વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હસવામાંથી ખસવુ

શીર્ષક - હસવામાંથી ખસવું


આ કોરોનાએ તો ભારે કેર વરસાવ્યો છે. લોકોનુ તો હસવાનું જ જાણે ભૂલાઈ જ ગયું છે.એવામાં અમને હાસ્ય લેખ લખવાનો આવ્યો. આપણને તો પહેલેથી મોઢા પર ૧૨ ના ડંકા તો યે જેમ તેમ કરીને જાત પર જ એક લેખ લખી નાખ્યો.

એમાં બન્યું એવું કે ઉંમર વધતા બટકેલા દાંત પર સરસ મજાનું ચોકઠું બેસાડાવ્યુ હતું. આપણે તો મજાકમાં લખી નાખ્યું કે ખડખડાટ હસવા જતાં અમારું ચોકઠું ભોંય પર પડ્યું ને એમાં તડ પડી ત્યારથી અમારું હસવાનું બંધ છે.

લો બોલો ! એમાં ચોકઠાને લાગ્યું ખોટું. જે તૂટેલા દાંત પર સમારકામ કરીને ચોકઠું જડેલુ એ જ બટકી ગયો ને ચોકઠું સાચેસાચ તૂટીને ભોંય પર. આ કોરોનાના કેર માં દાંતનું દવાખાનું યે બંધ. આ તો હસવા જતાં ખસવું થઈ ગયું. એક તો ખાવાનાં વાંધા અને બોલવા જતાં શબ્દો મોંના ગોખલામાંથી એવા સરી પડે કે સામેવાળાને ઝટ સમજાય નહીં અને આપણને જોઈને બધાં હસે તે છોગામાં. 

એક દિવસ મારી નણંદનો વિડિયો કોલ આવ્યો અને એમનાં હોંશિલા ભઈએ તો સીધો મોબાઈલ આપણી સામે ધરી દીધો. બિચારી એ તો છળી પડી. "હાય હાય ! આ ભાભીને શું થઈ ગયું?  " બસ તે દિ ને આજની ઘડી આપણે તો ઘરમાં યે માસ્ક પહેરીને ફરવાનું શરૂ કર્યું. કોઈ પૂછે તો કહી દઈએ કે અમે તો ઘરમાં પણ કોરોનાના નિયમો બરાબર પાળીએ છીએ.

હવે દિવસે તો ઠીક રાત્રે પણ મોઢે રુમાલ બાંધીને જ સુવાનું શરુ કર્યું રખે ઊંઘમાં થોડાં ખુલ્લા રહી જતાં મોં મા અળવીતરું મચ્છર અંદર પેસી જાય તો…

આપણે તો કાન પકડ્યા કે હવે હાસ્ય લેખ લખવો નહીં અને લખવો પડે તો ક્યારેય પોતાની જાત પર લખવો નહીં.

તમે શું કહો છો ???

- ભારતી વડેરા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ