વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચક્ષુ શક્તિ

अंखियों के झरोखे से અર્થાત્ આંખના ઝરોખાથી  અત્યાર સુધી ન જાણ્યે કેટલીએ શક્તિ ગુમાવી દીધી છે. ઇશ્વરે પાંચ જ્ઞાનેન્દ્રિય (આંખ, નાક, કાન, જીભ, ત્વચા) અને પાંચ કર્મેન્દ્રિય (હાથ, પગ, મુખ, ગુદા, ઉપસ્થ) માંથી મુખમાં દાંત અને જીભ શા માટે ? આંખના પોપચા શા માટે ? જવાબ છે... શબ્દ શક્તિ અને ચક્ષુ શક્તિની રક્ષા કરવા માટે પ્રભુએ આપેલા છે, કદાચ આ ક્ષણથી શક્તિ સંચયનો પ્રયત્ન શરૂ થાય તે માટે લેખમાં  શાસ્ત્રોક્ત દાખલાને વૈજ્ઞાનિક મૂલ્ય સાથે સંકલન કરેલ છે.


મહાભારતના ધૃતરાષ્ટ્ર જન્મથી અંધ હતા પણ તેમની પત્ની ગાંધારી જન્મથી અંધ ન હતી છતાં પતિ પ્રેમને લીધે ઘણા દાયકા સુધી પોતાની બંને આંખે પટ્ટી બાંધી રાખેલી. બંનેમાંથી ધૃતરાષ્ટ્રને પુત્ર મોહ વધારે હતો તેથી તેને લીધે તો મહાભારત રચાયું.


યુદ્ધ પહેલા ગાંધારી દુર્યોધનને બોલાવીને કહે છે કે," પુત્ર ! મારી આંખમાં અખૂટ શક્તિ ભરેલી છે, તે શક્તિથી હું તારું શરીર વજ્ર સમાન બનાવી દઈશ જેથી વિજયી થઈશ. આવતીકાલે સવારે સ્નાન કરી  નાનકડા બાળકની જેવી સ્થિતિ હોય તેવી (નગ્ન) સ્થિતિમાં આવજે." દુર્યોધન ખુશ થયો અને તરત જ સહમત થયો. અંતર્યામી કૃષ્ણ ભગવાનની આંખ ખુલ્લી હોય કે બંધ  હોય તે બધું જ જાણતા હોય છે. પરમાત્મા કાનથી - હાથથી -  પગથી - પ્રત્યેક અંગથી જોઈ શકે છે, સ્પર્શી શકે છે, સાંભળી શકે છે આવું વર્ણન શ્રીરામચરિતમાનસમાં સાથોસાથ વેદ - ઉપનિષદમાં છે.


બીજા દિવસે વહેલી સવારે કૃષ્ણ ભગવાનની મુલાકાત દુર્યોધન સાથે થાય છે અને નગ્ન શરીરનું રહસ્ય પૂછે છે. લીલા પુરુષોત્તમ જણાવે છે કે -  પ્રત્યેક અવસ્થા પ્રમાણે જીવન હોવું જોઈએ. અત્યારે બાલ્યાવસ્થા - અજ્ઞાનવસ્થા નથી.  થોડી સમજ રાખ. માતા સામે આવી રીતે ન જવાય. મર્યાદા ભંગ  થાય. તને  દોષ લાગશે. તારા ગુપ્તાંગ પર પાંદડા વીંટી લે." દુર્યોધન  તરત જ પ્રભુના પ્રભાવમાં વિંટાઈ ગયો અને જે થયું તે સૌ કોઈ જાણે છે તે મુજબ દુર્યોધનનું શરીર  વ્રજનું બની જાય છે સિવાય કે  સાથળ વગેરેનો ગુપ્ત ભાગ. ભગવાન શ્રીકૃષ્ણના ઇશારાથી ગદાધારી ભીમ છેવટે  સાથળ પર જ પ્રહાર કરે છે અને દુર્યોધન મૃત્યુના મુખમાં ખુલ્લી આંખે જઈ રહયો છે. પાંડવોથી ઘેરાયેલા પ્રભુ મરક મરક હસે છે.


મહાભારતના યુદ્ધ પછી પાંડવો ધૃતરાષ્ટ્રના આર્શિવાદ લેવા આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ સ્થૂળથી તેમની સાથે જ હતા. ધૃતરાષ્ટ્ર અંધ હોવાને લીધે તેને અન્ય રાજકુમારની જેમ યુદ્ધ વિદ્યાની કોઈ વિશિષ્ટ તાલીમ આપવામાં આવી નહોતી કારણ કે તેમને ભવિષ્યમાં કોઈ યુદ્ધ કરવાના ન હતા. તેઓ ચોવીસ કલાક બારેય મહિના ક્યારેક શરીરથી તો ક્યારેક મનથી રાજ સિંહાસન પર બેસી વૈભવી જિંદગી જીવતા પણ આંખથી સંગ્રહિત શક્તિ એટલી જોરદાર હતી કે કોઈ મોકાની રાહ જોતા હતા. ધૃતરાષ્ટ્રને ખબર પડી કે દુર્યોધન વગેરે સૌનો સફાયો કરનાર મહાબલિ ભીમ છે તેથી હવે ભીમના ભુકકા કાઢી નાખું. જગજાહેર ઘટના છે કે ભીમનું નામ સાંભળતાં તેને મનોમન ગુસ્સો ધારણ કર્યો. ભગવાન શ્રીકૃષ્ણની પ્રેરણાથી ભીમને બદલે તેના એક  પછી એક  એમ કરતા કુલ સાત લોખંડના પૂતરા તેમની સમક્ષ મૂકવામાં આવ્યા અને તેને ભેટવાનો દેખાવ કરીને  તે તમામ પૂતરાના ભુક્કા કરે છે અને છેવટે ભીમ બચી જાય છે. ભીમમાં કેટલી શક્તિ હતી તે જાણવા માટે મહાભારતનો અભ્યાસ કરવો પડે. ગદાધારી ભીમે અનેકનો સંહાર કર્યો છે અને હાથીઓને ગુરુત્વાકર્ષણની સીમાથી ઉપર આકાશમાં ફેંક્યા છે જે હજી સુધી પરત આવ્યા નથી. અરે! વજ્ર સમાન શરીરધારી દુર્યોધન પર અનેક ગદા પ્રહાર કર્યા છતાં સફળતા ન મળી સામે પક્ષે દુર્યોધને પણ  ગદા પ્રહાર  કરેલ, તે સહન કર્યા. બંનેના ગુરુદેવ શક્તિશાળી બલરામજી હતા. ટૂંકમાં મહાબલિ ભીમને મારવાની હિંમત ધૃતરાષ્ટ્રે વિકસાવી અને સાત લોખંડના પૂતરાનો ભૂકકો કર્યો તે શક્તિ આડકતરી રીતે આંખની શક્તિ હતી, વધારામાં ગુસ્સો ઉમેરાયો.


મહાભારતના કર્ણ પર્વની ગાંધારીની વાત ફરી જણાવવી છે. મહાભારતના યુધ્ધ પછી યુધિષ્ઠિર અને અર્જુન બંને ભગવાન શ્રીકૃષ્ણ સાથે ગાંધારી પાસે આવે છે. ધર્મરાજાના અવતાર એવા યુધિષ્ઠિર ગાંધારીને વંદન કરવા નજીક આવે છે ત્યારે પુત્ર વિરહમાં ક્રોધિત ગાંધારી બંધ આંખે તીરછી નજરથી તેના પગના નખને જોતા એકત્ર થયેલી આંખની અદ્ભુત શક્તિથી યુધિષ્ઠિરના પગના નખ કાળા પડી ગયા, આ જોઈને અર્જુન ગભરાઈને ભગવાન શ્રીકૃષ્ણની પાછળ સંતાઈ જાય છે. આ બધી વાતો થઈ મહાભારત યુદ્ધ પહેલાંની અને પછીની.


આજે પણ કોઈ દિવ્યાંગ -સૂરદાસ - અંધ વ્યક્તિની શક્તિ  રૂપાંતરીત થઈ  વિવિધ કલા જેવી કે લેખન, કવિત્વ, સંગીત વગેરે  રૂપે ખીલતી જોવા મળે છે તેવા અનેક દાખલા છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા ૩/૪૨ મુજબ શરીરથી ઈન્દ્રિયો શ્રેષ્ઠ છે, ઇન્દ્રિયોથી મન  શ્રેષ્ઠ છે, મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે અને બુદ્ધિથી પણ જે મહાન છે તે આત્મા છે.


પ્રકાશના કિરણની ઝડપ એક સેકન્ડમાં ૧,૮૬,૩૦૦ માઈલ  છે. સૂર્ય પૃથ્વીથી નવ કરોડ ત્રીસ લાખ માઈલ દૂર છે તેથી સૂર્યમાંથી છુટું પડેલ પ્રકાશ કિરણ આઠ મિનિટે પૃથ્વી પર પહોંચે છે. આકાશમાં કરોડો તારાઓ છે તેમાંથી નીકળેલો પ્રકાશ એકાદ વર્ષ પછી પૃથ્વી પર પહોંચે છે તેટલું પરસ્પર અંતર છે. એક વર્ષમાં પ્રકાશ જેટલી ગતિ કરે તેને પ્રકાશ વર્ષ કહેવાય છે. એવું જોવામાં આવેલ છે કે પૃથ્વીથી અંદાજે ૨૨ લાખ પ્રકાશવર્ષ દૂર આવેલ એન્ડ્રોમેડા ગેલેક્સી રાત્રિના  સમયે નરી આંખે જોઈ શકાય છે. આપણી આંખમાં અદભુત શક્તિ છે ને ?હવે તે શક્તિ બચાવવા શું કરવું જોઈએ.


આપણા ઋષિમુનિઓ  મહાન વૈજ્ઞાનિક હતા. આંખને સૂર્ય સાથે ઘનિષ્ઠ સંબંધ છે.જ્યોતિષ શાસ્ત્ર મુજબ જેનો સૂર્ય ગ્રહ શક્તિશાળી હોય તેની આંખ તંદુરસ્ત હોય જ.ગગન મંડળમાં સૂર્યની આસપાસ તમામ ગ્રહો ફરે છે અને સુર્યમાંથી શક્તિ પ્રાપ્ત કરે છે. શાસ્ત્રોમાં સૂર્ય વંદના, સૂર્ય ઉપાસના, સૂર્ય નમસ્કારનું સુંદર વર્ણન છે. વિદેશોમાં દરરોજ સૂર્ય દર્શન થતું નથી તેથી વિદેશમાં વિદેશીઓ સૂર્યસ્નાન માટે ફાંફા મારે છે જ્યારે આપણે દરરોજ થતા સૂર્યદર્શન પૂરેપૂરો લાભ લેતા નથી,છતાં તીવ્ર સુર્યતાપમાં સનગ્લાસ પહેરવા જોઈએ.કોઈ પણ મુસાફરી વખતે આંખને અનુકૂળ ચશ્મા પહેરવા જોઈએ.દિવસ દરમિયાન લંચ- બ્રેકમાં થોડો નાસ્તો- ભોજન કરીએ છીએ. વર્ષ દરમિયાન થોડા દિવસ પ્રવાસ માટે ફાળવીએ છીએ. આંખનું જતન પ્રત્યેક સેકન્ડે કરવું જોઈએ,આ વાત વાંચીને હસવું આવે છે ખરુંને ? આપણને ખબર નથી પડતી પણ દર મિનિટે ૧૦ થી ૨૦ વખત  આપણાથી આંખના પલકારા પડી જાય છે તેથી થોડો આરામ મળે છે. બને ત્યાં સુધી પ્રકાશિત વસ્તુથી બચવું જોઈએ, ન છૂટકે લેપટોપ, કોમ્પ્યુટર વગેરેનો ઉપયોગ કરવો પડે તો દર કલાકે થોડી મિનીટ આંખને બંધ રાખી આરામ આપવો જોઈએ એ સમયની માંગ છે. અત્યારે આપ આપના મોબાઇલમાં આઈ પ્રોટેક્શન ફિચર અને ડાર્ક થીમનો ઉપયોગ કરશો તો આંખને થોડું વિશેષ રક્ષણ મળે છે. આંખમાં કોઈ તેજાબી પ્રવાહી કે હાનિકારક પ્રવાહી ન જાય તે ધ્યાન રાખવું. આંખના અંગો જેવા કે  રેટીના,કોર્નીયા, લેંસ વગેરેનું સમયાંતરે આંખના ડોકટર પાસે ચેક-અપ કરાવવું જોઈએ. અરે ભાઈ ! વર્ષમાં એક વાર કોઈ સૂરદાસ -અંધ કે કોઈ અંધ શાળાની મુલાકાતે જવું જોઈએ જેથી ખબર પડે કે આંખનું કેટલું મહત્વ છે. નાના બાળકની નિર્દોષ, પ્રેમાળ અને શકિતશાળી આંખ જોઈને બાલ ગીત ગાઈએ...

     નાની મારી આંખ જુએ કાંક  કાંક,

     એ તો કેવી અજબ જેવી વાત છે.


Dr. Bipin Chothani

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ