વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પેલા પેલા જુગમાં

પેલા પેલા જુગમાં 


અખાતી દેશનાં ક્લિનિકમાં આજે ભીડ હતી. થોડાં મોટાં નવજાત શિશુઓ તેમની માતાઓ કે પિતાઓ કે બન્ને  સાથે લાઈનમાં હતાં. મોટાં જીવતાં ઢીંગલાં જેવાં લાગતાં બાળકો, કોઈ મોમાં ટીથર લઇ તો કોઈ રમકડું મચડતું, કોઈ ટગરટગર આમતેમ જોતું બેઠું હતું. સંતાનપ્રાપ્તિના ગર્વથી છલકાતી માતાઓનાં મુખોની સુરખી કઈંક  અલગ જ  દેખાતી હતી.


આજે રસી પીવરાવવાનો દિવસ હતો. આ દેશમાં રસી સરકારી દવાખાનામાં જ પાઈ શકાય અને એનું કાર્ડ રાખવું પડે. “હબીબ નં.42.. ગણેશન નં.43.. સાયરા નં.44..” નર્સ બોલ્યે જતી હતી. કેટલીક માતાઓ લાડમાં શિશુઓને  હાથમાં ઝુલાવતી હતી. એક દેખાવડી કહી શકાય તેવી સલવાર કમીઝ વાળી માતાએ કહ્યું “ગેસુ, જો આ શું છે?” 

બાજુમાં આ મુસ્લિમ દેશની માતા, કાળા ડ્રેસ પરંતુ ખુલ્લા મુખ સાથે બેઠી હતી. એણે  પૂછ્યું ”ગર્લ ઓર બોય?”

“બોય”. દેખાવડીએ કહ્યું. 

“ગેસુ? વ્હોટ એ નેઈમ?” કાળા ડ્રેસે પૂછ્યું.

”એક્ચ્યુઅલી ઈટ ઇસ ગર્વીશ. પ્રાઉડ.. યોર્સ?” 

”ગર્લ. આયેશા.” માતાઓ વચ્ચે દેશ-કાળનાં બંધન ન રહયાં. બન્ને એકમેકને મીઠું સ્મિત આપી રહી.


ઓચિંતું ગેસુ ઉર્ફે ગર્વીશ આયેશા તરફ ઝુક્યો, જોરથી આ.. વાઉ.. અવાજ કરી ટચૂકડી ઢીંગલી આયેશા તરફ હાથ લંબાવ્યા. જાણે એને તેડવા માંગતો હોય. ઢીંગલી પહેલાં મોં ફેરવી ગઈ પછી ગેસુ તરફ જોઈ હસી. સહેજ આશ્ચર્ય, કુતુહલથી બીજું નાનું જીવતું ઢીંગલું જોઈ પછી પોતાના નાજુક હાથે ગેસુનું નાક સ્પર્શી ખણ્યું . તેની આંખમાં ચમક આવી. જાણે  ઓળખતી હોય. ગેસુ પણ એ તરફ ઝુક્યો. 


કહે છે બાળકોને પુર્વજન્મ યાદ હોય છે. હા, સાચે જ.  ગેસુને યાદ આવ્યું - અરે આ તો અર્પિતા! એણે 'આ. ઊ..' ની ભાષામાં આયેશા ઉર્ફે અર્પિતાને કહ્યું, ”તું અહીં આ દેશમાં ક્યાંથી?” અર્પિતાએ મોટેથી 'ઘે.. ઘુ .. ગરર..' કરી કહ્યું “માય! અર્થવ ..  તું..? લે, આપણે  ફરી મળ્યાં? માણસ જન્મ્યાં?”

ગર્વિશ કહે “ ઓયે, જો આ જન્મમાં તને પકડી પાડી ને?” 

ગયા જન્મની અર્પિતા હસી.  હોઠ પહોળા કરી 'આઉ..' કર્યું. કહે ”એ તો તને ખબર જ છે, હું તને ‘મેરા સાયા‘ કહી મજાક કરતી.  તું છેક સુધી બોલ્ડ, ડેરીંગ માણસ હતો.  કાયમ સાચા માટે છેક સુધી લડી લેતો. એ જ તારા માટે મને સહુથી વધુ ગમતું. હું તરત ઓળખી ગઈ તને, મારા અર્થવને.  જાહેર છે તું મારી પાછળ મરી જ ગયો હોય, તો જ નવા સ્વરૂપે મળે. કેવી રીતે મર્યો એ જન્મમાં?”


 આ જન્મનો ગર્વિશ એટલે અર્થવ  કહે ”આપણે તો ડેરીંગવાળા. ડેરીંગ સાથે જ મર્યા. છતાં સેલ્ફી લેતાં  મરીએ  એવી  મુર્ખાઈ ક્યારેય નહીં. મુર્ખ લોકોને સીધા કરવા મારો ધર્મ હતો. તને મીસ કરતો હતો. પેલું જૂનું ગીત છે જ ને? - ‘પેલા પેલા જુગમાં રાણી તું હતી ..’

 લે જો. આ યુગમાં આ પૃથ્વી પર જ ફરી મળ્યાં ને?”  

 આ જન્મના ગેસુ ઉર્ફે ગર્વિશે ‘હા..ઉ.. હોઈ. ગુ..‘ કહી પગ ઉલાળ્યા. આયેશા એની ભાષા સમજી ગઈ. 


આયેશા: “પણ તેં એ તો કહ્યું નહીં તારો, એક બહાદુર, બાહોશ વકીલ, એક સારા કાર રેસર અર્થવનો અંત કેવી રીતે આવ્યો?”

આ જન્મના ગેસુ ઉર્ફે ગર્વિશે આયેશા સામે સ્માઈલ આપી દ્રષ્ટિ માંડી, ઊંડો શ્વાસ લીધો. એ થોડા મહિના પહેલાંની વાત દુઃખ સાથે મનમાં વાગોળી રહ્યો.  તરત એ ગયા જન્મમાં સરકી ગયો.

***

એ અમદાવાદ શહેરના મિર્ઝાપુર વિસ્તારમાંથી બહાર નીકળી રહ્યો હતો. મેટ્રોપોલિટન કોર્ટમાં એના ક્લાયન્ટનો કેસ હતો. ક્લાયન્ટ ઉપર એક છોકરીનો આક્ષેપ હતો કે એણે  એ છોકરીને ધક્કો મારેલો અને ગાળો આપેલી. સવારે અગિયાર વાગવા આવ્યા હતા. બાજુમાંથી એક એકટીવા સાઈડ કાપવા ગયું અને એને અથડાતાં બેલેન્સ ગયું. એ પડયો. હાથમાંથી ફાઈલ પડી જે એણે તરત ઊંચકી. એને છોલાઈ ગયું હતું. એકટીવા સવાર છોકરી બોલી, “સોરી સર. પાછળ કોઈ પડયું હોય એમ લાગ્યું એટલે ફાસ્ટ ચલાવી સાઈડ કાપી વીજળીઘર સિગ્નલ ક્રોસ કરવું હતું.“ 

 એણે  કહ્યું “પણ બેબી, ધ્યાન તો રાખવું હતું? તને વાગ્યું હોત તો? મારે કોર્ટમાં કેસ છે, જલ્દી છે એટલે જવા દઉં છું બાકી આ બેદરકારીથી વાહન ચલાવવાનો, ઇજા પહોંચાડવાનો અને નુકસાન પહોંચાડવાનો ગુનો બને.” 

“બેબી”એ કહ્યું, “ સર, આપને તો સારૂં એવું છોલાઈ ગયું છે. લાવો મારી પાસે ડ્રેસિંગ માટે ફર્સ્ટ એઇડ બોક્સ છે. જોઈએ તો ટિટેનસનું ઈન્જેક્શન લઈ લો. બાય ધ વે, તમે ચાલતા ક્યાં જાઓ છો, મૂકી જાઉં. આમ તો મારે પણ મેટ્રોપોલિટન કોર્ટમાં કેસ છે, હાજરી પુરાવી દીધી. થોડીવાર  હોસ્પિટલ જઈને આવું.”

“વકીલ”એ કહ્યું, “મારી કાર છે. પેલાં પાર્કિંગમાં મૂકીને આવતો હતો. થેન્ક્સ. તો તું શું કરે છે? આટલા ઘસરકામાં હોસ્પિટલ?”

“બેબી” હસી પડી. એના ગાલે ખંજન પડયાં. “હું વી.એસ. હોસ્પિટલમાં ઇન્ટર્ન છું. ડૉક્ટરીના ત્રીજા વર્ષમાં છું. આવો, સામે લકી ની ચા પીતાં ડ્રેસિંગ કરી દઉં. 

એણે મારો અર્થવનો  હાથ ઊંચો નીચો કર્યો. જોવા, કે હાડકાંમાં  કોઈ ઇજા નથી. અમે ચા પીવા ગયાં. એ કોર્ટ કેસ એનો જ હતો, કોઈ સારવાર લઈ રહેલા દર્દીને એની સાથે વાંધો પડતાં એને ગમે તેમ બોલેલો. એના સિનિયર વચ્ચે પડતાં તેમનો કોલર પકડેલો, એને મા બેનની ગાળો આપી ધક્કો મારેલો. એ આ વિસ્તારનો માથાભારે શખ્સ હતો. પણ આ કેસમાં વકીલ અર્થવનો ક્લાયન્ટ હતો.


વકીલ અર્થવે કેસ શરૂ થતાં પહેલાં પોતાના આ અસીલને સંભવિત સજા વિશે, એ પછી પોલીસ ચોપડે નામ આવે તો શું થાય એ કહ્યું. ક્લાયન્ટે માફી લેખિત તો નહીં પણ મૌખિક “બેબી” ડો. અર્પિતાની માંગી અને અર્થવની સમજાવટથી કેઇસ ક્લોઝ કરાવ્યો.  ડો. ની સાથે આવેલા એના કઝીન વકીલે અર્થવનો આભાર માન્યો. અર્પિતાએ ઘેર આવવા કહ્યું.


અર્થવ  અર્પિતા નજીક આવતાં ગયાં, આશ્રમરોડના મલ્ટીપ્લેક્સમાં સાથે ફિલ્મો જોતાં ગયાં. રિવરફ્રન્ટ પર  ફરતાં ગયાં.  પહેલાં સહેજ દૂર, પછી અછડતા ખભા અડતાં, પછી હાથમાં હાથ મેળવી ચાલવા લાગ્યાં.


અર્પિતાએ પેલી મારામારીની વાત કરી.  અમુક લોકો પૂરતી સારવાર આપવા છતાં કોઈનો ગુસ્સો કોઈ પર કાઢતા. એમાં પણ નાજુક દેખાવડી ડોક્ટર જોઈ પેલો થોડો પાછળ પડી ગયેલો. દર્દીને બેઠો કરવા જતાં અણછાજતો સ્પર્શ પણ કરી લેતો. ઇન્ટર્નથી ઝાઝું બોલાય એમ ન હતું. એણે  માર ખાઈ લીધો પછી સીનીયરને કહ્યું. એણૅ વોર્ડના હેડને. એમણે જ ફરિયાદ કરવા અને કાયદો હાથમાં ન લેવા કહેલું. કેઇસને દિવસે એનો જ કોઈ સાગરીત તેની પાછળ પડેલો જેનાથી બચવા જતાં ઝડપથી ટર્ન મારવાને કારણે એ ટકરાયેલી. એણે કહેવરાવેલું કે 'અમારા લોકો' સામે ભૂલથી પણ ન પડવું નહીં તો  અંજામ સારો નહીં  આવે. અર્પિતા હિમ્મતવાન  હતી. અમારા કે તમારા લોકોની વ્યાખ્યા એ જાણી જોઈને સમજવા માંગતી ન હતી.


અર્થવ હવે મોટી સેસન્સ કોર્ટમાં જતો હતો. અર્પિતા ખાસ નવરી ન પડતી પણ બન્નેએ રવિવારની સાંજ સાથે જ ગાળવાનું રાખેલું. અર્પિતાએ બે ચાર ખરાબ રીતે ઘરમાં માર ખાધેલી સ્ત્રીઓના કેઇસ હેન્ડલ કરેલા. કોઈ સ્ત્રીની  પગની જુતીથી પણ બદતર જીંદગી હતી. એમાં પણ કોઈ નિશ્ચિત જગાએ કાપથી થયેલ ખરાબ ઇન્ફેકશનના કેઇસ જોઈ એણે નક્કી કરેલું કે સ્ત્રી જાગૃતિ માટે એ  બધું જ કરી છુટશે. અર્થવનાં પેરન્ટ્સ એ બન્નેનાં લગ્ન માટે સંમત થયેલાં. સાથે વહુને ડોકટર થવા દેવાનાં  હતાં. અને અર્પિતા ડોક્ટર થઈ પણ ખરી. હોસ્પિટલની નોકરી કરતાં કરતાં તે એક સામાજિક સંસ્થા સાથે જોડાઈ. તે સ્ત્રીઓને એમના હક્કો માટે તૈયાર કરતી, રજામાં એક કલાક ઝૂંપડપટ્ટીની સ્ત્રીઓને ભણાવવા જતી. એ કહેતી કે ધર્મ કે રાજકારણના નામે  માટે લોકો ગંદી રમત રમે છે. એ કહેતી કે આ ગંદકી, શોર બકોર, કટ્ટરવાદ જેવાં કારણોથી  જ દેશ હોવો જોઈએ એ કરતાં  પછાત છે. એક વાર એ આવા વર્ગમાં બોલી  કે એક માતા  એક પેઢીને તૈયાર કરે છે. જન્મ ગમે તે જગ્યાએ થયો હોય, સારી શિક્ષિત પેઢી તૈયાર કરવી એ મા ની ફરજ છે. એ પેઢી શિક્ષિત અને સંસ્કારી હશે તો  સંપીને રહેતી થશે. ખાસ તો સ્ત્રીઓને ગુલામડી ગણવાને બદલે યોગ્ય સ્થાન આપવા શીખવવા આગળ આવશે. આજના સંજોગોમાં તો અહીં તો હજુ જે પરાપૂર્વથી ચાલતું હતું એ જ હજી બીજી સદીઓ સુધી ચાલતું રહશે. પેઢી  દર પેઢી. એ જ કુરિવાજો, એ જ જન્મથી રોપવામાં આવતું ઝેર, એ જ કટ્ટરવાદ કેમ કે કોઈ માતા શિક્ષિત નથી, કોઈ પિતા સમજુ નથી અને સંતાનોની થતી જતી લંગારમાં કોઈને સંતાનને કેળવવા સમય કે વૃત્તિ નથી.


આવા જ કોઈ વર્ગ બાદ એને અમુક વિસ્તારમાં સ્ત્રીઓને વર્ગો લેવાના બહાને ભરમાવવા જશે તો એની હાલત મરવાથી પણ બદતર કરવાની ધમકી મળી. 

એક રવિવારે એ અર્થવ સાથે શહેરની ભાગોળે આવેલ સ્થાપત્ય જોવા ગઈ હતી. થાંભલા પાસે સેલ્ફી પાડતાં કોઈએ બન્નેને ધક્કો માર્યો.  ઉપરાંત એ વ્યક્તિ અર્પિતાની છાતી પર કોણી મારી ભાગ્યો. અર્થવ તેની પાછળ દોડ્યો, પેલાએ સ્કૂટર દોડાવ્યું. અર્થવે કારમાં પીછો કર્યો. પેલો બુમો પાડી તેના સાગરીતોને બોલાવી આવ્યો. અર્થવ ઘેરાઈ ગયો પણ કાર દોડાવી હથિયારો ઉગામતાં ટોળાં વચ્ચેથી નીકળી શક્યો. પેલા લોકો સ્કુટરો દોડાવી ગયા તો અર્થવ  રેસમાં ઉતર્યો અને નજીકના પોલીસ સ્ટેશન પર  પેલાઓને પહોંચાડયા. અર્પિતા એનું એકટીવા લઇ ભાગી તો  આગળ જતાં ઘેરાઈ ગઈ. એ વખતે અર્થવ ગાડી લઇ પાછો આવ્યો એટલે બચી ગઈ. પણ એ બહાદુર હતી.  ‘થયા કરે’ કહી ઘેર જતી રહી.

 એણે  જ્યાં લઘુમતી અને બીજા રહેવાસીઓનો સંગમ હતો ત્યાં પોતાનું  દવાખાનું શરૂ કર્યું. એક બળજબરીથી ગર્ભ રહેલા ગેરકાયદે ગર્ભપાતના કેઇસની એણે એબોર્શન કરવાનીના પાડી અને પોલીસ કમ્પ્લેન કરી. તે પછી રાત્રે વિશાલા પાસે બ્રિજ પર એની કાર આંતરી કોઈએ એને નદીમાં ફેંકી દીધી. મરતી વખતે એના શરીર પર ઘણી ઊંડી ઈજાઓ હતી ને બળાત્કારનાં  નિશાનો હતાં. પોતે એ વખતે હાજર ન હતો એનું અર્થવને ખૂબ દુઃખ હતું.

***

ગેસુ ઉર્ફે ગર્વિશને પુર્વજન્મની યાદ આવી. પુર્વજન્મની પ્રિયાના મૃત્યુની યાદે એ દુઃખી થઈ ભેંક્યો. માએ એને થાબડયો. એણે આયેશા સામું જોયું. બાળકો ઇશારાથી વાત કરી શકે છે એમ કહેવાય છે. “હું ત્યાં ન હતો નહીં તો ભુક્કા બોલાવી દેત.” કહેતાં એણે મુઠ્ઠીઓ વાળી દાંતીયા કર્યા.  ટચૂકડી આયેશાએ   એને શાંત કરવા એનાં નાનાં આંગળાંઓ પર હાથ અડાડયો. બન્નેએ ટગર ટગર એકબીજા સામે જોઈ મીઠું સ્માઈલ આપ્યું. આયેશા પેલા હુમલાની દુખદ યાદ આવતાં પગ જોરથી હલાવી લાતાલાતી કરવા લાગી. કાળા ડ્રેસવાળીએ એને બોટલ પીવા આપી શાંત કરી.

ગેસુ ફરી અર્થવની યાદોમાં ઉતરી ગયો

**

અર્થવે નક્કી કર્યું કે એની પ્રિયાની ચળવળ ચાલુ રાખવી, કાયદા વિરુદ્ધ જતા લોકોને કાયદો શીખવવો.  નોઈસ પોલ્યુશન, લવ જેહાદ, મિલકતમાં ભાગ,  ત્યજી દેવાઈ ને  ભિખારી બનાવાયેલી, બાળકો પેદા કરવાનું મશીન ગણાયેલી સ્ત્રીઓના  તરફી એવા કેસો  એ લડ્યો અને જીત્યો. ટૂંક સમયમાં એ સારું કમાયો. એણે નવા  મોડેલની રેસર કાર ખરીદી, કેટલીક રેસમાં પણ ઉતર્યો. તીવ્ર ગતિએ જતી કારમાં એને સાથે અર્પિતા બેઠી છે એમ લાગતું. 


એમને એમ એકાદ વર્ષ ગયું. એણે આંતરરાષ્ટ્રીય કાયદાનો અભ્યાસ કર્યો એને નવાઈ લાગી કે એક બે ધર્માંધ દેશોને બાદ કરતાં ભલે નારીની પૂજા નથી થતી, એની સાવ બદતર દશા બીજે એક બે કટ્ટર દેશો સિવાય નથી. નથી કોઈ પણ ધર્મનો જાહેરમાં નથી થતો ઘોંઘાટ કે નથી દાદાગીરી. ડ્રેસકોડ જેવું જરૂર છે. ફૂલ ડ્રેસ પહેરવા પડે છે પણ બુરખા ફરજીયાત અમુક જ દેશમાં છે. અહીંની જેમ રસ્તા પર જ કાપેલાં ગાય બકરાં વેચાતાં નથી. ત્યાં  કાયદાઓ કડક છે અને પોતાના સ્વાર્થ માટે કોઈ કાયદો તોડવા એલાનો કરતું નથી. કોઈ પણ નામે જાહેર જનતાને  સરકાર સિવાય કોઈ આદેશ આપી શકતું નથી. એ બીજા દેશોના કાયદા વાંચી વિચારમાં પડી ગયો . અહીં એ કાયદા કેમ નહીં? પોતાનાથી બનતું કરી છૂટવા અને અર્પિતાનું કામ આગળ ધપાવવા અર્થવ કૃતનિશ્ચયી બન્યો. વકીલાત અને કાર રેસિંગ, બન્નેમાં બીજાથી આગળ થતો ગયો.


એ રાષ્ટ્રીય કાર રેલીમાં ભાગ લઈ આવ્યો. એક રેસમાં જીવલેણ અકસ્માત થતાં રહી ગયો. એણે ઈશ્વરનો પાડ માન્યો અને અર્પિતા જ્યાં છે ત્યાંથી પોતાની ખેરીયત જોઈ રહી છે એમ લાગ્યું.  બીજી એક કાર રેસ એ જીત્યો પણ ખરો. એવી એક રેસમાંથી પરત અમદાવાદ આવતાં એણે રાત્રે હાઈવે નજીક એક રસ્તાની નીચે ઝાડીની સાવ અડીને  ઉભેલી કાર જોઈ. કોઈને મદદની જરૂર હશે એમ માની એ ઉતર્યો. કારમાંનું દ્રશ્ય અનાયાસે જોઈ એ ડઘાઈ  ગયો. એક છોકરીના હાથ  બાંધી ત્રણ યુવકો એને અડપલાં કરતા હતા. પેલી એટલી ડરી ગઈ હતી કે અવાજ કરવા જતી હતી પણ નીકળતો ન હતો. એણે અંદરથી લોક દરવાજો હચમચાવ્યો અને પોલીસ હેલ્પલાઇન પર ફોન કર્યો. પેલાઓ છોકરીને બહાર  ફેંકી ભાગવા લાગ્યા પણ જતાંજતાં અર્થવને ખંજર જેવી નાની પણ તીક્ષ્ણ વસ્તુ પેટમાં ભોંકી ઇજા પહોંચાડી. હવે રેસર વકીલ અર્થવ લોહી નિગળતી હાલતમાં કમરે બેલ્ટ બાંધી તેમની પાછળ પડયો. હાઈવે પર એ લોકોએ રોંગ સાઈડ લીધી તો એણે પણ સાવચેતીથી રોંગ સાઈડ લીધી. એ લોકોએ  કાચની બાટલીઓ ફેંકી જે ચુકાવી. તેમણે પથરા વિન્ડ સ્ક્રીન પર ફેંક્યા જે કાર સાઈડમાં  લેતાં બને એટલી તારવી ચૂકાવ્યા પણ વિન્ડ સ્ક્રીન તો તુટ્યો જ. કમરે ઘા, હવે માથે ઘા, આગળનો કાચ તૂટેલો પણ હિંમત હાર્યા વિના કાર ભગાવી, ચાલુ ગાડીએ પોલીસને લોકેશન મોકલ્યું. એમની ગાડી આંતરી પકડાવ્યા. એમની પાસેથી છોડાવેલી, સાથે ગાડીમાં  સુવાડેલી છોકરી વતી કેસ દાખલ કરી એને દવાખાને લઈ ગયો. પોતે એક મિત્રનાં નર્સિંગહોમમાં દાખલ થયો. રાત્રે દવાખાના પર એસિડની બોટલ, કાકડા ફેંકાયા. અર્થવે ફરી પોલીસને ફોન કરી  રક્ષણ માગ્યું પણ એ હાલ મધરાતે મળી શકે એમ ન હતું. એણે  ડોક્ટર મિત્રની કાર લઈ દોડાવી પણ પકડાયેલો નબીરો રાજકીય વગવાળા ગુંડાનો પુત્ર હતો. એના સાગરીતો પાછળ પડયા. ચાલીસેક માણસોનું ટોળું કારની આડે આડશો મૂકી ઉભું રહ્યું. ફિલ્મી ઢબે એણે ભાગવા કોશિશ કરી. શેરીના નાકે એક ટર્ન  લેવા જતાં ટાયર એ લોકોએ વચ્ચે રાખેલા એક ખીલામાં  ભરાતાં ફાટ્યું અને બેલેન્સ જતાં  કાર એક ભીંતે- જે ગેરકાયદે ચણી રસ્તો સાંકડો કરતી હતી, તેની સાથે અથડાઈ. એ મુશ્કેલીથી બહાર નીકળ્યો, ટોળું એના પર તુટી પડયું. પોલીસ આવી પહોચી પણ તે પહેલાં કોઈએ એના પેટમાં કાચ ખોસી દીધો. એ આખરે પડી ગયો છતાં પ્રતિકાર ચાલુ રાખ્યો.એ લોકો એને ચેઇનથી મારવા લાગ્યા. પોલીસ આવી પહોંચી પણ ત્યાં સુધીમાં અર્થવે દમ તોડી દીધો. અંત વખતે અર્પિતાને યાદ કરી.

**

ફરી પૂર્વજન્મની યાદ આવતાં ગર્વીશ રડવા લાગ્યો. આયેશાએ ઝૂકી એની પર હાથ ફેરવ્યો. એણે આયેશાના વાળ પકડ્યા. બન્ને શિશુઓ બીજું જીવતું ઢીંગલું જોઈ રમી રહ્યાં. કહો પૂર્વજન્મના સાથીઓ ગોઠડી કરી રહ્યાં.


“યોર ડોટર હાઉ ઓલ્ડ?” દેખાવડીએ પૂછ્યું.

“ ટુ ઈયર. યોર બોય?’

“સિક્સ મંથ. યોર ડોટર વેરી એક્ટિવ. વેરી ચાર્મિંગ.”

“યોર બોય ઇઝ ડાન્સિંગ.  ટ્રાયઝ ટુ  રન. 

હાઉ યુ આર ઇન ધીસ કન્ટ્રી?’

“હિઝ ફાધર વર્કસ હીયર”.

ગેસુને નવાઈ લાગતી હતી આયેશા અહીં કેવી રીતે જન્મી? એણે જ કહ્યું, “મારી એક વખતની ઈચ્છા યાદ છે? અલ્લાએ કબૂલ રાખી. અહીંથી નવી પેઢી તૈયાર કરવા અને ત્યાં જઈ શિસ્તબદ્ધ સાચા ધર્મને, સારી વર્તણૂક  સમજનારી પેઢી તૈયાર કરવા.”

“હું અહીં જ આવ્યો છું ભલે ભારતીય જન્મીને. આપણી દોસ્તી આ જન્મમાં પણ ચાલુ રહેશે. આપણું કામ પણ. આપણો તો અતૂટ સંબંધ. એ ગીત યાદ છે ને, “પેલા પેલા જુગમાં રાણી... દનડા સંભારો પૂર્વં જન્મના સહેવાસના.. ”

ગેસુ આયેશા તરફ ઝુક્યો, એનું ફ્રોક પકડી ખેંચ્યું. આયેશાએ એનો હાથ પકડી કપાળ  અડાવ્યું. 'બ..બા..' બોલી હાથ હલાવ્યો.

“નંબર 85.. ગર્વિશ..”  બૂમ પડી.

બાય.. કહેતી દેખાવડી ઉઠી ક્લિનિકમાં અંદર ગઈ. બ્લેક ડ્રેસ પોતાનો વારો હવે આવશે એ માટે રસીનું કાર્ડ પર્સમાંથી કાઢી રહી. આયેશા ટગરટગર જોતી અંદર જતા ગેસુને હાથ હલાવી રહી. ગેસુ પગ ઉલાળતો માની ગોદમાં તેડાવી તેને સ્માઈલ આપતો અંદર ગયો.

“યુ સ્ટે નીયર અસ. ડુ ગો ઓન મિટિંગ. ચીલ્ડ્રન વિલ એન્જોય પ્લેયિંગ.” બહાર આવતાં દેખાવડીએ બ્લેક ડ્રેસને કહ્યું. બન્નેએ અરસપરસ સ્માઈલ આપ્યું. બાળકોને નજીક લાવતાં આયેશાએ ગેસુને મીઠું સ્માઈલ આપી કિસ કરી, ગેસુ એને બટકું ભરવા ઝુક્યો.

માતૃત્વને અને બાળકોની નિર્દોષતાને ધર્મ કે દેશનાં બંધનો ક્યાંથી હોય? એ તો શાશ્વત હોય. પ્રેમ એ મૂળભૂત વૃત્તિ છે. એ શાશ્વત  છે.


-સુનીલ અંજારીયા 


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ