વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ પત્ર - ગમતાંનો કરીએ ગુલાલ!

વ્હાલા મમ્મી ( સાસુ ),

 


                 સાચું કહું છું મમ્મી, આ bracketમાં લખીને  ફોડ પડયોને તે બિલકુલ રુચ્યું નથી... હા..હા.. મમ્મીના સંબોધન સાથેજ મેં હંમેશા સામી વ્યક્તિ પાસેથી એવીજ આશા રાખી છે કે હું કઈ મમ્મીની વાત કરું છું, એ તે વ્યક્તિ સમજી જ જશે. Anyways, કહેવાય છે કે સ્ત્રીનો જન્મ ત્રણ વાર થાય છે.પહેલો પિતાના ઘરે, બીજો પરણીને સાસરે આવે ત્યારે પતિગૃહે અને ત્રીજીવાર એ માં બને છે ત્યારે. તમને તો ખબર જ છે કે મારા બીજા જન્મને પણ એકવીસ વર્ષ વીતી ચુક્યા છે.આપણો સબંધ પણ એ સાથે કેટલો પરિપક્વ થઇ ગયો છે!!.આ વર્ષો દરમ્યાન તમારા વરસતા વ્હાલના ઘણા કિસ્સાઓ આજે મનને ઘેરી રહ્યાં છે. મને ખબર છે તમને પપ્પા( સસરા) અને સત્યેન (પતિ) કરતા મારું કાર ડ્રાઇવિંગ હંમેશા સલામત લાગ્યું છે. તમે આખી દુનિયા સમક્ષ મારા ડ્રાઇવિંગના એટલા બધાં વખણ કરી ચુકયા છો કે ના પૂછો વાત! દુનિયા ભલે "મેરી બેટી, મેરા અભિમાન" ના બ્યુગલ જોરશોર થી વગાડતી હોય, તમારા વર્તનમાંથી હંમેશા "મેરી બહૂ, મેરા અભિમાન" સ્પષ્ટ તરી આવ્યું છે. ઉમર થાય એમ, તમને શરીરમાં થાક ચોક્કસ વર્તાય છે, પણ તબિયત કી તો ઐસી તૈસી કરીને કદી આળસથી ખાટલામાં પડી ના રહેવું અને મને, મારી અનિચ્છા જાણવા છતાંય કોઈને કોઈ રીતે મદ્દદરૂપ થયા કરવું  તેેે મને હંમેશા સ્પર્શ્યું છે. આજ-કાલ ઘણા વડીલો કામમાં મદદ તો ના કરે, કદાચ એ બાબતનો વહુઓને વાંધોય ન હોય તે છતાં કોઈ ને કોઈ રીતે વાંધા વચકા કાઢતા અથવા અન્ય અડચણ ઉભી કરતા જોઉ ત્યારે મને થઇ આવે છેેે કે હું ખરેખર ખૂબ ભાગ્યશાળી છું. મારું સખીવૃંદ તો મને હંમેશા કહે છે જ કે મે ઊંચી જાતના ચોખાથી ( મેં બાસમતીથી અને એ બધીઓ એ કણકી થી) કુંવારીકાના વ્રત - ઉપવાસ કર્યા હશે!

              ઠાકોરજીની અવનવી વાનગીઓ બનાવવાનો તમારો શોખ તમને કદી નવરાશ વર્તાવા દેતો નથી..બીજલ, આ સામગ્રી તને ભાવી? તને ભાવી હશે તો મારા લાલા ને પણ ભાવશે..તમારી ભાવમય સૃષ્ટિના એક ભાગ હોવાનો મને આનંદ છે. વાર તહેવારે તમારો અલગ અલગ વાનગીઓ બનાવવાનો શોખ મનેય લાગી ગયો છે. ઉત્તરાયણના મહિના પહેલાથી તમને ચીકી યાદ આવી જાય. ઊંધિયું બનાવવાનો તમારો ઉત્સાહ આટલા વર્ષો દરમ્યાન એવો ને એવો જ રહ્યો છે.તમારા હાથનું ઊંધિયું ખાઈને બધાના મુખ પર સંતોષ વર્તાય, અને તમને સંતોષનો સ્વાદિષ્ટ ઓડકાર આવી જાય.કોઈ શિલ્પકાર હળવે હાથે મૂર્તિ ને કંડારે તેમ મેં મારી જાતને તમારી પાસે ઘડાતા અનુભવી છે..કોઈ વ્યવહારિક કે સામાજિક કામમાં જયારે જયારે ઘરમાં મેં મારો અભિપ્રાય વ્યક્ત કર્યો છે, ત્યારે તમે સૌથી પહેલો જ એને વધાવી લીધો છે..  

                તમારો સવારનો સમય ઠાકોરજીની સેવામાં વ્યતીત થતો હોય ને આંગણામાં પેલી વાનરસેના આવીને કૂદાકૂદ કરવા લાગે છે ને મમ્મી ત્યારે મને અને અભિષેક(પુત્ર)ને તમારો મિજાજ બહું ગેલ પમાડે છે. તમારું રસોડામાં દાખલ થવું, થાળી અને વેલણ પકડીને જોરથી વગાડવા લાગવું અને એ અવાજ સાંભળીને વાનરસેનાનું આઘા પાછા થવા લાગવું.... આ બધામાં આંગણાના ઝાડ-પાનનું તો નુકસાન થાય જ અને તમારા મનગમતા ફૂલોનું પણ..તમે થાળી વગાડતા જાવ અને બોલતા જાવ,' જાવ ભાગો અહીંથી...મારી બધી કોયલ(ફૂલનું નામ) ખાઈ જાવ છો.. ભાગો અહીંથી..કોયલના છોડને બચાવવા લાલ રંગનો જ દુપ્પટો બાંધવો એવો તમારો આગ્રહ...અને તોય પાછું ' હશે ત્યારે, એમના નસીબનું હશે તે ખાઈ ગયા...એવો દિલાસો ખુદ ને જ આપવો..મને બહું રમૂજ પમાડે છે..મંદિરે પધરાવવામાં આવતા ફૂલોમાં અને ઘરના ઠાકોરજીની માંળાજીમાં પરોવાતાં ફૂલોમાં એકેય ફૂલ ઓછું ના પડવું જોઇએને!

              તમારી દિનચર્યામાં તમે જે શિસ્તતા જાળવો છો, તેના માટે મને ખૂબ માન છે.શિયાળો હોય ઉનાળો કે ચોમાસુ, સાંજના ચાર વાગ્યાના નિયત સમયે મંદિરમાં માંળાજી બનાવવા સુંદર મજાની સાડીમાં પહોચી જવું.. (ત્યાં જઈને કદી કોઈની નિંદા કૂથલી માં ક્યારેય ભાગ ના લેવો)... શ્રીજી ના હિંડોળા શરુ થાય એટલે તમારી સાથે અમે બધાય હિંડોળામય બની જઈએ છીએ.લીલી ઘટાનો હિંડોળો હોય તો લીલી સાડી, લહેરિયાનો હોય ત્યારે લહેરિયાની સાડી, બાંધણીનો હોય ત્યારે બાંધણીની સાડી અને વળી પછી શરદપૂનમ આવે એટલે ટિપકી વળી સાડી...તમારી સુંદરતા એ દરેક સાડીમાં નિખરી ઉઠતી હોય છે મમ્મી !શ્રીજી પણ તમને જોઈને મંદ મંદ હાસ્ય વેરતા હશે! તમારો ગોપીભાવ એમનું ય મન હરી લેતો હશે! યમુના મહારાણી પ્રત્યે તમને અડગ શ્રદ્ધા કેળવાઈ તેના કિસ્સાઓ તમે કેટલીય વાર અમને સંભળાવી ચુક્યા છો. લાલા ને ઠંડી ના લાગે તે માટે સેવારૂમ માં શિયાળા માં તમને કોલસાની નાની સગડી મૂકતા જોઉં ત્યારે તમારા ભાવુક હૃદય ને મનથી વંદન થઇ જાય છે.

                 મમ્મી મને લાગે છે કે સ્ત્રી નો અવતાર મળ્યા પછી જો કોઈ સૌથી અઘરો રોલ નિભાવવાનો હોય તો તે સાસુનો છે અને તમે  તે બખૂબી નિભાવી જાણ્યો છે. તમારી પાસે થી હુ ઘણી બાબતો શીખી હોઈશ, રસોઈથી માંડીને ઘર ચલાવવા સુધીની પણ એક પાયાની વાત એ શીખી છું કે થાય એટલું કરી લેવું પણ કદી કોઈને નડવું નહિ.સાચ્ચેજ , ઈશ્વરેચ્છા થી કદીક મારે મારા જીવન માં આ રોલ નિભાવવાનો આવશે ત્યારે હું  તમારા જેવો ૧૦% પણ નિભાવી શકીશ કે કેમ મને શંકા છે.

                     હમણાંથી તમે સવારે સેવામાં કીર્તનની line ભૂલી જાવો કે આઘી-પાછી ગાઓ અને હું રસોડા માં કામ કરતા કરતા  સુધારી દઉં ત્યારે તમને નવાઈ લાગે છે કે બીજલ , તને સારું યાદ રહે છે! સાચું કહું ને મમ્મી તો એવો કોઈ પ્રયત્ન જ નથી હોતો કે હું બધું યાદ રાખું પણ કદાચ સબ-કોન્સીયશ માઈન્ડમાં બધું રેકોર્ડ થઇ જતું હશે. આજે તમે જે  વસંતપંચમી થી ટોપરા ખારેકના છીણનો પ્રસાદ ધરાવો છો તે મમળાયો ત્યારે લાગ્યું કે આપણે પણ આપણા સમ્બન્ધની મીઠાશ  આમ જ સ્વાદ લેતા લેતા મમળાવતા રહીએ. તમે આજકાલ મને પેલું ગીત ગાવા કહો છો ને , 'સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા, 'પણ મમ્મી તમે એ ના ગણ ગણો, તમારા જેવી સરળ, નિષ્કપટ વ્યક્તિ એ કદી કાલાવાલા ના કરવાના હોય! ઉપરવાળો તમારાં અંતર ને પીછાણે જ છે..માટે nooo worries ! BE CHEERFUL !અને હા મેં તો વેઈટ ગેઇન કરી લીધું છે, તમારે કરવાની જરૂર છે.તો ચાલો રસોડામાં જઈને  કૈક મસ્તમજાનું બનાવીને LIFE ને કહી દઈએ CHEERS !!!!!

                                             તમારી વ્હાલી 

                                                     બીજલ. 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ