વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આત્મહત્યા

          આયેશા, એક દીકરી, એક વહુ, એક પત્ની. ખૂબ જ સહજતાથી મોતને પોતાનું કરી ગયેલી એ આયેશા નું જ્યારે નામ આવે છે ને ત્યારે હૃદય કંપી ઊઠે છે. ન ઇચ્છવા છતાં મનમાંથી આયેશાના ગુનેગારને ઈશ્વર ક્યારેય સુખી ના કરે એવો ઉદ્ગાર સરી પડે છે. શા માટે એક છોકરી એ જીવન જીવવા કરતા મોતને વહાલું કર્યું હશે એવો વિચાર સહજ જ આવે. મળતી માહિતી મુજબ તો આયેશાએ પતિના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું છે. દહેજ માટે શારીરિક તેમજ માનસિક રીતે ત્રસ્ત આયેશાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું.

         મિત્રો, આપણો દેશ ખૂબ જ આગળ વધ્યો છે, વિશ્વના અન્ય દેશો સાથે ઉભો રહેતા શીખ્યો છે, વિદેશી સંસ્કૃતિઓને પણ સહજતાથી સ્વીકારી છે.જેટલી સહજતાથી આપણે વિદેશી સંસ્કૃતિ કે પદ્ધતિઓ કે રહેણીકરણીનો સ્વીકાર કરતા જોઈ રહ્યા છીએ એટલી કે એના કદાચ ૫૦ ટકા સહજતાથી પણ આપણે આપણા ઘરમાં આવતી કોઈની દીકરી ને સ્વીકારી લઈશું ને તો દેશમાં આયેશાને આપઘાત કરવાનો સમય નહીં આવે. આજે જે થઈ રહ્યું છે આપણા દેશમાં એનું મોટું કારણ પરંપરાઓ પાછળની આંધળી દોટ છે. અરે શું કામની એ પરંપરાઓ પાછળની આંધળી દોટ કે જે પરંપરાઓ ખરેખર આજના સમાજમાં વાસ્તવિકતાથી વિરુદ્ધની છે!!!

         એક પુરૂષના મનમાં પોતાની માતા દહેજ લાવેલી, એની બહેનને દહેજ આપેલું એટલે પત્નીએ પણ દહેજ લાવવાનું આવી એક બહુ જ ખરાબ માનસિકતા છે. જો તેની પત્ની દહેજ લઈને નથી આવતી અથવા તો ઓછું દહેજ લાવે છે તો માત્ર એનો પતિ જ નહીં પણ ઘરના બીજા સભ્યો પણ એ સ્ત્રીને શારીરિક કે માનસિક પ્રતાડિત કરે છે. હવે એક વાત મને કહો કે આ દહેજ એટલે શું? પહેલાના સમયમાં જે હતું એ પરંતુ આજના સમયમાં જોવા જઈએ તો દહેજ એટલે કોઈપણ જાતની મહેનત કર્યા વગર મળતી હરામની જાહોજલાલી. આમ તો સમાજમાં મોટા મોટા ફતવાઓ લઈને ફરે છે કે પુરુષ સર્વેસર્વા છે. તો પછી શા માટે એ સર્વેસર્વા ને પોતાની પત્નીના પિતા પાસેથી સંપત્તિ મેળવવાની આશા છે? શા માટે દહેજ માટે થઇને કોઈ પિતાએ પોતાની પુત્રીનું ઘર વસાવવા માટે પોતાનું ઘર છોડવું પડે છે?

         અરે મને તો દહેજની આશા રાખતા પુરુષો માટે દયાભાવ ઉપજે છે. અને કેમ ન ઉપજે? આપણા સમાજમાં જે પુરુષને આપણા સમાજનો કે કુટુંબ નો પાયો કહેવામાં આવે છે, એ પાયો એટલો નબળો હશે કે તેને પોતાની પત્નીના પિયરથી મળતા દહેજથી ગૃહસ્થીની શરૂઆત કરવી પડે? અને વિચાર કરો કે એ પિતા કેટલો સશક્ત હશે જે પોતાની પુત્રી તો આપે જ છે સાથે સાથે તેના નિભાવ માટે આટલું બધું દહેજ પણ આપે છે અને છતાં પુત્રીના સાસરિયાઓની સામે હંમેશા નીચું જોઈને જીવે છે.

         કોણ જાણે કેટલીયે આયેશાઓ પોતાનું જીવન આમ જ ટુંકાવી દેતી હશે. પરંતુ ૧૦૦% સમાજ અને સમાજ વ્યવસ્થા ને દોષી ના ઠેરવી શકાય. કોઈ વખત આપણી આયેશા ની માનસીક પરિસ્થિતિ કે માનસિકતા પણ જવાબદાર હોઈ શકે. દેખીતી રીતે જોવા જઈએ તો આયેશાએ જે કર્યું એની પાછળ એના પતિનો ત્રાસ જવાબદાર છે. પણ જો એના એ છેલ્લાં શબ્દોનો અભ્યાસ કરીએ તો થોડાં અંશે આયેશાનો માનસિક તાણ અનુભવાય છે. એવું લાગી રહ્યું છે કે માત્ર પતિનો ત્રાસ જ નહીં પરંતુ બીજાં ઘણાં બધાં સવાલો એ આયેશા ને ઘેરી લીધી હોય અને આ બધાં કારણોની વચ્ચે માત્ર એક પોતાના પતિનો સાથ અને સહકાર તેમજ સહાનુભૂતિ ઝંખતી આયેશા પોતાની જાત ને એકલી સમજી રહી હતી, અને આ એકલતા જ આયેશાના મૃત્યુંનું કારણ બની.

         આજની પેઢીની આ ખરેખર એક ખૂબ જ નબળી કળી કહી શકાય કે અમુક પરિસ્થિતિઓમાં પોતાની જાત પરનો કાબૂ કે પોતાના મગજ પરનો કાબૂ ગુમાવી બેસે છે.અને અંતે તેઓ પોતાના જીવનનું રીમોટ કંટ્રોલ અન્યો ના હાથમાં આપી બેસે છે અને આવું બને ત્યારે પોતાના લોકો પરનો વિશ્વાસ ગુમાવી બેસે છે અને લાભ ખાતર સાથે રહેલા લોકો પર આંધળો વિશ્વાસ કરે છે. જેના કારણે દુઃખી થાય છે અને પોતાના આપ્તજનો ના દુઃખ નું કારણ પણ બને છે.

         આજનું યુથ શૈક્ષણીક રીતે ખૂબ મજબૂત બન્યું છે પરંતુ માનસિક રીતે ખૂબ જ નબળું પડતું જાય છે.નાની નાની વાતો પર ખૂબ મોટી પ્રતિક્રિયા આપે છે અને મોટી વાતોને ખૂબ સહજતાથી સ્વીકારી લેનારી આ પ્રજા ઘણીવાર કોઈ અલગ વિશ્વની અજાયબી જેવી લાગે છે.સામાન્ય કરતા કંઇક અલગ વ્યવહાર કરે છે, ઘણું બધું સમજે છે પરંતુ અણસમજુ છે. અને એના જ કારણે આયેશા આપધાત ની રાહ પર ચાલી નીકળે છે.અંતે જો કંઈ બચે છે તો માત્ર એક દુઃખી પરિવાર કે જેને થોડા દિવસ માટે સહું કોઈ દયામણી નજરે જોઈ ને અફસોસ કરશે અને પછી ભૂલી જશે. ધીમે ધીમે પરિવાર પણ આયેશા વગર જીવતા શીખી જશે અને પાછું બધું પહેલા જેવું થઈ જશે. અને બીજી કોઈ આયેશા ક્યાંક દેશ ના કોઈક ખૂણે આકાર લેતી રહેશે. અને દેશની પરિસ્થિતી દિવસે ને દિવસે વણસતી જશે.

         આ પરિસ્થતિમાંથી દેશને અને દેશની આયેશા ને બચાવવા ની જરૂર છે અને મજાની વાત તો એ છે કે એ કામ પણ માત્ર આજ નું યુથ જ કરી શકે એમ છે.આજે આ એક લેખ નાં માધ્યમ થી હું આપણા યુથ ને આયેશા બનતા કે આયેશા બનાવતા અટકાવવાની એક નમ્ર અપીલ કરી મારી કલમ ને વિરામ આપુ છું.

                            - બ્રિન્દા વ્યાસ  'ઓપ્ટિમિસ્ટીક'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ