વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિચાર-કણિકાઓ: વર્જીનિયા વૂલ્ફ

 

જ્યારે આપણે સિતારાઓ જેવી ભવ્ય વસ્તુઓ વિશે વિચારીએ છીએ, ત્યારે આપણી પોતાની પળોજણો સાવ તુચ્છ માલૂમ પડે છે. ખરુંને?

અન્યોની આંખો આપણું કેદખાનું છે અને એમના વિચારો આપણું પાંજરું.

પુખ્ત થવું એટલે કે કેટલાક ભ્રમ ત્યાગી દેવા અને કેટલાક નવા ભ્રમ સ્વીકારવા.

કોઈ રાત્રે એક તારો વાદળોની વાદીઓમાંથી પસાર થઈ રહેલો. એને મેં કહ્યું: મને ભોગવી લે!

હર્ષ અને વિષાદને અલગ પાડતા છરાની ધારથી વિશેષ કશું તીક્ષ્ણ નથી હોતું.

જમીનમાં જડાયેલી છું, છતાં હું પ્રવાહિત છું.

કવિએ કહ્યું, કે પ્રેમ એ નારીનાં સમગ્ર અસ્તિત્વનો સાર છે.

કોઈ આપણને બહાર કાઢીને દરવાજો વાસી દે, એ ખરાબ કહેવાય. પણ કદાચ, કોઈ આપણને અંદર પૂરીને દરવાજો વાસી દે તો એનાથી ખરાબ બીજું શું?

એકલી હોઉં ત્યારે, ક્યારેક હું શૂન્યતામાં સરી જાઉં છું. અત્યંત સાવચેતીથી મારે પગલાં સંભાળવાં પડે છે, રખેને હું આ સંસારની ધાર પરથી એ શૂન્યતાની ખાઈમાં પછડાઈ જાઉં. એવા સમયે, હું મારું માથું સખત દરવાજા પર પછાડવાં મજબૂર થાઉં છું, જેથી હું મારી કાયામાં પુન: પ્રવેશ કરી શકું.

અવિરતપણે મારું સર્જન અને પુન:સર્જન થતું રહ્યું છે. અલગ-અલગ લોકોએ મારામાંથી અલગ-અલગ શબ્દોને ઘાટ આપ્યો છે.

મારે તો મૃત્યુ વિશે લખવું હતું, પણ હંમેશ મુજબ જીવન જબરદસ્તીથી મારા લેખનમાં પ્રવેશી ગયું.

પ્રેમ કરનાર એકાન્તવાસી બની જાય છે.

વાસ્તવિકતાની કતલથી પણ વિશેષ મુશ્કેલ છે ભ્રમણાની કતલ.

મને એવી કોઈ અવિકસિત ભાષાની ઝંખના છે, જે પ્રેમીઓ વાપરતા હોય છે; અધૂરા શબ્દો, અસ્પષ્ટ વાક્યો. જાણે કે કેડી પરની સ્વચ્છંદ ચાલ!

સ્ત્રીની કાયામાં આવીને અટવાયેલાં કવિના હૃદયમાં ભભૂકતા અગ્નિ અને હિંસાને કોણ માપી શક્યું છે?

કેટલી હદે મૂર્ખતાભર્યું સ્વપ્ન છે એ: નાખુશ હોવું!

ઉલ્કા જેમ સળગીને પાછળ રાખ પણ ન છોડી દેવી, એનાં કરતાં સારું છે કે ગુમનામ રહીને પણ પોતાની પાછળ એક રેખા દોરી જવી.

 

(ભાવાનુવાદ: સ્પર્શ હાર્દિક)

૨૦મી સદીની લેખિકા વર્જીનિયા વૂલ્ફનું નામ આધુનિક સાહિત્ય પરંપરામાં ઘણું આગળ પડતું હતું. એમનું ‘એ રુમ ઓફ વન્સ ઓન’ ફેમિનિસ્ટ સાહિત્યનું એક નોંધપાત્ર પુસ્તક છે. શોપિઝન ઇંગ્લિશ પર તમે એમની કૃતિઓ નિ:શુલ્ક વાંચી શકો છો.

 










ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ