વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક પત્ર જીવાઈ ચૂકેલી ક્ષણોને...

                          એક ખુલ્લો પ્રેમપત્ર


ડિયર ક્ષણો,

મારા જન્મદાતા સાથે વીતાવેલી દરેક ક્ષણો...

એ દરેક ક્ષણો મને કાયમી યાદ રહેશે જે ક્ષણો હું મારા મમ્મી-પપ્પા સાથે જીવી છું. નાનમાં નાની ખુશી હોય કે નાનમાં નાનું દુઃખ! હંમેશા એ લોકોનો સાથ  મળ્યો છે. જ્યારે જ્યારે એના ચહેરા તરફ જોઉં છું ત્યારે અગાથ પરિશ્રમ દરમિયાન એના કપાળેથી ટપકતાં અદ્રશ્ય પરસેવાના ટીપાંઓને જોઈ પણ શકું છું ને એ ટીપાંઓની ભીનાશ મહેસૂસ પણ કરી શકું છું.

એ ક્ષણે હું બસ મૌન ધારણ કરીને એને તાક્યા કરું છું, એ ક્ષણોએ મને શીખવ્યું છે કે સતત હસતા ચહેરે મહેનત કરતા રહેવું, યોગ્ય સમયે ફળ મળી રહેશે.

શ્રી બંગાવડી તા. શાળામાં આઠ વર્ષ વીતાવ્યા ત્યારની ક્ષણો...

સ્કુલ એટલે શું? ટીચર એટલે શું? શિક્ષણ એટલે શું? બાળપણ એટલે શું?... આવું ઘણુંય મેં માણ્યું છે એ ક્ષણો આજેય દિલમાં અકબંધ છે. ફરી ફરીને ચોકલેટની જેમ મમળાવવાનું મન થાય એવી મીઠી મધુરી ક્ષણોમાં મને ધકેલવા માટે મારા ગામની સ્કુલ કે જ્યાં મેં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું એ નિમિત્ત બની.

એ ક્ષણો દરમિયાન ત્યાંના શિક્ષકો દ્વારા મળતો અવિરત પ્રેમ આજે પણ મને ત્યાં જવા માટે આકર્ષે છે. અને જ્યારે પણ જાઉં છું ત્યારે ફરી વધુ યાદગાર ક્ષણો સાથે લઈને પરત ફરું છું.

ઉમાભવન અને ઓરપેટમાં ચાર વર્ષો ગાળ્યા એ દરમિયાનની અમુક ક્ષણો...

આહ! 'ઉમાભવન' નામ સાંભળતા આજેય એક અનેરો રોમાંચ થઈ ઉઠે છે! '૧૪ થી ૧૭' વર્ષની ઉંમર દરમિયાન ઘરથી દૂર ચાર વર્ષ હોસ્ટેલમાં રહી. એ ક્ષણો મારા માટે ફક્ત ક્ષણો જ ન હતી. પરંતુ એ ક્ષણો મારા માટે શિક્ષક બનીને રહી હતી. મેં એ ક્ષણોને માણી છે, જાણી છે ને વાંચી પણ છે! એ ક્ષણોએ મને 'ખુદ'ને જ વધુ ઓળખવાનો મોકો આપ્યો, ખુદની ખુદ સાથેની પ્રીત વધુ મજબૂત બનાવવા માટે સૌથી વધુ સાથ આપનાર કોઈ હોય તો એ આ ક્ષણો. એકલું લડતા શીખવ્યું, જાતે જ ખુદના કર્યો કરવાનું શીખવ્યું. લોકોને ઓળખતા શીખવ્યું, આત્મનિર્ભય અને આત્મવિશ્વાસુ બનાવી. ટૂંકમાં કહું તો, એ ક્ષણોએ 'કાચા ઘડાને પાક્કો બનાવવા' માટેની તમામ કોશિશ કરી.

'ઓરપેટ' આ એ જગ્યા કે જ્યાં મેં '૯ થી ૧૨' ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. ઓરપેટ નામ સાંભળતાની સાથે જ આજેપણ ત્યાં દોડી જવાનું મન થાય છે. અલગ અલગ સ્વભાવના કેટલાય મિત્રો મળ્યા તો કેટલાય હેતાળ ને પ્રેમાળ શિક્ષકો મળ્યા. કેટલાક લોકો દોસ્ત બની દોસ્તી નિભાવી ગયા તો કેટલાક લોકો દોસ્ત બની પાઠ ભણાવી ગયા.

સૌથી સુંદર કશું ગમ્યું હોય તો એ છે '૨૦૧૭/૨૦૧૮' આ બે વર્ષ. સાયન્સના દિવસો પણ સોનેરી દિવસો! 'સાયન્સ ફેમિલી' નામે મસ્ત મજાનો એક પરિવાર મળ્યો. આજે આ પરિવારના દરેક સભ્યો અલગ અલગ ખૂણે છે છતાં 'હેપી સાયન્સ ફેમિલી' ગ્રુપના નામે જોડાયેલ છીએ. સાથે મળી ક્યારેક આ વીતી ગયેલી ક્ષણોને યાદ કરીને હસી લઈએ છીએ. સાચા અર્થમાં 'ગુરુ'નો અર્થ હું આ બે વર્ષોમાં સમજી. આ નિમિત્તે હું મારા પૂરા સાયન્સ સ્ટાફને યાદ કરું છું. એમની સાથે ગાળેલી દરેક ક્ષણોએ મને જીવન જીવવાની શીખ આપી છે. આ બે વર્ષ દરમિયાનની અમુક ક્ષણો મને શીખવી ગઈ કે માતા-પિતા પછીના સ્થાને 'ગુરુ' કેમ બિરાજે છે? આ બે વર્ષોમાં મને એ પણ સમજાયું કે કઠિન કામ પણ હસતા હસતા અને મનથી કરો તો સરળ બને છે. બધા કહેતા હોય છે કે 'સાયન્સ એટલે અઘરું' પણ ક્યારેય મને 'અઘરું' લાગ્યું જ નથી. સાયન્સને પણ માણવાની અલગ મજા હતી.

'નવયુગ'કૉલેજમાં મારો પ્રથમ દિવસ હતો એ ક્ષણ...

કૉલેજનો એ પ્રથમ દિવસ... નવી જગ્યા, નવા મિત્રો, નવી ભાષા,(૧ થી ૧૨ ગુજરાતી મીડીયમ/ B.Sc ઇન ઈંગ્લીશ) ટીચર્સની જગ્યાએ ફટાફટ અંગ્રેજી બોલતા પ્રોફેસરો. જૂનું મૂકીને નવું સ્વીકારનું હતું. હા, અમુક જૂની વસ્તુ સાથે હતી જ એ વાત અલગ. પણ આ ક્ષણોએ એ પણ શીખવ્યું કે સમયે સમયે બધું બદલતું રહેશે ખુશીથી સ્વીકારો કે ઉદાસીપૂર્વક સ્વીકારવું તો પડશે જ!

એક વિદ્યાર્થી તરીકે મને 'શૈલેષ સગપરિયા' સરની પ્રેરણાદાયી વાર્તાઓ વાંચવી હંમેશા ગમતી, કૉલેજના પ્રથમ દિવસે જ મને ગમતા લેખકને મળવાનું થયું. એ ક્ષણે મને લ્હાવો આપ્યો શૈલેષ સગપરિયા સરને રૂબરૂ સાંભળવાનો અને મળવાનો. 

મારા મિત્રો સાથે વીતાવેલી ક્ષણો...

'મિત્રો સાથેની ક્ષણો બહુ પ્યારી લાગે.

કારણ કે એની બોલી મને ન્યારી લાગે!'

મિત્રો સાથે વીતાવેલી દરેક ક્ષણોમાં ભરપૂર આનંદ મળ્યો છે. ક્યારેક ઝઘડો થયો તો પણ એ ક્ષણ યાદ કરી આજે આનંદ થાય છે. આ ક્ષણ એટલા માટે વધુ ગમે છે કેમ કે જાતે પસંદ કરેલ પાત્ર સાથે જાતે જ ક્ષણો ગાળવા મળે છે. 'પસંદ પણ તમારી ને ક્ષણો પણ તમારી' એ ક્ષણોનો આભાર કે જેને મિત્રતાની દોર મજબૂત બનાવી છે!

જ્યારે હું અજાણ્યા મુસાફરને મળી એ ક્ષણ...

'મંજિલ મળે કે ન મળે સફરનો તો આનંદ ઉઠાવી લો!' જ્યારથી આ વાક્ય વાંચ્યું ત્યારથી જિંદગીને એક સફર તરીકે માણવા લાગી. જિંદગી એક પ્રવાસ છે, આપણે સૌ પ્રવાસીઓ. પ્રવાસ દરમિયાન અગણિત મુસાફરો મળશે. અમુક પાસેથી નીકળી જશે તો ખબર પણ નહીં પડે ને અમુક દૂરથી પણ પાસે લાગશે.

અનાયાસે જ મારી સાથે પણ એક આવી ઘટના બની. સફરમાં મળ્યો એક અજાણ્યો મુસાફર. અઢળક વાતચીતો અને વિચારોની આપ-લે થઈ અમારી વચ્ચે. એ દરેક ક્ષણ મારા માટે કિંમતી છે. કારણ કે એ મુસાફર ન મળ્યો હોત તો 'કદાચ' હું સાહિત્યમાં આટલી ઊંડી ન ઉતરી શકી હોત. હા, લેખન મારું સ્વપ્ન હતું જ. પણ એ મુસાફર ન મળ્યો હોત તો 'કદાચ' મોડું થઈ જાત સ્વપ્ન તરફ દોટ મુકવામાં. એ ક્ષણની હું આભારી છું જેને મને એક દોસ્ત રૂપે માર્ગદર્શક આપ્યો. મને હંમેશા એના તરફથી પ્રોત્સાહન મળ્યું છે.

પુસ્તકો સાથે વીતાવેલી દરેક ક્ષણો...

સૌથી વધુ સ્પર્શી ગઈ હોય તો એ છે આ ક્ષણો છે જે મેં પુસ્તકો સાથે વીતાવી છે. અઢળક જાણી-અજાણી અનુભૂતિઓમાંથી પસાર થવાનું સુખ મળ્યું. ન જાણેલું નવું જાણવા મળ્યું તો ક્યારેય જાણેલું શબ્દોમાંથી ડોકાતું નજરે પડ્યું. અસંખ્ય પાત્રોને પોતીકા બનાવી શકી તો અમુક પાત્રોમાં મને શોધતી રહી. એ ક્ષણો મારી સૌથી પ્રિય ક્ષણો છે જ્યારે હું એક વાંચક તરીકે જીવી છું.

શબ્દો સાથે વીતાવેલી ક્ષણો...

શબ્દો સાથે આમ તો મારો હજુ નવો નવો જ પરિચય કહેવાય. હું 'એને' અને એ 'મને' બંને એકબીજાને સમજતા શીખીએ છીએ. પણ જ્યારે શબ્દોને કાગળ પર ઢાળું છું ત્યારે આનંદ મળે છે. કારણ કે એ મને મારા લેખક બનવાના સ્વપ્ન તરફ આગળ લઈ જાય છે. અમુક વખત હું શબ્દોને મળી છું ત્યારે એને મને કાનમાં આવીને કહ્યું છે તારે મારું પ્રિય બનવું હોય તો હજુ મહેનત કરવી પડશે. શબ્દો સાથે વીતાવેલી ક્ષણોએ મને ક્ષણભર માટે 'લેખક' બનાવી છે. આ ક્ષણો પાસેથી મને લેખનમાં આગળ વધવાની પ્રેરણા મળી છે.

શોપિઝન સાથે વીતાવેલી ક્ષણો...

એક વર્ષ થયું, પણ જાણે વર્ષો જૂનો આ સંબંધ લાગે. એ દરેક ક્ષણ કે જે મેં શોપિઝન સાથે વીતાવી છે એ યાદગાર બની ગઈ છે. એના ઘણા કારણો છે... અહીંથી માર્ગદર્શન મળ્યું, પ્રોત્સાહન મળ્યું ને વિશાળ જનસમુદાય પણ મળ્યો. અપરિચિત લોકો સાથે પરિચય થયો. પરિચય પણ એવો કે 'મળ્યા વગરની વાતો' આવી ક્ષણો જાણે  'જાદુઈ ક્ષણો' લાગી.

જ્યારે 'હું' 'ખુદ'ને જ મળી એ ક્ષણ...

આ ક્ષણ આમ તો ઘણીવાર આવતી હોય છે. થોડી મોટી થઈ અને સમજદાર બની ત્યારબાદ 'હું' 'મને' જ મળી. અને ખુદને મળી એનો આનંદ અનેરો હતો. એ ક્ષણે મને કહ્યું કે આવી મુલાકાત તો રોજ થવી જોઈએ. બસ એ ક્ષણ બાદ અનેક વખત આ મુલાકાત થતી રહે છે. એ ક્ષણનો ખૂબ આભાર કે જેને મને 'ખુદ' સાથે મુલાકાત કરાવી.

જેને હું ભૂલી ગઈ છું એવી અમુક ક્ષણો...

જે ક્ષણોને હું ભૂલી ગઈ છું એને પણ આજે યાદ કરી લઉં, એ બહાને કે એને મને ન યાદ રાખવા જેવી વસ્તુઓ ભૂલતા શીખવ્યું છે.

જ્યારે મેં આ પત્ર લખ્યો એ ક્ષણ...

આ ક્ષણ પણ એમાં સામેલ થઈ ગઈ જે ક્યારેય વીસરાશે નહિ. આ પત્ર લખતા લખતા હું ફરી એ ક્ષણોમાંથી પસાર થઈ જે ક્ષણોમાં હું એક સમયે જીવી હતી!

આવી અઢળક ક્ષણો જેને મને ખૂબ આનંદ આપ્યો અને અલગ અલગ અનુભૂતિ કરાવી, એ દરેક ક્ષણોને હું ખૂબ ચાહું છું. મને વિશ્વાસ છે આગળ પણ એ મને અલગ અલગ સ્વરૂપે વારંવાર મળવા આવશે.

અંતે બસ એટલું જ...

 એય... 'ડિયર ક્ષણો 'હું તને ભૂલી નથી ગઈ. હા, તું મને યાદ જ છો અને હંમેશા યાદ રહીશ.


                                  લિ. તને માણી ચૂકેલી 'હું'


✍️ © મીરા પટેલ









ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ