વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક પ્રેમપત્ર, તારે નામ

એક પ્રેમ પત્ર, તારે નામ  


વ્હાલી નિશા,


સૌપ્રથમ લગ્નની પહેલી તિથિએ સાગમટે અનેકાનેક શુભકામનાઓ અને શુભાશિષ પાઠવતાં હૈયું હરખાય છે.


આજે સવારે હીંચકે બેસતાં જ વસંતના વધામણાં કરતાં, આંગણે લાલ ગુલાબનાં ફૂલોથી ઉભરાતાં છોડને જોઈ મારું મન ઝૂમી ઉઠ્યું.  ફોટા પાડવા મોબાઈલ હાથમાં લીધો ત્યાં જ તારો મેસેજ ટહુક્યો, "હેપ્પી વેલેન્ટાઈન ડે." 


ઓહ, આજે હૈયે ઉભરાતાં પ્રેમને ઠાલવવાનો દિવસ છે! પ્રેમ કરતા વ્યક્તિને યાદ કરી મમળવાનો દિવસ છે! મને પણ સામે મેસેજ ટાઈપ કરવાનું મન થયું પછી અટકી ચાલ, ત્રીસ વર્ષ પહેલા લખતી હતી તેમ એકાદ પ્રેમપત્ર જ લખી જોઉં,  મારાં બાળકોને ! 


મોસમને યાદ કરતાં મને કવિ શ્રી તુષારભાઈ શુક્લનું ગીત યાદ આવી ગયું. 


'હળવે હળવે શીત લહેરમાં ઝૂમી રહી છે ડાળો,

સંગાથે સુખ શોધીએ રચીએ એક રૂપાળો માળો.'


બુદ્ધિશાળી અને લાગણીશીલ મનુષ્યની આખી જિંદગી માળો રચવામાં અને જાળવવામાં નીકળી જાય છે.  મનુષ્યમાં પરિવારભાવના બળવંત હોવાથી એકબીજાના સુખદુઃખમાં ખોવાઈ જવામાં તે આનંદ અનુભવે છે.


અમારી વાત કરું તો અમારે તો રોજ વેલેન્ટાઈન ડે બોલો ! સાંજે થાકીને પતિ કામધંધેથી ઘરે આવે અને દરવાજો ખોલતાં સ્મિત અપાય એટલે વેલેન્ટાઈન ડેની લાખો શુભેચ્છાઓની આપ-લે થઈ જાય‌. ત્યારબાદ પતિને પાણીનો ગ્લાસ ઘરતી વખતે પત્નીને પતિનાં હાથનો સ્પર્શ થઈ જાય તેમાં તેને હજારો વેલેન્ટાઈન ગિફ્ટ દેખાવા માંડે છે. 


તો વળી ચારેબાજુ આર્થિક અને સામાજિક ભીંસમાં ઘેરાયેલા પતિને પત્નીનું એક વાક્ય, "બધું સારું થઈ જશે. તમે ચિંતા ન કરો." માં લાખો ગિફ્ટ મળી જાય છે.


પ્રેમ એ વસ્તુ કે બંધનમાં નહીં, દ્રષ્ટિમાં હોય છે બેટા.


આમ તો સમાજમાં એકદમ જટિલ કહી શકાય એવો આપણો સંબંધ છે, સાસુ-વહુનો!   તું મારાથી ગભરાઈશ નહીં. સાસુનું કામ સલાહ આપવાનું જ નથી. આપણે બંને એકબીજા પાસેથી શીખતાં રહીશું. નવી ટેકનોલોજી, નવી વાનગીઓ તો મારે તારી પાસેથી  શીખવી જ રહી.  'દેખાય છે તારામાં મને સહેલી, દીકરી મારી હેતની હેલી' ક્યાંક વાંચેલું વાક્ય મને એવું ગળે ઉતરી ગયું કે તને મિત્રભાવે કંઈપણ કહેતાં મને જરાપણ સંકોચ નથી થતો.  

 

આજે સવારે ‘હવે હું ફોન મૂકું છું, મારે વાસણ માંજવાનાં છે’  જ્યારે એવું કહીને સાગરે ફોન બંધ કર્યો ત્યારે હું ખુશ થઈ ગઈ. ચાલ, તારેય રોજ વેલેન્ટાઈન ડે છે જ.  મનેય દીકરાનાં ઉછેરનો ગર્વ થઈ આવ્યો કારણકે સ્ત્રીનું માન જાળવવાના સંસ્કાર આપવામાં મેં લીધેલી કાળજી દેખાઈ આવી. સાગરે તને ચાંદ-તારા તોડી લાવવાની વાત ન કરી હોય પણ સહજ અને સમજદાર જીવનસાથી તરીકે જરાપણ ઊણો નહીં ઉતરે તેની મને ચોક્કસ ખાતરી છે.


એક મા તરીકે સાગરને ઓળખું છું ત્યાં સુધી, જીવવાની સામાન્ય જરૂરિયાત સંતોષાય, મોજમસ્તી થાય એટલું જીવનમાં મળી જાય એ જ એનો ધ્યેય નથી.


 જોકે અતિમહત્વકાંક્ષી દીકરાની મા તરીકે મને હવે ચિંતા પણ થાય છે કે તેનું આખું જીવન પરિશ્રમમાં નીકળી ન જાય.  


જીવનમાં મનગમતો શોખ અને તેમાંથી મળતો આનંદ, પરિશ્રમ કરવા માટે ટોનિકનું કામ કરે છે. પીએચડી જેવાં ભારેખમ ભણતર સાથે તે તારાં ચિત્રકામનાં શોખને જાળવી રાખ્યો છે તેનો મને ખૂબ આનંદ છે. એક મા તરીકે મને એટલી ઈચ્છા તો ખરી કે તમે જીવનની હરેક પળને માણી શકો. 


તને એમ થતું હશે કે સાગર એકદમ નાસ્તિક છે. નાનો હતો ત્યારથી તેને હંમેશા હું 'ચોરી નહીં કરવી, જૂઠું ન બોલવું, દારૂ ન પીવો અને પરસ્ત્રીગમન ન કરવું આ ચાર વિધાનને જે વળગી રહે તે હિંદુ' એવું કહેતી રહેતી‌. તેના કારણે તેણે પૂજાપાઠ, મંદિરને એટલું મહત્વ નથી આપ્યું. પહેલા હું આગ્રહ કરતી તો એ  'હું હિંદુ છું' કહીને મને વાળી લેતો. પછી તો મેં પણ સ્વીકારી લીધું છે કે ધર્મિષ્ઠ કરતા કર્મિષ્ઠ દીકરો મને ગમશે.


ચાડીચુગલી કરવી એને નથી જ ગમતી એટલે એને અભિમાની કે ક્યારેક એકલપંડનું બિરુદ મળે છે. તને એનો એ સ્વભાવ ગમે છે કે નહીં તે મને ખબર નથી પણ દિલનો એ નિર્મળ છે એટલું ચોક્કસ કહી શકું .

 

માતા-પિતા તરીકે અમે એને દબાણ કે બંધનમાં રાખવાની કોશિશ નથી કરી છતાં ક્યારેક જીવનનો રાહ બદલાઈ ન જાય તે માટે આગ્રહ જરૂર રાખ્યો છે. એનાથી એનું મન દુભાયું હોય એવું બની શકે પણ આખરે તો અમે તેના મા-બાપ છીએ. સુંદર ઘરેણાં બનાવવા માટે સોનાને એરણથી ટીપાવવું પણ પડે જ. ક્યારેક એ અમારા માટે ફરિયાદ કરે તો સાંભળી લેજે.


એના મનપસંદ જીવનસાથીની પસંદગીમાં આડે નહીં આવવાનું અમે નક્કી કર્યું હતું.  એણે તારી સાથે જીવન જીવવાની જાહેરાત કરી અને અમે માન્ય રાખી ત્યારે તેને માટે સમાજે અમને બેજવાબદાર મા-બાપ ની કક્ષામાં મૂકી દીધા, ‘અમને ખબર જ હતી, સાગર એવું જ કરશે.' પણ અમને દીકરાની ખુશીમાં સામેલ થવાનું ગમ્યું.  સાચું કહું તો એનાંથી અમારો પરસ્પરનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો.

 

પતિપત્નીની ગાડાનાં પૈડાં સાથે થતી સરખામણી મને તો નથી ગમતી ભાઈ. બંનેએ સાથે જ ચાલવાનું અને સાથે અટકી જવું? એકવીસમી સદીમાં નિરંતર ચાલતાં રહેનારા જ વિજયી થાય છે.  ગતિ ભલે જુદીજુદી હોય પણ એકબીજાનાં પૂરક બની એક જ દિશામાં નિરંતર આગળ વધજો.  મારા વ્હાલા બાળકો, તમે તમારા ધ્યેયને આંબી વિજયી થશો એવી ચોક્કસ આશા  છે.


કાલે વાત કરતાં તમારી પાસેથી જાણ્યું કે તમને બંનેને ઘર મોટું જ લેવું છે. ઘરની જરૂરિયાત શેના માટે છે?  ઘર એટલે દુનિયાનો એ ખૂણો છે જ્યાં આખા દિવસનો થાકેલો વ્યક્તિ ત્યાં પ્રવેશે ત્યારે તેને પરમ શાંતિ મળે. ઘરે આવતાની સાથે તમને એ ઘરના હપ્તા ભરવાની ચિતા સતાવતી હોય, ઘરને સાચવવાની ચિંતા સતાવતી હોય તો તમને બંનેને શાંતિ મળશે ખરી?


આપણે ચાદર પ્રમાણે જ પગ પસવારીએ તો વણમાગી ચિંતા નહીં આવે પડે. સમજદાર બાળકોને મારે વધારે કહેવાની જરૂર નથી. ‌


પ્રમોશન કે ઈન્ક્રીમેન્ટની લ્હાયમાં હેરાન ન થશો. સમયથી પહેલા પાકેલું ફળ બેસ્વાદ થઈ જાય છે. ઘીમેઘીમે પગથિયાં ચઢતાં થાક જરૂર લાગશે પણ નીચે પછડાવાનો ડર ન રહેશે. એમાં પણ મજબૂત મનોબળવાળા સાથી સાથે તો હિમાલય પણ રમતાંરમતાં ચઢાઈ જાય. બરાબર ને? 


આ લાંબુંલચક ઉપદેશ આપવા માટે નથી લખ્યું. આ તો દિલમાં પૂર્ણ ખીલેલા ચંદ્રને કારણે આવેલી હરખની ભરતી છે બેટા. 


બસ આમ  તમે પણ તમારાં બાળક સાથે મનની વાત વહેંચતા રહેજો.  માતા-પિતા તરીકે પણ તમે બંને ઊણાં નહીં ઉતરો એની મને ખાતરી છે.


પત્રમાં ઉદ્દબોધન ભલે એકને કર્યું  હોય પણ લાગતું-વળગતું  એકમેકને વહેંચીને સમજજો. સ્ત્રી પુરુષના શર્ટનાં બટનને ટાંકે છે તો તેનો આત્મવિશ્વાસ પણ સાંધે  છે.  સમગ્ર જવાબદારી ઉઠાવી શકે તેવી સક્ષમતા મેં તારામાં જોઈ છે.

 

આજે મનની વાત કહેતાં ખાલી થયેલી જગ્યાએ પ્રેમનું મોટ્ટું પડીકું મૂકું છું. સમય મળ્યે તેનો સ્વાદ ચાખતા રહેજો. તબિયત સંભાળજો. ખૂબ મજા કરજો.


મમ્મીનાં આશિષ.

 

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ