વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક પત્ર વ્હાલા સાસુમાઁને

એક પત્ર વ્હાલા સાસુમાઁને

ખુલ્લો પેમપત્ર


વ્હાલા સાસુમાઁ એટલે કે મમ્માઁ,

માઁ વિશે તો ઘણુંબધું લખ્યું અને કહ્યું પણ આજે મારે મારા બીજા માઁ એટલે કે સાસુમાઁ વિશે કહેવું છે,એટલે કે તમારા વિશે વાત કરવી છે જે કદાચ આપણે ક્યારેય ના કરી શક્યાં.

નાનપણથી જ દરેક છોકરીઓનું એક સ્વપન હોય કે તેના એક સુંદર રાજકુમાર સાથે લગ્ન થાય અને તે રાજકુમારની તે રાજકુમારી બનીને તેના હ્રદયમાં વસે.મારા સપનાઓમાં એક સ્વપ્ન તે હતું જ.એક સુંદર પરિવારનું સ્વપ્ન,જેમા હું ,મારા એ,અમારું બાળક અને સાસુ સસરા હોય.ભગવાનનો આભાર માનીશ કે હું તમને બધાંને મળી શકી અને મારું તે સ્વપ્ન પુર્ણ થયું.


જેમ જેમ મોટી થઇ તે સ્વપ્ન પણ મારી સાથે જ મોટું થતું  ગયું અને અંતે તે સમય આવી ગયો કે જ્યારે મે જીવનના એ ચરણમાં પ્રવેશ કર્યો કે હું તે સ્વપ્ન પુર્ણ કરવાની એકદમ નજીક હતી.તે રોમાંચ અને ઉત્સાહની સાથે અંદરખાને એક ડર પણ હતો કે નાનપણથી જે ટીવીમાં અને ફિલ્મોમાં જોયું હતું શું ખરેખર સાસુ આવા હોય? એકદમ કડક,ગુસ્સાવાળા,શું તે લગ્ન પછી તુરંત જ ઘરની બધીજ જવાબદારી મારા પર નાખી દેશે?


આવા અનેક પ્રશ્નો હતાં મનમાં અને ડર પણ.અંતે એ દિવસ આવી ગયો.તમે આવ્યાં મારા જીવનમાં,તમે એમને લઇને ભાવીસસરાજી જોડે મારા ઘરે આવ્યાં પહેલી વાર મને જોવા.તે દિવસે તમને પહેલી વાર જોઇને હું ખરેખર ડરી ગઇ હતી.કેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ !ચહેરા પર કેવી આભા! સુંદરતા પણ એટલી જ.


તમારી વાતો,તમારું જ્ઞાન ,સમજદારી અને તમારો પ્રેમાળ સ્વભાવ ખુબજ અદભુત છે.લગ્ન કરીને જ્યારે કુમકુમ પગલાં કરીને મે આ ઘરમાં પ્રવેશ કર્યોને ત્યારથી લઇને અત્યાર સુધી હું ક્યારેય સમજી જ ના શકી કે સાસુમાઁ કોને કહેવાય ?કારણકે મને તો અહીં પણ માઁ જ મળી ગયાં.મારી જાતને ખુબ જ ભાગ્યશાળી સમજુ છું કે તમે મારા માઁ છો ભલે તમે મને જન્મ નથી આપ્યો પણ હંમેશાં મને તમારી  દિકરી જ ગણી છે.


લગ્ન પછી સ્ત્રીને એક નવાજ વાતાવરણમાં ,નવા લોકોની વચ્ચે આવે છે.જન્મથી મોટા થયા સુધી એક જ ઘરમાં પોતાના અનુકૂળતા પ્રમાણેના વાતાવરણમાં મોટી થયેલી દિકરી ,બાળકી, કે એક નટખટ પુત્રી જ્યારે એક ઘરની પુત્રવધુ બની જાયને ત્યારે તેના મનમાં ખુબજ  ડર હોય કે તે આ નવા વાતાવરણમાં પોતાની જાતને ઢાળી શકશે? શું તે આ નવા ઘરમાં ,પોતાના ઘરમાં બધાંના હ્રદય જીતી શકશે?


આવા અનેક ડર મારા પણ મનમાં હતા,પણ મારી સાથે તમે હતા.દરેક ઘરના અલગ જ રીતરીવાજો હોય છે.મારી સાથે મારા પડખે ઊભા રહીને માઁ બનીને દિકરીને નવા ઘરમાં સેટ કરવા માટે તમારો આભાર કેવીરીતે માનું!?

તમારો ખુબ ખુબ આભાર કે તમે મને મારા ' એ' મને આપ્યાં.મારું સ્વપ્ન પુરું કર્યું તમારા સુંદર રાજકુમારની મને રાજકુમારી બનાવીને.એક માઁ માટે પોતાનું બાળક કેટલું મહત્વનું હોય છે તે હું પણ એક માઁ બનીને જ સમજી શકી.તમે મને તમારો વ્હાલો દિકરો સોંપ્યો,તમારું પ્રથમ સંતાન.તમે આટલા વર્ષ તેમને ખુબ જ સારા સંસ્કાર અને ભણતર આપીને મોટા કર્યા અને અંતે તમે તેમને મને સોંપી દીધાં.તેનો આભાર પણ કેવી રીતે માનું?


જ્યારે મે માતૃત્વના ડગ પર મારો પહેલો કદમ મુક્યો ત્યારે દાદી બનવાનો એક અનેરો આનંદ તમારા ચહેરા પર જોઇ મારી ખુશીનો કોઇ પાર નહતો.તે નવા સફરમાં મારી દરેક તકલીફમાં તમે મારો મજબુત પડછાયો બનીને મારી સાથે રહ્યા,મને હિંમત આપી અને મને સાંચવી.


મારા વ્હાલા દિકરાના તમે દાદી નહીં પણ માઁ,ટીચર, અને તેની સાથે તેની જેમજ બાળક બનીને કેટલા બધાં રોલ નિભાવ્યાં!તેને ઘણુંબધું શિખવ્યું રમતા રમતા.નવી નવી રમતો રમાડીને તેનો સર્વાંગી વિકાસ થાય તે ધ્યાન રાખ્યું.


જ્યારે મે મારા જીવનમાં કઇંક નવો અને અલગ જ પ્રયાસ કર્યો ત્યારે તમે હતા મારી સાથે મારો ઉત્સાહ વધારવા અને તે હતું મારું લેખન.


મારા લેખનની સફરમાં શરૂઆતથી જ મારા સહયાત્રી બન્યાં.મારી વાર્તાના સાચા પ્રતિભાવ આપી હંમેશાં મને માર્ગદર્શન પુરું પાડ્યું.આજે જ્યારે એક લેખિકા તરીકે હું મારી ઓળખ સ્થાપવામાં સફળ રહી છું.તો તમને આ વાતનો ખુબ જ ગર્વ છે એ વાત હું સારી રીતે જાણું છું.


આજે પણ દિવસમાં સૌથી પહેલા મારી લખેલી વાર્તા વાંચીને જ તમે દિવસ શરૂ કરો છો તે વાત મને અનહદ ખુશી આપે છે.જ્યારે તમે ગર્વ સાથે તમારી સખીઓને અને અન્ય લોકોની સામે કહો છે કે મારી રીંકુ ખુબ જ મોટી લેખિકા બની ગઇ છે.તે ખુબજ સરસ  નવલકથાઓ  અને વાર્તાઓ લખે છે.તે સાંભળીને મને ખુબજ આનંદ અન સંતોષ મળે છે.તમે બહાર બધે જ  મારી ઓળખ એક ઓથર તરીકે આપો છો.થેંક યુ.

તમારી જોડેથી ઘણુંબધું શીખી પણ હજી ઘણું શીખવાનું બાકી છે.ઘણીબધી યાદો આપણે બનાવી હજી ઘણીબધી યાદો બનાવવાની બાકી છે.તમારા ઘણાબધા ગુણો જીવનમાં હજી અપનાવવાના છે મારે.

કાશ કે સમાજમાં બધી જ દિકરીઓને સાસુની જગ્યાએ તમારા જેવી માઁ,સખી,ટીચર અને માર્ગદર્શિકા મળે.તો કેટલું સારું થાય નહીં?કોઇ માઁબાપને પોતાની દિકરીની ચિંતા જ ના થાય.આજે હું તમને કહેવા માંગુ છું કે આઇ લવ યુ મોમ.થેંક યુ મારા જીવનમાં આવવા માટે કદાચ આ બધું મે તમને પ્રત્યક્ષ રીતે ના કહ્યું  હોય પણ આ મારા હ્રદયની લાગણીઓ છે.જે હું પત્ર રૂપે રજુ કરી રહી છું.શું પ્રેમપત્ર પ્રેમિ પ્રેમિકા જ લખી શકે એકબીજાને?એક દિકરી પોતાની માઁને ના લખી શકે?આશા રાખું છું મારો આ પ્રેમપત્ર તમને જરૂર ગમ્યો હશે.

છેલ્લે છેલ્લે એક વાત તો જરૂર કહીશ કે તમને કોઇની પણ નજર ના લાગે હંમેશાં આવા જ રહો અને હા ભગવાનને એક પ્રાર્થના કે આવતા જન્મમાં પણ મને દિકરી જ બનાવજો અને તમે જ મને સાસુમાઁ રૂપે મળજો.


આપની વ્હાલી દિકરી,

રીન્કુ.



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ