વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમને ઉંમરનું બંધન નથી!

તસવીરાંકન, શબ્દાંકન- રિદ્ધિ પટેલ ©


"અરે વાહ,.,,ધેટ્સ ગ્રેટ.....તમારો પ્રેમ આખરે રંગ લાવ્યો ખરો... બસ એટલું ધ્યાન રાખજે કે,  લગ્ન પછી તમારો પ્રેમ હવામાં ઉડી ન જાય..."


35 વર્ષના ડૉ. પ્રતિભા પોતાની ચેમ્બરમાં બેઠા હતા.  કોલેજની મિત્ર સંગીતા સાથે ફોન પર વાત કરી રહ્યાં હતા. લગ્નનું આમંત્રણ આપવા સંગીતાનો ફોન આવ્યો હતો.


"લો 10 વર્ષનો અનુભવ બોલે છે કે શું?" સામા છેડેથી સંગીતાએ રમૂજ કરીને ડો. પ્રતિભા એક ક્ષણ મૌન બની ગયા.


સંગીતાના શબ્દોએ જાણે ડૉ. પ્રતિભાના હ્રદય પર સીધો ઘા કર્યો હોય એમ એ થોડા  ઘવાયા.  ડૂમો ભરાઈ આવ્યો. તેમનાથી આગળ વધારે બોલાયું નહીં. સંગીતાને અભિનંદન આપીને વાત ઝડપથી પતાવી દીધી. સ્કીન સ્પેશિયાલીસ્ટ તરીકે જાણીતા ડૉ. પ્રતિભા ઠાકરે 10 વર્ષ પહેલા તેમની જ કોલેજમાં ભણતા અશ્વિન ઠાકર સાથે લગ્ન કર્યા હતા. શરૂઆતનું લગ્નજીવન ખૂબ જ સુંદર રહ્યું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી લગ્નજીવનમાંથી પ્રેમ ઉડી ગયો હોય તેમ તેમને લાગ્યા કરતું. તેમના સંબંધમાંથી ચેતન ચાલ્યું ગયું હતું , એમાં સાવ નિરસતા આવી ગઈ હતી. થોડીવાર માટે ડૉ. પ્રતિભા તેમના કોલેજકાળમાં ખોવાઈ ગયા. ક્યારેક તે સમય યાદ કરીને પ્રેમની અનુભૂતિ કરી લેતા.


‘મેમ, પ્રશાંત દેસાઈ આવી ગયા છે...આપ કહો તો અંદર મોકલું?" ઈન્ટરકોમ પર ડૉ. પ્રતિભાની રિસેપ્શનીસ્ટે જાણ કરી.


"સેન્ડ હીમ ઈન." ડૉ. પ્રતિભાએ ચહેરા પર ઉભરી આવેલી  વેદના પર કૃત્રિમ હાસ્યની ક્રિમ લગાડી દીધી. એટલામાં પ્રશાંત દેસાઈ અંદર પ્રવેશ્યા.


"કેમ છો? પ્રતિભાબહેન..."


"બસ એકદમ ફાઈન, શું પ્રોબ્લેમ છે આપને?" ડૉ. પ્રતિભાએ રૂટિન વાતો શરૂ કરી.


"કોઈ પ્રોબ્લેમ નથી. બસ મારા ચહેરાની રિન્કલ ટ્રીટમેન્ટ કરાવવી છે.સાથે જ ચહેરા પર ગ્લો જોઈએ છે..."

ડૉ.પ્રતિભા એકદમ આશ્ચર્યથી જોઈ રહ્યાં. આશરે 75 વર્ષની ઉંમર, આંખે ચશ્મા, માથા પર સફેદ વાળ અને દુબળી-પાતળી કાયા ધરાવતા પ્રશાંત દેસાઈ વયોવૃદ્ધ હતા. "આ ઉંમરે રિન્કલ ટ્રીટમેન્ટની શું જરૂર?" આ પ્રશ્ન તરત જ પ્રતિભાના મનમાં થયો. પછી તરત તેણે વિચાર્યું કે, સામે બેઠેલા પ્રશાંત દેસાઈ તેના પેશન્ટ છે. તેણે સ્વાભાવિક રૂટિન જાણકારી મેળવવાનું શરૂ કર્યું. તેમને શેની શેની એલર્જી છે તે બધી માહિતી મેળવી લીધી. થોડીવાર વિચાર કરીને પ્રતિભાએ વાત શરૂ કરી.


"પ્રશાંતભાઈ રિન્કલ ટ્રીટમેન્ટ માટે તમારી ઉંમરમાં કોમ્પિકેશનના ચાન્સીસ વધારે રહે છે. મારી તો સલાહ છે કે, બહુ જરૂરી ન હોય તો ન કરાવો તો સારું...’


ડૉ. પ્રતિભાએ સારા શબ્દોમાં સમજાવવાનો પ્રયાસ કર્યો પણ પ્રશાંતભાઈએ તો સહેજ પણ વિચાર્યા વિના કહી જ દીધું, "જરૂરી તો છે જ પ્રતિભાબેન. મારા જીવનમાં જેટલો મારો શ્વાસ જરૂરી છે તેટલું જ." પ્રતિભાને આશ્ચર્ય થયું. આ ઉંમરે આ દાદાને આવી જીદ કેમ હશે? કારણ જાણ્યા વિના તે ન રહી શકી.


"દિકરીના લગ્ન છે કે પૌત્રીના..? "


" કોઈના લગ્ન નથી છતાંય મારા જીવનનો સૌથી મહત્વનો પ્રસંગ છે ડૉક્ટર.  15 દિવસ પછી મારે ડેટ પર જવાનું છે. ફિલ્મ, ડિનર એન્ડ લોંગ ડ્રાઈવ...મારી ડેટ પર હું એકદમ તરોતાજા અને હેન્ડસમ દેખાવા માગુ છું. વર્ષો પછી મારુ સપનું પૂરૂ થવા જઈ રહ્યું છે."


પ્રતિભા અવાક્ થઈ ગઈ. આંખોમાં આશ્ચર્યના ભાવથી સામે બેઠેલા પ્રશાંતભાઇ સામે જોઇ રહી. એક વયોવૃદ્ધ તેની સામે ડેટ પર જવાની વાત કરી રહ્યાં હતા. પ્રશાંતભાઈના ચહેરાનો આનંદ જોઈને પ્રતિભા અંદરથી બળીને ખાખ થઈ ગઈ. વર્ષોથી તે પોતાના ચહેરા પર આવો જ આનંદ જોવા તરસી રહી હતી.  ચહેરા પર તેના મનની બધી લાગણીઓ ખુલ્લી થઈ ગઈ. તેને લાગ્યું કે, "આ ઉંમરે પણ પ્રેમમાં આટલી ઉત્કટતા, તત્પરતા હોય ખરી?’ પ્રશાંતભાઈ પ્રતિભાના મનોભાવને સમજી ગયા. તેને વિચારતા જોઈને પ્રશાંતભાઈએ મનના પૃષ્ઠો ઉઘાડ્યાં:


"આજથી 50 વર્ષ પહેલા મેં અને મારી શાલુ...આઈમીન શાલિનીએ ભાગીને લગ્ન કર્યાં હતા. પરિવારની સહમતિ નહોતી એટલે અને ભાગીને લગ્ન કરવા સિવાય કોઈ ઉપાય નહોતો. અમને કોઈ શોધી ન શકે એટલે વિદેશમાં ચાલ્યા ગયા હતા. મૂડી હતી નહીં. પહેલા ઘરને પછી બાળકોની જવાબદારીમાં 50 વર્ષ કયાં વીતી ગયા એની ખબર જ ન પડી. જ્યારે પ્રેમ કર્યો હતો ત્યારે કોઈ જોઈ જશેના ડરથી અમે ક્યારેય રોમેન્ટિક પળો વિતાવી જ નહોતી. સાથે મૂવી જોવાના, ડિનર પર જવાના સપના અધૂરા જ રહી ગયા હતા. થોડાં દિવસ પહેલા જ હું રિટાયર થયો. અમે નિરાંતે વાતો કરી રહ્યાં હતા મારી પત્નીએ મને એ સપના ફરી યાદ કરાવ્યા. બસ એ જ સમયે અમે નક્કી કર્યું કે, એ બધા જ સપના પૂરા કરીશું. મને ખબર છે કે, તમને થતું હશે કે, આ ઉંમરે આવા વેવલાવેડા શું કરવાના..? પરંતુ કોઈના માટે તૈયાર થવાનું, કોઈના માટે રાહ જોવાની કે પછી એને કોઈ સરપ્રાઈઝ આપવા જેવી નાની-નાની વાતોથી જ સંબંધોનો રસ જળવાઈ રહે છે. નાના નાના પ્રેમ  બિંદુ જ સંબંધને પલ્લવિત રાખતો હોય છે. એ સમયે માણસ જે તત્પરતા, જે ઉત્કટતા અનુભવે છે એમાં જ એનો પ્રેમ જીવંત બની રહેતો હોય છે."


ડૉ. પ્રતિભાએ જોયું કે,  પ્રશાંતભાઈનો ચહેરો આટલી અમથી વાતથી જ કાંતિવાન બની ગયો હતો. ચહેરાની કરચલીઓ આપોઆપ જ એ પ્રેમતેજમાં વિલીન થઈ ગઈ હતી. એમના એ ચહેરાના ભાવોએ જાણે પ્રતિભાને ભીતરમાં હળવો ધક્કો માર્યો.  અંદર ધરબાઇ રહેલો પ્રેમ જીવંત થવા લાગ્યો. ભીની આંખોમાં અશ્વિનનો ચહેરો તરવરવા લાગ્યો. બસ હવે એક સ્પર્શની જરૂર હતી.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ