વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અધુરી ઈચ્છા

વાર્તા-  અઘુરી ઈચ્છા


32 વર્ષનો પ્રકાશ રોજની જેમ ઓફિસ જવા તૈયાર થઈ રહ્યો હતો. શર્ટ પહેરતા પહેલાં તેણે પોતાની જાતને અરીસામાં નીહાળી. તેના શરીર પર સોળના નિશાન હતા. તેણે તેના પર હળવેકથી હાથ ફેરવ્યો. થોડા સ્પર્શથી પણ તેના શરીરમાં પીડાની કંપારી છૂટી ગઈ. તેના મોઢામાંથી તીણી ચીસ નીકળી ગઈ. પ્રકાશના ગળામાં અસહ્ય પીડાનો ડુમો ભરાયો. જો થોડો વધારે સમય તે અરીસાની સામે ઉભો રહેત તો તે હૈયાફાટ રૂદન કરી બેસત. તેણે બળપૂર્વક પોતાની જાતને એમ કરતા રોકી. છ દિવસ પહેલાં તે ઓફિસના કામથી પ્રતાપગઢ ગયો હતો. ત્યાંથી પરત ફર્યા પછી રોજ રાત્રે તેની સાથે કોઈ વિચિત્ર ઘટના બનતી. સવારે ઉઠતો ત્યારે તેના શરીર પર મારના નિશાન દેખાતા. તેને શરીરમાં અસહ્ય પીડા અનુભવાતી. પ્રયત્ન કરવા છતાં રાત્રે જે કંઈ બનતું તે તેને યાદ રહેતું નહીં. છ દિવસમાં જ તેનું વજન પાંચેક કિલો ઘટી ગયેલું. તેણે ઘણી અશક્તિ અનુભવાતી. તેણે ડૉક્ટરને બતાવ્યું. ડૉક્ટરે ઊંઘની દવાઓ પ્રિસ્ક્રાઈબ કરી હતી, પરંતુ તેની કોઈ અસર દેખાતી નહોતી. પ્રકાશે ચહેરા પર પ્રયત્નપૂર્વક હાસ્ય લાવીને શર્ટ પહેર્યો. બેગ હાથમાં લીધી અને તે તેના રૂમમાંથી બહાર નીકળ્યો. પ્રકાશની માતા શાંતાબેન રસોડામાં હતા. પ્રકાશ માટે ટિફિન તૈયાર કરી રહ્યા હતા. પ્રકાશે જાણી જોઈને માતાને મળવાનું ટાળ્યું. તે ઉતાવળે ઘરની બહાર નીકળી ગયો. શાંતાબેનનું ધ્યાન ગયું એટલે તે દિકરાની પાછળ દોડ્યા.

"પ્રકાશ.....આટલો ઉતાવળે કેમ ભાગે છે? તારું ટિફિન તો લેતો જા બેટા...!" શાંતાબેને હસીને પોતાના દીકરા સામે જોયું. પ્રકાશે તેની માતા સામે જોયું ન જોયું અને ટિફિન લીધું.

"પ્રકાશ તારી તબિયત તો ઠીક છેને બેટા? તું ખૂબ બીમાર હોય તેમ લાગે છે." શાંતાબેનને દિકરાની ચિંતા થઈ. પ્રકાશ ફરી વિચારમાં પડ્યો. શું થઈ રહ્યું હતું તે વિશ પ્રકાશ પોતે જ અવઢવમાં હતો. તે જવાબ આપ્યા વિના જ ચાલ્યો ગયો. શાંતાબેનને પ્રકાશનું વર્તન વિચિત્ર લાગ્યું. છેલ્લા કેટલાંક દિવસથી તે ચુપચુપ રહેતો. ઓફિસથી ઘરે આવીને સીધો પોતાના ઓરડામાં બંધ થઈ જતો. પ્રકાશ કોઈ વાત છુપાવી રહ્યો હતો. શાંતાબેનનું મન ચિંતાથી ઘેરાયું. પ્રકાશ દિવસેને દિવસે ઓગળી રહ્યો હતો. એ દિવસે રાત્રે શાંતાબેનને ઉંઘ ન આવી. અડધી રાતે શાંતાબેન પાણી પીવા ઉભા થયાં. એ જ સમય તેમને વિચિત્ર અવાજ સાંભળાયો. શાંતાબેન ચમક્યા. પ્રકાશના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો. શાંતાબેન ઝડપથી રૂમ પાસે ગયા. રૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. દરવાજો અંદરથી લોક હતો. રૂમમાંથી આવતા વિચિત્ર અવાજોથી શાંતાબેન ડરી ગયા. તેમણે દરવાજાને વધારે જોરથી ધક્કો માર્યો. દરવાજો ખુલતા જ સામેનું દ્રશ્ય જોઈને તેઓ હેબતાઈ ગયા. કોઈ મારી રહ્યું હોય તેમ પ્રકાશ અસહ્ય પીડાથી છટપટી રહ્યો હતો. તે ડરામણાં અવાજ કાઢી રહ્યો હતો. કોઈ જાનવરની જેમ તેની ધોલાઈ કરી રહ્યું હોય તેમ તરફડી રહ્યો હતો. થોડીવાર પછી પ્રકાશનું શરીર હવામાં ઉંચકાયું. કોઈ આધાર વિના તે હવામાં હતો. તે ચિત્રવિચિત્ર અવાજ કાઢી રહ્યો હતો. શાંતાબેને રૂમમાં નજર કરી. ત્યાં બીજું કોઈ નહોતું. શાંતાબેન વધારે કંઈ સમજે તે પહેલા પ્રકાશનું શરીર રૂમની દીવાલે અફળાયું. શાંતાબેને જોરથી ચીસ પાડી. તે ભયથી થરથરી ઉઠ્યા. તેમના હાથપગ ધ્રુજવા લાગ્યા. ડરના કારણે તેમનો અવાજ પણ રૂંધાઈ ગયો. પ્રકાશ શાંત થઈ ગયો પણ શાંતાબેન હજુ પણ ભયભીત હતા. પ્રકાશ અર્ધબેભાન હતો. શાંતાબેન હિંમત રાખી તેની પાસે ગયા. શાંતાબેન ભયથી ધ્રુજી રહ્યા હતા છતાં તેઓ દીકરાની બાજુમાં બેઠાં. શાંતાબેનને સમજાઈ ગયું કે, પ્રકાશને ભુત વળગ્યું હતું. એક તરફ ચિંતાથી તેમની આંખમાંથી આંસૂ વહેવા લાગ્યા અને બીજી તરફ દિકરાને બચાવવા માટે તે વિચારમાં પડ્યા. એ સમયે તેમને એક જ નામ યાદ આવ્યું અને તે નામ હતું મહેશભાઈનું. શાંતાબેને સમય બગાડ્યા વિના તેમને ફોન જોડ્યો અને આખી વાત સમજાવી. મહેશભાઈ તેમના કુટંબી હતા. તેઓ તંત્રવિદ્યાના જાણકાર હતા. તેમના જ શહેરમાં રહેતા હતા. શાંતાબેનની મદદ માટે તેઓ તરત જ પહોંચી ગયા. પ્રકાશ બેભાન હતો. તેમણે પ્રકાશના માથે હાથ મુક્યો અને મંત્રોચ્ચાર શરૂ કર્યો. થોડીવાર પછી તેમણે આંખો ખોલી અને શાંતાબેનને કહ્યું, "પ્રતાપગઢ...ત્યાંથી જ આ બધુ શરૂ થયું છે."

"હું કંઈ સમજી નહીં મહેશભાઈ." શાંતાબેને પોતાની મુંઝવણને છુપાવી નહીં.

"શાંતાબેન, પ્રકાશે એક કામ અધુરૂં રાખ્યું છે. એ પુરું કરવું પડશે. નહીં તો પ્રકાશનો જીવ જશે." મહેશભાઈની વાત સાંભળીને શાંતાબેન ચોંકી ગયાં. તેમણે તરત જ મહેશભાઈને પૂછ્યું, "એવું તો કયું કામ અધુરું રહી ગયું છે?"

"એ તો હું તમને નહીં જણાવી શકું. બસ તમે એને એટલું પૂછજો કે, તેણે ત્યાં કોઈની મદદ લીધી હતી?" મહેશભાઈની વાત સાંભળીને શાંતાબેન વિચારમાં પડી ગયા. મહેશભાઈએ ત્યાંથી વિદાય લીધી. વહેલી સવારે પ્રકાશ ભાનમાં આવ્યો. તેની તબિયત વધારે કથળી હતી. શાંતાબેને તેને હળદરવાળું દૂધ પીવડાવ્યું. પ્રકાશે દૂધનો છેલ્લો ઘુંટ ભર્યો કે શાંતાબેને અધીરા થઈને પૂછ્યું, "પ્રકાશ તે પ્રતાપગઢમાં કોઈની મદદ લીધી હતી?" શાંતાબેનનો સવાલ સાંભળીને પ્રકાશ ચોંક્યો.

"હા, પણ તમને કેવી રીતે ખબર મા?"

"તું સવાલો કરવાનું બંધ કરીને પહેલા જવાબ આપ. તારી સાથે રાત્રે જે ઘટી રહ્યું છે તેની મને જાણ છે...એટલે ખબરદાર જો તે કોઈ વાત છુપાવી છે તો." શાંતાબેનને ગુસ્સામાં જોઈને પ્રકાશે જવાબ આપ્યો.

"મારી કંપનીની પ્રતાપગઢમાં એક પ્રોપર્ટી છે. તેના પેપરવર્ક માટે હું ત્યાં ગયો હતો. કામ પતાવીને પરત ફરતા અંધારું થઈ ગયું હતું. પ્રતાપગઢની સીમ પાસે એક સ્મશાન છે. બસ ત્યાં જ મારી કારમાં પંક્ચર પડ્યું. આસપાસમાં દૂર દૂર સુધી કોઈ દેખાતું નહોતું. હું એકલે હાથે જ ટાયર બદલવા લાગ્યો. એટલામાં અચાનક જ 40 કે 45 વર્ષના એક ભાઈ મારી પાસે આવ્યા. તેમણે એ સમયે મારી મદદ કરી હતી... પણ આ વાત વિશે તમે અત્યારે કેમ પૂછી રહ્યાં છો?"

"તેમણે મદદ કરી પછી તેમણે કંઈ કહ્યું હતું?" શાંતાબેનને એ ભાઈની વાતમાં આટલો રસ કેમ પડ્યો તે પ્રકાશને સમજાયું નહીં પણ તે તેની માતાને દુ:ખી કરવા માગતો નહોતો. તેણે પુરી વાત જણાવી.

"એમનું નામ મહેન્દ્રભાઈ હતું. તેમણે મારી મદદ કરી હતી એટલે હું તેમનો આભાર માનીને ત્યાંથી નીકળવાની તૈયારીમાં હતો કે, તેમણે તેમના ખેતર જવા મારી પાસે મદદ માગી. અમે ઉભા હતા ત્યાંથી આઠેક કિલોમીટર દૂર તેમનું ખેતર હતું. હું તેમને ખેતર સુધી લઈ ગયો. ગર્ભવતી પત્ની માટે તેમને જાંબુ ઉતારવા હતા. મને તેમની વાત વિચિત્ર લાગી. રાતના અંધારામાં જાબું ક્યાં દેખાવાના? એટલે મોડું થતું હોવાનું બહાનું કરીને હું ત્યાંથી નીકળી ગયો." પ્રકાશની વાત સાંભળીને શાંતાબેનને ગુસ્સો આવ્યો.

"જે વ્યક્તિએ તને આટલી મોટી મદદ કરી તેને નાની અમથી મદદ ન કરી શક્યો. તું આટલો નગુણો ક્યારથી થઈ ગયો પ્રકાશ?" શાંતાબેન ઉભા થયાં. પ્રકાશને સમજાયું નહીં કે જાંબુ ઉતારવા જેવી સાવ નાની વાતમાં મા નારાજ કેમ થઈ ગઈ. તે વિચારમાં હતો ત્યાં તેની શાંતાબેન બોલ્યા, "આપણે અત્યારે જ પ્રતાપગઢ જવું પડશે. કોઈ સવાલ કર્યા વિના ઉભો થા." શાંતાબેનના અવાજમાં આદેશનો સૂર હતો. પ્રકાશ ના કહી શક્યો નહીં. કાર ભાડે કરીને પ્રકાશ અને શાંતાબેન પ્રતાપગઢ જવા નીકળ્યા. રસ્તામાંથી શાંતાબેને જાંબુ ખરીદ્યા. ગામમાં પહોંચ્યા પછી એક છોકરો તેમને મહેન્દ્રભાઈનું ઘર બતાવી ગયો. પ્રકાશે મહેન્દ્રભાઈના મિત્ર હોવાની ઓળખ આપી. મહેન્દ્રની પત્નીએ બંનેને આવકાર્યા. શાંતાબેને મહેન્દ્રભાઈની પત્નીના હાથમાં જાબુંની થેલી મુકી. એ જ સમયે પ્રકાશની નજર મહેન્દ્રભાઈના હાર ચડાવેલા ફોટા પર પડી. તે અચંબામાં પડી ગયો. તેનાથી પૂછાઈ ગયું, "આ....આ કેવી રીતે બન્યું? ક્યારે બન્યું?"

"ત્રણ મહિના પહેલા...મારે છેલ્લો મહિનો જતો હતો. મને જાંબુ ખાવાની ઈચ્છા થઈ. મેં ના પાડી છતાં મોડી રાત્રે મારા માટે જાંબુ લેવાય ગયા અને અકસ્માતમાં તેમનું...." મહેન્દ્રભાઈની પત્નીના ગળામાં ડુમો ભરાઈ ગયો. તે આગળ બોલી શકી નહીં પણ પ્રકાશને હવે બધું જ સમજાઈ ગયું. તેની આંખો ભીની થઈ. તેણે મનોમન મહેન્દ્રભાઈની માફી માગી અને ત્યાંથી માતા સાથે વિદાય લીધી.





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ