વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ક્યારેય ન કહ્યું એ આજે કહું છું.

ડિયર પપ્પા,


પહેલા જ કબૂલાત કરું છું કે જેટલો જોઈએ એટલો પ્રેમ મે ક્યારેય બતાવ્યો નથી. કદાચ બાપ બેટાનો સંબંધ જ આવો હોતો હશે. ચાહીને પણ વ્યક્ત ન થઈ શકે એવો જ પ્રેમ હોતો હશે કદાચ.


તમારા ને મારા સંબંધો હંમેશા ચકમક ઝરતા જ રહ્યા છે. તમારો સ્વભાવ ગુસ્સાવાળો અને " બાપ એવા બેટા ને વડ એવા ટેટા" કહેવત સાચી પડે એમ મારો સ્વભાવ પણ એવો જ રહ્યો છે. ગુસ્સાવાળો અને જિદ્દી.


મારો આ સ્વભાવ નાનો હતો ત્યારે વધારે ઉગ્ર રહ્યો હતો. જેટલો જિદ્દી હતો, તોફાની પણ એટલો જ.  ઝઘડો કર્યા વગર ઘરે ન જ આવું. અને ઝઘડો શું, રીતસરનો કોઈકે માર ખાધો જ હોય મારા હાથનો. અને હું ઘરે પહોંચું એ પહેલા મારી ફરિયાદો ઘરે પહોંચી જતી. ને તમારે મારા લીધે ઝઘડો કરવો પડતો. જોકે ગુસ્સાવાળો તો અત્યારે પણ છું જ. પણ હવે જીદ પર સમજદારી એનું કામ કરી જાય છે. મારા તોફાની બાળપણે તમને જે હેરાન કર્યા છે એ બદલ માફી ચાહું છું.


પપ્પા, હું એ કહેવા માંગુ છું કે આપણું જૂનું ઘર અને મારું બાળપણ જ્યાં વીત્યું એ બધું મને હજી યાદ છે.

એ ઘર અને એ જૂની યાદો આજે પણ એટલી જ વહાલી છે. જેમાં હુ છું, તમે છો અને આપણું પરિવાર છે. હા, આમાં મમ્મીનું નામ નહિ લઉં. કેમ કે મમ્મીને હું મારી લાગણીઓ કદાચ બતાવતો રહ્યુ છું. પણ દીકરા તરીકે તમને એ ક્યારેય નથી બતાવી. કદાચ માતાપિતાના લીધે જ બાળપણ બધાને આટલું વહાલું લાગતું હશે. બાપ બન્યા પછી હવે એ સારી રીતે સમજી શકું છું.



મારી કિશોરાવસ્થા આપણા બાપ દીકરા તરીકેના સબંધ માટે બહુ ઠીક નહોતી રહી. મેં મન ફાવે તેમ કરવાની મારી ઉંમરમાં, મારે મન ફાવે એમ જ કરવું હતું. ભણતર પર ધ્યાન ન આપવા બદલ તમારો ગુસ્સો મારા પર જે ફૂટી નીકળતો, એને ત્યારે હું સામે ગુસ્સો કરીને જવાબ તરીકે વાળતો. જોકે આજે હું કબૂલ કરું છું કે ત્યારે મારા પર આટલા કડક રહ્યા એટલે આજે હું આટલો સફળ છું. અને તમારું નામ રોશન કરી રહ્યો છું.



આ લખવાનો શોખ પણ કદાચ તમારી જોડેથી જ આવ્યો છે. તમે ઓફિસમાં થતાં અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લેતા અને અલગ અલગ કવિતાઓ અને વાર્તાઓ લખતા. હું નાનપણથી જ એ જોતો આવ્યો છું. નાનો હતો ત્યારે વિચારતો કે," આમ લખવું ને વાચવું શું ગમતું હશે. મને તો મારું આ ભણવું ને લખવાનું જરાય નથી ગમતું. કોઈને કઈ રીતે આમ લખવું ગમતું હશે. મને તો બસ મેદાનમાં રમવા જવું ગમે." 


અને આજે મને આ લેખનથી જુદો પાડવો અશક્ય જેવું થઈ ગયું છે. એ નાનપણનું મનમાં રોપાયેલું બીજ જ આજે મોટું વૃક્ષ થવા જઈ રહ્યું છે.



તમે જે કરતા આવ્યા છો અને હાલ જે કરો છો અમારી માટે એ સાચે જ વખાણવાલાયક છે. કદાચ અમારી જોડે શબ્દો ખૂટે. અને બદલામાં હું જે તમારી માટે કરું છું એ ઓછું જ પડશે. છેવટે બસ એટલું કહીશ કે હું તમને બહુ જ પ્રેમ કરું છું પપ્પા. આઈ લવ યુ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ