વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચક્ષુદાન મહાદાન

"ત્રીજી આંખ"ની ખૂબી એ છે કે તેનો ઉલ્લેખ આધ્યાત્મિક જગતમાં છે, તે દરેક પાસે હોય છે પણ ગુરુ કૃપા વગર દેખાતી નથી અને તે ખુલતી નથી. ત્રીજી આંખ ખુલતાં જ સૃષ્ટિના રહસ્ય ખુલે છે. શંકર ભગવાને ત્રીજી આંખથી જ કામદેવને ભસ્મ કરેલ. વિશ્વના કલ્યાણકારી  સંહારના કામ ત્રીજી આંખથી થાય છે એમ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ ગંભીર બાબત પછી થોડી રમુજી વાત અને છેલ્લે આંખનું મહત્વ તથા " ચક્ષુદાન "મહિમાની વાત રજૂ થશે.


😇શરીરમાં ૭૮ પ્રકારના અંગો એવા છે કે જેનું નામ બે અક્ષર સાથે છે જેમ કે આંખ, કાન, હાથ, પગ... (ત્રીજો કાન,ત્રીજો હાથ, ત્રીજો પગ એવો ક્યાંય ઉલ્લેખ નથી હો !)


પ્રાથમિક થી હાઈસ્કૂલ સુધી સાથે ભણેલા બે મિત્રોમાંથી એક આંખનો સર્જન થયો અને બીજો ખેડૂત બન્યો. સંજોગવશાત પરસ્પર પત્રથી, ફોનથી, કયારેક રૂબરૂ મુલાકાત થતી પણ આજે ડોક્ટર - દર્દી રૂપે મુલાકાત થઇ.😀😀😀

દર્દી : મારે આંખ બતાવી છે.

ડોક્ટર: બતાવ, તારી વહુને - મારી ભાભીને... મારી પાસે શા માટે આવ્યો ?

દર્દી : મારી નજર બગડી છે (થોડું ઝાંખું દેખાય છે)

ડોક્ટર: જા સત્સંગમાં. મારી પાસે શા માટે આવ્યો ?


મિત્ર, સાંભળ... આવી રમૂજ તારા જેવા લંગોટીયા મિત્ર સાથે જ થાય. દર્દી સાથે ન થાય. મારી ભાભી સાથે તારી આંખ ટકરાઈ અને બંને પહેલી નજરે એકબીજાના પ્રેમમાં પડ્યા ત્યારે પણ હું તારી સાથે હતો અને આજે પણ છું. જીંદગીમાં  એકવાર  તો આંખની બીમારી થાય છે જ.તું મારી નજરમાં હતો.બેસ, તારી આંખ પ્રેમથી ચેક કરી આપીશ, જરૂરત પડશે તો ઓપરેશન કરી દઈશ કારણ કે મારી હાજરી અને ગેરહાજરીમાં  તારી આંખ મને વારંવાર જોયા કરે છે. તારી આંખમાં શું છે તે મારાથી વધારે કોણ જાણે ?


ખેડૂત મિત્ર વિચારવા લાગ્યો કે- આવો સહૃદયી ડોક્ટર જીવનમાં મિત્ર રૂપે મળી જાય તે લ્હાવો છે.


આંખ એ અનમોલ રત્ન છે તે રત્નનું જતન કરવું જરૂરી છે. આજનું વિજ્ઞાન એ જાણી શક્યું નથી કે આંખમાં જે આંસુ આવે છે તે સુખના છે કે દુઃખના ? સત્સંગમાં જાણ્યું છે કે -  જે આંસુ ઠંડા હોય તે સુખના અને જે  આંસુ ગરમ હોય તે દુઃખના છે આ રહસ્યની વાત છે. નાકની બાજુમાં આવેલી આંખની અશ્રુ ગ્રંથિમાંથી આંસુ નીકળે છે અને બંને પાંપણમાં આવેલા બે -બે છિદ્ર  ( punctum)માંથી નાકમાંના કફ સાથે ભળી જતા નિકાલ થાય છે. આમ, આંખ સદા ચોખ્ખી રહે છે કારણ કે તે પ્રવાહીમાં કોઈ પણ બેક્ટેરિયા વાયરસ સામે લડવાની શક્તિ હોય છે, જાણે આંખનું અદભુત રક્ષણ કવચ...


😇આંખની બે પાંપણ ભેગી થયા પછી જગતની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ  તેમાં ઘૂસી શકતી નથી. પ્રભુએ અદભૂત દરવાજા આપ્યા છેને ?


😇આંખના પલકારા ૨૪ કલાકમાં ૧૪,૪૦૦ વખત થાય છે અને આંખની પાંપણના વાળ દર ૬૪ દિવસે નવા ફૂટે છે.


😇માથાથી પગના અંગુઠા સુધી દોઢ લાખ રક્તવાહિનીઓ છે તેને સીધી  લીટીમાં ગોઠવીએ તો ૬૦,૦૦૦  કિલોમીટર લાંબી થાય છે પણ એકમાત્ર અંગ એવા આંખની કોર્નિયામાં એક પણ રક્તવાહિની નથી.


😇 આંખમાં પ્રકાશના વિશ્લેષણ  માટે ૭૦ લાખ રિસેપ્ટર હોય છે તેનાથી ૨૦૦થી વધારે રંગોની ઓળખ થઇ શકે છે.


💀આ તો માત્ર ઝલક છે. કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેની જાણકારી  તેની આંખમાં પ્રકાશ પાડવાથી થાય છે.સામાન્યત: તે  બેટરીનો પ્રકાશ જીવિત વ્યક્તિની આંખમાં નાખવાથી કીકીમાં સંકોચ વિકાસ જોવા મળે છે પણ મૃત વ્યક્તિમાં તે  પ્રકાશને લીધે સંકોચ વિકાસ જોવા મળતો નથી.


🙏પરમ કૃપાળુ પરમાત્માએ કિંમતી રત્ન સપ્રેમ  આપી દીધું છે. સામાન્યત: સૌ કોઈ પોતાની મિલકત પરિવારને આપીને આ ફાની દુનિયામાંથી વિદાય લેતા હોય છે પણ આંખ રૂપી  અમૂલ્ય સંપત્તિનો લાંબો સમય સુધી સંગ્રહ થઇ શકતો નથી તેથી દુનિયાના જરૂરતમંદ લોકોને સપ્રેમ આપવી તે બુદ્ધિમત્તા છે કારણ કે અગ્નિદાહ સાથે તે ભસ્મ  થઈ જશે, તેની જીવતી ભસ્મ ( ચક્ષુદાન ) ઘણાને નવી રોશની આપી શકે છે.


🙏આપણા ભારત દેશની અંદાજે ૧૨૫ કરોડની વસ્તીમાંથી અંદાજે સવા કરોડ લોકોને અંધાપો છે. દુનિયાનો દર ત્રીજો અંધ વ્યક્તિ ભારતીય છે, કારણ ?

ચક્ષુદાન વિશે જાગૃતિનો અભાવ. દુનિયાના દ્રષ્ટિ હિન લોકોમાંથી ૨૦% રોગો કોર્નીયાના છે.અત્યારે ભારતમાં અંદાજે બાર લાખ લોકો કોર્નીયાના રોગને લીધે નજર ગુમાવી છે અને તેમાં દર વર્ષે અંદાજે ૩૦,૦૦૦ નો ઉમેરો થાય છે.આ તમામ આંકડામાં ખુબજ ઉમેરો થવાની સંભાવના છે કારણ કે અંધશ્રદ્ધામાં જીવનાર દૃષ્ટિહિન એમ માને છે કે કુદરતનો પ્રકોપ થયો.અરે! અમુક લોકો ઉપવાસમાં આંખમાં ટીપાં  નાખવાની ના પાડે છે.ગામડાના એક દર્દીને અચાનક આંખમાં પીડા થઈ. આંખની પીડા એ જાણે 'વા' ની પીડા તેમ વિચારીને 'વા' ના દુખાવાનો મલમ આંખમાં નાખી દીધો. આ સત્ય ઘટના છે. આંખની ટ્યુબનો આકાર અને એનું મુખ અલગ પ્રકારનું હોય છે તેની નોંધ લેવી જોઈએ.


અંધત્વ માટે પ્રથમ નંબરે કોર્નિયાના રોગો ( સાદી ભાષામાં ફૂલું)  પછી ઝામર અને ત્રીજા નંબરે મોતિયો છે, આ ઉપરાંત  વિટામીન ' એ' ની ખામી, આંખમાં ઇજા વગેરેને લીધે અંધાપો આવે છે. સામાન્યત: વૃદ્ધાવસ્થા કે  પ્રોઢાવસ્થામાં મોતિયો આવે ત્યારે ઝાંખપની કેવી ખરાબ સ્થિતિનો અનુભવ થાય છે. અંધત્વમાં તો બિલકુલ દેખાતું જ નથી.  આપ ખરેખર વિચારો અને પૂછો કે - આનો કોઈ ઉપાય છે ? જવાબ છે."હા". કઈ રીતે ?


🙏ભારતમાં દર વર્ષે અંદાજે ૮૦ લાખ લોકો મૃત્યુ પામે છે. આ બધામાંથી ચાર લાખ ચક્ષુ દાન કરે તો વીસ લાખ લોકો દેખાતા થઈ જાય કારણ કે નવી શોધખોળ અને આધુનિક સાધનો ને લીધે માત્ર એક નહિ પણ વધુમાં વધુ છ વ્યકિત ને તે કોર્નીયા કામ આવી શકે છે, પણ અફસોસ... વાસ્તવમાં આમાંથી માત્ર ૨૦,૦૦૦ લોકો જ  ચક્ષુદાન કરે છે તેથી ભારત કરતાં ખૂબ જ નાનકડા એવા શ્રીલંકા દેશ પાસેથી ચક્ષુ મંગાવવા પડે છે. તે દેશમાં ચક્ષુદાન બાબતે ખૂબ જ જાગૃતિ છે તેથી વિશ્વના અન્ય દેશો તેને આધારિત છે.


🙏કોર્નીયા કુત્રિમ રીતે લેબોરેટરીમાં બનતો નથી તેથી ચક્ષુદાન ઝુંબેશ જરૂરી છે. ચક્ષુદાનની તક કોઈ પણ ધર્મના - વર્ણના - જાતિના - સંપ્રદાયના , નાના-મોટા , ગરીબ  કે પૈસાદારને ઉપરાંત ઝામર,મોતિયાના રોગોવાળા અને  ચશ્માવાળા તમામને છે.(કોઈ પણ કેન્સરના રોગી, એઇડ્સ,  હિપેટાઈટીસ બી અને સી , હડકવા, મગજનો ઝેરી તાવ વગેરે દર્દી ચક્ષુદાન કરી શકતા નથી.હા,તેમની આંખો રિસર્ચમાં કામ આવી શકે છે.)


🙏 ચક્ષુદાનનું ફોર્મ ભરેલ હોય કે ન ભરેલ હોય મૃત્યુ પછીના ચાર થી છ કલાકમાં આપ ચક્ષુ દાન કરી શકો છો. માત્ર ૨૦ થી ૨૫ મીનીટની પ્રક્રિયા છે. ચક્ષુદાનથી દર્દીના ચહેરામાં કોઈપણ ફેરફાર જણાતા નથી. કોર્નીયામાં કોઈ રક્તવાહિની  હોતી નથી તેથી ૯૫% દર્દીને માફક આવી જાય છે અને સફળતા મળે છે. આપના દાનનો સંતોષ કારક ઉપયોગ થયો ગણાય. આપની બે આંખ કાયમ માટે બંધ થવાની હોય અને તમે પહેલાં અને બીજા સ્થાને સગા વ્હાલાને માનતા હો છો પણ તેમને હાલ જરૂર નથી તો ત્રીજો દર્દી ફરીથી આંખે જોઈ શકતો હોય તો તમે મુત્યુ પછી પણ જગત જોઈ રહ્યા છો.


👍👍👍ત્રીજી ગુપ્ત આંખ ખોલવાની આપણી પાસે શક્તિ નથી પણ આ પ્રકારનું ૧૦૦ % ચક્ષુદાન કરવાની શક્તિ તો છે છે અને છે જ.


Dr.Bipin Chothani



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ