વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જુમ્મરી



જુમ્મરીની અર્ધ બીડાયેલી આંખો તડકાના ભારથી ખુલી નહોતી રહી. એણે તંદ્રામાં જ પોતાનો ચહેરો ફેરવી બીજી બાજુ ફરવાનો પ્રયત્ન કર્યો, પણ એને પોતાના ખભે ઊંચકી ચાલી રહેલા સુરીયાના બીજા ખભે અસહ્ય વેદના ઉપડી અને એણે જુમ્મરીને રસ્તા પર ઉતારી દીધી. અચાનક ગરમ ડામરના રોડ પર મુકાયેલી જુમ્મરી પગમાં દાઝવાથી સંપૂર્ણ જાગૃત થઈ ગઈ.

એણે પોતાની માઈ કમલીને બાપુનો ખભો પસવારતા જોઈ. એનો બાપુ એક હાથ માથે દઈ, બીજો હાથ પોતાના દુઃખતા ખભે દબાવી રહ્યો હતો. સૂરિયાની પીડા જોઈ કમલી બબડી ઉઠી, "નખ્ખોદ જાય ઈ કરોનાનું. મુઓ મરતોય નથી! કાં લગણ હાલશું? ને ઓલા પોલીસડા, જાણ્યા વગર પીટયા રાખે સ. નાશપીટયા, હીધા હાલવાય નથ દેતા. મારો રામ ખબર નૈ કેટલું રોવડાવસે હજી! બે દી થી હાલ હાલ કરતા સ. પેટ તો બળી ગ્યું સ. હવે તો કો'ક બટકું રોટલોય નથ આલતું."

પોતાની સામે અપલક તાકી રહેલી જુમ્મરીને જોઈ ફરી કમલીએ બોલવાનું ચાલુ કર્યું. "એ જુમ્મરી, હવે બાપુ પાસે ઊંચકાવતી નૈ. જાતે હાલ થોડીવાર. તારા બાપુને ઓલા પોલીસે ડંડો ફટકાર્યો સ. ઈને બૌ દુઃખે સ. હાલશે ને સોરી?"

કમલીની વાત સાંભળી જુમ્મરીને આગલી સવારનું દ્રશ્ય યાદ આવી ગયું. એમના જેવા ઘણા શ્રમિકો પોતાના વતન જવાની આશાએ શહેરની બહાર આવેલા બસસ્ટેન્ડ પાસે ભેગા થવા લાગ્યા હતા. હજારોની સંખ્યામાં ત્યાં હાજર શ્રમિકો, વતનની બસ ક્યારે લાગશે એની રાહમાં ત્યાંથી પ્રસારિત થતી સૂચના ધ્યાનથી સાંભળી રહ્યા હતા. મોઢા પર બાંધેલા કપડાં અને રૂમાલને કારણે એકબીજાને ઓળખવાનું મુશ્કેલ બનતું હતું. એવામાં કોઈએ વાત ફેલાવી, કે આજે આવનારી બધી બસ બે દિવસ પછી આવશે. જેને કારણે કેટલાય દિવસોથી અકળાયેલા શ્રમિકોમાં રોષ ફેલાઈ ગયો હતો. સામાજિક દુરી જાળવવાની વાત ભૂલીને સૌ બસસ્ટેન્ડની ઓફિસે પહોંચી ધક્કા-મુક્કીએ ચઢી ગયા. એ સૌને વિખેરવા માટે પોલીસોએ લાઠીચાર્જ કર્યો. જેમાં સુરીયાના એક ખભાનો ભોગ લેવાઈ ગયો.

એમની સાથે ચાલી રહેલા બીજા શ્રમિકોમાંથી ત્રણ-ચાર સૂરીયા પાસે ઉભા રહી ગયા. "બવ દુઃખે છે લ્યા? તો સોરીને ઊંચકીને નો હલાય. કાલથી જોઈએ સ તને. આખો દા'ડો આવડી મોટી સોરીને ઊંચકીને હાલતો સ. હજી તો કેટલે આઘે બીજા મલકમાં પોગવાનું સ. આવી રીતે કેમ હાલસે? રસ્તામાં કોક દાગતર મળે તો દવા લઈ લેજે. મૂઆ પોલીસડાના હાથમાં બોવ જોર હોય સ." એટલું કહી આગળ નીકળી ગયા.

રસ્તાની ધારે બેસી પડેલો સુરીયો, પાણીનું પાઉચ ફોડી પાણી પીવા લાગ્યો. આ જોઈ જુમ્મરીના ગળાને યાદ આવ્યું કે છેલ્લા કેટલા સમયથી એના મોઢામાં કંઈ ગયું નથી. એ કમલી સામે ફરી બોલી ઉઠી, "માઈ, બોવ ભૂખ લાગી સ. કાંઈ ખાવાનું આલ ને."

પોતાની પાસે રહેલું નાનું પોટલું ખોલી કમલીએ નાનું બિસ્કિટનું પેકેટ જુમ્મરી સામે ધર્યું. એટલે જુમ્મરી વિરોધના સુરે બરાડી ઉઠી. "માઈ, રોટલો આલ ને. બીસ્કુટ નથ ખાવી. બવ ભૂખ લાગી સ. પેટમાં બળે સે હવે."

"મુઈ, તું મારો જીવ ખા. અટાણે રોટલો ખાવો સે તારે? તારી માઈ ક્યાંથી લાવે રોટલો? ખાવું હોય તો બીસ્કુટ ખા, નૈ તો રે ભૂખી." છણકો કરતા કમલીએ જવાબ આપ્યો.

જુમ્મરીએ લાચાર નજરે સૂરીયા સામે જોયું. સૂરિયાથી એ નજરનો ભાર સહન નહીં થયો. ભીની થયેલી આંખો એણે જમીનમાં ખૂંપાવી દીધી.

જુમ્મરીને સમજાઈ નહોતું રહ્યું, કે શા માટે એના માઈ-બાપુ આટલા તડકામાં બે દિવસથી ચાલતા હતા. એને તો પોતાનો બે લાકડાને સહારે ગોઠવેલો તંબુ ઘણો યાદ આવતો હતો, જેમાં એ આખો દિવસ થોડા તૂટેલા રમકડાંથી રમતી રહેતી. માઈ-બાપુ એને તંબુમાં જ મૂકીને સવારથી મજૂરીએ નીકળી જતા. બાજુના તંબુમાં રહેતી ચંપા ડોશી જુમ્મરી અને એના જેવા બીજા થોડા બાળકોનું ધ્યાન રાખતી.

જુમ્મરીએ યાદ કરવાની કોશિશ કરી કે કેટલા દિવસથી એના માઈ-બાપુ મજૂરીએ નહોતા ગયા. પણ એનું બાળ મન એટલું સક્ષમ નહોતું. પણ એને એટલી સમજ પડતી હતી કે શેરમાં કોઈ જીવડું ફરતું રહેતું એટલે બધા પોતાના ઘરમાં ભરાઈ રહેલા. આખો દિવસ તંબુમાં રહેતા એના માઈ-બાપુ સતત કોઈ ચિંતામાં રહેતા. થોડા દિવસ પહેલા જ્યારે અમુક લોકો એ તંબુવાસીઓને થોડું રાશન આપી ગયેલા, ત્યારે સુરીયો થોડો હળવો થયેલો. પણ એ હળવાશ વધારે નહીં ટકેલી. થોડા સમયમાં એ પણ મળતું બંધ થઈ ગયેલું. છેવટે બધાએ પોતાના ગામ જવાનું નક્કી કરી લીધેલું.

બસ કેન્સલ થતા સૂરીયા જેવા ઘણા શ્રમિકો પગપાળા જ પોતાના વતન જવા નીકળી પડેલા.

***

લૂ લાગતા ગરમ પવનમાં જુમ્મરીની સૂકી ચામડી તતડી રહી હતી. કમલીનો હાથ પકડી એ દાઝતા પગે ધીરે ધીરે ચાલી રહી હતી. થોડી થોડીવારે કમલી પોતાનું ઉપસેલું પેટ પકડીને હાંફતી હાંફતી ઉભી રહી જતી હતી. જુમ્મરીને યાદ આવ્યું એની માઈ એના બાપુને કહેતી હતી, "થોડા દિવસમાં આપણી સોરીને રમવા હારુ જીવતું રમકડું મળી જાહે. પછી સાંતિ. આખો દી બેઉ હારે રમ્યા કરહે."

ત્યારે જુમ્મરીએ પૂછેલું, "માઈ તમે મને નવું રમકડું આલવાના સો? ઈ કાં સે?"

કમલીએ પ્રેમથી એક હાથ જુમ્મરીના માથે ફેરવતાં કહેલું, "જુમ્મરી, તારું રમકડું મારા પેટમાં સે. થોડા દી માં આઈ જાહે."

જુમ્મરીને નહીં સમજાયેલું કે રમકડું પેટમાં કેવીરીતે પહોંચી ગયું. માઈ રમકડું ખાઈ ગઈ હશે કે શું?

આવા તો કેટલાય સવાલ પાંચ વર્ષની જુમ્મરીના મનમાં ચાલતા રહેતા. એને પોતાના ગામનું ઘર જોવાની ઘણી તાલાવેલી હતી. એને કમલીએ કહેલા શબ્દો યાદ હતા, "જુમ્મરી, આપણા ગામમાં આપણું ઈંટ ને સાપરા વાળું મકાન સે. એની પાહે એક તળાવ સે. એમાં ના'વાની બઉ મજા આવસ." ત્યારથી જુમ્મરીને ગામનું એ તળાવ જોવાની અને એમાં ધુબાકા મારવાની બહુ ઈચ્છા થતી હતી.

જુમ્મરીને પાણીથી ભરેલા મોટા તળાવની નવાઈ હોય, એ સ્વાભાવિક હતું. જુમ્મરી બે વર્ષની થયેલી, ત્યારે જ શહેરમાં છૂટક મજૂરી કરતા સુરીયાએ, બે પૈસા વધારે કમાવા મળે એટલા માટે કમલીને પણ શહેર બોલાવી લીધેલી. સૂરિયો અને કમલી સાથે મજૂરીએ જતા. ત્યારથી જુમ્મરી શહેરમાં બીજા શ્રમિકોના બાળકો સાથે મોટી થવા લાગેલી.

શહેરને છેવાડે ઘણા શ્રમિકો કામચલાઉ તંબુ બાંધીને રહેતા હતા. એ વસાહતની પાસે જ આવેલી એક સોસાયટીમાં રહેતા બાળકો ઘણીવાર ત્યાં મેદાનમાં રમવા આવતા. જુમ્મરી અને એના જેવા બીજા બાળકો, સોસાયટીના બાળકો સામે અહોભાવથી જોતા રહેતા. જુમ્મરીને સૌથી વધુ આકર્ષિત કરતી કોઈ વાત હોય, તો એ હતું બાળકોનો ખોરાક. ત્યાં રમતા બાળકો પોતાની સાથે જાતજાતના નાસ્તા અને ફળો લાવતા. જુમ્મરી જેવા ગરીબ બાળકો માટે આવો ખોરાક તો એક સ્વપ્ન સમાન જ હતો.

ઘણીવાર જુમ્મરી કમલી સામે ફળ ખાવાની જીદ કરતી. પરંતુ કમલી દર વખતે એને પ્રેમથી સમજાવવાની કોશિશ કરતી. છતાં જો જુમ્મરી નહીં માનતી, તો કમલી ગુસ્સામાં એને ધોલધપાટ કરી દેતી. જુમ્મરીનું માસૂમ હૃદય કદી એ નહીં સમજી શકતું કે કેમ એને આવો ખોરાક નથી મળતો.

ભૂતકાળના અનેક વિચારોમાં ખોવાયેલી જુમ્મરીની તંદ્રા અચાનક કમલીની તીણી ચીસથી તૂટી. જોયું તો કમલી પેટ પર હાથ દબાવીને નીચે બેસી પડી હતી અને દર્દથી ઉંહકારા ભરી રહી હતી. પોતાની માઈની આવી હાલત જોઈ જુમ્મરી ગભરાઈ ગઈ. એણે સુરીયાનો હાથ પકડી લીધો.

એમની સાથે ચાલતા બીજા શ્રમિકો ભેગા થઈ ગયા. કમલીને ઊંચકીને થોડે દુર ચાલતી રાહત છાવણીમાં લઈ જવાઈ. જુમ્મરીએ જોયું, ત્યાં આખું શરીર ઢંકાય એવા વિચિત્ર કપડાં પહેરેલા થોડા લોકોએ કમલીના હાથમાં સોય મારી, અને એક બોટલ લટકાવી. આ બધું જોઈ જુમ્મરી ખૂબ જ ડરી ગઈ અને હીબકાં ભરીને રડવા લાગી. સૂરિયાએ એને જેમતેમ છાની રાખી.

થોડા સમયમાં જુમ્મરીનો ડર જતો રહ્યો, જ્યારે પેલા વિચિત્ર કપડાં વાળા લોકોએ એમને થોડું ખાવાનું આપ્યું. જુમ્મરી ખાવાનું જોઈને ઉત્સાહમાં આવી ગઈ અને ધરાઈને ખાધું.

આ બધી ઘટના વચ્ચે, અન્ય શ્રમિકો જે સુરીયા સાથે ચાલતા હતા, એ સૌ પોતાના રસ્તે આગળ વધી ગયા. કમલીને સરખો ખોરાક અને દવા મળતા એની પણ હાલત થોડી સુધરી. એટલે ત્રીજા દિવસે એ ત્રણે પોતાના ગામની દિશામાં ચાલવાનું શરૂ કર્યું.

હવે જુમ્મરીના પગ ઘણા ઉત્સાહથી ઉપડતા હતા, કારણકે એને ખબર હતી કે એની માઈના પોટલામાં થોડું ખાવાનું હતું, જે પેલા વિચિત્ર કપડાં વાળા લોકોએ આપ્યું હતું. રસ્તામાં જુમ્મરી પોતાના મગજમાં ઉઠતા સવાલો સુરીયાને પૂછતી જતી હતી.

"બાપુ, આપણે ક્યારે ગામ પોગશું? મારે ઓલા તળાવમાં ડૂબકી મારવી સ."

ત્યારે સૂરિયો હળવાશથી જવાબ આપતો, "સોરી આપણે કાલે હાંજે પોગી જાશું. બસ થોડું જ બાકી સ હવે તો. આપણી હારે નીકળેલા લોકો તો પોગી ગયા હસે. પણ તું ચંત્યા નો કર. એકવાર ગામ પોગી જાશું પસી કોઈ ટેનશન નઈ. ત્યાં મોટા બાપાની જમીન સે. ખેતી કરસું ને શાંતિથી જીવસું."

ભવિષ્યની સુખમય કલ્પનામાં ખોવાઈ જતા સુરીયાને જુમ્મરીનો સવાલ વર્તમાનમાં લાવી દેતો.

"બાપુ, તમે તો કેતા'તા કે ઓલું કરોના તો નાનકડું જીવડું સ. તો કેમ બધા એનાથી બીવ સ? હું તો બધા જીવડાને આમ મસળી દઉં." કહી જુમ્મરીએ પોતાની નાનકડી આંગળીથી ચપટી વગાડી.

જુમ્મરીના સવાલનો કોઈ જવાબ પોતાની પાસે ન હોવાથી સૂરિયાએ જુમ્મરીનું ધ્યાન બીજી વાતોમાં વાળ્યું.

"તને ખબર સ જુમ્મરી? ગામમાં આપણા ઘરમાં ઉપર ગોળ ફરતો પંખો ય સે."

પોતાના બાપુની વાત સાંભળી જુમ્મરી ઉછળી પડી. એના માટે પંખો એક એવી લકઝરી હતી, જે ફક્ત મોટા સા'બ લોકોના ઘરે જ હોય. નાનકડા તંબુમાં પંખો હોવાની કલ્પના પણ અવાસ્તવિક લાગતી હતી. જુમ્મરી મનમાં વિચારીને ખુશ થવા લાગી, કે હવે એ એની બાજુના તંબુમાં રહેતા ગોવિંદ અને મોંઘીને કહેશે કે તેઓ પણ અમીર છે, કારણકે એમના ઘરે પંખો છે.

દિવાસ્વપ્નોમાં રાચતી જુમ્મરી ફરી વાસ્તવિકતામાં આવી, જ્યારે એના પેટમાંથી વિચિત્ર આવજો આવવા લાગ્યા. એટલે ફરી એનું પ્રિય વાક્ય મોઢામાંથી બહાર આવી ગયું. "માઈ, બોવ ભૂખ લાગી સ. કંઈ ખાવાનું આલ ને."

એટલે કમલીએ પોટલું ખોલી થોડું ખાવાનું જુમ્મરીને અને બાકી રહેલું થોડું ખાવાનું સુરીયા સામે ધર્યું. આ જોઈ સૂરિયો પ્રેમથી બોલ્યો, "મારે નથ ખાવું. તું ખાઈ લે. મેં પાણી પીધું, તો હવે ભૂખ નથ લાગી."

આ જોઈ કમલીએ થોડું પોતે ખાઈ, બાકીનું સુરીયા સામે ધરી દીધું. "હું જાણું સું, કેમ તમને ભૂખ નથ. પણ ના ખાઓ તો આના સમ." કહી પોતાના ઉપસેલા પેટ પર હેતાળ હાથ ફેરવ્યો. કમલીની લાગણી જોઈ સુરીયા એ પણ થોડું ખાઈ લીધું. પછી ફરી ત્રણે આગળ ચાલ્યા.

જોતજોતામાં રાત ઢળી ગઈ. સતત ચાલીને ત્રણે હવે થાક્યા હતા. બીજા દિવસે સવારે જુમ્મરી ખાવાનું માંગશે, તો શું આપીશું એની ચિંતામાં કમલીને થોડા ચક્કર આવી ગયા. સૂરિયાએ એને પકડીને નીચે બેસાડી દીધી. અને રાત્રે સુવા માટે સરખી જગ્યા શોધવા લાગ્યો.

થોડે દુર એક સુકાઈ ગયેલી નદીનો પુલ એને દેખાયો. પુલની નીચે થોડા હ્યુમ પાઈપ હતા. સૂરિયાએ વારાફરતી કમલી અને જુમ્મરીને નદીના પટમાં ઉતાર્યા. જુમ્મરીને હ્યુમ પાઈપમાં સુવાડી, સૂરિયો અને કમલી બહાર ખુલ્લામાં આડા પડ્યા. નજીકમાં કોઈ જગ્યાએ પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક હતી. ત્રણેને તરત જ ઊંઘ આવી ગઈ.

થોડા કલાકો વીત્યા હશે, કે અચાનક જ જુમ્મરીની આંખો ખુલી ગઈ. એને લાગ્યું, એણે કોઈ મોટો ધડાકો સાંભળ્યો. એ આંખો ચોળતી બેઠી થઈ અને પાઈપની અંદર બેઠા બેઠા જ બૂમ પાડી. "માઈ, બાપુ.." પણ બહારથી કોઈ જવાબ નહીં આવ્યો. એણે ફરી જોરથી બૂમ પાડી. પણ કોઈએ એનો અવાજ નહીં સાંભળ્યો.

થાકેલી જુમ્મરીને સખત ઊંઘ આવતી હતી, એટલે એ ફરી હાથ પર માથું મૂકી સુઈ ગઈ. પણ પોતાને સંભળાયેલો અવાજ શેનો હતો, એ જાણવાની કુતૂહલતાએ એની ઊંઘ ઉડાડી દીધી. હળવેથી એ પાઈપમાંથી ઘૂંટણભેર બહાર આવી. બહાર એની આંખોએ જે દ્રશ્ય જોયું, એનાથી એ અચંબિત થઈ ગઈ.

એક ફળોથી ભરેલી આખી ટ્રક પૂલ પરથી નીચે ખાબકી હતી. એમાં ભરેલા બધા જ ફળ નદીના પટ પર વેરાઈ ગયા હતા. જુમ્મરી માટે આ દ્રશ્ય સ્વર્ગ સમાન હતું. એ ખુશીથી ઉછળી પડી. ઝડપથી પાસે પડેલા કેળાની લૂમ ઉઠાવી ખાવા લાગી. અચાનક કંઈક યાદ આવતા એણે આજુબાજુ નજર ફેંકી. સામે એના માઈ-બાપુ સુતેલા દેખાયા. જુમ્મરી ઝડપથી એમની પાસે ગઈ. ત્યાં પડેલું એક સફરજન ઊંચકી એણે ત્યાં પડેલી કમલીને બોલાવી.

"માઈ, ઓ માઈ ઉઠ તો ખરી. જો તો આંય કેટલા ફરૂટ પડ્યા સે. જલ્દી ઉઠ ને ખા. કેવા મીઠાં સે." કહીને એણે સફરજનમાં બટકું ભર્યું. પછી કમલીને ખભેથી હલાવી ઉઠાડવાની કોશિશ કરી. કમલીએ કોઈ પ્રતિક્રિયા નહીં આપતા, જુમ્મરી ઉઠીને થોડે દુર પડેલા સુરીયા પાસે ગઈ.

"બાપુ, ઉઠો જલ્દી. તમને ભૂખ લાગી સે ને? લો આ ખાઓ." કહી એક સફરજન સૂરિયાના ચહેરા સામે ધર્યું. પરંતુ સૂરિયાએ પણ કોઈ જવાબ નહીં આપ્યો. ફરી જુમ્મરી સફરજન ખાતા ખાતા કમલી પાસે ગઈ. એણે જોયું તો કમલીના માથા પાસે એક પતરું પડ્યું હતું, જે કદાચ ઉપરથી પડેલી ટ્રકમાંથી ઉડયું હશે. એ પતરા પાસે એક કેરી પડી હતી. જેના પર લાલ રંગનું ઘટ્ટ પ્રવાહી લાગ્યું હતું. જુમ્મરીને સમજાયું નહીં કે એ શું હતું.

અચાનક જુમ્મરીનું ધ્યાન કમલીના માથા પર ગયું. ત્યાં પણ એવો જ લાલ રંગ લાગ્યો હતો. ફરી જુમ્મરીએ કમલીને ઉઠાડવાની કોશિશ કરી. " માઈ ઉઠને. જો મારી પાસે શું આયું? કેરી! તું કેતી'તી ને કે કેરી બોવ મોંઘી આવસ. આપણાથી નો ખવાય. તો જો હવે. કોઈ પૈસા નઈ માંગે. લે તું ય ખા. ઉઠતી કેમ નઈ?"

'માઈને બોવ ઊંઘ આવસ એવું લાગસ. હાલ કંઈની. કાલે ઉઠે ત્યારે આલીશ એને કેરી.' એમ વિચારતી જુમ્મરી કેરી મોઢે લગાડવા ગઈ. ત્યાંજ એને કેરી પર લાગેલો લાલ રંગ દેખાયો. એને સાફ કરવા એણે આસપાસ નજર ફેરવી, પણ કંઈ મળ્યું નહીં. એટલે એણે નિશ્ચેત પડેલી કમલીના પાલવથી કેરી લૂછીને સાફ કરી અને પછી મોઢે માંડી દીધી. એની આંખોમાં એક અલગ ચમક હતી.

                       સમાપ્ત


©ભૂમિધા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ