વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પિયૂને પત્ર

અતિપ્રિય-પિયૂડી


      કેમ ચાંપલી, હસવું આવી ગયું સંબોધન વાંચીને?આ તો પત્ર એટલે લખવું પડયું પ્રિય અને તેમાંય અતિપ્રિય એમ. બાકી તારા માટે તો ગુજરાતીના બધા જ અપશબ્દો ગોઠવી રાખ્યા છે...ડોબી,ગધેડી..વગેરે વગેરે…. હા..હા.. હા….મજા આવી ગઈ ઘણાં દિવસે આમ દિલની ભડાસ કાઢીને તારા પર.સાચું કહું તો તું જ મારી બેસ્ટ ફ્રેન્ડ. તું જ તો હતી જેની પાસે કંઈ પણ બોલતાં મારે વિચાર ન કરવો પડતો.તું જ તો મારા કાન હતી.જે મનમાં આવે તે બધું જ તને કહી દેવાનું એટલે હાશ થાય.


     તારા બધા જ રમકડાં મારા જ ગણીને હું રમતી અને તું ય મારું સૌથી ગમતું રમકડું હતી પિયૂડી. તને યાદ છે,તારી પેલી લાલ નાકવાળી ઢીંગલી જે મને બહુ ગમતી જે ખોવાઈ ગયેલી અને તેં મને એક મારેલી.તો આજે સાચેસાચું કહી દઉં એ મારી પાસે જ છે.મેં છુપાવી દીધેલી અને જયારે પણ તારી યાદ આવે છે ને તો કબાટમાંથી એ કાઢીને એને છાતી સરસી ચાંપી દઉં છું.પિયૂડી કેટલું મજાનું હતું ને આપણું બાળપણ!આપણે તો ખાલી કહેવાના પડોશી,બસ નામ માત્રના,હોઈએ હંમેશાં એકબીજાના ઘરમાં.તારી સાયકલની બાસ્કેટમાં મારી ઢીંગલી,મારો ભમરડો ને તારી પેલી ચકરડી અને સૌથી નવાઈની વાત તો એ કે આપણા મમ્મી પપ્પાને પણ કેવી નિરાંત હતી કે હશે તો બંને સાથે જ હશે કયાંક ચકરડાં વાળતી.


    તું તો એક નંબરની ઈર્ષાળું.હંમેશાં તારી મમ્મીને ફરિયાદ કરતી રહેતી કે એ હંમેશાં મારી પસંદનું જ જમવાનું બનાવે છે.મારા માટે નયનામાસી કંઈપણ લાવે એટલે તું હંમેશાં તારી અને મારી વસ્તુને સરખાવતી ને…. ને તને મને મળેલી જ વસ્તુ સારી લાગતી...લુચ્ચી એક નંબરની પણ મને ગમતું દરેક વસ્તુ તું મને મળે જ તેના પ્રયત્નો પણ કરતી.મને યાદ છે મને ગમેલી પેલી ગુલાબી હેરબેન તે જીદ કરીને લેવડાવેલી અને મારા તકિયા નીચે મૂકીને તું ચુપચાપ જતી રહેલી.મારી પિયૂડી મારા માટેઆપણે જયારે પણ ઝઘડયા અને અબોલા લીધા તો આપણા કરતાં વધુ ટેન્શન તો આપણા મમ્મી-પપ્પાને થતું કે આ બંનેએ શું માંડયું છે.


     પિયૂડી તને યાદ છે પાંચમા ધોરણમાં આપણે ભણતાં ત્યારે કલાસમાં મારો અને સોનલનો ઝઘડો થયેલો અને તેં મને રડતી જોઈને એને મૂકકા મારેલા.ટીચરે તને કલાસની બહાર ઉભી રાખેલી અને તું બહાર ઉભી ઉભી સોનલ પર ડોળા કાઢતી હતી.એટલું ઓછું હતું કે તે રીશેષમાં બધાને ધમકાવેલા કે કોઈએ મને હેરાન કરી તો તેનું આવી જ બનશે.તારા લીધે પછી કોઈએ મને કદી હેરાન ન કરી.બધા તને મારો બોડીગાર્ડ કહેતાં.ખરેખર તું તો મારી બોડીગાર્ડ જ હતી.


     આપણા બાળપણની ઢગલાબંધ મીઠી યાદો હદયને ખીલવી દે છે.એકલી બેસુ છું તો તારો ચહેરો સામે આવ્યા છે.ઉદાસ થાઉં છું તો જાણે તારા અવાજના પડઘા સંભળાય છે.જાણે તું બોલતી હોય ,'એયયયયય..બોઘી...હસ જોઉં.'અને ...અને જયારે હું હારીને રડી પડું છું ને ત્યારે મને તારા શબ્દો યાદ આવે છે કે ઓય જો રડી છે તો,રડવું તો ડરપોક લોકોનું કામ,ચાલ ઉઠ ઉભી થા,આપણે તો પરિસ્થિતિ સામે લડવાનું છે.મારી સુખની અને દુઃખની બંને સ્થિતિમાં મારું બળ તો તું જ હતી અને તું જ છે પિયૂડી.


     વળી,તારું સુરક્ષા કવચ કોલેજ સુધી સાથે રહયું.તું હંમેશા મનમાની કરતી.મારે હંમેશા તારી પસંદની  રમત રમવાની, તારા પસંદનું મૂવી જોવાનું અને તને ગમે તે જ સ્થળે ફરવાય જવાનું.તારી બધી દાદાગીરી મારે ચલવી લેવાની.મને તારા પર બહુ જ ગુસ્સો આવતો પણ તારા વગર ચાલતુંય કયાં હતું મને!તને ખબર છે નીરજ મને પ્રપોઝ કરવા માંગતો હતો પણ એને તારો એટલો ડર લાગતો હતો કે કૉલેજ પૂરી થઈ ગઈ પણ એ બોલી જ ન શકયો.એમ પણ તું માથેભારે જ ગણાતી અને તેમાંય તે કોલેજના ગુંડા ગણાતા ડેનિશ સાથે ઝઘડો કર્યો એટલે પછી તો તારી ખ્યાતિ લેડીડોનની જ થઈ ગયેલી.અરે!પ્રોફેસરો પણ તારાથી ડરતાં ત્યારે અમે તારી કેવી મજાક ઉડાવતાં.


     પણ પિયૂડી સૌથી મૂશકેલ દોર હતો આપણા જીવનનો તારા અને મારા લગ્ન.પહેલો એવો પ્રસંગ જયાં આપણે જુદા થયા હંમેશને માટે.તું યાદ કર ભાર્ગવ મને જોવા આવેલાં ત્યારે તે પછી ને પ્રશ્નો પૂછીને હેરાન કરી નાખેલા.એ આજે પણ મને કહે છે કે તું જયારે પણ સવાલ કરે ત્યારે પ્રિયાંસીની યાદ આવે.એણે તો મને ધોઈ જ નાખેલો. આટલા સવાલ તો મને જોબ ઈન્ટર્યુમાં પણ કોઈએ ના પૂછેલા.તારી બહેનપણી જબરદસ્ત છે હો.


      કેવી ધટના હતી નહીં?કયારેય છૂટા ના પડતાં આપણે બે ધડ દઈને અલગ થઈ ગયા.જયારે પણ આપણે ઝઘડો કર્યો તો થોડાં સમય પૂરતો એ ટકે ને પછી સાથે રહેવાના આપણે બહાના શોધતા થઈ જતાં પણ આમાં તો કોઈ બહાનું ન ચાલ્યું. લગ્ન કરીને ગઈ તે તને જોઈ ન શકી.એ તો ઠીક પણ નવી વહુની આ જવાબદારીને  લીધે તેં કરેલા ફોનના જવાબ પણ ના આપી શકી ત્યારે હદય વેદનાથી ભરાય ગયું. મને યાદ નથી કે લગ્ન પહેલાં આપણે એકાદ બે કલાક સિવાય વધારે દૂર રહયા હોઈએ પણ આ તો આજીવન જુદા રહેવાની સજા જેવું લાગ્યું.


       મને ખબર નથી આપણે કયારે મળશું. કેટલી વાતો કહેવાની છે તને.મને ચારા વિના ચેન નથી પડતું. દરેક વાતમાં મને સાથ આપનાર આજે કેટલા માઈલ દૂર છે મારાથી પણ પિયૂ તું દૂર નથી.ખૂબ નજીક છે મારી,એકદમ નજીક… મારા હદયમાં. હું તને મારી સાથે લઈ આવી છું. તારા વગર હું એ કલ્પના જ ન કરી શકું. એમ તો હું તને ફોન કરી શકત પણ મને તને પત્ર લખી જ એ કહેવું હતું કે પિયુ તું મારી જિંદગી છે.તું મારામાં કાયમ રહેશે.


                                તારી અને માત્ર તારી બહેનપણી

                                              આંચલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ