસાસ ક્યારેય થયો નહોતો. જે સુખ મેળવવા શહેરોમાં માનવી દિવસ-રાત દોડ્યા કરે છે. તે સુખ આ આદિવાસીએ સહેજમાં મેળવી લીધેલું. અજાણ્યા માટે ઘરનાં દ્વાર ખોલનાર આદિવાસી સામે ફાર્મહાઉસ માટે કોર્ટનાં દ્વારે જનાર નવીન મહેતા પોતાની જાતને વામણી અનુભવી રહ્યાં હતા. નવીન મહેતાની ફોર્ચ્યુનરે તો ફરી અમદાવાદ તરફ રફ્તાર પકડી લીધી પરંતુ નવીન મહેતાનું મન એ આદિવાસીની વાતોથી એક નવી જ સ્થિરતા અને આત્મસંતોષ અનુભવી રહ્યું હતું. કોર્ટના ઉંબરે ઊભેલું તેમનું મન હવે પાછું વળી ચૂક્યું હતું.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ