વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મૌન પ્રાર્થના

સમર્થ સ્વામી રામદાસ મૌન રહીને પ્રાર્થના કરતા, આ હૃદયસ્પર્શી વાત ઘણા વર્ષે વાંચવા મળી. ખૂબ જ ગમતી તે ઘટના અવશ્ય જણાવીશ તે પહેલા મારો અનુભવ જણાવું છું. પ્રાર્થનામાં શબ્દો ઘટે તે પ્રગતી કહેવાય તેમ માનું છું.


આજથી ચાલીશ વર્ષ પહેલા ભાવનગરના લોહાણા વિદ્યાર્થી ભવનમાં રહીને અભ્યાસ કરતો, ત્યાં રાત્રે ૮.૩૦ વાગ્યે સમૂહમાં નિયમિત પ્રાર્થના થતી. સાંજના ભોજન પછી હું શ્રી તખ્તેશ્વર મહાદેવના દર્શને  કે કોઈ સત્સંગમાં જતો, ક્યારેક બજારમાં ખરીદી કરવા કે ફરવા જતો, પણ તે દિવસે ક્યાંય જવાની ઇચ્છા ન થઈ. ચાલને, પેલા રૂમમાં  જાઉં... તે રૂમમાં રહેનાર અમદાવાદના શ્રી મહેશ ઠક્કર ત્યારે મારા મિત્ર હતા અને આજે પણ છે. તે વારંવાર માથું નમાવીને પ્રભુને પ્રાર્થના કરતા હતા. પંદર  મિનિટમાં વીસ - પચીસ વાર  માથું  નમાવ્યું. મારે સમય પસાર કરવાનો હતો, વળી કોઇને પ્રાર્થના દરમિયાન પરેશાન થોડા કરાય ? હોટલાઇન હોય છે પ્રભુ સાથે...


થોડીવાર પછી મેં તેમને પૂછ્યું, "વારંવાર માથું નમાવીને શી પ્રાર્થના કરતા હતા?" તે પણ મારી જેટલી વીસ વર્ષની ઉંમરના હતા. તે ઉંમરમાં નિર્દોષતાની શક્યતા વધારે હોય છે. તે બોલ્યા," હે પ્રભુ ! મને હોશીયાર બનાવજો. સંસ્કારી બનાવજો. તંદુરસ્ત બનાવજો. માતા-પિતાની સદા સેવા કરું. હું કુટુંબ કલ્યાણનું કામ કરું..." તે સાત-આઠ આજીજી સાંભળી મને થોડું હસવું આવ્યું તેથી તે બોલ્યા,"તમે શું પ્રાર્થના કરો છો ? મેં કહ્યું," પહેલા તમારા લિસ્ટની બાકીની આજીજી જણાવો.છેલ્લે મારી પ્રાર્થનાની વિગત કહીશ." ફરીથી શુભ પ્રાર્થનાની આજીજી જણાવી. હવે મને ખાત્રી થઇ હતી કે દરેક આજીજી સાથે તેઓ માથું નમાવતા હતા. મેં કહ્યું," હું તો માત્ર એક લીટીમાં પ્રાર્થના કરું છું કે- હે પ્રભુ ! મને તમારા જેવો બનાવજો." બંને ખૂબ જ હસી પડ્યા.


અમુક વર્ષે મને એવું લાગ્યું કે- 'હે પ્રભુ !આપને ગમે તેવું મારું જીવન હોય' કારણ કે આપણે મન ફાવે તેમ જીવતા હોઈએ છીએ.


સમર્થ સ્વામી રામદાસ પ્રાર્થના વખતે મૌન રહેતા, હોઠ બિલકુલ ન ફફડે... જાણે  નિ:શબ્દ.  તેમના શિષ્ય પૂછતા કે," ગુરુદેવ ! આનું રહસ્ય જણાવો." ગુરુદેવ શિષ્યને દષ્ટાંત આપતા  બોલ્યા કે "કોઈ રાજા પાસે ઘણા લોકો કોઈને કોઈ અપેક્ષાએ આવતા અને પરોપકારી રાજા તેમની માંગણી સંતોષવા છૂટા હાથે હીરા -માણેક - ધન - દોલત વાપરતા. એકવાર કોઈ કંગાળ ભિક્ષુક રાજા સામે આવીને ઊભો રહ્યો તેનું શરીર કૃશ હતું જાણે હાડપિંજર !!! કેમ જીવી રહ્યો છે તે મોટો પ્રશ્ન... રાજાએ પૂછ્યું," તારી  શી ઈચ્છા છે?" પેલો ભિક્ષુક મૌન રહ્યો. આ દશ્ય હું દૂરથી જોઈ રહ્યો હતો અને મને બોધ મળી ગયો.


રાજા સમજી ગયો કે તેને વારંવાર પૂછવું તે તેનું અપમાન ગણાય કારણ કે તેની જરૂરિયાત મને તેની સ્થિતિ પરથી સમજાય છે, તેથી રાજાએ તમામ પ્રકારની મદદની ખાત્રી  આપી.


પરમાત્મા મહારાજા છે, મહા સમજદાર છે અને

મહા સમર્થ છે. હું માત્ર મૌન રહીને તે પરમ કૃપાળુ    પરમાત્માના મનોમન દર્શન કરું છું. મને પજવતી

તમામ પરેશાનીની તેને ખબર છે તેથી નિ:શબ્દ રહું છું."


ગુરુદેવનો સત્સંગ સાંભળી શિષ્યો ખુશ થઈ ગયા.


Dr.Bipin Chothani

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ