વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક ઉપકાર

‌                    ( ભાગ-૧ )


" બૂટ પૉલીસ.....બૂટ પૉલીસ.....એ સાહેબ.....બૂટ પૉલીસ...."


        આશરે દશેક વર્ષનો બાળક ધકધકતા તાપમાં રસ્તા પર બેસી બૂમો પાડી રહ્યો હતો. નિર્દોષ, નિખાલસ ચહેરો લઈ એ બાળક પોતાના ગુજરાન માટે સડક પર બેસી આવતાં જતાં સૌ કોઈને બૂટ પૉલીસ માટે વિનંતી કરી રહ્યો હતો.


" હે ભગવાન ! આજે તો ધંધો નથી થયો. હું હવે નોટબુકસ ક્યાંથી લાવીશ ?"


એમ મનમાં ને મનમાં તે બાળક પોતાના ભણતરની ચિંતાનું રટણ કર્યા કરતો હતો. એવામાં સંધ્યાનો સમય થઈ જાય છે. સડક પર ધંધાર્થે આવેલા સૌ કોઈ પોતપોતાનો સામાન એકઠો કરી, ઘર તરફ જવા માટેની તૈયારી કરી રહ્યા છે. આ બાળક પણ એક થેલામાં પોતાનો સામાન ભરી દે છે. એનું કમાયેલું વદન એ બતાવી રહ્યું છે કે આજે કમાણી બરાબર થઈ નથી. થોડીવારમાં સૂરજ પણ આથમી જાય છે. આખું શહેર રોશનીથી જગમગ થઈ રહ્યું છે. બાળક ખભે થેલો લઈ હતાશ હૃદયે રસ્તા પર જઈ રહ્યો છે. ભૂખ પણ કડકડતી લાગી છે. રસ્તા પર તેને નાસ્તાની લારીઓ દેખાય છે, એના મોઢામાં પાણી આવી જાય છે. પણ લાચાર છે, કારણ કે તેની પાસે નાસ્તો ખરીદવા માટે પૂરતા પૈસા હતા નહીં. મન મક્કમ રાખીને તે આગળ વધે છે.

             અચાનક રસ્તામાં વડાપાવની એક ફૅમસ દુકાન આવે છે. પેલો બાળક આગળ વધતો અટકી જાય છે. પોતાના બાળકો સાથે આ ફૅમસ વડાપાઉં ખાવા આવેલા માતપિતાને જોઈને , આ બાળકની આંખો ભીની થઈ જાય છે. ધડ....ધડ....ધડ... કરતાં આંસુ એના કોમળ ગાલ પરથી વહેવા લાગે છે. એમ છતાં આ બાળક પર કોઈની નજર જતી નથી. વડાપાઉં ખાવા આવેલા સૌ પોતપોતાની મસ્તીમાં લીન છે.

            આ દશ્ય એક ચાની લારીવાળો વ્યક્તિ જોઈ જાય છે. આ ચાની લારીવાળો માણસ પેલા બાળકને બૂમ મારે છે. બાળક ચારેબાજુ નજર કરે છે, પણ બૂમ કોણે મારી એ ખબર પડતી નથી.


" એય.... અહીં આવ....તને કહું છું, અહીં આવ..."


પેલો બાળક વિસ્મયમાં પડી જાય છે. પછી ધીમે ધીમે પગલે પેલા લારીવાળા પાસે જાય છે.


" ક્યાંથી આવે  છે ? તારે જમવું છે ને ? "

પેલો બાળક  હા.....ના....હા... કરે છે.


" લે આ વીસ રૂપિયા. જા નાસ્તો કરી લે."

બાળક રૂપિયા લઈ લે છે. ત્યાંથી દોટ મૂકીને વડાપાઉંની દુકાને પહોંચી જાય છે.


" મને જલ્દી એક ડિશ વડાપાઉં આપી દો...કાકા "


વડાપાઉંની ડિશ લઈ એ બાળક હોંશે હોંશે ખાવા લાગે છે. થોડી જ વારમાં તે પોતાની ડિશ ખાલી કરી દે છે. વીસ રૂપિયા વડાપાઉંવાળાને ચૂકવી ત્યાંથી ચાલ્યો જાય છે. આ વાતને આશરે છ એક વર્ષ વીતી જાયછે.


        ( ભાગ-૨ )


​           " બૂટ પૉલીસ.....બૂટ પૉલીસ.....એ સાહેબ.....બૂટ પૉલીસ.... "

​ફરીથી પાછી એ જ બૂમ. પરંતુ આજે તેને સારી એવી આવક થઈ રહી છે.

" ​ચાલો...ભાઈ... જલ્દી કરો, આજ અપનકા રિઝલ્ટ આનેવાલા હે. એ.....બૂટ પોલીસ.....બૂટ પોલીસ.... "

​એવામાં એક બાળક હાથમાં કંઈક કાગળ જેવું લઈને પેલા બાળક પાસે પૂરજોશમાં દોડતો આવી રહ્યો છે. બૂટપોલીસ કરતો બાળક આ દશ્ય જોતાં જ સ્તબ્ધ થઈ જાય છે.

" ​અમન.....અમન..... તું પંચાણું ટકા સાથે જિલ્લામાં બીજા નંબરે આવ્યો છે. "

​ અમન તો ખુશીમાં ભાન ભૂલી જાય છે. એકઘડી માટે તો તે પૂતળું બની જાય છે. અમનની ખુશીનો પાર નથી રહેતો. ઝડપથી તે માર્કશીટ હાથમાં લઈને પેલા લારીવાળા પાસે દોડી જાય છે. ત્યાં ચાની લારીવાળો પોતાના ગ્રાહકોને ચા આપી રહ્યો હોય છે. અમન જઈને તરત જ ચાની લારીવાળાને પગે લાગે છે.


" કોણ છે બેટા તું ? "


" કાકા.....હું અમન છું. આશરે છ એક વર્ષ પહેલાં તમે એક ગરીબ બાળકને નાસ્તા માટે વીસ રૂપિયા આપ્યા હતા. એ હું અમન, આજે મારા દસમા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે, ને હું જિલ્લામાં બીજા નંબર સાથે ઉત્તીર્ણ થયો છું. "


" અરે.....વાહ ...દિકરા...! કાશ....મારે પણ તારા જેવો દિકરો હોત.....! તારા મમ્મી પપ્પા તો ખૂબ ખુશ હશે ને  ! "


આટલું સાંભળતા જ પેલો બાળક ચોધાર આંસુએ રડી પડે છે.


"અરે દીકરા ! આજે તો ખુશી નો દિવસ છે. આમ કંઈ રડાતું હશે ?  ચાલ.....તારા મમ્મી-પપ્પા રાહ જોતા હશે. "


"હું અનાથ છું." રડતો-રડતો બાળક કહે છે.


આ સાંભળીને પેલો ચાની લારીવાળો એ બાળકને બાથમાં ભરી દે છે.  અને પોતાનો હાથ એ બાળકના માથા પર ફેરવવા લાગે છે.


"છાનો  રે દીકરા.... તારે બાપ નથી  ને મારે દીકરો નથી."


આ કરૂણ દ્રશ્ય જોઈને ચાની લારી પાસે ઊભેલા સૌ વ્યક્તિઓ ગદગદિત થઈ જાય છે. આ વાતને ઘણાં વર્ષો વીતી જાય છે.


  ( ભાગ-૩ )


​   " બૂટ પૉલીસ.....બૂટ પૉલીસ.....એ સાહેબ.....બૂટ પૉલીસ.... "

આજે પણ સડક પર એ જ બૂમો સંભળાય છે. અચાનક ત્યાં આશરેે છ એક ફુટનો એક ગોરો જુવાન પોતાની કારમાંથી ઉતરીને પોતાનો પગ આગળ ધરે છે.

" ​ચાલો.... કાકા ! આજે મારા બુટ ચમકાવી દો ."

પોતાના પોતાના ખિસ્સામાંથી પાંચશો રૂપિયાની નોટ બહાર કાઢી તે બુટ પોલીસવાળા કાકાને ધરે છે.

" ​મારી  પાસે છુટ્ટા નથી."

"​કાકા મારે પૈસા જોઈતા નથી. તમ તમારે રાખી લો."

"​ પણ સાહેબ ! આટલા બધા ? "

"​ તમારી મહેનત આગળ આ ઓછા છે ! "

મીઠું સ્મિત વેરી તે જોવાનું પોતાની કારમાં બેસીને આગળ વધે છે. રસ્તામાં એક ચાની લારી આવે છે. જુવાન પોતાની કાર રસ્તાની ડાબીબાજુ પાર્ક કરે છે. કારમાંથી ઉતરીને તરત જ તે યુવાન પેલી ચાની લારીએ પહોંચી જાય છે. ચાની લારીએ પહોંચતાની સાથે જ તે આમતેમ નજર ફેરવે છે,જાણે કોઈને શોધી રહ્યો હોય.

​ " સાહેબ..... ચા લેશો કે કોફી ? "

"​ એક ચા કરી દો....અને હા.....મને જણાવશો કે આ લારીએ એક કાકા હતા તે ક્યાં છે ? "

"  કોણ..... ગોપાલકાકા ? "

"​હા.....હું ગોપાલકાકાની  જ વાત કરું છું. કેમ આજે તેઓ નથી આવ્યા ? "

" ​ના..... હવે તેઓ ક્યારેય અહીંયા નહીં આવે."

" ​કેમ કંઈ પ્રોબ્લેમ છે ? મને જણાવશો તેઓ હાલ ક્યાં છે ? મારે એમને મળવું છે."

​" ત્રણ-ચાર વર્ષ પહેલા દુકાનેથી ઘર તરફ જતી વખતે તેમણે એક અકસ્માત નડયો હતો. દવાખાનામાં એમને ઘણો ખર્ચો થયો, તેથી તેઓ દેવામાં ફસાઈ ગયા હતા. અને આખરે આ દુકાન વેચવી પડી હતી. અત્યારે તેમની પરિસ્થિતિ ખૂબ ખરાબ ચાલી રહી છે. ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. પણ તમે એમના વિશે કેમ પૂછી રહ્યા છો , કોણ છો તમે ? "

​" હું ડોકટર અમન. તેઓ મારા પિતા સમાન છે. હું તેમને બાળપણથી ઓળખું છું. "

​આટલું કહી અમન ગોપાલકાકાનો એડ્રેસ લઈ ત્યાંથી ઉદાસ ચહેરે ચાલી નીકળે છે.


( ​ભાગ -૪ )


               ​ રાયગઢ નામે ગામ છે. એમાં ગામની મધ્યમાં તળાવની પાસે એક સજજન માણસ રહે છે. કાચી ઈટોનું બનેલું ઘર છે. ઘરના મધ્યમાં એક ખાટલામાં બેસી ગોપાલકાકા શાકભાજી સમારી રહ્યા છે. ઘરનો સામાન અસ્તવ્યસ્ત પડ્યો છે. ત્યાં અચાનક એક ગાડી આવીને ઊભી રહે છે. 

" ​હું અંદર આવું કાકા.....? "

​" કોણ છો ભાઈ ?  આ ફેરિયાઓ પણ નકામા છે. મેં કેટલીવાર કીધું કે મારી પાસે અત્યારે પૈસા નથી. ઉધારે આપવું છે બોલ ? "

​આટલું સાંભળતા જ ડોકટર અમન પોતાનું મોં દાબી ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગે છે. પોતાનો રુમાલ કાઢી આંસુ લૂછી,જાણે કંઈ ન થયું એ રીતે ફરીથી બૂમ પાડે છે.

​" હું અમન છું......કાકા....તમને મળવા આવ્યો છું."

​" કોણ અમન ??? અંદર આવો. "

​અમન ધીરે રહીને પોતાના બૂટ ઉતારે છે. માથામાં બારણું વાગે નહીં તે રીતે નીચો નમી, ઘરમાં જાય છે. અમનને જોતા જ...

" ​આવો.......બેસો "

​અમન નીચો નમી ગોપાલકાકાને પગે લાગે છે. ગોપાલકાકા સ્તબ્ધ થઈ જાય છે.

​"  હું ડોકટર અમન. યાદ છે આજથી પંદર વર્ષ પહેલાં તમે એક છોકરાને વીસ રૂપિયા આપ્યા હતા , અને દસમા ધોરણમાં જે જિલ્લામાં બીજા નંબરે પાસ થયો હતો તે હું પોતે ડોકટર અમન."

​આટલું સાંભળતા જ ગોપાલકાકા અમનને ગળે વળગી પડે છે. બંન્ને એકબીજાને ભેટી ચોધાર આંસુડે રડે છે. આ દશ્ય બહું કરૂણ બની જાય છે.

​" તું તો બહું મોટો માણસ બની ગયો દિકરા. મને ખૂબ આનંદ થયો કે તું મને મળવા આવ્યો. "

​"હા.....મને પણ તમને જોઈ ઘણો આનંદ થયો. હું તમને મારી નવી હોસ્પિટલના ઉદ્દઘાટન માટેનું આમંત્રણ આપવા આવ્યો છું. આવતીકાલે તમારે ત્યાં ચોક્કસ આવવાનું છે."

​"અરે....દિકરા ! તારી હોસ્પિટલનું ઉદ્દઘાટન હોય ને હું ના એવું બને."

​આટલું કહી ડોક્ટર અમન ત્યાંથી ચાલી નીકળે છે.

​બીજે દિવસે ગોપાલકાકા આપેલ સરનામે પહોંચી જાય છે. એક મોટી આલીશાન હોસ્પિટલના દરવાજે પાસે ગોપાલકાકા આવીને ઊભા રહે છે. ત્યાં તો સામેથી ડોક્ટર અમન પોતાના હાથમાં ફૂલોનો હાર લઈને આવે છે. એ ફૂલોનો હાર ડોક્ટર અમન ગોપાલકાકાના ગળામાં પહેરાવે છે. ત્યાં ઉભેલી તમામ હસ્તીઓ તાળીઓના ગડગડાટ કરી મૂકે છે. ડોક્ટર અમન ગોપાલ કાકાના હસ્તે હોસ્પિટલનું ઉદઘાટન કરે છે. ગોપાલ કાકાની ખુશીનો પાર રહેતો નથી. આ વખતે ફરી તો ધ્રૂસકે નેે ધ્રૂસકે રડવા લાગે છે.

​          ડોક્ટર અમન ગોપાલ કાકાને પોતાના કેબિનમાં લઈ જાય છે. પોતાની ખુરશી પર તેમને બેસાડે છે. તેમને પગે લાગે છે. હોસ્પિટલનો આખો સ્ટાફ આ દશ્ય જોઈ ભાવુક થઈ જાય છે.

ગોપાલકાકાનો​ હાથ પોતાના હાથમાં લઈ ડૉક્ટર અમન કહે છે,  " આજથી તમારે મારી સાથે મારા ઘરમાં રહેવાનું છે. તમે કીધું હતું ને કે તમારે દીકરો નથી, આજથી હું તમારો દીકરો. "



         








ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ