વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માય વૅલેન્ટાઇન માય ફેરી

એક ખુલ્લો પ્રેમપત્ર

મારી વહાલી લાડકી,

"એય... હું તને કહું છું.... ગુડીયારાની!

આજે વૅલેન્ટાઇન ડે છે...તને થશે એ વળી શું !! મારી વહાલી....આ દિવસે સૌ પોતપોતાની વહાલી વ્યક્તિ સમક્ષ પોતાનાં હૃદયની લાગણીઓ અભિવ્યક્ત કરે છે.

તને ખબર છે... મેં સૌથી પહેલો પ્રેમપત્ર ૨૫ ડીસેમ્બર,૧૯૮૫ના દિવસે તારા દાદુને લખ્યો હતો...અને ૩૫ વર્ષ,૧ મહિનો, ૨૦ દિવસ પછી આજે ફરીથી હું પ્રેમપત્ર લખી રહું છું મારી લાડકવાયી પૌત્રીને...તને...!!

જ્યારે અમે અમારી આ સુંદર દુનિયામાં નાનું બાળ આવે એની પ્રતીક્ષા કરતાં હતાં, ત્યારે બહુ જ જલદી કોઈ પાવન પગલે અમારા સંસારને ઊજળો કરવા, અમારા ઘરને ખુશીઓથી ભરી દેવા આવી રહ્યું છે... તેવા મધુરા સમાચાર તારી માતાએ આપ્યાં. બસ, એ સાંભળીને મેં તો મનોમન પ્રાર્થના કરી કે હું મારી વહાલસોયી પૌત્રીની દાદી બનું...!

ગુડીયારાની... ઘરમાં લાપસીના આંધણ મૂકાયાં, વગર દીવડે ઘરમાં દિવાળીની ઉજવણી થઈ.

તારા દાદુ તો મરક મરક મલકાય...,

અને તારી દાદીની આંખમાં તારા આગમનનો ઇન્તજાર છલકાય!

તારી માતાપિતાના હૈયે હરખ નવ સમાય...!

જ્યારથી તારી માતાના ઉદરમાં તારા અંશનું ફલિનીકરણ થયું ત્યારથી હું તારી માતાનું જીવની જેમ જતન કરતી હતી. ગર્ભમાં તારો પૂર્ણપણે વિકાસ થાય તે માટે તારી માતા પૌષ્ટિક ખોરાક, મેડિકલ ચેકઅપ, મેડિસિન સમયસર લેતી હતી. યોગ, ધ્યાન, પ્રાણાયામ પણ નિયમિત બની ગયા હતા દિનચર્યામાં.

તારી માતા મારી વહાલસોયી દીકરી...
અને તું એની પ્યારી ઢીંગલી એટલે મારે તો બંનેનું ધ્યાન રાખવું પડે ને...!

આધ્યાત્મિક ક્ષેત્રે તારી ભાવના પ્રબળ બને અને તારામાં સંસ્કારોનું સિંચન થાય તે માટે હું તારી માતાનાં ઉદરને સ્પર્શ કરીને નિયમિત મંગલમૈત્રી, ગાયત્રીમંત્રનું પઠન કરતી હતી. તારા અસ્તિત્વને મહેસૂસ કરતી હતી.

માણસનું જીવન ત્રણ તબક્કામાંથી પસાર થાય છે...બચપણ, જવાની અને બુઢાપો...

જ્યારે માણસ બુઢ્ઢો થઈ જાય ત્યારે એની અંદરનું એ બાળપણ(બાળક) ફરી જાગૃત થાય છે...એમ તારી દાદી પણ એક બાળકની જેમ કોઈ મારી સાથે રમવા આવશે એની રાહમાં નિતનવું શીખી છું. તારી સાથે રમવા...અને મારી આ જિંદગીના એક ઔર ખૂબસૂરત પડાવને માણવા મેં નિતનવાં હાલરડાં, બાળગીતો, બાળવાર્તાઓ અને પરીકથાઓ શીખ્યા છે.

હૉસ્પિટલમાં ૧૪ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ જ્યારે તારું આ ધરા પર અવતરણ થયું, ત્યારે સૌથી પહેલાં તું તારી માતાની છાતી પર એક વેલ જેમ વૃક્ષને વીંટળાઈ જાય એમ એને ચીપકીને સૂતી હતી...એ તારો પહેલો સ્પર્શ હતો...અને બીજો સ્પર્શ તે મને કર્યો...જ્યારે તને મેં મારી ગોદમાં લીધી ત્યારે હું તારી સાથે બાળક બની કાલી કાલી ભાષામાં વાતો કરવા લાગી...

ગુડ્ડી...હું તારી દાદી છું...મારી લાડકી... મારી પ્રિન્સેસ.....અને તું જાણે મારો અવાજ ઓળખી ગઈ હોય એમ તારા કોમળ હૃદયમાંથી 'હં.....' કરીને તે હોંકારો આપ્યો ત્યારે હૉસ્પિટલમાં હાજર તારા દાદુ, તારા પપ્પા, તારા નાના-નાની, તારા મામા સહુ કોઈની આંખો અને મોં ખુલ્લાં રહી ગયાં... કે દાદીને એની પૌત્રીએ એની ભાષા સમજીને કેવો વળતો મીઠો જવાબ આપ્યો...!

ખરેખર...એ અકલ્પનીય અને સુંદર પળ હતી. એ મારી જિંદગીનો સૌથી યાદગાર અનુભવ હતો.

તારા આગમનથી મારી એક નવી દુનિયા વસી ગઈ છે... જેમાં મોજમજા, મસ્તી, લાડ-પ્યાર, કિલ્લોલ કરતો આનંદ, નખરાં કરતો પ્યાર, વિતરાગભર્યો પ્રેમ, સુખ અને શાંતિ વસે છે...!

મારી દિલોજાનના આગમને જાણે મારી જિંદગીમાં ખીલવી વસંત સોળે કળાએ...!

મારી લાડકવાયી, તું હવેથી મારા જીવનબાગમાં ખીલેલું એક નવું પુષ્પ છો. તારા ખીલવાથી જાણે કે મારા બાગમાં વસંતનું પુનરાગમન થયું છે.

તું એક નાની અને નાજુક કળી બનીને મહેકી રહી છો મુજ ઉપવનમાં... તારું હોવું એ મારો નવો અવતાર છે. હવે ફરીથી તારા દ્વારા હું મારું જીવન જીવીશ.

આવી નામકરણ કરવાની ઘડી...ઘણાંય નામ વિચાર્યા તારા માટે પણ નામ એવું રાખવું હતું કે જેનો અર્થ હોય અર્થસભર! આખરે 'શુદ્ધિ' નામ પર ઘરમાં બધાનો થયો એકમત.

એય...લાડકી...શુદ્ધિ એટલે પ્યોરીટી(શુદ્ધતા)

ઓળખ મળી મારી લાડલીને,
થયું નામકરણ, નામ મળ્યું શુદ્ધિ..!
શ્રેષ્ઠ સુખનું સરનામું મારી વહાલી,
લઈને આવી અઢળક સુખ સમૃદ્ધિ..!

સર્વ સુખનો સાર છે, શુદ્ધિ
અનેરો આનંદ અમારી શુદ્ધિ
લાગણીની લહેરકી, શુદ્ધિ
અનમોલ રતન અમારી શુદ્ધિ...

માનવનું પ્યારું પ્રતિબિંબ શુદ્ધિ
ફોરમના વહાલનું સર્વસ્વ શુદ્ધિ
દાદાદાદીનું મજાનું દર્પણ શુદ્ધિ
કુકડિયા કુળની લક્ષ્મી શુદ્ધિ...

હજી તો તું ઘોડિયામાં હીંચકે છે. તને હીંચકાવતા મારું અંતર કંઈ કંઈ હાલરડાના શબ્દો રચે છે. મારા મીઠા કંઠમાંથી વાત્સલ્યથી ઉભરાતા હાલરડાના ગુંજતા ધ્વનિમાં તારી આંખો ધીરે ધીરે મીંચાય જાય છે.

તને ઊંઘતી જોઉં છું...ત્યારે ધરતીના પડને માથું મારીને ઊગી નીકળવા આતુર કોઈ અંકુર મને યાદ આવી જાય છે. હું તારા કોમળ ગાલ પર વહાલભરી એક પપ્પી ભરું ત્યારે મારા વાત્સલ્યનો દરિયો ઘૂઘવાટ કરવા લાગે છે.

હવે તો તું તારી આ પ્યારી અને ઘેલી દાદીને ઓળખવા લાગી છો. ધીરે ધીરે પેલા અંકુરની જેમ તું પલ્લવિત થઈશ...

તારું મને જોઈને હસી પડવું. મારો અવાજ સાંભળીને મારી તરફ જોઈને મને વળગી પડવા હાથ લાંબા કરવા...અને હું તને તેડી લઉં ત્યારે તારી નાજુક આંગળીઓથી મારા ચહેરા પર વહાલનો વરસાદ વહાવવો.. મારી લાડકી..પળેપળ તું મારા દિલમાં ધડકતા દિલની ધડકનની જેમ મારા સમગ્ર ચિત્તતંત્રમાં વ્યાપી રહી છો.

તું થોડા દિવસ પછી ચાલવા શીખીશ.. હા, પહેલા તો ભાખડભરીયા..પછી પા પા પગલી..તારી પહેલી ડગલી તું મારી આંગળી પકડીને ભરીશ...એ પહેલાં તો તું કાલીઘેલી ભાષામાં બોલતા શીખીશ.. તું જ્યારે પહેલીવાર દાદી કહીને મને બોલાવીશ, ત્યારે એ ક્ષણ મારા માટે કેવી આહ્લાદક હશે...! મારા કર્ણપટલ એ શબ્દ સાંભળવા આતુર બની રહ્યા છે.

તારી કાલી કાલી ભાષા સાંભળીને હું ભાવવિભોર બની જઈશ. તારી કાલીઘેલી વાણીથી ઘર ઘૂઘરો થઈને ગુંજશે.

મારી પ્યારી ઢીંગલીને હું સુંદર, મસ્ત મજાનું ફ્રોક પહેરાવીશ...તારા વાળની ચોટી લઈને રિબનનું ફુમકું તારા વાળમાં બનાવીશ. બાગમાં લપસણી અને હીંચકા ખાવા તને લઈ જઈશ.

આમ, તું ધીરે ધીરે મોટી થઈશ અને હું એક નવી જિંદગી તારી અંદર જીવીશ.
મારા અધૂરા અરમાન હું તારા વતી પૂરાં કરીશ.

ઓ મારી વહાલી સોનપરી...તારો ફોટોશૂટ પણ કરાવ્યું છે.

ઓ મારી નન્હી પરી...તું બહુ ઝડપથી મોટી ના થતી. હું તારા બાળપણને મન ભરીને ખીલવવા માંગુ છું. તું મારી અંદર ધબકતા દિલની ધડકન છો. મારો નવો અવતાર છો. હું તને ખૂબ ખૂબ ખૂબ ચાહું છું. હું તને બેહદ પ્યાર કરું છું.

તારી પર પડતા તડકાને હું વૃક્ષની ડાળી બનીને ખાળી લઈશ. હું ઊનની સુંવાળી ગોદડી બનીને તને ક્યારેય ટાઢમાં ઠરવા નહીં દઉં... અને રંગબેરંગી છત્રી બનીને તને પલાળવા માંગતા વરસાદને પણ હું મારી ઉપર ઝીલી લઈશ.

તું જ્યારે બાલમંદિરમાં ભણવા જઈશ એ પહેલા તો હું તને કંઈ કેટલુંય ભણાવી દઈશ.. તારા નાનકડા હાથમાં પેન પકડાવીને જીવનનો પહેલો એકડો પણ ઓ મારી વહાલી પરી હું જ તને ઘૂંટાવીશ.

બસ, એમ જ તું જીવનના પાઠ ભણતી જશે. પ્રગતિના સોપાન સર કરતી જશે. કારકિર્દીની ઇમારત ચણતી જશે...
અને એ ઇમારતની એક એક ઈંટ હું મારા હાથથી રાખીશ.

ઓ..મારી વહાલી વહાલી નાજુક કલી...,
તારા જીવનના આ પ્રથમ વૅલેન્ટાઇનના દિવસે તું બે મહિનાની થઈ, ત્યારે તારી દાદીના દિલમાંથી ઉઠેલાં પ્રેમના વારિથી ભીંજાયેલો પત્ર તને પાઠવું છું...તારા આગમન પૂર્વેથી બાલ્યાવસ્થાની બાળમય લાગણી ભીંજવતો આ પ્રેમપત્ર છે.

ઓ મારી રાજદુલારી, મોહનિદ્રા સમી મુગ્ધાવસ્થામાં જ્યારે તારી ઊર્મિઓનું વહાણ વિહરતું હશે, ત્યારે હું દીવાદાંડી બની યોગ્ય દિશા બતાવતો બીજો પ્રેમપત્ર લખીશ.

શુદ્ધિ, જ્યારે તારું યૌવન છલકતું હશે એ યુવાવસ્થાએ તારી સખી બનીને મૈત્રીભાવ પ્રગટ કરતો ત્રીજો પ્રેમપત્ર લખીશ."

લિ. મારી લાડકવાયીની પ્યારી દાદી...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ