વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારા વ્હાલા મહાદેવ

મારા વ્હાલા મહાદેવ,


પિતા વિશે કંઇક લખ્યા પછી તરત વિચાર આવ્યો કે જો પિતા વિશે આટલું બધું લખી શકાય તો પરમપિતા વિશે કેમ નહીં?


અને આ વિચાર સાથે જ મહાદેવ, તમે યાદ આવ્યાં. ભગવાન તરીકે ઓળખતો જ રહ્યો છું. ક્યારેક મંદિરે જવું, ક્યારેક ન જવું, એવું બધું ચાલતું જ રહ્યું છે.


પણ, મારા જીવનમાં તમે બે તબક્કે આવ્યા. પહેલાં તો જીવનમાં આવતી નાની મોટી મુશ્કેલીઓથી લડવા માટે એક મિત્રે મહાદેવના મંદિર જવાની સલાહ આપી. મંદિર જઈને થોડું ઘણું ગમ્યું. મન શાંત થઈ જતું. મંદિર જવાનું શરુ કરીએ એટલે તરત જ એની અસર નથી દેખાતી. એમ લાગે છે કે હજી પણ તો જે છે એ એમને એમ જ છે. ક્યાં કંઈ ફરક પડ્યો? પણ, ફરક પડે છે. લાંબા ગાળે જો સાચા પથ પર રહ્યા અને એમના પર શ્રદ્ધા રાખી તો એ અનુભવ જરૂર મળે જ છે.



બીજો તબક્કો ત્યારે આવ્યો જ્યારે મેં અમિષ ત્રિપાઠીની ' મેલુહા ' વાંચી. ત્રણ ભાગમાં લખાયેલી આ વાર્તા પ્રભુ આપને એટલે કે મહાદેવને એક મનુષ્ય તરીકે બતાવે છે જે એક સામાન્ય માણસથી મહાદેવ કેવી રીતે બન્યા એ આખી કથા દર્શાવે છે. આ વાંચ્યા પછી જો તમે ખુદ જ ખુદના ' ફેન ' ન બનો તો જ નવાઈ. એ વાંચ્યા પછી મહાદેવ મહાદેવ મટીને મારા મિત્ર બની ગયા. મારા હીરો બની ગયા તમે. હવે એમ થાય કે તમારા જેવું બીજું કોઈ છે જ નહીં. ફિલ્મી હીરો બધા " ચાય કમ પાની " છે તમારી સામે. કારમાં જતા જો હું તમારા કોઈ ગીત કે ભજન સાંભળવા લાગુ તો આંખો આપોઆપ ભીની થઈ જાય છે. લાંબો રસ્તો ક્યાં કપાય જાય એ ખબર જ નથી રહેતી. ઘણીવાર તો એવું લાગે છે કે કાર તમે જ ચલાવી લીધી છે અને રસ્તો કપાઈ જાય છે અને આ બધામાં તમારો આશીર્વાદ અલગથી. આવી રીતે રોતા બધાની સામે સારા ન લાગીએ. એટલે સામાન્ય રીતે હવે એકલો જ મુસાફરી કરું છું. જેથી મારા આંસુ કોઈ જોઈ ન જાય.


હવે મને એ અનુભવ સતત રહે છે કે તમે ક્યાંક મારી આસપાસ જ છો મને સાચવવા. એટલા માટે કે હું ક્યાંક એકલો ન પડું. મારું ધ્યાન રાખો છો. દુનિયામાં બીજું કોઈ સાથ આપે કે ન આપે તમે હંમેશા આપશો જ.


અને હું તમારો પુત્ર. હું પણ પાછી પાની નથી કરતો. મારા દેવની આ દુનિયામાં દરેક વસ્તુ એની છે, દરેક જીવ એનો છે. જો બધું એનું જ છે અને દરેક જીવમાં એ જ છે, તો પછી હું કોઈનું ખરાબ કેવી રીતે કરી શકું? મારે તો હવે બધાનું સારું જ કરવું પડે ને. આખરે મારા લીધે કોઈ નિર્દોષના ચહેરા પર હાસ્ય આવે તો એ મારો પ્રભુ જ મારાથી ખુશ છે ને મને જોઈને એ હસે છે એ હું અનુભવી શકું.


તમને પૂછવા માટે પણ ઘણા બધા સવાલ છે. પણ હવે પછી પૂછીશ ક્યારેક. આ બધા માટે તમારો ખુબ ખુબ આભાર. કેમ કે તમારા સુધી આવવા માટે પણ તમારી મંજૂરી તો જોઈએ જ ને.


બસ હવે વધારે નહિ કહું. એટલું જ કહીશ કે


" હર હર મહાદેવ "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ