વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રૂપિયામાં કરંટ છે છે અને છે જ

"રૂપિયામાં કરંટ હોય છે તે વાત થોડી વાર પછી જણાવીશ" તે પહેલા... खेल दुनिया में पैसोका.... આ વાંચતા સહજમાં ગંભીરતા આવી જાય છે. આ લખતાં મારું બચપણ યાદ આવી ગયું. ઇ.સ.૧૯૭૨માં મારી ૧૦ વર્ષની ઉંમરે એવો શોખ હતો કે - વધુ ને વધુ રૂપિયા હાથમાં પકડીને મિત્ર વર્તુળને જણાવતો કે " જુઓ, આજે...... રૂપિયા હાથમાં પકડ્યા."  ઘરનું લાઇટ બિલ નાની રકમમાં આવતું તેથી  આડોશી પાડોશીઓનું લાઈટનું બીલ ભરવા લાં...બી લાઇનમાં ઊભો રહેતો. ઇલેક્ટ્રિક મોટરની વાડીવાળા નું લાઇટ બિલ વધારે આવતું તેથી તેમની પણ સેવા કરતો અને મોટી રકમ પકડીને ખૂબ જ ખુશ હતો. ઇમાનદારીથી સૌને પાઇ પાઇનો હિસાબ આપી દેતો તેથી આ સેવાકાર્ય ઘણા સમય સુધી ચાલ્યું.


સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ પૈસાને સ્પર્શ કરતા નહીં અને કહેતા કે  - તેમાંથી વીંછીના ડંખ જેવો કરંટ આવે છે. આ વાતની ખાત્રી કરવા માટે સ્વામી વિવેકાનંદે કોઈને ખબર ન પડે તે રીતે ગુરુદેવની ગાદી નીચે એક સિક્કો રાખી દીધો. સ્વામી શ્રી રામકૃષ્ણ પરમહંસ તે આસન પર બેઠા અને તરત જ ઝટકા સાથે ઊભા થઈ ગયા. વિવેકાનંદે માફી માંગતા જ્યારે સિકકાની વાત જણાવી ત્યારે બોલ્યા કે -  પેલા સિક્કામાંથી મને વીંછીના ડંખ સમાન કરંટ લાગ્યો. મહાપુરુષની વાણી સામે કોઈ દિવસ શંકા-કુશંકા  ન કરાય. તેમના  ક્રિયા કલાપ અદભુત હોય છે.


આપને રૂપિયામાંથી કરંટનો  અનુભવ થયો છે? આપનો " ના " જવાબ થોડી ક્ષણોમાં "હા"માં પલટાઈ જશે. નવી કે જૂની નોટોની કિંમત એક સરખી હોવા છતાં આપણે લેતી - દેતી  વખતે હંમેશા જુની નોટો આપીને નવી નોટો લેવા માટે પ્રયત્ન કરીએ છીએ, આ કરંટ જ કહેવાયને ? (નવી નોટ જલ્દી વપરાય નહીં અને વ્યાજ પણ ન આપે.) બીજી વાત... વ્યાજ અને ચક્રવર્તી વ્યાજનો ધંધો કરે છે તે પણ એક પ્રકારનો કરંટ જ કહેવાયને ? ખિસ્સામાં કે બેન્કમાં - પોસ્ટમાં બેલેન્સ હોય છતાં "હાલ સગવડ નથી "તેમ બોલીને કોઈને છેતરીએ છીએ આ કરંટ જ કહેવાયને? આજકાલ સંપત્તિ માટે માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી દે, ધન માટે પુત્રીના  વારંવાર લગ્ન કરાવે, છૂટાછેડાનો મોટો દાવો માંડે, અરે ! કોઈનું ખૂન કરી નાખે...આ કરંટ જ છે.  કરંટ બાબતે સૌ પાસે ઘણી લાં...બી વાતો અને અનેક અનુભવો છે, ખરુંને?


કરંટથી બચવા શું કરવું?  રૂપિયાનો સ્પર્શ ન કરવો અથવા અવાહક મોજા પહેરવા." દાન ધર્મ "એ અવાહક મોજા સમજો. પરોપકારી કાર્યના પાયામાં  દાન છે.


પ્રથમ વખત દાન કરતાં જીવ ગભરાય છે. વિચારે છે કે -  અરે! કેટલી બધી મહેનત પછી આ રકમ જવા દીધી. ખેડૂતને પણ ખેતરમાં બીજ વાવ્યા પછી આવો વિચાર આવે છે કે - સારામાં સારા ધાન્યને ધુળમાં નાખી દીધું પણ જ્યારે મબલક પાક થાય છે ત્યારે ખૂબ જ ખુશ થાય છે. ફરી હિમતથી બીજારોપણ  કરે છે. આમ તેની હિમત વધતી જાય છે ,વધતી જ જાય છે.


દાન કરવું અઘરું છે પણ અશક્ય નથી, અઘરું શા માટે?

प्रगट चारि पद धर्म के

कलि महू एक प्रधान ।

जेन केन विधि दिन्हे दान करई कल्याण ।।

ધર્મના ચાર ચરણ ( સત્ય, દયા, તપ અને દાન) પ્રસિદ્ધ છે. આમાંથી કલિયુગમાં માત્ર એક દાન ચરણ જ રહ્યું છે.  કોઈ પણ પ્રકારે આપેલ દાન કલ્યાણકારી છે. (શ્રીરામચરિતમાનસ -  ઉત્તરકાંડ)


યાદ રાખો. સામાન્ય કરંટ લાગવાથી થોડું નુકસાન થાય છે. વારંવાર કરંટ લાગવાથી કે જોરદાર કરંટ લાગવાથી મૃત્યુ પણ થઇ શકે છે તેથી સાવધાની જરૂરી છે, નહીંતર છેવટે લોકો કહેશે કે- તેના હાથમાં રૂપિયા હતા છતાં અમને ખબર પણ ન પડી અને જ્યારે સૌને ખબર પડી ત્યારે સાહેબે ખાલી હાથે વિદાય લીધી,જાણે રૂપિયા પકડવાનો શોખ.  રામ બોલો ભાઈ રામ...


Dr. Bipin Chothani


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ