વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઓછાયો

 

ડોસો બાલ્યો ‘અલી ડોહી હેંડ હંગાથે મરી જઈએ’

સવારના ઉઠીને ડોસી આંગણું વાળતી હતી. આખો દિવસ કામમાં ડોસીને ફૂરસદ મળતી ન હતી. એક કામ પૂરું થયું ન હોય ત્યાં બીજું મોં ફાડીને ઉભું જ હોય. ઉંમરને કારણે શરીર નબળું પડી જવા છતાં જુવાન જોધની જેમ ઘરનું કામ કરવું પડતું હતું. પળવાર પગવાળીને બેસવાનો સમય નહોતો. છતાં ડોસી ડોસાની સામે પળવાર માટે ચકિત થઈ જોતી રહી. ડોસો આજ આ શું બોલે છે. ડોસો આજ સવારમાં વહેલો જાગી ગયો. અને ડોસીની સામે આવી ઉભો રહી ગયો.

‘મારા મોઢાં હામે શું જુએ છે ? ડોસો સામે કાળો પીળો થતાં બોલ્યો. છોકરાના મોઢે વેણ-કવેણ હાંભળવા કરતાં મરી જઈએ તો છૂટકારો, આમ પણ એ મરો મરો કે’તા જ હોય છે ને? બોલીને ડોસીએ નિસાઓ નાખ્યો.

‘હોય ! છોકરાં છે તે બોલેય ખરાં ! જોતા નથી. તેમને કેટલી ઉપાધીઓ હોય છે, ગુસ્સામાં ક્યારેક બોલી જાય. એટલે મરવા જવું, લોકો શું કહેશે ?’

‘આ તો તું હાડકાં બેવળ વળી ગ્યાં એટલી મેંનત કરી છે એટલે બાકી મારી જ નાંખોત. જ્યારે શરીર કામ નહીં કરે ત્યારે કોણ તારી હામે જોશે ? જ્યાં સુધી શરીર સારું છે પગે ચલાય છે ત્યાં સુધીમાં જઈને મરી જઈએ.’

ડોસીએ સાવરણી ત્યાં જ છોડી દીધી. ‘ખરેખર શરીર લેવાતું જાય છે. છેલ્લા વખતમાં ડોસા-ડોસીની દેખભાળ કોણ કરશે. ટાંટીયા ઘસીને મરવા કરતાં ડોહાની વાત સાચી છે.’ એમ ડોસીએ વિચાર્યુ અને ડોસાની સાથે ચાલી નીકળવા તૈયાર થઈ ગઈ.

‘અરે, શું આમ જ જઈશ ? કપડાં બદલી લે, પછી જઈએ. નહીં તો લોકો શું વિચારશે ?’

મરવા જ જવું છે પછી તૈયાર થવાની શું જરૂર છે. જરા ખમચાતાં ડોસીએ પુછ્યું.

‘મરવાની વાતે ઢોલ પીટીશું તો લોકો શાંતિથી મરવા પણ નહીં દે કોઈ પુછે તો કહેજે જમવા જઈએ છીએ. જા કપડાં બદલી લે’

ડોસી ઝડપથી ઘરમાં ગઈ અને કપડાં બદલી બહાર આવી ગઈ. કોઈને કંઈ કહ્યા વગર ડોસો ડોસી ઘેરથી નીકળ્યા. પણ નેળીયામાંથી નીકળવાને બદલે વાડીને રસ્તે નીકળ્યાં. વાડીમાં જતાં ડોસીનો જીવ ચાલતો ન હતો. એ બાજુ ડોસી ક્યારેય જોતી નહીં. છાતીમાં દુખાવો થઈ આવતો. ડોસીની દીકરી ત્યાં સુઈ રહી હતી. છોકરી જો જીવતી હોય તો અત્યાર સુધીમાં તેનાં લગ્ન થઈ ગયાં હોત ! દીકરીને ઘેર પણ છોકરાં હોત. એ બધામાં મોટી હતી. ડોસા-ડોસાની પહેલા ખોળાની એ હતી.

ડોસાએ દીકરીને છૂટો લોટો મારેલો. જે તેની છાતીમાં વાગેલો. ડોસી તે દિવસે વેગળી-બેઠેલી, દીકરીએ ડોસાને ખાવાનું પીરસેલું. સાચવીને બાજુમાં લોટો પણ મુકેલો, પણ પાણી દેતાં બિચારી ભૂલી ગયેલી. હજી માંડ દશ-બાર વરસની હતી. ડોસાએ લોટો ખાલી જોતાં તેના પર ઘા કર્યો. લોટો તેની છાતીમાં વાગ્યો. જોત જોતામાં બધું પુરું થઈ ગયું. છતાં ડોસાને નહોતો પસ્તાવો થયો કે ના દુઃખ થયું.

‘બિલાડી પર ફેંકેલ લોટો કોણ જાણે કઈ રીતે તેને છાતીમાં વાગ્યો. તે ક્યારે વચ્ચે આવી ગઈ તેનું ધ્યાન જ ન રહ્યું.’ ડોસો રોઈ-કકળીને પોલીસ અને કોર્ટના સકંજામાંથી બચી ગયો. ડોસો છૂટી ગયો. આંસુ સુકાઈ ગયાં. લગનનો ખર્ચ બચી ગયો.

‘સૂઈ રે દીકરી ત્યાં શાંતીથી સુઈ રે, ઘરમાં તો ઉપાધીનો પાર નથી.’ ડોસી એમ મનને મનાવતી. પણ વાડીની વચ્ચે જવાની ડોસીની કદી હિમ્મત થઈ નહોતી. પેલા આંબના ઝાડ નીચેની જગા તરફ જોવાની તેને ત્રેવડ નહોતી. પણ ડોસો તો એ બાજુ જ જતો હતો, ઘણા દિવસો પછી આંબાના ઝાડ નીચેની માટી જોઈને ડોસીની આંખમાં આંસુ છલકાઈ આવ્યાં. ડોસીની ઝડપ ધીમી થઈ ગઈ. આગળ જવા પગ ઉપડતો ન હતો.

તે જગા એ જંગલી વેલ ફેલાઈ ગઈ છે. માટીના ઢગલાનું નામો નિશાન નથી. આંબાના ઝાડ નીચે ડોસી બેસી ગઈ. વેલા-ઝાંખરા સાફસૂફ કરી છેલ્લીવાર ત્યાં સુતેલી દીકરીને જોઈ લેવા માંગતી હતી. આગળ આગળ ચાલતા ડોસાએ પાછા ફરીને જોયું. ડોસી ક્યાં ? ડોસીનું કોઈ કામ-ઠેકાણું, કે પગરવ નથી. વાડીનો આ વચ્ચેનો ભાગ છે. આગળ જવા માટે કોઈ સીધો રસ્તો નથી. સુકાં પાંદડા ને કચડતો, ઝાડી ઝાખરાંને વેલાને હટાવતો ક્યાંક ઝાડની ડાળીઓને તોડી નીચો નમી, કુદીને ડોસાએ રસ્તો કર્યો. એ જ રસ્તે તેની પાછળ ડોસીને આવવાનું હતું. ડોસીના પગલાંનો અવાજ ડોસાને સંભળાયો નહીં.

વાડીની તરફ જોતાં ડોસાનું મન ભારે થઈ ગયું. આજ આ લીલીછમ્મ વાડીનાં ઝાડને છોડીને જવાનું છે. ખેતર-ખળાં ને બધી મિલ્કતની માયા મેળી દેવાની છે. એ વિચાર આવતાં ડોસો સુનમુન થઈ ગયો. ડોસીએ એ જ મોકાનો ફાયદો ઉઠાવ્યો. ડોસાને મરવા રવાના કરી ડોસી બધું ભોગવવા રોકાઈ ગઈ. કંઈ ઠેકાણું નહીં. બૈરાંની જાતનો કોઈ ભરૂસો નહીં.

પાછળ ફરીને ડોસાએ જોયું તો ડોસી આંબાના ઝાડ નીચે બેઠી હતી.

‘કદાચ ડોસી પેશાબ કરવા બેઠી હશે.’ ડોસાએ વિચાર્યું. ડોસાને પણ દબાણ આવ્યું. હળવા થઈને જવું એ જ ઠીક રહેશે. એ વિચારતો ડોસો આંબાની ઝાડ નજીક પહોંચી ગયો. પેશાબ કરવા માટે અહીં બરાબર છે. ડોસીએ થોડી જગ્યા સાફ પણ કરી છે.

ડોસાને પાછો આવતો જોઈ ડોસીને આશા બંધાઈ. જીવવાની છેલ્લી ઈચ્છા. કદાચ ડોસાને દીકરી યાદ આવી હશે. છેલ્લા દિવસે પણ યાદ આવી તો ખરી ! પણ ડોસો તો ધોતીયું ઉંચું કરીને બેસી ગયો. શું કરો છો? શું કરો છો અહીંયા ડોસીએ ઉભા થઈ હડસેલો મારતાં કહ્યું.

ડોસાનું માથું ફર્યું. જીવનમાં પહેલીવાર ડોસીએ ડોસાના કામમાં અડચણ ઉભી કરી, ધક્કો મારીને પાડી દીધો. આટલી હિમ્મત, ડોસીને આટલી હિમ્મત. એક તરફ ગુસ્સાનું દબાણ, પેશાબનું દબાણ આટલા દબાણને ડોસો કઈ રીતે કાબુમાં રાખે.

ડોસી પણ વહેતાં આંસુડાંને રોકી શકતી ન હતી.

‘આપણી દીકરી અહીં સૂતી છે.’ ડોસીએ ડુમો ભરેલા અવાજે માંડ કહ્યું. એ સાંભળી ડોસાને ભાન થયું. ‘અરે ! આ એ જગા છે, છતાં ડોસાએ હાર ન માની, જરાય ઢીલો ન પડ્યો. તો શું થયું એટલા માટે થઈને તું મને ધક્કો મારે છે. આજ છેલ્લા દિવસે તેં મને ધક્કો માર્યો. નરકમાં જઈશ. ડોસીનું તું પાપમાં પડીશ. લોકો શું કહેશે.’ ડોસો તાડુકી ઉઠ્યો.

ડોસાએ ટેકો લીધો. ઓ... માં રે.. મારી કમર ભાંગી નાંખી, પાંપણી ગાળા-ગાળી કરતાં ડોસો ઉભો થયો અને ડોસીને જબરજસ્ત ધુંસો માર્યો.

ડોસાએ પેશાબ કરવા માટે અલગ જગા નક્કી કરી લીધી. અહીંયા પણ તારું કોઈ દટાયેલું પડ્યું છે કે ? ડોસાને ગુસ્સાથી આંખ કાઢતાં ડોસીને પુછ્યું.

રોજની જેમ આજે પણ ડોસીએ ચૂપચાપ ડોસાની ધાક ધમકી સાંભળી અને તેની પાછળ પાછળ ચાલવા લાગી. ડોસાની પાછળ ચાલતાં ડોસીની આંખો હજુ આંબાના ઝાડ નીચે મંડાયેલી રહીં. જ્યાં સુધી એ ઝાડની નીચેની માટી દેખાતી રહી ત્યાં સુધી તેની તરફ જોતી રહી. ડોસીની હૃદયમાં દુઃખ રહી ગયું. નિસાસો નાખતી તે આગળ વધી.

વાડીને પસાર કરી આગળ વધતાં મોટું ખેતર અને પછી મુખ્ય રસ્તો.

મુખ્ય રસ્તે આવીને ડોસીએ એક લાંબો નિસાસો નાંખ્યો. પરલોકમાં મળશું મારી દીકરી આજે જ હોં !

ડોસીએ પોતાની જાતને ધીમા અવાજે જે વાત કરીને ડોસાએ સાંભળી લીધી. ભય અને શંકાથી ડોસાનું કલેજું કંપી ઉઠ્યું. આ ઔલાદે ઓછા હેરાન કર્યા છે. બન્ને છોકરાઓએ ઘરમાં શાંતિથી રહેવાનું મુશ્કેલ કરી દીધું હતું. હવે મરવા જતાં પણ શાંતિ નથી. પરલોકમાં દીકરી રાહ જોઈ રહી છે. શું ડોસાને એ છોડશે ખરી ? પત્ની અને દીકરી મળીને ડોસાને બરાબરનો કચડી નાંખશે.

ડોસાનું કાળજું કેમ કંપીન ઉઠે શું આના કરતાં જીવતા રહેવું ઠીક રહેશે કે મરવાનું ? વિચાર કરતો કરતો ડોસા આગળ વધ્યો.

‘મરવું જ છે તો પછી હજુ કેટલે દૂર જવાનું’ ડોસી વિચારવા લાગી. ચાલતાં ચાલતાં એ થાકી ગઈ હતી. સવારે જ ઘેરથી નીકળ્યા હતાં. ડોસીને ભુખ પણ લાગી ગઈ હતી. મરવાનું હોય ત્યારે કોઈ ભુખની ચિંતા કરે ખરું ? જીવનમાં ક્યારેય પોતાના પેટની ભૂખની ચિંતા નથી કરી. મળી રહેશે, બધું ત્યાં મળી રહેશે. પરલોકમાં ખાવા પીવાની કોઈ ખોટ નહીં હોય. શાંતિની પણ ચિંતા નહીં રહે. તેમાં પણ જો દીકરી મળી ગઈ તો બધાં દુઃખ દૂર થઈ જશે. આટલા દિવસો બાદ અચાનક આજે તેને દીકરીનો ચહેરો નજર સામે તરવરવા લાગ્યો. અપાર શાંતિનો અનુભવ કરતાં ડોસી પોતાના બધાં દુઃખ દર્દો ભુલી ગઈ.

ડોસાએ ડોસીની શું ઓછી હેરાન કરી છે? તન-મનથી કાયમ તડપાવી છે, એ બધી વાતો ડોસી ભુલી ગઈ. દીકરા-વહુઓથી થયેલ અપમાન અવહેલના ને પણ ભુલી ગઈ. જીવન સઘળું અભાવમાં વીતી ગયું. ખાવાની, પહેરવા ઓઢવાની ચિંતા, ડોસીએ તે માટે કોઈ’દિ દુઃખ પહેરવા ઓઢવાની ચિંતા, ડોસીએ તે માટે કોઈ’દિ દુઃખ નથી લગાડ્યું.

આમ પણ ડોસીના મનમાં અપાર સુખ છે. ડોસીને ફક્ત એક જ વાતનું દુઃખ છે. દીકરીને ખોઈ બેસવાનું તે પણ આજે દૂર થઈ જશે. દીકરી ક્યાં છે ? પેલા આંબાની ઝાડ નીચે સૂતી છે ? કે પછી પરલોકના દરવાજે ઉભી છે ? પરલોકના એ દરવાજે પહોંચતા કેટલી વાર લાગશે ?

ચાલતાં ચાલતાં તે નદીકિનારે આવી ગયાં. ડોસાએ આ નદીમાં જ કુદીને મરવાનો વિચાર કરેલો. પુલ પર જવાના રસ્તે એક બોર્ડ મારેલું છે. ‘પુલ નબળો છે. સાવધાની રાખી પસાર થવું’ ડોસો જોર જોરથી બોર્ડને વાંચવા લાગ્યો. બે વાર, ત્રણ વાર વાંચ્યું. તે પછી પાછા ફરીને ડોસીને કહ્યું. પુલ પરથી નથી જવું. પડી ગયા તો, આ ઉંમરે લુલા લંગડા થઈ જઈએ. ચાલ પાછા વળી જઈએ. ભુખ પણ બહુ લાગી છે. કહેતા ડોસો જરા ઉભો રહ્યો. પછી પાછો ફરી ઝડપથી ચાલવા લાગ્યો.

નખ્ખોદિયા મરવું નહોતું તો ખોટો મારો ટેમ શું કામ બગાડ્યો. કેટલા કામ પડ્યા છે. ડોસાને ખીજાતી ડોસી પણ પાછી વળી.

સૂરજ માથે છે ત્યાં સુધીમાં આંબાના ઝાડ નીચે પહોંચવું પડશે. સમય મળે તો એ જગાને સાફ કરી શકું. કાલ માથે ટાળવું નથી. કાલે કોણ જાણે શું થાય. શરીરનો શું ભરોસો. ડોસીએ મનમાં ને મનમાં સંકલ્પ કર્યો.

પાછા ફરતાં ડોસી ના પગ વધારે ઝડપે ઉપડી રહ્યા હતા. ડોસાને પાછળ મૂકી ડોસી ખૂબ આગળ નીકળી ગઈ.

 

 

   નટવર હેડાઉ ‘વનવિહારી’  ‘અરણ્યાલય’

   ૫, ડુપ્લેક્ષ   હરિનગર સોસાયટી, મુ. વાવોલ,

   તા.જી. ગાંધીનગર પીન-૩૮૨૦૧૬,

                                                 ફોન:-૯૪૨૮૪૧૭૪૦૬

   vanvihari@gmail.com

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ