વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શા માટે ?

વાલીઓને સળગતો પ્રશ્ન છે કે- આજકાલ સંતાનોને ખૂબ જ સગવડ આપીએ છીએ છતાં ઓછી સફળતા મળે છે, કારણ ? આ પ્રશ્નનો જવાબ આ લેખની લીટીઓ વચ્ચેની જગ્યામાંથી મળી શકે.( ભાગ - ૨ના પ્રશ્નનો જવાબ ક્ષણ માત્રમાં સ્ફૂયો હતો.)


ઇ. સ.૧૯૭૭માં ધોરણ ૧૦માં માત્ર ત્રણ માર્ક્સ માટે ફસ્ટૅ  ક્લાસ ન મળ્યો તેથી મનને સમજાવ્યું હતું કે - આ આખરી જંગ નથી .હવે ગમે તેવા અવરોધોનો સામનો કરી ડોક્ટર બનવાનું સપનું પૂર્ણ કરીશ.આજથી ચાર દાયકા પહેલા ૧૦૦ માંથી ૨૦ વિદ્યાર્થી ભણતા.(આજે ઉલટું છે) તેથી સ્કૂલ - કોલેજ અને વાહન વ્યવહાર તથા રહેવા-જમવાની સગવડ ખૂબ જ ઓછી હતી.( આજે આ બાબતે અજબ ગજબનો અનુભવ છે. એક સંતાનને ભણાવવામાં અને તેના લગ્નમાં સંપૂર્ણ બચત સ્વાહા થઇ જાય છે.) ધોરણ ૧૧-૧૨ સાયન્સ - કોમર્સ માં વિદ્યાર્થી માંડ - માંડ મળતા તેથી માંડવીની શ્રી ખીમજી રામદાસ કન્યા વિદ્યાલયમાં મને સરળતાથી પ્રવેશ મળી ગયો .વલ્લભ વિદ્યાનગરમાં ધોરણ ૧૧-૧૨ સાયન્સ માટે ગઢશીશા હાઈસ્કૂલમાંથી કોઈ તૈયાર ન થયું કારણ કે  તે સમયે  વધુ અભ્યાસ ભાગ્યે જ કોઈ કરતાં અને કોઈક જ સાયન્સ લાઇન પસંદ કરતા.


માંડવીમાં ટાગોર રંગભવન પાસે આવેલ લોહાણા બોર્ડિંગમાં ધોરણ આઠ થી કોલેજ સુધીના તમામ જ્ઞાતિના ભાઈઓને પ્રવેશ મળતો. સરહદી તાલુકા વાળા ત્યાં આવતા બાકીના ભુજ ગોઠવાતા.તે સમયની હદ બહારની તકલીફો યાદ કરતા રૂંવાડા ઉભા થઈ જાય છે. ધોરણ ૧૧-૧૨ના વિદ્યાર્થીઓ માટે મોટો હોલ કે જેમાં ૩૦ વિદ્યાર્થી રહેતા, જો કે લાકડાના ૩/૪ ભાગથી બે ભાગ પાડેલા તેથી એકમાં ૧૫ વિદ્યાર્થી પણ ઘોંઘાટ... ઘોંઘાટ... તેથી વાંચવા માટે રાત્રે પાસેના બગીચામાં જતા તો ત્યાં  અમુક દારૂડિયા નશામાં રહેતા. રોડ લાઇટ નીચે  વાંચીને તો ' નાઇટ વોકીગ કરનાર શહેરની આધુનિક છોકરીઓ'   કહેતી..."જુઓ, સરદાર વલ્લભભાઈની જેમ વાંચે છે" કેટલી વાર સાંભળ્વું.


રૂમમાં અવાજ અને ગ્રાઉન્ડમાં મચ્છરનો અવાજ અને ડંખ. બોર્ડિંગના છ માંથી બે લેટ્રીન  સદા ભરેલા રહેતા, બાકીના ચાર માટે  ૬૦ વિદ્યાર્થીની લાઈન. અરે!સામૂહિક સ્નાન  અને સામુહિક ભોજન તે પણ નિશ્ચિત સમયે જ કરવું પડતું. ભોજન પણ  લાકડાની લાંબી પાટલી પર બેસીને કરવાનું અને તેમાં  શાક,ગોળ ભાત, દાળ વગેરે લિમિટેડ... જ્યારે  જાડી રોટલી અને પાણી ગમે તેટલા લેવાય... તેમાં મર્યાદા ન હતી ! રાતની વધેલી વાસી રોટલી સવારે એક  મોટી વાટકી દૂધ સાથે મળે તેને લોટરી લાગી તેમ સૌ માનતા. ખબર નહી બે વર્ષ કેમ પસાર થઈ ગયા તે હજી સમજાતું નથી. બોર્ડિંગથી સ્કૂલનું  બે કિ.મી. અંતર હતું તેથી પગે ચાલીને  કયારેક થાકી પણ જતો.  ઠંડી અને વરસાદમાં વધારે તકલીફ રહેતી.બોર્ડિંગમાં સૌ મધ્યમ વર્ગના અને સ્કૂલમાં સૈા સ્થાનિકના તેથી પ્રાઈવેટ રૂમનો વિચાર પણ ન આવે.સવારની સ્કૂલ તેથી બપોરે જમીને ફરી દોઢ કિલોમીટર ચાલીને શહેરના મુખ્ય પુસ્તકાલયના રૂમમાં કે સંબંધીને ત્યાં વાંચવા જતો.


દર બુધવારે સાંજે પાડોશમાં રહેતા પોલીસકર્મી સાથે મનગમતો નાસ્તો ઘેરથી આવી જતો, તે કોઈને ખબર ન પડે તેમ સંતાડી રાખતો કારણ કે ૧૫ વિદ્યાર્થી વચ્ચે ૧૫ ખાના વાળું સામૂહિક કબાટ હતું ,તેમાં અંગત ખાનામાં પુસ્તકો -થાળી - વાટકા -  ગ્લાસ વગેરે રાખતો, વધારાનો સામાન લોખંડની મોટી પેટીમાં રાખતો .રાત્રે જમીન પર બોર્ડિંગ માંથી મળેલાં જૂના ગાદલાંમાં સૂવું અને વહેલા ઉઠવું. એક મહિનામાં મને ખસ scabies ની બીમારી થઈ ગઈ.( બોર્ડિંગ છોડ્યા બાદ સમયાંતરે ટ્રસ્ટી મંડળ બદલાતા ધીરે ધીરે સગવડતાઓ વધી છે તેવા સમાચાર છે)


તકલીફોમાં તકલીફ... ધોરણ ૧૨ સાયન્સનું છેલ્લું પેપર પૂરું થયું ને ઘેર આવ્યો તે રાત્રે જ દાદીમાનું મૃત્યુ થયું.( ધોરણ ૮ ની  પૂરક પરીક્ષા હતી તેના આગલા દિવસે જ તા.૧૨-૧૨- ૧૯૭૪ના પિતાજીનું મૃત્યુ થયેલ છતાં પરીક્ષા આપી કેમકે તેઓશ્રીની ઈચ્છા હતી કે ડોક્ટરની પાંચમી પેઢીમાં મારું નામ આવે.) મનોબળ મજબૂત તેથી સ્મશાનમાં હાજર રહેલો.


ધોરણ ૧૧ થી કોલેજના છેલ્લા વર્ષ સુધી એવું મનોબળ કે - દુનિયા ગમે તે કહે ...જ્યાં સુધી હું ન કમાઉ ત્યાં સુધી એક પણ  પૈસો  વેડફિશ નહીં. અતિ કરકસર (જાણે લોભ) માં ભણ્યો. મારા કરતાં પણ વધારે તકલીફોમાં પસાર થયેલાની યાદી લાં...બી છે.🌹 જેણે જેણે  જ્યારે જ્યારે સગવડો આપી તેમને ભૂલવા જોઈએ નહીં અને તેમની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવી જોઈએ.🌹


ધોરણ ૧૨ સાયન્સમાં ફરી ઓછા ટકા આવ્યા તેથી M.B.B.S. નહી થવાય એ રીતે મનોબળ ભાંગી ગયું અને ખૂબ જ બીમાર થયો તે દિવસોમાં વાંચનની ભૂખ સંતોષવા માટે પુસ્તકોની થપ્પી કાઢી તેમાં "શ્રીમદ્ ભગવદ્  ગીતા"ગ્રંથ જોયો ને વાંચ્યો .ખૂબ જ  હિંમત આવી ગઈ તેથી દરરોજ બે અધ્યાયનો પાઠ કરતો એક અધ્યાય સ્વ કલ્યાણ  અર્થે અને એક પિતૃના કલ્યાણાર્થે , હું નિસ્તેજ થઈ ગયો હતો.ગીતા પઠન થી તેજસ્વીતા વધવા લાગી, જાણે નવું જીવન મળ્યું.


            ભાગ-૨ સમય કી ધારા મેં...

જામનગરની આયુર્વેદ કોલેજ માં  વેઇટીંગમાં ત્રીજો નંબર આવેલ તેથી એડમિશન પત્રની રાહ જોતો હતો ત્યાં આદિપુરની તોલાણી ફાર્મસી કોલેજ અને ભાવનગરની સરકારી આયુર્વેદ કોલેજના એડમિશન પત્રો એકસાથે પોસ્ટમાં આવ્યા. ભાવનગરમાં ભાવસિંહજી પોલિટેકનિક કોલેજ અને આયુર્વેદ કોલેજ હોવાથી સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ આવતા તેથી શ્રી લોહાણા વિદ્યાર્થી ભવનમાં ખૂબ જ ધસારો રહેતો છતાં મને એડમીશન મળી ગયું  તે પ્રભુ કૃપા સમજુ છું.ત્યાં પણ વિદ્યાર્થીઓની સંખ્યા ૬૦ રહેતી પણ એક રૂમમાં ૩ થી ૪ વિદ્યાર્થીઓ ,અતિ સ્વાદિષ્ટ - સુંદર ભોજન, નિયમિત પ્રાર્થના,વ્યસન વગરના વિદ્યાર્થીઓ. ભણવામાં ખુબ મજા આવી ગઈ.


ભોજન પહેલા અને પછી અમે આઠ -  દસ મિત્રો અચૂક મળીએ અને સરસ ચર્ચા - સત્સંગ કરતા. મારી જેમ બાર-પંદર મિત્રો મારી સલાહ અને વિનંતીથી "શ્રીમદ્ ભગવદ્ ગીતા"નું નિયમિત વાંચન કરતા.

એક વાર દીપક ભૂપતાણી એ પ્રશ્ન પૂછ્યો કે - ગીતાજીના સંસ્કૃત શ્લોકમાં જરાય ખબર પડતી નથી તો માત્ર ગુજરાતીમાં ભાષાંતર વાંચીને તે સમજીએ તો ન ચાલે ? "શ્રીમદ્  ભગવદ્ ગીતા "એ પ્રભુની વાણી છે તેમાં તમામ પ્રશ્નોનું સમાધાન છે. જીવનમાં જ્યારે પણ મુંઝવણ થાય  ત્યારે  પ્રેમથી ગીતા માતાના ખોળામાં જવું અને શાંતિથી જે તે પાનું ખોલશો તો ત્યાં જવાબ મળી જશે. મારી માતા મારી ફજેતી થોડી થવા દે ?મને તરત જવાબ  સ્ફૂર્યો  - આપણે અને આપણા વડીલો  નાના બાળકની કાલીઘેલી ભાષા માં બાળકના  હાવભાવ મુજબ નકલ  કરીએ છીએ અને પોતે ખુશ થઈને સૌને ખુશ કરીએ છીએ. ગીતાજીમાંના શ્લોકો એ પ્રભુ ની ભાષા છે. તે પ્રેમથી બોલવા જોઈએ. પ્રભુની વાણીના ઉચ્ચાર સાથે ભાષાંતર વાંચવું અને સમજવું એ પ્રકારે પઠન નો  અદભુત આનંદ અનુભવાય  છે.


Dr.Bipin Chothani


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ