વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રિય પારિજાત

પ્રિય પારિજાત,

આજે ઘણા સમય પછી તને કશુંક કહેવાની તક સાંપડી છે, તો એને હાથમાંથી કેમ જવા દઉં! વિચારતી હતી કે કોને પત્ર લખું. અનેક લોકો યાદ આવ્યાં, પણ એ દરેક પ્રત્યેના પ્રેમને ક્યારેક ને ક્યારેક હું મારા શબ્દો થકી તેમની સમક્ષ વ્યક્ત કરી ચૂકી છું. થયું કે મારા બાળપણના પ્રેમને જ એક પત્ર લખી દઉં. જેને શબ્દો થકી ક્યારેય નથી કહી શકી.

તારી સાથે માણેલા એ દિવસો કેમ ભૂલાય ! મારા ઘરની પાછળના જૂનાં આરામગૃહ બહાર તું લહેરાતી ઊભી હોય ત્યારે હું ત્યાં સવારે બ્રશ કરીને સીધી જ, નાહ્યા વગર જ તારી પાસે પહોંચી જતી. બ્રશ પણ એટલા માટે જ કરતી, કારણ કે સવાર સવારમાં મમ્મીના હાથની થપાટ ન ખાવી પડે. કોઈ તારા તાજા ખરેલા ફૂલોને ભરીને લઈ જાય એ પહેલાં હું જ તને ભરવા અધીરી થઈ જતી. મને લાગતું કે પારિજાતના આ પુષ્પોની પથારી પર મારો જ હક છે. એના ખરતાં ફૂલો મારા જ ગાલને સ્પર્શવા જોઈએ. આજે પણ મને યાદ છે મારી નાની નાની હથેળી તારા કેસરી અને સફેદ રંગથી છલકાઈ ઉઠતી. એ કુમળી કેસરી દાંડલી અને એથીયે કુમળી સફેદ પાંદડીઓનો આહ્લાદક સ્પર્શ... આ..હા..હા..હા !

એ જ ખોબામાં ભરેલા તારા ફૂલ હું ભગવાનને પણ ચડાવતી નહીં, એટલી તો સ્વાર્થી હતી. ઘરે લાવીને પણ ક્યાંય સુધી બસ તારી સુગંધને શ્વાસમાં ભર્યા કરતી. તારા ફુલોની દાંડલી ઉપર રહે અને પાંદડીઓ જમીનને સ્પર્શે એ રીતે મૂકી અવનવા આકારો બનાવતી. કેટલી સુંદર રંગોળી રચાતી એ! તારી મહેકના મઘમઘાટમાં તો હું ભાન ભૂલી જતી. ત્યારે તો મને ખબર પણ નહોતી કે તારું નામ પારિજાત છે. તારી ઉપર કેટલાંય લેખ, કવિતાઓ અને વાર્તાઓ લખાઈ ચૂકી છે. ત્યારે મને લખતાં નહોતું આવડતું નહીંતર તો તારા વિશે આટલું તો જરૂર લખત કે,

"પારિજાતના પુષ્પોનો પમરાટ મને ધરતી પર જ સદેહે સ્વર્ગની અનુભૂતિ કરાવે છે."

હા, સાચે જ મને ઘડીભર થઈ આવતું કે હું દેવલોકની કોઈ દેવી છું. તું આખી રાત ફૂલો ખીલવીને, વહેલી સવારે તારી ડાળીઓ ઝૂકાવીને મારા પર પુષ્પ વર્ષા કરે છે. તારા પુષ્પોની સુગંધ મારા મનને તરબોળ કરી દેતી. મારી હથેળીઓ તારા સ્પર્શને પામવા અધીરી થઈ ઉઠતી. તારી સુગંધને શ્વાસમાં સમાવવા મન આતુર બની જતું. આંખો તારી પુષ્પ વર્ષા જોવા તલસાટ કરતી. તને જોઈને હંમેશા એમ થાય કે એક નાનકડા પુષ્પની તાકાત કેટલી હેં! માણસની ઇન્દ્રિયોને પણ વશમાં કરી લે. કદીય ઘ્યાન ન કર્યું હોય એમને પણ પોતાની મધુર સુગંધ થકી ધ્યાનવસ્થામાં ખેંચી જાય. તને જ્યારે જ્યારે શ્વાસમાં ભરતી ત્યારે ત્યારે લાગતું કે મારી પાંચેય ઇન્દ્રિયો જાણે ઘ્રાણેન્દ્રિય વાટે આત્મકેન્દ્રિત થઈ જતી, પણ ત્યારે ક્યાં આવી ખબર પડતી ! બસ ખોવાઈ જતાં આવડતું.

સવારે ઉઠીને તારા દર્શન કરવા, શાળાએ આવતાં જતાં તારા ઝૂલતા સ્મિતને ઝીલવું, એ જાણે મારો નિત્યક્રમ બની ગયો હતો. તને ખબર છે?... ક્યાંય પણ બહાર ગઈ હોઉં તો ગમે ત્યારે આવું, આવીને તરત જ તને મળવા આવતી. તને મળ્યા વગર તો ચેન જ નહોતું પડતું. તારી સુગંધને શ્વાસોમાં ન સમાવું ત્યાં સુધી લાગતું કે આજના મારા શ્વાસ અધૂરા છે.

સાંભળ્યું હતું કે સાચી પ્રેમકથા અધૂરી રહે છે. એ દિવસે મને પણ એની અનુભૂતિ થઈ, જ્યારે તે દિવસે શાળાએથી આવતા તને માણસો વડે કપાતા જોયું. કાપવાનું કારણ બસ એટલું જ હતું કે રોડ મોટો કરવો હતો. તું તો તારા ફૂલો પાથરીને શાંતિથી રહેતી તોય બધાંને નડતી. મારી આંખ સામે જ તારી ડાળીઓ થડથી અલગ થઈ, મેં અનુભવ્યું કે જાણે મારા હાથ ધડથી અલગ થયાં. ખીલ્યાં વગરની તારા ફૂલની કળીઓ કુહાડીના પ્રહાર સાથે ખરતી ગઈ, સાથે જ મારી આંખની પાણીની કળીઓ ખરતી ગઈ. હું કેટલી વિવશ હતી કે કોઈને રાડ નાખીને કહી પણ ના શકી કે મારા ઝાડને તોડશો નહીં. તને કપાતા જોવું મારા માટે અસહ્ય હતું. રડતાં રડતાં જ હું ઘરે પહોંચી. મમ્મીએ ચિંતા કરતાં પૂછયું,

"શું થયું?"

ડૂસકાં સાથે માંડ માંડ મારા ગળામાંથી અવાજ નીકળ્યો,

"મારા ફૂલડાંનું ઝાડ બધાએ કાપી નાખ્યું."

મમ્મીએ પોતાનુ હસવું ખાળી કહ્યું,

"એમાં શું!"

એને મન એ કોઈ મોટી વાત નહોતી. મારે મન તો જાણે મારું દેવલોક છીનવાઈ ગયું.

હું ફરી કોઈ દેવીમાંથી સામાન્ય બાળા બની ગઈ. રોજ સવારે હવે હું શું કરીશ એ વિચાર વધુ રડાવી મૂકતો. મારી એક વ્હાલસોયી ઓથ જાણે વિલય પામી હોય એવું લાગ્યું. રોજ સૂરજ તો ઉગતો પણ જાણે મારી સવાર નહોતી પડતી. પથારીમાંથી ઊભા થવાનું મારું કારણ જ ખોવાઈ ગયું હતું. રોજ સવારે જ્યારે તારા ડાળીઓથી વિખૂટાં પડતાં ફૂલોને જોતી ત્યારે ક્યારેય વિચાર નહોતો આવ્યો કે મારે પણ તારાથી આમ વિખૂટું પડવું પડશે. શાળાએ જતાં આવતાં તારા સ્મિતને શોધ્યાં કરતી. ફૂલો વગરની ખાલી હથેળીમાં મને વધુ ભાર લાગતો. ધીમે ધીમે તને વિસરતી ગઈ, પણ જ્યારે કોઈ જગ્યાએ અચાનક તારી સાથે ભેટો થઈ જતો, ત્યારે તારા ફૂલને મારા ખોબામાં લઈ શ્વાસોમાં ભરવાનું નહોતી ભૂલતી. તારી સાથે છૂટા પડતી વખતે પણ આંખોમાં છલકાતી ભીનાશને હું કોરો રાખવાનો ખૂબ પ્રયાસ કરતી; છતાં એ તો છલકાઈને જ રહેતી.

કોણ જાણે કેટલાંય વર્ષો પછી તારા નામથી પરિચિત થઈ. તારી કથાથી પરિચિત થઈ કે, તું તો સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ દેવોને પ્રાપ્ત થયેલ. નારદજીએ રુક્મિણીને તારા ફૂલોની માળા આપી હતી. એ જોઈ સત્યભામાએ સ્વર્ગમાંથી તને જ આખી ધરતી પર લાવવા હઠ કરેલી. એ હઠ માટે થઈને સ્વયં શ્રી કૃષ્ણે ઈન્દ્ર સાથે યુદ્ધ કરી તારું ધરતી પર અવતરણ કર્યુ હતું. આ વાંચ્યા પછી મને સમજાયું કે, તારી સાથે, તારી ઓથે રહેવાથી મને સ્વર્ગના આનંદની અનુભૂતિ કેમ થતી! તું પોતે જસ્વર્ગમાંથી અવતરેલી દૈવી તત્વોથી ભરપૂર છે, તું અલૌકિક છે, તો તારી આસપાસ રહેનાર તારા આ દૈવી ગુણોનો પરિચય પામ્યા વગર કેમ રહે!

તને ખબર છે?... અનેક પ્રેમીજનને તારામાં વિરહની વેદના દેખાય છે. એમના મત મુજબ તે પણ સૂર્યને પ્રેમ કર્યો હતો. સૂર્યએ તારા પ્રેમનો અસ્વીકાર કર્યો. આથી તું મૃત્યુ પામી અને એ જ જગ્યાએ એક છોડ ઊગ્યો. એ તું પોતે જ..પારિજાત. જેમ સૂર્યએ તારી અવગણના કરી એમ તું પણ એની અવગણનાના ફળરૂપે સૂર્યોદય થતાં તારા પુષ્પો ખેરવી નાખે છે. જો આવું જ હોય તો હું ઇશ્વરને પ્રાર્થના કરીશ કે, તને તારો પ્રેમ પ્રાપ્ત થાય. મને તો તારામાં ભારોભાર જીવનરસ દેખાય છે. વિરહ વેદના કરતાં તો પ્રેમનો પમરાટ જ અનુભવાય છે. તારી પાસે આવનાર ક્રોધિત પણ શાતા પામે એવી દિવ્ય શક્તિથી તું ભરેલી છે. એમાં વેદનાને ક્યાં સ્થાન હોય!! આવી તો તારી સાથે જોડાયેલી અન્ય કથાઓ પણ વાંચી, પણ હવે તારી જ કથાઓ તારી પાસે શું કરવી હેં!

જોતજોતામાં જોને કેટલી વાતો કરી તારી સાથે. કેટકેટલું લખીશ તોય એ તો લખી જ નહીં શકું કે, હું તારા માટે શું અનુભવું છું. તારા એ નાજુક કોમળ દિવ્ય ફૂલો અને એની અલૌકિક સુગંધ મને જે એક તૃપ્તિ આપતી એની અનુભૂતિ ક્યારેય શબ્દોમાં નહીં વર્ણવી શકાય. "સૂરસંગમ" ફિલ્મમાં મહાન શાસ્ત્રીય સંગીતના ગાયક પંડિત શિવશંકર શાસ્ત્રીને એમનો તેજસ્વી શિષ્ય પૂછે છે કે,

"રસ શું છે?"

શાસ્ત્રીજી જવાબ આપે છે કે,

"રસ અનુભવી શકાય એનું વર્ણન ન થઈ શકે."

બસ તારા પ્રત્યે મારો પ્રેમરસ પણ કંઈક આવો જ છે. તેને વર્ણવવો તો કેમ વર્ણવવો...? એને તો અનુભવી જ શકાય. એટલે મારે જે કહેવું છે તે તું સમજી જજે. બીજું એ કે મેં તને આ સાદી ભાષામાં જ પત્ર લખ્યો છે. ધાર્યું હોત તો તને અઘરી સાહિત્યિક અને અલંકારિક ભાષામાં પણ આ પત્ર લખી શકી હોત. પછી વિચાર આવ્યો કે સાહિત્યમાં પ્રેમની ભાષા હોય, ક્યાંય પ્રેમમાં સાહિત્યની ભાષા હોતી હશે! પ્રેમ જ ખુદ અલંકાર છે, એને અલંકારોની જરૂર નથી.

છેલ્લે એટલું જ કહીશ કે તું મારું પ્રિય પારિજાત દૈવી તત્વોથી ભરેલું છે, એટલું જ નહીં; ભારોભાર જીવનથી પણ ભરપૂર છે. તને જોઈને બસ એટલો જ વિચાર આવે છે કે મારે બીજા કોઈ ફૂલો સમાન નથી બનવું, કે જે કરમાયા પછી ખરે. મારે તો મારું મનગમતું પારિજાત થવું છે, જે ખીલેલું જ ખરે. મારે પણ તારી જેમ કરમાયા વગર ખીલેલું જ ખરી પડવું છે, તારી જેમ જ ખર્યા પછી પણ સુગંધ રેલાવતા રહેવું છે.

લિ.
તારી ચાહક

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ