વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મોટો માણસ

શહેરની  ફુલગુલાબી સાંજ પુરી થઈ ચૂકી હતી.   આભે અંધારાં ઉતરી ચૂક્યાં હતાં. નભ જાણે કાળી ભુરી ચાદર ઓઢી સુવાની તૈયારી કરતું હતું. રાત ઢળી ચુકી હતી. એ સાથે જ ઝાકઝમાળ રોશનીથી ચમકદમક થતા પ્રકાશિત રસ્તાઓ ઘર તરફ દોડતા ટ્રાફિકથી ઉભરાતા હતા. 

એવામાં નિયોન લાઈટ નીચે એ લાઈટ પડવાને લીધે વધુ ગોરી લાગતી ત્વચા અને એ લાઈટનો પ્રકાશ  કાનમાં પહેરેલ ઝૂમખાંઓ પરથી ગાલ પર પડતાં સાત રંગનાં વલયો  એકદમ સુંવાળા ગાલ પર શોભાવતી  અદભુત સુંદરતા ભરી પ્રેમા મારી સામે કાફેનાં ટેબલે બેઠી હતી. તે મારી સામે હવે મીઠું સ્મિત આપતી આંખોમાં આંખો પરોવી કોઈ પ્રત્યુત્તરની રાહ જોઈ રહી હતી.

આ આરસની પુતળીને જવા દેવાય? એ પણ જ્યારે એ તૈયાર હોય ત્યારે? એક બાજુ મારું મન કહેતું હતું કે મારી એને જે ઓળખ મળી છે એ ચાલુ રાખી એને મારી બનાવવા  એના પર મહોર મારી દઉં. પણ બીજી બાજુ મન ના પાડતું હતું કે ખોટું ન કરવું. સાચું જે છે એ જ કરવું. ભવિષ્યમાં મુશ્કેલી ન થાય.

એવું તે શું બનેલું?   બાહ્ય દેખાવ. અમારો બે સાથે ઉછરેલા મિત્રોનો બાહ્ય દેખાવ. મારા ગામના લોકોએ માની લીધેલું કે હું મારા મિત્ર કરતાં ખૂબ આગળ વધેલો છું. મેં એ માન્યતા ચાલવા દીધેલી. મિત્રને એથી કોઈ ફરક પડવાનો નહોતો.

બન્યું એવું કે હું પરેશ અને મારો મિત્ર નરેશ આ ગામડામાં  લગભગ સાથે  જન્મી, સાથે ભણી, સાથે મોટા થયેલા છીએ. બન્નેના પિતા ખેડૂત. બે ચાર ચોપડી ભણી ખેતીની કાળી મજૂરીમાં જોતરાઈ ગયેલા. બહારની દુનિયા જોવાનો એમની પાસે સમય જ નહોતો અને આજે પણ નથી. બેય બાપ પોતાની ખેતીમાં સખત પરિશ્રમ કરનારા. બેય અમને ખૂબ આગળ વધેલા, જેટલા બને તેટલા મોટા માણસ બનેલા જોવા માંગતા હતા અને એ માટે એમણે કોઈ કસર રહેવા નહોતી દીધી. પણ હું અને નરેશ ઘણી રીતે સરખા હોવા છતાં બુદ્ધિ કક્ષાએ હું નરેશ કરતાં પાછળ હતો. હું એ સાથે પૂરો રમતિયાળ, લોકોની છુંછી કરી ભાગી જનારો અને એ જોઈ નરેશ હસતો પકડાઈ જઈ માર ખાનારો. નરેશ ધીમેધીમે પોતાનામાં જ વ્યસ્ત રહેતો થઈ ગયેલો. એ ભણવામાં હોંશિયાર ને હોંશિયાર થતો ગયેલો જ્યારે પહેલાં પાંચ ધોરણમાં તેની આગળ પાછળ નંબર લાવનારો હું ધીમે ધીમે પાછળ પડતો ગયેલો. 

રમતમાંથી મારો જીવ ગંભીર બન્યો ત્યારે મોડું થઈ ગયેલું. મારે દસમામાં સામાન્ય ટકા આવતાં જનરલ સ્ટ્રીમ લેવું પડેલું અને નરેશ ઊંચા માર્ક્સ લઈ સાયન્સમાં ગયેલો. પણ ભણવા તો બન્નેને સાથે શહેરમાં જવું પડેલું. અમે એક જ બોર્ડિંગમાં રહેલા.  તે પછી મારે બારમામાં  સેકન્ડ કલાસ પણ ઓછા ટકાએ આવતાં મેં આર્ટ્સની એક સામાન્ય કોલેજમાં એડમિશન લીધું. જ્યારે નરેશ ઊંધું ઘાલી ભણીને બાર સાયન્સમાં બુદ્ધિ તેમ જ નસીબના સહારે  સારા ટકા લાવી એક જાણીતી  યુનિવર્સીટીની  જાણીતી કોલેજમાં આઇટી  એન્જીનીયરીંગમાં જઈ શકેલો.  

અહીંથી જ ભાગ્યની ટ્રેઈને પાટા બદલ્યા.

નરેશના બાપને શિક્ષણ લોન માટે મકાન કોલેટરલ સિક્યોરિટી તરીકે લખી આપવું પડેલું જ્યારે મારી ફી ઓછી હોઈ મારે ઘેરથી પૈસા મંગાવવાની જરૂર નહોતી પડી. નરેશને એના બાપે મારો દાખલો આપ્યો કે જો આ પરેશ માટે એના બાપને કોઈ વધારાનો ખર્ચ નથી કરવો પડ્યો જ્યારે તું જુવાન થયો પણ તારું હજી મારે કરવું પડે છે.

હોસ્ટેલાઈટ અને પાછા આઇટી વાળા. નરેશ હવે આવી ગયેલાં ચશ્માં પહેરી ચોળાયેલું ટીશર્ટ અને સાદી જીન્સ પહેરી કોલેજ જતો. બાપ પાસે તાણી તુસી તગડી ફી ભરાવી ઉપર ટાપટીપના ખર્ચા કરાવવા માંગતો ન હતો. જ્યારે હું, મને ગમતું અને ઘેર ખૂંચતું નહીં એટલે સામાન્ય સસ્તાં પણ ફેશનેબલ કપડાં પહેરવા લાગેલો. મારા મિત્રો છેલબટાઉ ન હતા પણ સ્ટાઇલમાં રહેનારા હતા. તેમની સાથે રહી હું બોલચાલની સ્ટાઈલો મારતાં પણ શીખ્યો હતો. મને સમજાઈ ગયેલું કે એક નૂર આદમી, હજાર નૂર કપડાં, સો નૂર નખરાં.


હવે વેકેશન કે રજામાં ગામડે જઈએ ત્યારે યુવતીઓ મારી સામે નજર ઠેરવી રહેતી. મારી માએ તો ખાનગીમાં સારી એવી રૂપાળી છોકરીઓની મા ને વાત પણ કરવા માંડેલી. મારા બાપ પોરસાતા કહેતા કે એમનો દીકરો કેવો અપટુડેટ ફરે છે, કેવી આંજી નાખતી બોલચાલ વાળો 'મોટો માણસ' થઈ રહ્યો છે. બિચારો નરેશ! ખૂબ હોંશિયાર પણ નસીબ નસીબનું કામ કરે. બિચારો શરીરે કંતાઇ ગયો છે ને કપડે લત્તે પણ ખુબ સાદો રહી ગયો છે! નરેશના બાપ અંદરથી કોચવાતા કે દીકરો પાંચમાં પુછાય એવો પ્રભાવ પાડી શકતો નથી.


જ્યારે સાચી વાત અલગ હતી. નરેશ આઇટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ હજી વધુ સારી સંસ્થામાં કે વિદેશમાં ઉચ્ચતમ શિક્ષણ મેળવી શક્યો હોત પણ બાપની, દાદાના પાંચ દીકરાઓ વચ્ચે એક પછી એક ભાગ પડતાં વધેલી નાની એવી જમીનનો પણ ટુકડો વેંચી આગળ ભણવાને બદલે તેણે ઠીકઠીક સારી એવી કંપનીમાં નોકરી લઈ લીધી. એ લોકોમાં ચલણ હોય છે તેમ વર્ષે દોઢ વર્ષે વધુ પગાર અને સવલતો આપતી કંપનીમાં નોકરીઓ બદલવા લાગ્યો.

જ્યારે મેં મારા 'સ્માર્ટ' દેખાવ ને  સ્ટાઈલોના જોરે પ્રાઇવેટ કંપનીઓમાં છૂટક કામ લેવા માંડ્યું. હવે સાચી ખબર પડી કે આર્થિક સ્થિતિ એટલે શું અને વેલ સેટલ્ડ એટલે શું. મારે પેઇંગ ગેસ્ટમાં ત્રણ ચાર છોકરાઓ વચ્ચે રહેવું પડયું જ્યારે નરેશ આરામથી પોતાની રૂમ લઈ શક્યો. 

અમે મળતા તો રહેતા જ. પણ દેખીતી રીતે નરેશની આંખમાં ગર્વ અને મારા પ્રત્યે દયા છલકાતાં જ્યારે મેં એની સામે લઘુતાગ્રંથિ આવે તે પહેલાં જ ખંખેરી નાખેલી. ટેવ અને આદતના જોરે હું  મારાં આધુનિક લાગે એવાં વસ્ત્રો અને મારી સ્ટાઈલો છોડી શક્યો ન હતો. અમે એક ગામના અને સ્કૂલમાં સાથે ભણેલા હોઈ મળતા રહેતા પણ મેં કહ્યું તેમ  ભાગ્યની ટ્રેઇન અલગ અલગ પાટે દોડતી થઈ ગયેલી. અમારાં સર્કલ એટલે કે મિત્રવર્તુળો વચ્ચે આકાશ પાતાળનો તફાવત હતો.

એ સાથે એક વખત અમારા ગામેથી મારા બાપ, નરેશના બાપ અને  ગામના બેચાર સારા ખેડૂતો અમારાં નોકરીનાં શહેરમાં આવ્યા. પહેલાં નરેશ તેમને લેવા ગયો. તેને જોબ પર જવાની ઉતાવળ હતી, આજે જ કંપનીની એક ક્લાયન્ટ મિટિંગ હતી તેથી સહુને ચા પાણી કરાવી 'રામરામ' કરી જ્યાં જવું હતું ત્યાંની ટેક્ષી કરાવી ચાલ્યો ગયો. તે સહુને જવું હતું એ સરકારી ઓફિસ હતી. હું આમેય હમણાં બેકાર જેવો હતો. હું એ ઓફિસમાં જઈ તેમની સાથે થઈ ગયો. ત્યાં જલ્દી કામ થાય એટલે મારી સ્ટાઈલો મારતો, એક બે જગ્યાએ કોઈ સાંભળે તો મૂછમાં હસે એવું ભૂલ ભરેલું અંગ્રેજી છાંટી એકાદ જગ્યાએ પટાવાળા જેવા ભાઈની 'તત્કાલ મૈત્રી' કરી કામ કઢાવ્યું. એ બધાને જમાડવા સાવ ઢાબાને બદલે ખુરશી ટેબલો હોય, જતાંવેંત વેઈટર પાણી આપી જાય  ને ધીમું સંગીત વાગતું હોય એવાં નાસ્તા હાઉસમાં લઈ ગયો. એક વખત તો ખર્ચી નાખ્યા. ભલે ખિસ્સું ખાલી થાય.

એની અસર પડી. એ ખેડૂતો અને અમારા બાપોનાં મનમાં હું કોઈ મોટો માણસ છું એવી છાપ દ્રઢ બની. ગામમાં મારી વાહવાહ ચોરે ને ચૌટે ફેલાઈ ગઈ.

થોડા રૂપિયા અને થોડી મદદ પણ શું કરી શકે છે!

લોકડાઉન આવતાં હું જેનું કામ મેળવતો એ વેપારીઓ ખુદ નવરા થઈ ગયા એટલે વળી હું ખીસ્સે ખાલી. પણ કોઈક રીતે મને હોમગાર્ડ્સના જવાનનું કામ મળ્યું.

દિવાળી આવી. હું બે જોડી સારાં કપડાં બેગમાં ભરી, બાપા  માટે ધોતી કુરતું અને બા  માટે બાંધણી જેવી સાડી લઈ છેક ધનતેરસની રાતે ડ્યુટી પરથી સીધો ગામ જતી બસમાં બેઠો. લે, નરેશ પણ સીધો નોકરીએથી આવી એ નાઈટ બસમાં ભેગો થઈ ગયો! અમે વળી સાથે બેસી જૂની વાતો વાગોળી.

પણ ગામમાં આવતાં મને બાપા સાથે શહેર આવી ગયેલા  ગામકાકાએ રામરામ કર્યાં જ્યારે નરેશને ઠંડો આવકાર મળ્યો. તો પણ એને  આવકારની બહુ પડી હોય એમ ન લાગ્યું. કોઈ પીઠ પાછળ બોલ્યું, 'લો, આ પરેશભાઈ જુઓ. કેવો વટ પડે છે એમનો આ ઇસ્ત્રીટાઈટ ડ્રેસમાં! ને આ નરેશીયો જુઓ. પગમાં ઓલ્યાં ફ્લોટર્સ, ઝબલાં જેવું ટીશર્ટ ને જિન્સનું પેન્ટ, અરે આવાં તો શેરમાં  ફૂટપાથે અઢીસો ત્રણસોમાં મળે છે!' ( એ 'અઢીસો ત્રણસો' નું નહીં, બ્રાન્ડેડ, ત્રણેક હજારનું હતું. પણ ગામલોકોને ખબર પડે તો ને!)

હદ તો ત્યારે થઈ જ્યારે રાત્રે જમીને અમે ગામના ચોરા જેવી જગ્યાએ ગયા. 'આવો આવો પરેશભાઈ' કહી મને થોડા ખસી કોઈ વડીલે જગ્યા કરતાં ખાટલે  મારે માટે જગ્યા ખંખેરતા હોય એમ હાથ પછાડ્યો. થોડી વારમાં નરેશ એકદમ હળવા મૂડમાં લટાર મારતો આવી ચડ્યો. એને કોઈએ સામેથી જગ્યા આપી નહીં. હું ખસ્યો અને મેં તેને જગ્યા આપી. ધીમેથી કોઈ ગ્રામ્યજન કહે 'આ તો મોટા માણસોને બેસવાની જગ્યા છે. નરેશભાઈને કહો આંય એક કોર આવતા ર્યે'.

મેં  હવે સ્પષ્ટતા કરી કે નરેશ ખૂબ સારી નોકરી કરે છે અને સારું કમાય છે. (હું તેનાથી ઘણું ઓછું કમાઉં છું એમ સામેથી હું થોડો કહું?)

મારી માએ ક્યાંકથી બાતમી મેળવી કે ગામમાં પેમલી કહેવાતી  પ્રેમા મારાં શહેરમાં ભણે છે અને રહે છે. એ પહેલાં નરેશની મા એના હાથ માટે વાત નાખવા જઈ પહોંચેલી. પ્રેમાનાં મા બાપ લગભગ તૈયાર થયેલાં પણ ત્યાં મારી મા પહોંચી. મારાં મોં ફાટ વખાણ કર્યાં. ગામમાં તો મારી કપડે લત્તે, સ્ટાઇલે કીર્તિ થયેલી જ. એટલે બે માંથી છોકરી વધુ સુખી થાય એ ઠેકાણું પસંદ કરવું એમ વિચારી, હું વધુ કમાતો ને વધુ મોટો હોઈશ એમ માની મારી પર કળશ ઢોળ્યો.

હવે નરેશની મા મોંમાં આવેલો કોળિયો મૂકે? એણે છાતી ફાડી કહેવા માંડ્યું કે એનો દીકરો તો ઓલ્યું કોમ્પ્યુટરનું ખૂબ અઘરું ભણ્યો છે અને મારાથી ખૂબ વધુ કમાય છે. 

હાથમાં આવેલી બાજી જવા દે તો મારી બા શાની? એણે તો મારી બોલચાલ,  સરકારી ઓફિસમાં  'મારું માન' જે ગામલોકોએ નજરે જોયેલું ને શહેરમાં મારી રહેણીકરણી વિશે ગાઈ વગાડીને અતિશયોક્તિનો મસાલો ઉમેરી મારી મહત્તા ગાવા માંડી.

'દૂધ કા દૂધ ઔર પાની કા પાની' કરવા રોજ દુધમંડળીમાં કેનો ભરી દૂધ ભરતા પ્રેમાના બાપે અમે કામ કરતા એ ઓફિસે જઈ ખાત્રી કરવાનું ઉચિત માન્યું. મારા બાપાને તો ગળા સુધી ભરોસો હતો કે હું જ વધુ મોટો માણસ ને વધુ આગળ પડતો છું. 

એક સવારે બેય બાપાઓ હું કામ કરતો હતો એ ઓફિસે  અગાઉથી જાણ કર્યા વગર આવી પહોંચ્યા.

હું બહાર ગેઈટ પર સિક્યોરિટી કેબીનમાં યુનિફોર્મ પહેરી બેઠો હતો. રુઆબ પાડવા હવે મેં મૂછો રાખેલી. હું કેબિનમાં  પંચિંગ મશીન સાથે બધાનો ટાઈમ નોટ કરી એન્ટ્રી આપતો અને બહાર એક બંદૂકધારી આર્મગાર્ડ સહુને લાઈન કરાવી એન્ટ્રી આપતો હતો. બેય બાપાઓએ એ ગાર્ડને મારું કામ છે એ કહ્યું. ગાર્ડે મને સલામ ભરી અને કહ્યું, 'સાબ, આપસે મિલને આએ હૈ'.  

મારી સામેથી લાંબી લાઈન પસાર થતી હતી. બેય ગ્રામ્ય ખેડુતો આભા બની જોઈ રહ્યા. હું વટથી કેબિનમાં બેઠો હતો.

ધીમેથી પ્રેમાના બાપા બોલ્યા, "વટ છે 'પરેશકુમાર' નો. કેબિનમાં બેઠા છે, બધા એને સલામું મારીને જાય છે."

મેં સાંભળ્યું. પાછળ 'કુમાર' લાગતાં અર્ધી સ્વીકૃતિ મળી ગયેલી લાગી.

એવામાં એ બેયને કહ્યા વગર નરેશના બાપા આવી પહોંચ્યા. એને આજે જ આવવું હતું! બીજો દિવસ ન મળ્યો!

ત્રણે ગ્રામ્યજનોએ એકબીજાને રામરામ કર્યા.

નરેશ આવ્યો. લોકડાઉન પછી હું સરખું કામ ગોતતો હતો ત્યારે એણે જ હું હોમગાર્ડ જવાનનું કામ કરી ચુક્યો હોઈ મારી ભલામણ સિક્યોરિટીમાં ખાલી પડેલી જગ્યાએ કરેલી. એણે બાઇક મસમોટાં પાર્કિંગમાં પાર્ક કરી અને ચાવી ઝુલાવતો દોડતો આવ્યો.  છેલ્લી લાઈનમાં ખભે બેગપેક અને  લેપટોપ સાથે ઉભી વારો આવતાં  પોતાનું કાર્ડ મને  ધરી કહે "પરીયા, જલ્દી કર બે. ટ્રાફિકમાં મોડું થઈ ગયું."

મેં એનું કાર્ડ પંચ કરી એને એન્ટ્રી આપી તે દૂર ઉભા ત્રણેય બાપાઓએ જોયું. પ્રેમાના બાપને મને કાર્ડ ધરી વાત કરતો નરેશ જોઈ લાગ્યું કે કદાચ નરેશે મને સેલ્યુટ મારી!!

એ કોર્પોરેટ ઓફિસ ચાલુ થઈ.

હજી પ્રેમાના બાપના મોં પરના ભાવો વાંચી ગયેલા નરેશના બાપે મેદાન છોડ્યું નહીં. એણે સહજ ભાવે લાગે એમ 'આવ્યા છીએ તો મળતા જઈએ' કહ્યું. તેમને નરેશ બેસતો તે ડિપાર્ટમેન્ટમાં અંદર જવું હતું. ઓફિસ ગેઇટની બહારનો ચોકીદાર કહે 'સામે કેબિનમાં બેઠેલા સાહેબ પાસેથી કોને મળવું છે, શું કામ છે તે ચોપડામાં લખી પાસ લઈ આવો.'

બાપાઓ મારી 'કેબિન' પર આવ્યા. મેં ધરાર ચોપડામાં હળવેહળવે એક એક વસ્તુ પૂછી એન્ટ્રી કરાવી અને  ગળામાં લટકાવવાની દોરી સાથે કાર્ડ આપ્યું. આમ તો એમાં ચીફ સિક્યોરિટી ઓફિસર સહી કરે. એ સહેજ દુર બીજી કેબિનમાં ફોન પર હતા. મેં એ કાર્ડમાં ગુડગુડ સહી કરી નાખી.  હિમ્મત કરીને.

તેઓની સાથે અંદર પેલા ચોકીદારને 'અપને ગાંવ સે હૈ' કહી ભલામણ કરી મોકલ્યો.

અંદર એક મોટાં વર્કસ્ટેશનમાં લાઈનબંધ અનેક ટેબલો પર લેપટોપ લઈ એન્જીનિયરો બેઠેલા. એમાં એક ખૂણે નરેશ.

પ્રેમાના બાપને લાગ્યું કે નરેશ કોઈ ખૂણે બેસી કામ કરતો સામાન્ય, એમના વિચારોની ભાષામાં 'ભાજી મુળો' છે.

બાકી હતું તે કોઈ ક્લાર્ક કે ઓપરેટરને નરેશે બોલાવ્યો. કોઈ ભૂલ બતાવવા. એ ઓપરેટર તેના બોસ નરેશ સામે આર્ગ્યુમેન્ટ કરતો મોટેમોટેથી કંઈક બરાડતો હોય એમ લાગ્યું. એ ઓપરેટર જાડો, ઊંચો અને પ્રમાણમાં મોટી ઉંમરનો હતો. નરેશના બાપ એ કાચ બહાર ઉભી જોઈ રહયા. પ્રેમાનો બાપ બોલ્યો- "આ એના સાહેબ લાગે છે. કામમાં ભૂલ કરી હશે, કરતા હશે એટલે સહેબ આમ ખબર લેતા હશે." એમ કહી તેમોં મચકોડી પીઠ ફેરવી જવા લાગ્યા ત્યાં નરેશની નજર ચોકીદાર અને બાપાઓ પર પડી. તે ઉભો થઇ બહાર આવ્યો અને સહુને વિનયથી પગે લાગ્યો. નરેશના બાપે પૂછ્યું, " બેટા, કાંઈ ભૂલચૂક થઈ તે પેલા સાહેબ તને ઠપકો આપતા હતા? સાહેબ બહુ કડક લાગે છે. પણ સહેજ  સરખી રીતે કહેતા હોય તો!"

નરેશે તે સહુને કેન્ટીનમાં લઈ જતાં સાચી સ્થિતિ સમજાવી. કેન્ટીનમાં જો કે સારો નાસ્તો કરાવ્યો, સર્વિસ ટી જાતે બનાવી પાઈ. પ્રેમાના બાપે હવે જે જુએ વિચારે એ મનમાં જ રાખવું યોગ્ય ગણ્યું. એક ક્ષણ નરેશના બાપે વિજયી સ્મિત કરી તેમની સામે જોયું.

આ વાત એ ચોકીદારે મને પછીથી કહેલી.


બાપાઓ બહાર આવ્યા ત્યાં હું કંપનીની પોશ કારમાં તેના ડ્રાઇવરની બાજુમાં બેસી ડાયરેક્ટર માટે કાર કઢાવતો હતો. ત્રણે બાપાઓ અવાચક થઈ આ વૈભવી કારમાં રોફથી ડ્રાઇવરની બાજુમાં બેઠેલા મને જોઈ રહ્યા. મારા બાપના મુખ પર હું ગર્વ વાંચી શક્યો.

પછી કહેવું શું હતું? પ્રેમાની માએ તો હું પ્રેમાને પસંદ કરું તેની માનતા લીધી. મારી મા વટથી ગામમાં મારા બાપાએ જોયેલા મારા વટની વાતો મોણ નાખી કહેવા લાગી. 'વેવાણ' સાથે ઘરોબો કેળવ્યો પણ પોતે તો પોતાને ઊંચી જ બતાવવા લાગી.

નરેશની વાત બાજુએ રહી ગઈ.


અને એમ મારી અને પ્રેમાની મિટિંગ આ સમી સાંજે આ કાફેમાં ગોઠવાઈ. પ્રેમા તો મને પામવા આતુરતાથી  મને જોઈ રહી હતી. એની કાળી દ્રાક્ષ જેવી આંખોમાં હું શમણાંઓ જોઈ શકેલો.  

એ શમણાંઓ હું પૂરાં ન કરી શકું તો? 

મન ઘડીક વાર ના પાડે કે બધું થઈ રહેશે. આ આરસની પૂતળી સામે ચાલી મારા ગોખલામાં સ્થાપિત થવા આવી છે તો ગોખલો તો કંડારી લેવાશે. વળી ઘડીક મન જોરથી કહે કે એ મને મોટો માણસ સમજી સમર્પિત થઈ છે એ ભ્રમ ભાંગી જશે તો આ આરસના ટુકડે ટુકડા વેરણછેરણ બની મને જ વાગશે.

મેં હિમ્મત કરી આખી સાચી વાત કહી. એને પામવું કોઈનું પણ અહોભાગ્ય કહેવાય અને મારી થશે તો હું એને ખોબો માંગે તો દરિયો ભરી આપવા  તૈયાર રહીશ તે કહી આખરે મારી સાચી સ્થિતિ, સામે નરેશની સાચી સ્થિતિ સમજાવી.

હું એકદમ હળવો ફૂલ બની ગયો. મેં બિલ મંગાવી રેસ્ટોરાં છોડતા પહેલાં આ સૌંદર્ય  પહેલી ને છેલ્લી  વાર આંખોમાં ભરી પીવા માંડ્યું.

ત્યાં નરેશ એ રેસ્ટોરાંમાં પ્રવેશ્યો. મેં જ તેનું ધ્યાન ખેંચી બોલાવ્યો. આ અમૂલ્ય જણસ તેની જ હોઈ શકે, તેના હાથમાં મુકું એમ વિચારી હજી ઓળખાણ કરાવું ત્યાં એ જ બોલી ઉઠ્યો, " અલી પેમલી, સોરી, પ્રેમા,  તું નસીબદાર છે. આ મારો લંગોટિયો દોસ્ત પરેશ છે ને વટદાર?  કોઈ હીરો જેવો? ને મનનો ખૂબ સાફ ને સાચો."

પ્રેમા બોલી ઉઠી, "ચોક્કસ. એની વાત પરથી જ હું કળી ગઈ કે તે મોટો માણસ છે. અણીને વખતે સાચી વાત કહી ત્યાગ કરી શકે તેવો. હું તો તેને પસંદ કરું છું. બેસોને નરેશભાઈ?"

"તો ચાલો, સાથે બેસીએ. એય નૃત્યા, કમ હિયર. આઈ ટોલ્ડ યુ એબાઉટ માય ક્લોઝ ફ્રેન્ડ પરેશ, નો? હી ઇઝ પરેશ એન્ડ.. ધીસ ઇઝ.." નરેશે સાથે ઉભેલી  શોકેઇસની પૂતળી જેવી સૌષ્ઠવ ભર્યાં અંગોવાળી, પાતળી, ઊંચી, પાણીદાર આંખોવાળી દક્ષિણી યુવતીને કહ્યું અને પ્રેમા સામે જોઈ એક ક્ષણ થોભ્યો.

"યુ કેન કોલ ફિયાન્સી ઓફ પરેશ. વી આર ફ્રોમ ધ સેઇમ વિલેજ.  અવર ફેમિલિઝ આર ડાઉન ટુ ધ અર્થ પરસન્સ."

નરેશ આર્થિક અને બૌદ્ધિક રીતે તો મારાથી મોટો માણસ હતો જ, હાથમાં આવેલી આ આરસની પ્રતિમાનો સહજતાથી ત્યાગ કરી, મારી મોટા દેખાવાની વાતો  છુપાવી સારી રીતે જ મને ઓળખાવે એવો મનનો પણ મોટો માણસ હતો. મારાથી એને નમી પડાયું. એણે મારો હાથ પોતાના હાથમાં લઈ થપથપાવ્યો. એમાં ઘણું આવી ગયું.

-સુનીલ અંજારીયા


 



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ